Sunday, July 14, 2024
More
  હોમપેજમંતવ્યપંચાયતની પ્રચંડ પ્રશંસા: દેશની ખામીમાં પણ ખૂબીનું પ્રામાણિક અને વાસ્તવિક ચિત્રણ

  પંચાયતની પ્રચંડ પ્રશંસા: દેશની ખામીમાં પણ ખૂબીનું પ્રામાણિક અને વાસ્તવિક ચિત્રણ

  પંચાયત વેબ સિરીઝ કેમ આપણને પોતીકી લાગે છે? જાણીએ આ વેબસિરીઝ જેણે સમગ્ર ભારતને ઘેલું કર્યું છે તે બાબતના રહસ્ય વિષે.

  - Advertisement -

  Aspirantsમાં વરસતા વરસાદ વચ્ચે યુપીએસસીના પરિણામ બાદ અભિલાષ અને સંદીપ ભૈયા વચ્ચેનો માત્ર આંખોથી થયેલો મૌન સંવાદ, Gullakમાં પિતા-પુત્ર વચ્ચેના સાવ સામાન્ય છતાં અર્થસભર સંવાદ, કે પછી પંચાયત વેબસીરીઝમાં ફોજી દીકરાના મૃત્યુ બાદ વિલાપ કરતો ઉપ-પ્રધાન… આ તમામ પાત્રો કાલ્પનિક હોવા છતાં ભારતના સામાન્ય માણસને તેમાં તેમનો પોતાનો પડછાયો દેખાય છે.

  TVFની કોઈ પણ સિરીઝના તમામ દ્રશ્યોને એક રાજકારણીય કે જાતીય રંગ આપીને વામપંથીઓને શાતા મળે તેવું નેરેટિવ ઊભું કરી શકાયું હોત, પણ તેમણે ભારતનું પ્રામાણિક અને વાસ્તવિક ચિત્રણ કરવાનું બીડું ઝડપ્યું છે. Kota Factory, Gullak, Aspirants તેમજ Panchayat જેવી વેબસીરિઝને ભારતનાં દર્શકોએ જે રીતે બિરદાવી તે જોઈને લાગે કે મેરા દેશ બદલ રહા હૈ! ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી તમામ ક્ષેત્રે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આવા માહોલમાં OTT ક્ષેત્રે ઊડીને આંખે વળગે એવું સકારાત્મક પરિવર્તન એટલે TVFની અપાર લોકપ્રિયતા. અહીં લોકો ગ્લેમરસ નથી, તેઓ આપણા જેવું સામાન્ય જીવન જીવતા અને આપણી જ રોજીંદી ભાષામાં સંવાદો બોલતા પાત્રો છે. વળી, તેનો અર્થ એવો પણ નથી કે આપણા દેશ અને સમાજની ખામી સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હોય. પણ, એટ લિસ્ટ, તેને મરી-મસાલો ભભરાવીને રાઈનો પહાડ ઊભો કરવાની વાત નથી કરી એ બહુ મોટી વાત છે. ખામીઓ કયા સમાજમાં નથી? આપણા સમાજની ઠેકડી ઉડાડવાને બદલે તેનો સાવ હળવી અને નિર્દોષ રમૂજ ઊભી કરવા પણ ઉપયોગ કરી શકાય તેનું TVF શ્રેષ્ઠ ઉદાહરણ છે.

  દેશમાં OTTની શરૂઆતમાં દરેક દ્રશ્યમાં નગ્નતા, અભદ્ર ભાષા, આધુનિકતાના નામે અનૈતિક સંબંધો, કોઈ વાતનો બદલો લેવા બેફામ હત્યાઓ વગેરે બહુ સામાન્ય બની ગયા હતા, હજુ પણ છે જ. પરંતુ ધીમે ધીમે ભારતનાં દર્શકો Paatal Lok, Mirzapur, Rasbhari વગેરે જેવી માત્ર ડ્રગ્સ, ક્રાઇમ, સેક્સ, ગાળાગાળી પર ફોકસ કરતી સિરીઝને બદલે રોજિંદા મુદ્દાઓની આસપાસ આકાર લેતી વેબસીરિઝ પણ પસંદ કરતાં થયા છે.

  - Advertisement -

  અત્યાર સુધી આપણે પડદા પર ભારતનાં ગ્રામ્ય જીવનમાં શું જોયું છે? માત્ર જમીનદારોની લુખ્ખી દાદાગીરી, જાતિવાદ, પિતૃપ્રધાન સમાજ, ગ્રામ્ય પ્રજાનું ઉત્પીડન વગેરે વગેરે. અલબત્ત, આ બધું જ વધુ-ઓછા અંશે અસ્તિત્વ ધરાવે છે જ, પણ આપણી મોટા ભાગની વેબસીરિઝ તે આ ભારતીય સમાજની નકારાત્મક છબી ઊભી કરવા એક ઇરાદાપૂર્વક કૃત્ય જ બની રહી છે. આપણે સૌએ પણ ક્યાંકને ક્યાંક તેની સફળતામાં ફાળો આપ્યો છે એ વાત પણ સ્વીકારવી રહી.

  નજીકના ભૂતકાળમાં બનેલી કેટલીય ફિલ્મોએ સોફ્ટ-પાવર બનીને ભારતીયોને અનેક બાબતોમાં બ્રેઇન-વોશ કર્યા છે એ વાસ્તવિકતા નકારી શકાય નહિ. ફિલ્મ સ્વદેશમાં મોહન ભાર્ગવ ભારતનાં ગામડાંની મુલાકાત લે છે તે ગામ અને ગામવાસીઓને ગરીબ, પછાત દર્શાવવામાં આવ્યા એ તો ઠીક, પણ મોહન ભાર્ગવે તેમની નાસા છોડીને આ ગામવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું. તેનાથી તદ્દન વિરુદ્ધ અભિષેક ત્રિપાઠી માત્ર એક નોકરી કરવા અને CATની પરીક્ષાની તૈયારી કરવાના હેતુથી ફુલેરામાં આવે છે. ફુલેરા ગામમાં કોઈ ક્રાંતિ લાવવાની વાતો કરવાને બદલે તે ગામના સચિવ તરીકે પોતાની નોકરી એટલી સહજ રીતે કરી જાય છે કે દર્શકોને શાહરુખ ખાન કરતાં જિતેન્દ્ર કુમાર વધારે પોતીકો લાગે!

  એમેઝોનની બહુ ગાજેલી ‘પંચાયત’ના સચિવ અભિષેક ત્રિપાઠીનું પાત્ર લખનાર ચંદન કુમારને પ્રશંસાના પહેલા હકદાર કહી શકાય. તેમણે અભિષેક ત્રિપાઠીને એટલો સહજ બનાવ્યો છે જાણે તે આપણામાંનો જ એક છે! તેને શહેરથી ગામમાં શિફ્ટ થવામાં કોઈ રસ નથી, તે ગામના લોકોની અમુક ચોક્કસ હરકતો કે માનસિકતા પર ચિડાઈ જાય છે, પોતાની ટર્મ પૂરી કરીને શહેર પાછા ફરવાની કાગડોળે રાહ જોવે છે પણ સાથોસાથ દરેક પરિસ્થિતિમાં સચિવજી પોતાની જાતને તેમના સ્થાને મૂકી ફુલેરાવાસીઓને શક્ય તેટલો સમજવા પ્રયત્ન કરે છે. તેને ‘બનરાકસ’ ભૂષણ સાથે ખૂબ અણબનાવ છે પણ આ જ ગામડાઓનું રાજકારણ છે. અહીં (નામનો!) વિલન પણ મૂળ તો ગામ માટે રસ્તો બનાવવાનો મુદ્દો લઈને જ લડે છે. એટલે આમ જોવા જઈએ તો વિલનની માંગણી પણ વાજબી જ છે!

  Aspirantsમાં જેમ સંદીપ ભૈયા, શ્વેતકેતુ અને અભિલાષ યુપીએસસી પાસ કે નાપાસ થયા બાદનું જીવન જીવતા શીખી ગયા હતા તેમ Panchayatનો અભિષેક પણ અનેક લાઈફ-લેસન્સ શીખવનારું ફુલેરાના સચિવનું જીવન જીવતા શીખી ગયો છે.

  ટેલિવિઝન કે ફિલ્મોમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજને અત્યાર સુધી સદંતર પછાત અને મૂર્ખ ચિતરવામાં આવ્યો છે તેથી ગ્રામ્યવર્ગ તો લગભગ લઘુતાગ્રંથિ હેઠળ જીવતો રહેતો હતો. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આવેલા અનેક પરિવર્તનો પૈકી એક ઘણું મહત્વનું પરિબળ એ ભારતીયોનું પોતાની સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વધવું તે છે. પોતાની સંસ્કૃતિ પ્રત્યે સભાનતાની બાબતમાં નાના પણ નોંધપાત્ર ફેરફારો એ આપણા સૌની સિદ્ધિ જ કહી શકાય.

  સારી વાત છે કે Panchayatના મેકર્સ આ વાત બખૂબી સમજે છે. તેનું સૂક્ષ્મ ઉદાહરણ એ પ્રધાનજીની ભણેલી દીકરી છે. રિંકી સ્કૂટર ચલાવે છે, અંગ્રેજી જાણે છે, પોતાના ગામના લોકોને પરિવાર જેટલો જ પ્રેમ કરે છે. તે સ્વાભિમાની છે, પણ ફેમિનિસ્ટને માફક આવે એ પ્રકારની બળવાખોર નથી! આપણે અત્યાર સુધી ગામડાંની બિચારી સ્ત્રીઓ જોઈ છે તેની સરખામણીએ ફુલેરાની સ્ત્રીઓ ઘણી પ્રોગ્રેસીવ છે! ગામના પ્રધાન મંજુ દેવી પહેલા તો માત્ર નામના જ પ્રધાન હતા પણ ધીમે ધીમે તેઓ પણ વહીવટીતંત્રમાં પોતાના મંતવ્યો રજૂ કરતાં થયા છે. આ પાછળ એક ગામડાંની સ્ત્રીની ધગશ અને આત્મ-વિશ્વાસ દેખાય છે. અને MLAને ખખડાવે છે ત્યારે તો મંજુ દેવીના રોલમાં નીના ગુપ્તા દર્શકોનું દિલ જીતી લે છે!

  Panchayatમાં જિતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, ચંદન રૉય, નીના ગુપ્તા સૌ પોતપોતાનાં પાત્રો સાવ સહજ લાગે છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ભારતીય સમાજનું પ્રામાણિક આલેખન કરતી Panchayat એ TVFની પ્રથમ સિરીઝ નથી. વાસ્તવિક પાત્રાલેખનને કારણે Kota Factoryમાં IITમાં એડમિશન મેળવવા મહેનત કરી રહેલા ટીનેજર્સ, તે વિદ્યાર્થીઓના અને સાથોસાથ દર્શકોના પણ મનપસંદ Jeetu Bhaiya, કઈક ‘મોટું’ કરવાનું શમણું જોતાં Pitchersના યુવાનો, ભારતીય નિમ્ન-મધ્યમવર્ગના પરિવારને આબેહૂબ રજૂ કરતાં Gullakનો મિશ્રા પરિવાર, Aspirantsમાં રાજેન્દ્ર નગરમાં રહીને દેશની સૌથી કઠિન પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો, સૌ ફુલેરાવાસીઓ જેવા જ આપણા પોતીકાં લાગે છે. એ પાત્રો આપણા સૌ જેવું જ જીવન જીવે છે, તેમના જીવનમાં આપણા જેવા જ પ્રશ્નો છે અને તેઓ આપણી રોજીંદી શૈલીમાં જ વાતચીત કરે છે. અને એટલે જ દર્શકો TVFની વધુ એક સિરીઝની નેક્સ્ટ સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા છે.

  કોઈ જાતના પ્રોપગાન્ડા વિના Panchayat એ હાલમાં OTT પર ધૂમ મચાવી છે. પંચાયતની ચોમેર પ્રશંસા વચ્ચે એક બહુ મોટો વર્ગ એવો છે જેણે ગર્વથી કહ્યું છે કે આજ સુધી TVFની એક પણ રચનાએ પ્રેક્ષકોને નિરાશ નથી કર્યા, પંચાયત પણ તેનું જ પરિણામ છે!

  ફુલેરાના રસ્તાનું કામ હજુયે અધૂરું છે, ગામમાં હજુયે અમુક ઘરોમાં શૌચાલય નથી. ફુલેરા અને સચિવજીનું શું ભવિષ્ય છે તે જોવાની આપણને સૌને પ્રતિક્ષા રહેશે.

  મૂળ લેખ શર્મિ અધિકારી દ્વારા લખવામાં આવ્યો હતો જેને જેલમ વ્હોરાએ ભાષાંતરિત કર્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં