Wednesday, September 11, 2024
More
    હોમપેજમંતવ્યફક્ત વિરોધનું જ રાજકારણ થઇ રહ્યું છે કે રામમંદિર બની રહ્યું છે...

    ફક્ત વિરોધનું જ રાજકારણ થઇ રહ્યું છે કે રામમંદિર બની રહ્યું છે એનું પેટમાં દુઃખી રહ્યું છે?

    આજકાલ ફક્ત વિરોધનું જ રાજકારણ થઇ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે કારણકે દેશવાસીઓના લાભ માટે લેવાતા નિર્ણયો અથવાતો કાયદાઓનું સમર્થન કરવાને બદલે તેનો હિંસક વિરોધ થઇ રહ્યો છે.

    - Advertisement -

    ગઈકાલે જ ફેસબુકમાં કોઈના સ્ટેટ્સ પર કોમેન્ટ વાંચી જેનું હાર્દ એવું હતું કે દેશના અને દેશવાસીઓના ભલાં માટે લેવામાં આવતાં નિર્ણયોનો વિરોધ અને એ પણ હિંસક વિરોધ તો ફક્ત ભારતમાં જ શક્ય છે. વાત તો સાચી જ છે કારણકે એવો બીજો કોઈ દેશ નથી દેખાતો જ્યાં દેશના ભલા માટે સરકાર દ્વારા લેવામાં આવતાં નિર્ણયોનો જ વિરોધ થતો હોય. જે રીતે કેન્દ્ર સરકારના યોગ્ય નિર્ણયોનો એક પછી એક હિંસક વિરોધ થઇ રહ્યો છે તે જોઇને એ સ્પષ્ટ દેખાય છે કે આપણા દેશમાં ફક્ત વિરોધનું જ રાજકારણ ચાલી રહ્યું છે.

    નરેન્દ્ર મોદી સરકારના કેટલાક ઐતિહાસિક નિર્ણયો તેમની પ્રથમ સરકારની મુદત પત્યા બાદ બીજી સરકારમાં લેવામાં આવ્યા છે. આ તમામ નિર્ણયોમાં સહુથી મોટો નિર્ણય હતો જમ્મુ અને કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવાનો હતો. ત્યારબાદ ટ્રિપલ તલાક, CAA અને NRC, ચાર કૃષિ કાયદા જેવા સામાજીક, દેશની સુરક્ષાને લગતા તેમજ દેશના અર્થતંત્રને આગળ વધારે તેવા નિર્ણયો લેવામાં આવ્યા. કેટલાક રાજકીય વિશ્લેષકોના આશ્ચર્ય વચ્ચે 370મી કલમ હટાવવાનો નિર્ણય અને ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠરાવતો કાયદો સંસદમાં વિરોધ પૂરતા જ મર્યાદિત રહ્યા.

    આશ્ચર્ય એ વાતનું હતું કે આટલી મોટી વાત થઇ જાય અને વિરોધ ફક્ત સંસદ પૂરતો જ મર્યાદિત રહે? વધી વધીને સામાન્ય ધરણા પ્રદર્શન સુધી જ વાત જાય? આથી આ આશ્ચર્ય સાથે ડર પણ હતો કે કદાચ આવનારો સમય આટલો બધો સરળ નહીં હોય અને એ ડર સાચો પણ પડ્યો, સહુથી પહેલીવાર જ્યારે CAA અને NRCને લગતો કાયદો સંસદમાં આવ્યો. CAA કાયદાની જોગવાઈ સ્પષ્ટ હતી કે ભારતના પડોશી દેશોમાં જે ઇસ્લામિક રાષ્ટ્રો છે ત્યાં ખાસકરીને, વસતી લઘુમતિ પર ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. હવે આ પ્રકારના લોકોને જો ભારતનું નાગરિકત્વ લેવું હોય તો તેમને એ મળવું જોઈએ.

    - Advertisement -

    પરંતુ જે લોકો કાશ્મીર અને ટ્રિપલ તલાક કાયદાનો ‘ગમ ખાઈને’ બેઠા હતા એ લોકોએ સહુ પ્રથમવાર વિરોધનું જ રાજકારણ કરવું એમ જાણેકે નક્કી કરી લીધું હોય એ રીતે ખોટી માહિતી ફેલાવી કે આ કાયદાઓ દેશના મુસલમાનોને દેશ છોડવા પર મજબુર કરી દેશે. સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ પણ સમજી શકે છે કે આમ થવું શક્ય જ નથી, કે પછી આમ થાય જ નહીં. પરંતુ તેમ છતાં મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગને ઘેરો ઘાલીને પ્રદર્શન થતા રહ્યા કે મુસલમાનોને દેશ છોડવા માટે આમ મજબુર ન કરાય.

    વિરોધનું જ રાજકારણ જેને રમવું હતું તેના માટે બીજી તક આવી કૃષિ કાયદાઓ લાગુ કરવા સમયે. ફરીથી એમ કહી શકાય કે આ કૃષિ કાયદાઓ દ્વારા સરકાર ખેડૂતો અને બજાર વચ્ચેથી વચેટીયાઓને દૂર રાખવા માંગતી હતી જેથી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તેના લક્ષ્યાંકમાં તેને મદદ મળે. પરંતુ ના, ઉલટું વિરોધના રાજકારણીઓએ આ કૃષિ કાયદાઓ કાળા છે એવું ખેડૂતોના મનમાં ઠસાવી દીધું અને એક વર્ષ સુધી દેશની રાજધાની દિલ્હીને બાનમાં લીધી. આ વિરોધ દરમ્યાન દેશવિરોધી તાકાતોએ લાલ કિલ્લા પર પણ હુમલો બોલાવ્યો અને બેથી ત્રણ દિવસ દિલ્હીને સળગાવ્યું.

    છેવટે દેશવિરોધી તાકાતો વધુ  મજબુત ન થાય તેનું ધ્યાન રાખીને નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિના પવિત્ર દિવસે આ તમામ કાયદાઓ પરત લેવાની ઘોષણા કરી હતી. અહીં મહત્ત્વની હકીકત એ પણ હતી કે કહેવાતા ખેડૂત આંદોલનમાં મોટી સંખ્યા ફક્ત પંજાબના ખેડૂતોની જ હતી, જેનો મતલબ એ થાય કે દેશના અન્ય રાજ્યોના ખેડૂતોએ ફક્ત એક કે બે રાજ્યના ખેડૂતોને પડેલા વાંધાનું મૂલ્ય ચુકવવું પડ્યું.

    હવે વારો છે અગ્નિપથ યોજનાનો. વિરોધનું જ રાજકારણ રમનારાઓએ કેન્દ્ર સરકારની આ યોજનાની જાહેરાતના ફક્ત બાર કલાકમાં જ બિહારમાં તોફાનો કરાવી દીધા, જાણેકે આ આખી યોજના તેમને સમજાઈ ગઈ છે. સામાન્ય વ્યક્તિની ભાષામાં કહીએ તો અગ્નિપથ યોજનામાંથી જે કોઈ પણ જવાન અગ્નિવીર બનશે તેણે ફક્ત ચાર વર્ષ સેનાની તાલીમ લેવાની છે અને જેટલા જવાનોએ આ તાલીમ લીધી છે તેમાંથી કેટલાક ટકાને સેનામાં સીધી ભરતી મળશે.

    જે જવાનોને સેનામાં સેવા કરવાની તક નહીં મળે તેમને આ ચાર વર્ષ દરમ્યાન પગાર અને અન્ય ભથ્થાં ઉપરાંત વીમાનો લાભ મળશે અને એક સર્ટીફીકેટ પણ મળશે જે તેને સેનાની તાલીમ બાદ તેના રોજગારી મેળવવાના આગળના પ્રયાસ વખતે ખૂબ કામમાં લાગશે. બીજું કશું નહીં તો આ તાલીમથી તેનો લાભ લેનાર જવાનને એકાગ્રતા તેમજ સ્વયંશિસ્તના ગુણ મળશે અને મળનારા સર્ટીફીકેટનું મૂલ્ય અન્ય કોઇપણ સર્ટીફીકેટથી અત્યંત વધારે હશે જે તેને મોટા વેતન ધરાવતો રોજગાર પૂરો પાડશે.

    પણ ના, વિરોધ એટલે વિરોધ. સરકારની અગ્નિપથ યોજનાની જાહેરાત થયાના બાર કલાકમાં જ ચિત્ર એવું ઉપસાવવામાં આવ્યું કે હવે કોઈને સેનામાં નોકરી મળશે જ નહીં. તો બીજું એક ચિત્ર એવું પણ સામે આવ્યું કે હવે સેના પેન્શન નહીં આપે. ફરીથી કોઇપણ સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ આ પ્રકારની દલીલ સાથે સહમત તો ન જ થાય પરંતુ તેને હસી જરૂર કાઢશે.

    પરંતુ, છેલ્લા બે દિવસમાં જે બન્યું છે એ જોઇને જો આવનારા દિવસોમાં પણ આવું બનશે એની કલ્પના જરાય હસવા જેવી નહીં હોય. અગ્નિપથ યોજના દેશના દરેક યુવાન માટે ફરજીયાત નથી અને તેની સમયમર્યાદા પહેલેથી જ નક્કી છે અને સરકારે ક્યાંય એવું નથી કહ્યું કે આ યોજનાથી હવે સેનામાં ભરતી જ નહીં થાય, તેમ છતાં વિરોધનું જ રાજકારણ કરનારાઓએ બિહારથી દેશ સળગાવવાનું શરુ કરી દીધું છે.

    આવું કાયમ કેમ થાય છે? શું સરકાર દેશવાસીઓને લાભ થાય તેવી યોજનાઓ સામાન્ય જનતાને સમજાવવામાં નિષ્ફળ જાય છે? કદાચ ના. કારણકે આવું એક વખત બની શકે પરંતુ વારંવાર નહીં. તો તકલીફ ક્યાં છે? તકલીફ કદાચ રામમંદિરનો મુદ્દો જે ત્રણ સદીઓથી વિવિધ કોર્ટ્સમાં લટકી રહ્યો હતો એનું નિરાકરણ આવી ગયું અને હવે રામ જન્મભૂમિ ખાતે એક ભવ્ય રામમંદિર બની રહ્યું છે એની છે.

    દેશનો હિંદુ જો જાગી રહ્યો છે, જો એ ખુશ છે અને જો તેના કારણે તે અમને મત નથી આપી રહ્યો તો અમે પણ તેને શાંતિનો શ્વાસ નહીં લેવા દઈએ, આ પ્રકારની ઈચ્છા અથવાતો યોજના જે રીતે ફક્ત વિરોધનું જ રાજકારણ સામે આવી રહ્યું છે અને પણ વારંવાર તેનાથી સ્પષ્ટ થઇ રહી છે. જે લોકો લોકશાહીની દુહાઈઓ આપે છે એ જ લોકો પથ્થરબાજી કરાવે છે, દુકાનો સળગાવે છે, ટ્રેનો અને બસોમાં આગળ લગાડે છે આ વક્રતા પચતી નથી.

    દેશમાં હિંદુ બહુમતિ છે અને આપણે અત્યારસુધી જે પણ લાભકર્તા યોજનાઓની વાત કરી તેનો મહત્તમ લાભ બહુમતિ સંખ્યા હોવાને કારણે હિંદુઓને જ થવાનો છે, જે સ્વાભાવિક છે, અને જો એવું થાય તો તુષ્ટિકરણના અમુક પક્ષોના રાજકારણને ભારે નુકશાન જાય આથી તોફાનો કરાવીને હિંસાચાર ફેલાવીને હિંદુને ડરાવી રાખવો, ઘરમાં જ બેસાડી રાખવો જેથી તેની આડઅસર સ્વરૂપે તેના ધંધા-રોજગાર ખોરવાઈ જાય અને છેવટે તે “આનાં કરતાં જુના લોકો ક્યાં ખોટા હતાં?” એમ વિચારીને એ જ લોકોને સત્તામાં પરત લાવે જે લોકો આજે ફક્તને ફક્ત વિરોધનું જ રાજકારણ કરવામાં મસ્ત છે.

    2002 પછી ઘણા સમય સુધી ગુજરાતમાં શાંતિ રહી ત્યારે રાજકારણીઓની ચર્ચામાં એક દલીલ ચાલી હતી કે “તોફાનો કરાવનારા જ સત્તામાં આવી ગયા એટલે ક્યાંથી તોફાનો થાય?” આજે એ દલીલને જરા ઉલટી કરીને કહેવાનું મન થાય છે કે “તોફાનો કરાવનારા સત્તાથી દુર થઇ ગયા એટલેજ તોફાનો થઇ રહ્યા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં