Friday, March 29, 2024
More
    હોમપેજમંતવ્યન બોલ્યામાં નવ ગુણ: નરેન્દ્ર મોદીનો એક એવો ગુણ જે આપણે બધાંએ...

    ન બોલ્યામાં નવ ગુણ: નરેન્દ્ર મોદીનો એક એવો ગુણ જે આપણે બધાંએ અપનાવવો જોઈએ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કહેવાતા ટીકાકારો અને ટ્રોલર્સને જવાબ નથી આપતા હોતા, પરંતુ વખત આવ્યે જરૂર એક સાથે જવાબા આપી દેતાં હોય છે. તેમનો આ ગુણ આપણે તમામ આપણા જીવનમાં પણ ઉતારી શકીએ છીએ.

    - Advertisement -

    સોશિયલ મિડીયામાં આજે ટ્રોલ થવું એ સામાન્ય બાબત છે. ઘણાં લોકો ખાસકરીને એવા લોકો જેઓ પાંચમાં પુછાતા હોય છે એ આ ટ્રોલરોને જવાબ આપવાં જતાં પોતે સવાયા ટ્રોલર સાબિત થતાં હોય છે. ફિલ્મો, સ્પોર્ટ્સ અને રાજકારણ પણ ટ્રોલીંગથી બચી શક્યા નથી. જો ફક્ત રાજકારણની વાત કરીએ તો તેમાં ટીકા અને ટ્રોલીંગ બંને વચ્ચે હવે પાતળી ભેદરેખા બચી છે. રાજકારણીઓ એકબીજાને હવે વધુને વધુ ટ્રોલ કરવા લાગ્યાં છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ગુણ જે આપણે તમામે શીખવા જેવો છે અને એ છે મૌન.

    વર્ષ 2002 જ્યારથી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણના ફલક ઉપર ઉભર્યા છે, એમનું વધતું જતું કદ એક ખાસ પ્રકારના લોકોને ગમતું નથી એવું સતત સ્પષ્ટ થતું રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જે તોફાનો થયા તે અંગે શરૂઆતમાં તો નરેન્દ્ર મોદીની ટીકાઓ જરૂર થઇ પરંતુ જેમ જેમ નરેન્દ્ર મોદીનો ચહેરો વધુને વધુ સાફ થતો બહાર આવવા લાગ્યો અને એ સાબિત થવા લાગ્યું કે એમના વિરોધીઓ એમની ટીકા છોડીને વાણીવિલાસના નવાં અને નીચાં સ્તરો શોધવા લાગ્યા છે.

    આ આર્ટીકલનું સ્તર આપણે નીચું નથી કરવું એટલે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાના પ્રયાસમાં તેમના વિરોધીઓએ બે દાયકામાં કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે એ અહીં નહીં કહીએ પરંતુ એટલું જરૂર કહી શકાય કે આપણે સ્વપ્નમાં પણ ન વિચારી શકીએ એ પ્રકારના શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ મોદીના રાજકીય વિરોધીઓએ છેલ્લાં વીસ વર્ષમાં છૂટથી કર્યો છે.

    - Advertisement -

    પરંતુ નરેન્દ્ર મોદીએ આ ટ્રોલર્સને ક્યારેય પાછા વળીને કે તરત જવાબ નથી આપ્યો એની બહુ ઓછાને જાણ છે અથવાતો તેની નોંધ લીધી છે. હા, એવું પણ નથી કે નરેન્દ્ર મોદીનો આ ગુણ તેમણે કાયમ ઉપયોગમાં લીધો છે અને ક્યારેય તેમને જવાબ નથી આપ્યો. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ એક એવી તક એમને મળે એટલે પાછલા તમામ અપશબ્દોનો જવાબ તેમણે પોતાના એક જ ભાષણમાં આપી દીધો છે પછી તે સંસદમાં હોય કે પછી કોઈ સભામાં.

    નરેન્દ્ર મોદીનો આ જ ગુણ કદાચ તેમને અન્ય રાજકારણીઓથી અલગ બનાવે છે. આપણે જોઈએ છીએ કે ટીકા અને ટ્રોલીંગ દરેક રાજકારણીનું થતું હોય છે અને કેટલાક રાજકારણીઓ તેનો જવાબ પણ આપતા હોય છે. તેઓ એમ માને છે કે આવાઓને જવાબ એમના જ શબ્દોમાં આપવો જોઈએ. તેનાથી તેમની ભાષા તેમજ વર્તનનું સ્તર ઘટતું હોય છે. પરંતુ મોદી આ બધાને ઠંડકથી અવગણીને પોતાનું અલગ જ સ્તર દેખાડતા હોય છે.

    તો મુદ્દો એ છે કે મોદીના આ સ્વભાવને આપણે બધાએ પણ અપનાવવો જોઈએ, અને એ લોકોએ તો ખાસ જે જાહેરજીવનમાં છે, પ્રખ્યાત છે, જેમનું મોટું ફેન ફોલોઈંગ છે. આપણે સોશિયલ મિડીયામાં જોઈએ છીએ કે એવા અનેક સેલિબ્રિટીઝ છે જે પેલા રાજકીય નેતાઓની જેમ પોતાને ટ્રોલ કરનારાઓને એમના જ શબ્દોમાં જવાબ આપવાનું માને છે. ઉલટું તેઓ આમ કરીને રાજી પણ થતાં હોય છે. પરંતુ જે સ્તર પર એ લોકો હોય છે એ સ્તરને તેઓ આમ કરીને નીચું જ લાવતાં હોય છે.

    વિરોધીઓ સમક્ષ પણ શાલીનતાનો ઉપયોગ કરવો એ નરેન્દ્ર મોદીનો ગુણ આપણે તમામે અપનાવવો જોઈએ. દરેક વિરોધીઓ આપણી સાચી જ ટીકા કરે એ જરૂરી નથી અને ટ્રોલર્સ ટ્રોલ કરતા હોય છે એ ટીકા પણ નથી હોતી એટલે એમને જવાબ આપવો ક્યાં જરૂરી છે જ? તેમ છતાં જો તમે તમારી માન્યતા અનુસાર ટ્રોલરને એની ભાષામાં જ જવાબ આપો છો તો ક્યારેક તમારી ભાષા એ સમયે કેવી હોય છે તેના પર ધ્યાન જરૂર આપશો.

    જો આત્માને હાજર રાખીને તમે તેનું વિશ્લેષણ કરશો તો તમને કદાચ તમારી જાત પર શરમ આવશે. બીજું, નરેન્દ્ર મોદી હોય કે અન્ય કોઈ સેલિબ્રિટી એમની લોકપ્રિયતા જનતાને લીધે હોય છે. આ જનતા તમને ખભે પણ ઊંચકે અને તમારી ટીકા પણ કરે. જેમ ટીકા અને ટ્રોલીંગમાં ફેર હોય છે એમ વ્યક્તિએ પણ આ બંને વચ્ચેના ફરકને સમજવાની જરૂર છે. જો તમે ટીકાકારને જવાબ આપશો તો કદાચ ટીકાકાર તમારી દલીલને સ્વીકારી પણ લે, પરંતુ ટ્રોલરનું એવું નથી હોતું એ તમારી મશ્કરી કરવા માટે અને તમને નીચા દેખાડવા માટે જ સર્જાયો છે એટલે એને એની જ ભાષામાં જવાબ આપવાને લીધે તમે એના નીચલા સ્તર કરતાં પણ વધુ નીચલા સ્તરે જઈ પહોંચો છો.

    નરેન્દ્ર મોદીનો દરેક ટીકાકાર કે ટ્રોલરને જવાબ ન આપવાનો સ્વભાવ ફક્ત તેમનો સમય જ નથી બચાવતો પરંતુ તેમને કદાચ માનસિક શાંતિ આપે છે અને અન્ય બાબતો પર ધ્યાન આપવામાં મદદ પણ કરતો હશે. હા, આમ કરવાથી એમની છાપ કદાચ અલગ પ્રકારની પડી ગઈ હોઈ શકે, પરંતુ આજનો જમાનો અને આજનું સોશિયલ મિડિયાનો એક વર્ગ ખાસકરીને નરેન્દ્ર મોદી કશું પણ કરે એની ટીકા જ કરવાનો છે આથી જો એ દરેક ટીકાકાર કે ટ્રોલરને જવાબ આપતાં ફરે તો એ પોતાના અન્ય અને અતિશય મહત્વના કાર્યોની અવગણના કરશે જે એમનો સ્વભાવ જોતાં એમને ખુદને પોસાય એમ નથી.

    એવું પણ નથી કે નરેન્દ્ર મોદીને પોતાની ટીકા થાય છે એની ખબર નથી અથવાતો તે એમની ખબર રાખતા નથી. તમે સંસદમાં અત્યારસુધીમાં રાષ્ટ્રપતિના ભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરના તેમનાં દરેક જવાબને જોઈ લ્યો, તમને ખ્યાલ આવશે કે એ સમય દરમ્યાન એમની જેટલી પણ ટીકા કરવામાં આવી છે અથવાતો એમને જે કોઇપણ મુદ્દે ટ્રોલ કરવામાં આવ્યા છે એનો જવાબ તેઓ એકસાથે આપી દે છે. ટીકાનો જવાબ તેઓ મુદ્દાસર આપે છે અને ટ્રોલીંગનો જવાબ તેઓ પોતાની રમુજી શૈલીમાં આપી દેતા હોય છે.

    પરંતુ મૌન એક એવું શસ્ત્ર છે જે અમોઘ એટલા માટે છે કારણકે જવાબ ન મળવાને લીધે ટીકાકારો અને ટ્રોલર હતાશ થઇ જાય છે અને આનાં થકી તેમના નવાં ને નવાં અવગુણો સામે આવતાં જાય છે. આ બાબતે લાંબા સમયનું મૌન જે નરેન્દ્ર મોદીનો પણ ગુણ છે તે છેવટે તેમનાં કહેવાતા ટીકાકારોને અથવાતો ટ્રોલરને થકવી નાખે છે અને ઘણીવાર તો તેમને ગોલપોસ્ટ બદલી નાખવા માટે પણ મજબુર કરી દેતું હોય છે.

    આનાથી બીજો ફાયદો એ પણ છે કે ગોલપોસ્ટ બદલવાથી આ પ્રકારના લોકો ખુલ્લા પડી જતાં હોય છે. તેમનો મૂળ આશય સામે આવી જતાં લોકો પણ સમજી જાય છે કે તે પોતાની ટીકામાં કેટલો ગંભીર છે અને કેટલો નહીં. કારણકે છેવટે તો તે ટીકાનો વિષય બદલી નાખતાં તેનો આશય ફક્ત આપણને પરેશાન કરવાનો જ છે અથવાતો સમાજમાં કે અન્ય રીતે આપણને નીચાં દેખાડવાનો જ છે એ પણ નક્કી થાય છે. આથી સામાન્ય જન સમક્ષ એમની વિશ્વસનીયતા નીચે જાય છે અને આપણી ઉપર. તો ટ્રોલીંગના સમયે મૌન રાખવાથી ફાયદો કોનો? આપણો કે ટ્રોલરનો?

    સો વાતની એક વાત કરીએ તો ટીકાકાર કે ટ્રોલરને જવાબ આપવો કદાચ જરૂરી છે પરંતુ જો આપણે નરેન્દ્ર મોદીનો આ ગુણ આપણા જીવનમાં ઉતારીએ તો દરેક ટીકાકાર કે ટ્રોલરને તરત જવાબ આપવો બિલકુલ જરૂરી નથી પરંતુ આપણે આપણા સમયે તેને જરૂર જવાબ આપી શકતા હોઈએ છીએ. પરંતુ જો આપણે ટ્રોલરના સ્તરથી પણ નીચે ઉતરીશું ફક્ત તેનાથી આપણે બહેતર છીએ એ સાબિત કરવામાં તો આપણે આપણું અપમાન ખુદ કરી બેસીશું.

    પેલું કહેવાય છે ને કે કાદવમાં ભૂંડ સાથે લડવા ઉતરવાથી ભૂંડને તો મજા આવતી હોય છે પણ કપડાં આપણા ખરાબ થતાં હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં