Sunday, July 14, 2024
More
  હોમપેજમંતવ્યપ્રધાનમંત્રીના માતાના અવસાન બાદ અંતિમવિધિથી બેસણા સુધી બધું જ સાદગીપૂર્ણ: ના કોઈ...

  પ્રધાનમંત્રીના માતાના અવસાન બાદ અંતિમવિધિથી બેસણા સુધી બધું જ સાદગીપૂર્ણ: ના કોઈ આખા પાનાની જાહેરાત, ના કોઈ સરકારી કામ પોસ્ટપોન્ડ

  જે દેશના નાગરિકોએ ભૂતકાળમાં પોતાના પ્રધાનમંત્રીના કપડાં સરકારી ખર્ચે ધોવાવા માટે વિદેશ આવતા જતા જોયા હોય, જે દેશના નાગરિકોએ ભૂતકાળમાં પોતાના પ્રધાનમંત્રીની પસંદીદા સિગરેટ એક શહેરમાં ન મળતાં સરકારી ખર્ચે એક આખું વિમાન તે સિગરેટ લેવા અન્ય શહેર જતું જોયું હોય, એ દેશના નાગરિકો માટે હાલના પ્રધાનમંત્રીના માતાના અવસાન પર આવી સાદગી જોવી એ અસાધારણ અને અકલ્પનિય છે.

  - Advertisement -

  ગત 30 ડિસેમ્બરના રોજ ભારતના PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થયું હતું. એ સાથે મોદી પરિવાર સહિત આખું ગુજરાત અને ભારત શોકમાં ગરકાવ થઇ ગયું હતું. પરંતુ આવી દુઃખદ ઘડીમાં પણ PM મોદીએ દેશવાસીઓ સામે એવા ઉદાહરણો મુક્યા હતા કે સૌ કોઈ એ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે.

  ભારતના નાગરિકોએ જે સાદગીનો પહેલા ક્યારેય અનુભવ નહોતો કર્યો એ તેમને આ દિવસોમાં સતત જોવા મળી હતી. ભારતના નાગરિકો નાના નાના નેતાઓના પરિવારજનોના જન્મદિવસો પર ઉત્કૃષ્ઠ ઉજવણીઓ અને મૃત્યુ પર સમાચારપત્રોમાં આખા પાના શોક-સંદેશાઓ અને બેસણાંની જાહેરાતો જોવા અને સરકારી કામોને રદ્દ અથવા પોસ્ટપોન્ડ થતા જોવા ટેવાયેલા છે.

  પરંતુ જયારે 30 ડિસેમ્બરના રોજ દેશના PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનુ મૃત્યુ થયું એ બાદ જે ઘટનાક્રમો બન્યા તે ભારતના નાગરીકો માટે તદ્દન નવા હતા. રાજકારણીઓના VIP ક્લચરથી ટેવાયેલા લોકોને તેઓ જે જોઈ રહ્યા હતા તેના પર ભરોસો નહોતો આવી રહ્યો.

  - Advertisement -

  બિલકુલ સાદાઈથી કરાઈ હતી અંતિમવિધિ

  30 તારીખે સવારે 3:30 આસપાસ માતાના નિધનના સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદથી ગાંધીનગર સ્થિત નાના ભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જે બાદ માતાના અંતિમ દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિમાં ભાગ લીધો હતો. PM મોદીએ જાતે કાંધ આપીને સ્મશાનયાત્રામાં સામેલ થયા હતા, સ્મશાને જઈને પણ જરૂરી વિધિ પતાવી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.

  જોવા જેવી વાત એ હતી કે આ અંતિમયાત્રા કોઈ સામાન્ય નાગરિકના પરિવારજનની સ્મશાનયાત્રા જેવી જ હતી. ના કોઈ રસ્તા ખાલી કરાવાયા હતા, ના કોઈ ડાઇવર્જન અપાયા હતા. ના નેતાઓનો જમાવડો હતો કે ના ક્યાંય વગર કામનો ટ્રાફિક કરવામાં આવ્યો હતો.

  ઘરની બહારના ચોકમાંથી સ્મશાન સુધી પહોંચવા માટે પણ ગાંધીનગર મહાનગર પાલિકાના એ જ અંતિમ યાત્રા રથ નામના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે સૌ નાગરિકો માટે ઉપલબ્ધ રહે છે. અને આ શબવાહિનીમાં PM નરેન્દ્ર મોદી પોતે માતાના મૃતદેહ સાથે બેસેલા જોવા મળ્યા હતા.

  અંતિમયાત્રા પતાવીને PM પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા

  પીએમ મોદીના માતાના નિધન છતાં, પીએમ મોદીએ તેમનું કામ ચાલુ રાખ્યું હતું અને તે જ દિવસે કોલકાતામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. એવું લાગી રહ્યું હતું કે કદાચ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવશે પણ એવું થયું ન હતું પીએમ મોદીએ વર્ચુઅલી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

  PM મોદી આ કાર્યક્રમ કેન્સલ કે પોસ્ટપોન્ડ પણ કરી શકતા હતા, આગળ પણ ઘણા નેતાઓએ આમ કરેલું જ છે. પરંતુ એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે જેની તમામ તૈયારીઓ થઇ ચુકી હોય તેને કેન્સલ કે પોસ્ટપોન્ડ કરીને ફરી વાર આયોજન કરવામાં સરકારી તિજોરીના કેટલા પૈસાનો ધુમાડો થઇ જાત તે PM ખુબ સારી રીતે સમજતા હતા. માટે તેઓએ એ કાર્યક્રમ યથાવત રાખ્યો હતો અને તેમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

  નોંધનીય છે કે આ જ સમયે VHP મહાસચિવ દિલીપ ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના પિતાજીના મૃત્યુની ઘટનાને યાદ કરીને કહ્યું હતું, “આજે કોઈ પહેલો પ્રસંગ નહોતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નીકટના પરિજનના અંતિમ સંસ્કાર કર્યા પછી કામ પર પાછા ફર્યા હોય. 1989માં પણ આવુંજ બન્યું હતું જ્યારે પીએમ મોદીના પીતાજીનું અવસાન થયું હતુ, તે દિવસે પહેલેથી નક્કી પાર્ટીની અગ્ત્યની મિટીંગ હતી જેમાં લગભગ નરેન્દ્ર મોદી સીવાય બધાજ હાજર હતા તેવામાં કોઈએ નોંધ લેતા પૂછ્યું કે મોદીજી કેમ દેખાતા નથી ત્યારે કોઈએ જાણકારી આપી કે તેઓ વડનગર ગયા છે ત્યાં તેમના પિતાજીનું અવસાન થયું છે. અમને લાગ્યું કે પિતાજીના અવસાન થયું હોવાથી તેઓ આજની મિટીંગમાં ભાગ નહિ લે પરંતુ એવું થયું ન હતું અને થોડી જ વારમાં તેઓ હાજર થયા હતા.”

  વડનગરની શાળાના હોલમાં યોજાઈ પ્રાર્થનાસભા/બેસણું

  હીરાબાની અંતિમવિધિ તો ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી પરંતુ તેમનું બેસણું અને પ્રાર્થનાસભા તેમના પૈતૃક ગામ વડનગરમાં આજે આયોજિત કરાયું હતું. ત્યારે આજે વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી. સવારે 9 થી 12 કલાક દરમિયાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  મોટી સંખ્યામાં લોકો વડનગરમાં હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સભામાં મોદી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડનગર ખાતે સ્વ. હીરાબાની પ્રાર્થનાસભા હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રાર્થના સભામાં ઉપસ્થિત તમામ લોકોને ભગવદ ગીતા આપવામાં આવી હતી.

  આ પ્રાર્થનાસભામાં જ નહિ પરંતુ હીરાબાના બેસણાની જાહેર ખબરમાં પણ મોદી પરિવારની સાદગી ઉડીને આંખે વળગી રહી હતી. ગુજરાતી સમાચારપત્રોમાં જે સ્થાને રોજ સામાન્ય નાગરિકોના શોકસંદેશ અને બેસણાની ખબર છપાતી હોય છે, એ જ સ્થાને એક ખૂણામાં એક નાનકડી બેસણા નોંધ મોદી પરિવાર દ્વારા હીરાબા માટે પણ અપાઈ હતી. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

  નોંધનીય છે કે જે દેશના નાગરિકોએ ભૂતકાળમાં પોતાના પ્રધાનમંત્રીના કપડાં સરકારી ખર્ચે ધોવાવા માટે વિદેશ આવતા જતા જોયા હોય, જે દેશના નાગરિકોએ ભૂતકાળમાં પોતાના પ્રધાનમંત્રીની પસંદીદા સિગરેટ એક શહેરમાં ન મળતાં સરકારી ખર્ચે એક આખું વિમાન તે સિગરેટ લેવા અન્ય શહેર જતું જોયું હોય, એ દેશના નાગરિકો માટે હાલના પ્રધાનમંત્રીના માતાના અવસાન પર આવી સાદગી જોવી એ અસાધારણ અને અકલ્પનિય છે.

  લોકો અને ખાસ કરીને નેતાઓ દુનિયા બદલવાની વાતો જરૂર કરતા હોય છે, પરંતુ તેની શરૂઆત ઘરમાંથી કરવી એ તેઓને સૂઝતું નથી હોતું. એવામાં દેશમાંથી VIP ક્લચરને હટાવવાની નેમ લેનાર PM નરેન્દ્ર મોદી જયારે ખરા અર્થમાં પોતાની એ વાત જીવી જાણીને દેશવાસીઓ સામે ઉદાહરણરૂપ બને ત્યારે તેમના વાયદાઓ પર દેશવાસીઓનો વિશ્વાસ વધશે એ બાબતે કોઈ બેમત નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં