Saturday, October 5, 2024
More
    હોમપેજમંતવ્યઓમીક્રોન BF-7: મીડિયા ગભરાવશે પણ આપણે ગભરાવાનું નથી; ફક્ત સંભાળવાનું છે

    ઓમીક્રોન BF-7: મીડિયા ગભરાવશે પણ આપણે ગભરાવાનું નથી; ફક્ત સંભાળવાનું છે

    નિષ્ણાતો પણ કહી રહ્યાં છે કે કોરોના હવે પહેલાં જેવો હુમલો નહીં કરે કારણકે હવે તે નબળો તો પડી જ ગયો છે પરંતુ આપણે તેનાં વિરુદ્ધ જબરદસ્ત રસીકરણ પણ કર્યું છે. દરેક દેશમાં કેસ વધવા ઘટવાના અલગ કારણો હોય છે.

    - Advertisement -

    એવું લાગી રહ્યું છે કે કદાચ કોરોના ફરીથી આપણને હેરાન કરવા માટે આવી રહ્યો છે. કોરોનાની પહેલી લહેર કરતાં બીજી લહેર આપણા તમામ માટે ખરાબ સમાચાર લઈને આવી હતી. આ પ્રકારનો મહારોગ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર હતો આથી આપણે બધાંજ એકદમ દિગ્મૂઢ થઇ ગયાં હતાં. પરંતુ આ સમયે જેણે સહુથી વધુ મેચ્યોરીટી અથવાતો ગંભીરતા દર્શાવવાની હતી એ હતું મીડિયા જે કદાચ એમ કરી શક્યું ન હતું.

    બીજી લહેર બાદ ગત વર્ષે આ જ ઓમીક્રોન નવેમ્બરથી આ વર્ષે લગભગ માર્ચ કે એપ્રિલ મહિના સુધી ભારતમાં અને આપણા ગુજરાતમાં જોવા મળ્યો હતો. આ વખતે કેસની સંખ્યા ભલે વધુ હતી પરંતુ વેક્સીનેશન સરખું થયું હોવાને લીધે મૃત્યુઆંક ઘણો ઓછો અથવાતો નહીવત રહ્યો હતો. તેમ છતાં આપણું ગુજરાતી મીડિયા સામાન્ય પ્રજાને ડરાવવામાં પાછું પડ્યું ન હતું.

    જે દિવસે કેસ વધે ત્યારે બસ ત્રીજી લહેર આવી જ ગઈ એ પ્રકારની હેડલાઈન આપણું મીડિયા દર્શાવતું. પરંતુ બીજે જ દિવસે કેસ ઘટે તો ત્રીજી લહેર જતી રહી એવું આપણું મીડિયા ક્યારેય બોલ્યું ન હતું. કોઇપણ ગુજરાતી ન્યુઝ ચેનલ પકડો તમને ટીકરમાં મોટા અક્ષરે ત્રીજી લહેર આવી ગઈ, આજે કાલ કરતાં 10% કેસ વધ્યાં, અમદાવાદમાં તો કાળોકેર આ પ્રકારના ટીકર ફ્લેશ થતાં જોવા મળતાં. પરંતુ જો આંકડા તપાસવા જઈએ તો આ દસ ટકા વધેલા કેસ એટલે ગઈકાલનાં 20 કેસની જગ્યાએ આજે 22 કેસ થયાં એટલે વધ્યા એવું સત્ય સામે આવતું હતું.

    - Advertisement -

    પરંતુ આપણું મીડિયા આજે ફક્ત બે જ કેસ વધ્યાં એમ કહેવાની બદલે દસ ટકા કેસ વધ્યાં એમ કહીને આપણને ડરાવતું રહ્યું હતું. જ્યારે દસ ટકા કેસ ઘટે ત્યારે આજે બે જ કેસ ઓછાં આવ્યાં એવી રમત પણ આ લોકો રમી જતાં, કારણકે ત્યારે દસ ટકા કેસ ઘટ્યા એવી હેડલાઈન તમને અને મને રાહત આપે એમ હતું. પણ જો આપણને રાહત આપે તો એમનાં ન્યુઝ કોણ જુએ?

    હવે જ્યારે કોરોના ફરીથી આવવાના ભણકારા થઇ રહ્યાં છે અને ઑપઇન્ડિયાના આજનાં જ સમાચાર જોઈએ તો ગુજરાતમાં જે ત્રણ કેસ આવ્યાની વાત ગઈકાલે તમામ ન્યુઝ ચેનલો અને અખબારોની વેબસાઈટ્સ મોટા સાદે બોલી રહી હતી એ ખરેખર તો એક મહિનાથી ત્રણ મહિના સુધી જુના કેસ હતાં. આ ત્રણેય વ્યક્તિઓ સાજાસારા થઈને ક્યારનાય પોતાના ઘરે જતાં રહ્યાં છે.

    આ રીતે ફરીથી આપણું મીડિયા આપણને ડરાવવા અને ફક્ત એમની જ ચેનલ સામે સતત બેસી રહીએ એવી વ્યવસ્થા કરવા આવી ગયું છે. પરંતુ ભૂતકાળનાં અનુભવને ધ્યાનમાં લઈને આપણે આ વખતે જરાય ડરવાનું નથી. કોરોના હજી ગયો નથી અને કદાચ જશે પણ નહીં, પરંતુ એવું નથી કે એ હવે પહેલાં જેવો ઘાતક છે. હા જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવાતો જેમને અન્ય ગંભીર રોગ થયાં હોય એમનાં માટે આ ઓમીક્રોન BF-7 પણ એટલોજ ઘાતક સાબિત થઇ શકે છે.

    અત્યારે ચીનમાં આ જ ઓમીક્રોન BF-7 હાહાકાર મચાવી રહ્યો છે અને અસંખ્ય લોકોના મૃત્યુ થયાં છે અને હોસ્પિટલ તેમજ સ્મશાનઘાટમાં જગ્યા ન હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ આપણે ત્યાં હવે આવું નહીં થાય એ માનવાના કેટલાંક કારણો છે. પહેલું કારણ તો ચીનની અને આપણી રસીની ગુણવત્તામાં જમીન અને આકાશનો ફરક.

    ઘણા દેશો જ્યાં ચીનની Sinowax રસી એક્સપોર્ટ કરવામાં આવી હતી તેમણે આ વેક્સીનની અસરકારકતા ઓછી જોઇને બાદમાં અમેરિકાની રસી પોતાના નાગરિકોને આપવાનું શરુ કરી દીધું હતું. જ્યારે આપણી Covaxin અને Covishield બંને એટલી બધી અસરકારક રહી છે કે ગયા વર્ષે જ્યારે ઓમીક્રોન આવ્યો ત્યારે આપણે ત્યાં અત્યંત ઓછાં મૃત્યુ થયાં હતાં.

    બીજું કારણ જેના વિષે આપણે હમણાં ઉપર જ ચર્ચા કરી કે આપણે ત્યાં આ BF-7 વેરીઅન્ટ બે કે ત્રણ મહિના અગાઉ જ આવી ગયો છે અને ગુજરાતમાં જીનોમ સિક્વન્સીંગ દ્વારા તેનો ખ્યાલ પણ આવી ગયો હતો. આજે એ ત્રણેય દર્દીઓ ઘણા દિવસો અગાઉ જ પોતાના ઘરે સાજા થઈને જતાં રહ્યાં છે. એટલે એવું માની શકાય કે ચીનમાં ખરાબ વેક્સીનને લીધે હાલમાં લાખો લોકો ઓમીક્રોન BF-7થી ગ્રસિત છે એવું આપણે ત્યાં નહીં થાય કારણકે આપણે ત્યાં બે મહિના અગાઉ જ આપણી રસીએ તેની સામે સફળ લડત આપી દીધી છે.

    પરંતુ, કોઇપણ મહારોગને હળવાશથી તો ન જ લઇ શકાય. કેન્દ્ર સરકારે ગઈકાલે જ રાજ્ય સરકારોને ઓમીક્રોન BF-7થી દેશવાસીઓને સુરક્ષિત રાખવા ગાઈડલાઈન્સ અમલી બનાવવાનું કહ્યું છે. આપણે પણ હવે ફરીથી થોડાં મહિનાં જરૂર ન હોય તો ભીડમાં જવાનું ટાળવું જોઈએ. પરંતુ જો એ શક્ય ન હોય તો માસ્ક પહેરીને જ જવું અને સેનીટાઈઝર ફક્ત ભેગું જ ન રાખવું પરંતુ તેનો યોગ્ય ઉપયોગ પણ કરવો.

    હવે 2020 જેવી સ્થિતિ પરત નથી થવાની એ લગભગ નક્કી જ છે. તેમ છતાં ઘણી ન્યુઝ ચેનલોએ ગઈકાલે ફરીથી સ્કૂલો બંધ થશે? ફરીથી લોકડાઉન આવશે જેવી ક્લિક બેઈટ પ્રકારની હેડલાઈન્સ આપવાની શરુ કરી દીધી છે. બને ત્યાં સુધી આપણે ફરીથી કોરોનાને લગતાં સમાચારો હવે ફરીથી અવોઇડ કરવાનું શરુ કરી દેવું જોઈએ. જો એમ ન થતું હોય તો ઓછામાં ઓછા ત્રણ અલગ અલગ સોર્સ પાસેથી એક જ ન્યુઝ કન્ફર્મ કરવા જોઈએ જેથી સત્યતાની યોગ્ય તપાસ થાય.

    હવે ફરીથી આજે ગુજરાતમાં આટલા કેસ આવ્યા જેવું શરુ થઇ જશે. શક્ય  હોય તો આ આંકડાને પણ અવગણો. જો એમ ન થતું હોય તો આજનાં આંકડાઓને ગઈકાલનાં આંકડાઓ સાથે સરખાવો. ટીવી ચેનલો કે સમાચાર પત્રો આટલા ટકા કેસ વધ્યાં કહે તો ગઈકાલના કેસ અને આજના કેસના આંકડા તપાસીશું તો કુલ કેટલા કેસ વધ્યાં એની ખબર પડી જશે અને આથી ગભરામણ ઓછી થશે.

    નિષ્ણાતો પણ કહી રહ્યાં છે કે કોરોના હવે પહેલાં જેવો હુમલો નહીં કરે કારણકે હવે તે નબળો તો પડી જ ગયો છે પરંતુ આપણે તેનાં વિરુદ્ધ જબરદસ્ત રસીકરણ પણ કર્યું છે. દરેક દેશમાં કેસ વધવા ઘટવાના અલગ કારણો હોય છે. ચીનના કારણો આપણે આગળ જોયા, યુરોપ અને અમેરિકાના ઘણા નાગરિકોએ તો પોતાનો વેક્સીન નકારવાનો હક્ક છે એમ કહીને વેક્સીન નથી લીધી આથી ત્યાં પણ કેસની સંખ્યા વધે તો એ સ્વાભાવિક જ હશે.

    આની સામે આપણે નાગરીકો અને આપણી સરકારે અત્યંત જવાબદારીભર્યું વલણ અપનાવીને રસીકરણમાં ઉત્સાહ દર્શાવ્યો છે આથી આપણે કોરોના સામે સારી રીતે લડી શકીશું. હા કોઈને બુસ્ટર ડોઝ બાકી હોય તો આજકાલમાં જરૂર લઇ લે કારણકે એ પણ તમને કોરોનાથી બચાવી શકશે.

    ટૂંકમાં, નવો વેરીએન્ટ જરૂર આવ્યો છે પરંતુ તેનાથી ગભરાઈને આપણે આપણી જ રોગપ્રતિકારક શક્તિ ઓછી નથી કરવાની, બલકે રસી, માસ્ક અને સેનીટાઇઝર ઉપરાંત સ્વચ્છતા જાળવીને તેનો મક્કમ મને મુકાબલો કરવાનો છે.

    નિરોગી ભવ:

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં