Monday, November 4, 2024
More
    હોમપેજમંતવ્ય'રૂપિયો નબળો પડ્યો નથી, ડોલર મજબૂત થયો છે': નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ...

    ‘રૂપિયો નબળો પડ્યો નથી, ડોલર મજબૂત થયો છે’: નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ નિવેદન કેમ સાચું છે, ચાલો જાણીએ

    "સૌપ્રથમ તો હું તેને રૂપિયો નબળો પડતો નથી તે રીતે જોઈશ, હું તેને ડૉલરની મજબૂતાઈ, સતત મજબૂત થઈ રહેલા ડૉલર તરીકે જોઈશ," નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નબળા પડી રહેલા રૂપિયાના પ્રશ્નના જવાબમાં બોલ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરની અન્ય તમામ કરન્સી મજબૂત થતા ડોલર સામે પ્રદર્શન કરી રહી છે.

    - Advertisement -

    વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ફુગાવા અને ચલણના અવમૂલ્યનને રોકવામાં ભારત અગ્રેસર રહ્યું હોવા છતાં, ભારતીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તાજેતરમાં અન્ય ચલણોની સરખામણીમાં વિશ્વમાં અમેરિકન ડૉલરને મજબૂત કરવા અંગેની તેમની પ્રબુદ્ધ ટિપ્પણી માટે ઓનલાઇન ટીકાઓના ભોગ બન્યા હતા.

    પરંતુ આ ટીકાઓ કેટલી અયોગ્ય હતી અને તેમની ટિપ્પણી કેટલી સાચી એ આજે આપણે વિસ્તારથી સમજીશું.

    નાણામંત્રીની ટિપ્પણી

    ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સીતારમણે કહ્યું કે ભારતીય અર્થતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને ફુગાવો વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં ઓછો છે.

    - Advertisement -

    “સૌપ્રથમ તો હું તેને રૂપિયો નબળો પડતો નથી તે રીતે જોઈશ, હું તેને ડૉલરની મજબૂતાઈ, સતત મજબૂત થઈ રહેલા ડૉલર તરીકે જોઈશ,” નાણાપ્રધાન નિર્મલા સીતારમણ નબળા પડી રહેલા રૂપિયાના પ્રશ્નના જવાબમાં બોલ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરની અન્ય તમામ કરન્સી મજબૂત થતા ડોલર સામે પ્રદર્શન કરી રહી છે.

    પરંતુ મોટા ભાગના લોકો કે જેઓને અર્થશાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા નથી, જેમને અર્થશાસ્ત્રના કોઈ ફંડામેન્ટસ ખબર નથી તેમણે ભારતના નાણામંત્રીને આ નિવેદન માટે વખોડવાનું શરૂ કરી દીધું હતું.

    હવે આ સમગ્ર ગણિત તથા કઈ રીતે સીતારમણનું નિવેદન યોગ્ય છે એ સમજવા માટે આપણે સૌ પ્રથમ સમયમાં થોડું પાછળ જવું પડશે.

    મનમોહન સિંહના કાર્યકાળમાં ડોલર સામે રૂપિયો

    2010 થી 2014 વચ્ચે જયારે અમેરિકાનો ફેડરલ રિઝર્વ રેટ હતો 0% (જે આજે 3.5% છે). હવે આ ફેડરલ રિઝર્વ રેટ જ એ પરિમાણ છે જેના કારણે આજે ડોલર આટલી મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે.

    ધ્યાન આપવા જેવી વાત એ છે કે 2008માં જયારે 1 ડોલર સામે રૂપિયાની કિંમત 40 રૂ હતી. 2014 સુંધી અમેરિકાના ફેડરલ રિઝર્વનો રેટ 0% હતો તો પણ 2014માં રૂપિયો ગબડતો ગબડતો 1 ડોલરના 63 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે ડોલર સામે રૂપિયો અધધ 50% તૂટ્યો હતો આ સમયગાળામાં.

    મહત્વની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ના તો કોઈ કોરોનની મહામારી આવી હતી અને ના તો કોઈ રશિયા-યુક્રેન યુદ્ધ આવ્યું હતું. તેમ છતાં રૂપિયો ડોલર સામે સતત ઘટતો જતો હતો.

    અતિમહત્વની વાત એ પણ છે કે આ સમયગાળા દરમિયાન કથિત રીતે દેશના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ભારતના પ્રધાનમંત્રી હતા. આ દેશના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રીની આગેવાનીમાં જ રૂપિયો ડોલર સામે 50% તૂટ્યો હતો.

    2022માં ડોલર સામે રૂપિયો

    હાલની સરકારના સમયમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ વાત કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે આ જ સમયગાલા દરમિયાન વિશ્વમાં કોરોના મહામારી આવી હતી જેની સામે દુનિયાના મોટા મોટા અર્થતંત્રો પડી ભાંગ્યા હતા.

    હજુ એ મહામારીમાંથી દુનિયા બહાર જ નીકળી રહી હતી કે રશિયા-યુક્રેન યુદ્ધે સમગ્ર વિશ્વને પોતાની પકડમાં લીધું. આ બંને ઘટનાક્રમની અસર સમગ્ર વિશ્વ પર પડી હતી જેમાંથી કોઈ જ બાકાત નહોતું.

    18 ઓક્ટોબરના રોજ ડોલર સામે રૂપિયો

    તેમ છતાં જો આંકડાઓ પર નજર મારીએ તો ફેબ્રુઆરી 2022 થી લઈને હમણાં સુધી જોઈએ તો, આ સમયગાળામાં અમેરિકન ફેડરલ રિઝર્વ રેટ 3.5% એ પહોંચ્યો હતો, જે UPA સરકાર દરમિયાન 0% હતો. તેમ છતાં એક ડોલર સામે રૂપિયાની કિંમત 75 થી ઘટીને 82.35 થઈ હતી, જે 10% કરતા ઓછો ઘટાડો ગણાય. આ પોતાનામાં જ રૂપિયાની એક ઘણી મોટી ઉપલબ્ધી કહી શકાય.

    આમ, આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વિશ્વભરમાં અમેરિકાનો ફેડરલ રિઝર્વ રેટ વધવાને કારણે ડોલર મજબૂત થઇ રહ્યો છે. અને રૂપિયો એટલો નથી તૂટી રહ્યો જેટલો પહેલા તૂટી રહ્યો હતો એ પણ ત્યારે જયારે આ ફેડરલ રિઝર્વ રેટ 0% હતો.

    હવે રૂપિયો મજબૂત થયો છે એ વાત સમજવા માટે આપણે વિશ્વની અન્ય કર્નસીઓ સામે રૂપિયાનું પ્રદર્શન જોવું જરૂરી છે.

    પાઉન્ડ સામે રૂપિયો

    હવે આપણે વાત કરીએ UK (United Kingdom) ની આધિકારિક કરન્સી પાઉન્ડ વિષે.

    2004-2005 દરમિયાન એક પાઉન્ડ સામે રૂપિયાની કિંમત હતી 82.86 રૂ. જે આગળ જતા કોંગ્રેસ-મનમોહન સરકાર વખતે 2013-2014માં તૂટતાં તૂટતાં એક પાઉન્ડ સામે 96.30 રૂ સુંધી પહોંચ્યો હતો.

    18ઓક્ટોબરની પાઉન્ડ સામે રૂપિયાની સ્થિતિ

    હવે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કોરોના મહામારી, વૈશ્વિક મંદી અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા ઘટનાક્રમો આવવા છતાં પણ હાલ એક પાઉન્ડ સામે રૂપિયાની કિંમત છે 92.87 રૂ.

    એટલે કે ભારતીય રૂપિયો પાઉન્ડ સામે મનમોહન સરકારમાં જે સ્થિતિમાં હતો તેના કરતા સારી સ્થિતિમાં છે એટલે કે મજબૂત થયો છે.

    યુરો સામે રૂપિયો

    હવે પાઉન્ડ બાદ વાત કરીએ યુરોપના દેશોની આધિકારિક કરન્સી યુરો વિષે.

    2004-2005 દરમિયાન એક યુરો સામે રૂપિયાની કિંમત હતી 53.98 રૂ. જે આગળ જતા કોંગ્રેસ-મનમોહન સરકાર વખતે 2013-2014માં તૂટતાં તૂટતાં એક યુરો સામે 81.17 રૂ સુંધી પહોંચ્યો હતો.

    18 ઓક્ટોબરની યુરો સામે રૂપિયાની સ્થિતિ

    હાલમાં 2022માં એક યુરો સામે રૂપિયાની કિંમત છે 80.98 રૂ. એટલે કે મનમોહન સરકાર વખતે યુરો સામે રૂપિયાની જે હાલત હતી તેના કરતા આજે સારી છે એટલે કે યુરો સામે રૂપિયો મજબૂત થઇ રહ્યો છે.

    અને રૂપિયાની આ મજબૂતી એવા સમયગાળામાં આવી છે જયારે કોરોના મહામારી, વૈશ્વિક મંદી અને રશિયા-યુક્રેન જેવા નકારાત્મક પરિબળોએ વિશ્વભરના અર્થતંત્રોને ભોંય ભેગા કર્યા હતા.

    આમ એ નોંધી શકાય છે કે ભારતીય રૂપિયો હાલમાં વિશ્વની મોટાભાગની કરન્સીઓ સામે મજબૂત થઇ રહ્યો છે. ઉપરાંત અમેરિકન ડોલર સામે પણ તેનું પ્રદર્શન ભૂતકાળ કરતા સારું છે. પરંતુ અમેરિકાના ફેડરલ રિઝર્વ રેટમાં થયેલ વધારાને કારણે ડોલર વિશ્વની તમામ કરન્સીઓ સામે મજબૂત થઇ રહ્યો છે.

    ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આ જ વાત સરળ શબ્દોમાં સમજાવતા મીડિયા સમક્ષ કહેવાયું કે “રૂપિયો નબળો પડ્યો નથી, ડોલર મજબૂત થયો છે”, જે તદ્દન સાચું છે. પરંતુ જે લોકો વિષયને ઝીણવટથી સમજી નથી શક્યા તેઓ આ નિવેદન બાબતે ભ્રમ ફેલાવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં