Monday, September 9, 2024
More
    હોમપેજમંતવ્યસરદાર પટેલ અને નરેન્દ્ર મોદી: વ્યક્તિગત ક્ષતિ બાદ પણ કર્તવ્યપથ પર અડગ...

    સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી: વ્યક્તિગત ક્ષતિ બાદ પણ કર્તવ્યપથ પર અડગ રહેવાના બે અનોખા કિસ્સાઓ

    ભારત આવા નિષ્કામ કર્મયોગીઓ અને રાષ્ટ્રપુરુષોનો દેશ રહ્યો છે જેમણે ક્યારેય વ્યક્તિગત સ્વાર્થ નથી જોયો અને સતત, પૂરેપૂરા સમર્પણથી, ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ના ભાવ સાથે, રાષ્ટ્રની પ્રગતિ અને હિત માટે પોતાના કર્તવ્યપથ ઉપર આગળ વધતા રહ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબેન મોદી આજે 100 વર્ષની વયે અવસાન પામ્યાં. છેલ્લા બે દિવસથી તેઓ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતાં, આજે મળસ્કે સાડા ત્રણના અરસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા. હીરાબા અવસાન પામ્યાની જાણ થતાં જ પીએમ મોદી તમામ કાર્યક્રમો પડતા મૂકીને અમદાવાદ આવ્યા અને માતાની અંતિમવિધિમાં ભાગ લીધો.

    કોઈ પણ પુત્ર માટે માતાનું હંમેશાને માટે છોડીને ચાલ્યા જવું પીડાદાયક હોય છે. નરેન્દ્ર મોદી અને હીરાબા વચ્ચેના માતા-પુત્રના સબંધો કેટલા ઘનિષ્ઠ હતા એ સૌ કોઈ અને ગુજરાતીઓ તો સવિશેષ જાણે છે. મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને વડાપ્રધાન બન્યા પછી પણ મોદી અવારનવાર માતાને મળવા જતા, જન્મદિવસે કે ચૂંટણી પહેલાં કે વિજય પછી માતાના આશીર્વાદ મેળવતા, પોતાના ભાષણોમાં અવારનવાર માતાનો ઉલ્લેખ કરતા, તેમના સંઘર્ષના દિવસોને યાદ કરતા. 

    માતાના નિધનના સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા, ત્યાંથી ગાંધીનગર સ્થિત નાના ભાઈના નિવાસસ્થાને પહોંચ્યા, માતાના અંતિમ દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિમાં ભાગ લીધો. જાતે કાંધ આપીને સ્મશાનયાત્રામાં સામેલ થયા, સ્મશાને જઈને પણ જરૂરી વિધિ પતાવી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી.  

    - Advertisement -

    માતાની અંતિમવિધિ પતાવીને તેઓ સીધા રાજભવન પહોંચ્યા અને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. વાસ્તવમાં, આજે વડાપ્રધાન પશ્ચિમ બંગાળની યાત્રાએ જવાના હતા. જ્યાં જલપાઈગુડી રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવાના હતા તેમજ હાવડા-ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવા સહિતના કાર્યક્રમો હતા. આ માટે તૈયારીઓ પણ થઇ ગઈ હતી પરંતુ અંતિમ ક્ષણે વડાપ્રધાને અમદાવાદ આવવું પડ્યું. 

    જોકે, પીએમ મોદીએ આ કાર્યક્રમ રદ ન કર્યો અને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા. પીએમ મોદીએ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના લોકોની માફી પણ માંગી. તેમણે કહ્યું, “આજે મારે તમારા સૌની વચ્ચે રૂબરૂ આવવાનું હતું, પણ અંગત કારણોસર હું આવી શક્યો નથી. જે બદલ તમારી ક્ષમા માંગુ છું.”

    વડાપ્રધાનના અવાજમાં, તેમના ચહેરા ઉપર દુઃખ છલકાતું હતું. પરંતુ આ ક્ષણોમાં પણ તેઓ કર્તવ્યપાલન ચૂક્યા નહીં અને દુઃખને પોતાની અંદર જ સમાવી દઈને કાર્યક્રમમાં સામેલ થયા અને સંબોધન પણ કર્યું. 

    સરદાર વલ્લભભાઈને પત્નીના નિધનના સમાચાર મળ્યા બાદ પણ કામ ચાલુ રાખ્યું હતું 

    પોતાના સુખ-દુઃખથી ઉપર ઉઠીને રાષ્ટ્રની સેવા કરવાની વાત આવે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને અચૂક યાદ કરવા પડે. ‘લોહપુરુષ’ સરદાર વલ્લભભાઈના જીવનનો એક પ્રસંગ બહુ જાણીતો છે. જ્યારે તેમણે કર્મને વ્યક્તિગત જીવનથી વધુ મહત્વ આપ્યું હતું અને પત્નીના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ પણ કામ કરતા રહ્યા હતા. 

    સરદાર પટેલ બેરિસ્ટર હતા અને શરૂઆતનાં વર્ષોમાં વકીલાત કરતા હતા. 11 જાન્યુઆરી, 1909નો એ દિવસ હતો જ્યારે એક તરફ તેમનાં પત્ની ઝવેરબા બીમાર હતાં અને બીજી તરફ કોર્ટમાં તેમના કેસની તારીખ પણ હતી. તેઓ કોર્ટમાં ગયા, કેસની તૈયારીઓ કરી અને દલીલો શરૂ કરી. ત્યારે જ એક વ્યક્તિ આવ્યો અને જજની પરવાનગીથી વલ્લભભાઈને એક ચબરખી આપી ગયો. 

    વલ્લભભાઈએ એ ચબરખી ખોલીને વાંચી અને ખિસ્સામાં મૂકી દીધી અને કેસ આગળ વધારવા માંડ્યા. દલીલ પૂરી થયા બાદ બધાને જાણવા મળ્યું કે વલ્લભભાઈનાં પત્ની ઝવેરબા મૃત્યુ પામ્યાં છે અને એ ચબરખીમાં તેના જ સમાચાર હતા. આ જાણીને ન્યાયાધીશે જ્યારે તેમને પૂછ્યું ત્યારે વલ્લભભાઈનો જવાબ હતો કે, “આ મારી ફરજ હતી. મારા અસીલે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને હું તેમની સાથે અન્યાય કઈ રીતે કરી શકું?”

    ભારત આવા નિષ્કામ કર્મયોગીઓ અને રાષ્ટ્રપુરુષોનો દેશ રહ્યો છે જેમણે ક્યારેય વ્યક્તિગત સ્વાર્થ નથી જોયા, જેમણે ક્યારેય સુખ-દુઃખ નથી જોયા, ક્યારેય રજાઓ નથી લીધી અને સતત, પૂરેપૂરા સમર્પણથી, ‘રાષ્ટ્રહિત સર્વોપરિ’ના ભાવ સાથે, રાષ્ટ્રની પ્રગતિ અને હિત માટે પોતાના કર્તવ્યપથ ઉપર આગળ વધતા રહ્યા છે. આવાં વ્યક્તિત્વો સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં