Friday, March 29, 2024
More
    હોમપેજમંતવ્યગુજરાતના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ કોંગ્રેસી સંસદ સભ્ય રાજુ પરમારનું...

    ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ કોંગ્રેસી સંસદ સભ્ય રાજુ પરમારનું ભાજપગમન કેમ મહત્વનું છે?

    ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો નરેશ રાવલ અને રાજુ પરમાર ભાજપામાં જોડાઈ ગયા છે, પરંતુ તેમણે જે નિવેદનો આપ્યા છે એ આજની ગુજરાત કોંગ્રેસની પરિસ્થતિ સ્પષ્ટ કરે છે જે કેમ કોંગ્રેસ માટે સારા સમાચાર નથી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી વાજવા અને ગાજવાની વાર છે, પરંતુ રાજ્યના રાજકારણીઓ અને ખાસ કરીને વિપક્ષી નેતાઓ પોતપોતાના સ્થાનો નક્કી કરીને તેમાં ગોઠવાઈ જવાની પ્રવૃત્તિ અત્યારથી જ આદરી રહ્યા છે. 9મી ઓગસ્ટે જ ઑપઇન્ડિયાએ તેની સ્ટોરીમાં જણાવ્યું હતું કે આવનારા અઠવાડિયે એટલેકે સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અનુક્રમે નરેશ રાવલ અને રાજુ પરમાર ભાજપમાં જોડાઈ જશે.

    આ માત્ર અટકળ જ ન હતી કારણકે આ મહિનાની શરૂઆતમાં જ નરેશ રાવલ અને રાજુ પરમાર છેક દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા. આમ જુઓ તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ કોંગ્રેસી નેતાઓનું ભાજપગમન કોઈ નવી કે આશ્ચર્ય પમાડે એવી ઘટના તો નથી જ પરંતુ આ બંને નેતાઓનું કદ એમનું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવું અને એ પણ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના મહિનાઓ અગાઉ, આ તાજી ઘટનાને મહત્વની બનાવી દે છે.

    જેમ આપણે જાણીએ છીએ કે નરેશ રાવલ એ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે અને રાજુ પરમાર કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય છે આથી કોંગ્રેસે જેમને આટલા બધા માન-સન્માન આપ્યા હોય એમની પાસે પોતાનો પક્ષ છોડી જવા માટે કોઈ મજબૂત કારણ હોવું જ જોઈએ એવી માન્યતા હોવી સામાન્ય છે. જ્યારે આ બંને આગેવાનોએ ગુજરાત ભાજપાના પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ભાજપાનું સભ્યપદ પામ્યા બાદ નિવેદનો આપ્યા એ ફક્ત એમનાં કોંગ્રેસ છોડવાના નિર્ણય વિષે જ નહીં પરંતુ ગુજરાત કોંગ્રેસ કેવી માનસિકતા સાથે રાજ્યમાં રાજકારણ કરી રહી છે તે અંગે પણ પ્રકાશ પાડે છે.

    - Advertisement -

    નરેશ રાવલનું કહેવું હતું કે ગુજરાત કોંગ્રેસ સતત ઉદ્યોગપતિઓ તેમજ ખેલાડીઓનું અપમાન કરતી હોય છે. આ અત્યંત મહત્વનો મુદ્દો કહી શકાય, કારણકે ગુજરાત એ મહારાષ્ટ્રની જેમજ દેશના અગ્રેસર ઔદ્યોગિક રાજ્ય તરીકે ઓળખાય છે. ગુજરાતી પ્રજા મૂળેજ ઔદ્યોગિક અને સાહસિક છે આથી 1960માં રાજ્યની સ્થાપના બાદ રાજ્યમાં વિવિધ ઉદ્યોગોનો જેટગતિથી વિકાસ થયો છે, પરંતુ નરેશ રાવલના નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે આ વિકાસના મૂળમાં કદાચ મહદઅંશે ગુજરાતના ખંતીલા ઉદ્યોગપતિઓ જવાબદાર છે નહીં કે શરુઆતના ત્રણ દાયકાની કોંગ્રેસી સરકારો.

    કારણકે કોંગ્રેસમાંથી જ ભાજપમાં જોડાયેલા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી જ્યારે એમ કહેતા હોય કે કોંગ્રેસ ઉદ્યોગપતિઓનું અપમાન કરતી હોય છે એનો સીધોસાદો મતલબ એ જ છે કે ગુજરાતના ઉદ્યોગપતિઓને કોંગ્રેસના શાસનકાળમાં સત્તાધીશો તરફથી વિકાસ સાધવાની એટલીબધી મદદ નહોતી મળી જેટલી હવેના સમયમાં મળી રહી હશે. જ્યાં સુધી ખેલાડીઓની વાત છે તો શરૂઆતમાં ગુજરાત ખેલ મહાકુંભની ટીખળ અને એનાથી ગુજરાતમાં ખેલાડીઓની સંસ્કૃતિ નથી વિકસી જવાની એવું કોણ કહેતું હતું એ આપણે ગુજરાતીઓ જાણીએ જ છીએ. હજી બે અઠવાડિયા અગાઉજ કેટલા ગુજરાતી ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં પદક મેળવ્યા એના પણ આપણે સાક્ષી છીએ જે ગઈ સદીમાં ક્યારેય જોવા નથી મળ્યું.

    આમ, નરેશ રાવલની પીડા સાચી અને સમજી શકાય એવી છે. નરેશ રાવલે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસથી તેમનો તેજોદ્વેષ થઇ ચૂક્યો છે અને આથીજ તેઓ કોઇપણ આશા વગર ભાજપમાં જોડાયા છે. યાદ હોય તો આ વર્ષની શરૂઆતમાં જ કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ આગેવાન જયરાજસિંહ પરમાર જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ઓછાવત્તા અંશે આ જ પ્રકારની લાગણી વ્યક્ત કરી હતી. આમ ગુજરાત કોંગ્રેસમાં બધું યોગ્ય નથી ચાલી રહ્યું અને બધું યોગ્ય ચાલે તે માટે તેનું દિલ્હી બેસેલું હાઈકમાન્ડ કોઈ રસ પણ નથી લઇ રહ્યું એ અહીં સ્પષ્ટ થાય છે.

    રાજુ પરમાર દ્વારા તેમના ભાજપામાં જોડાયા બાદ જે નિવેદન આપવામાં આવ્યું એ પણ ઘણું સૂચક છે. રાજુ પરમારે પોતાની લાગણી વ્યક્ત કરતાં જે કહ્યું એ ગુજરાતના રાજકારણને જાણનારા તમામ કાયમ જાહેરમાં અને ખાનગીમાં કહેતા હોય છે. રાજુ પરમારે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ ફક્ત બે કે ચાર નેતાઓના જ કંટ્રોલમાં છે અને પાયાના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોય છે. હાર્દિક પટેલે જ્યારે કોંગ્રેસ નહોતી છોડી ત્યારે તેમણે પણ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ પોતે કાર્યકારી પ્રમુખ હોવા છતાં તેમને કામ સોંપવામાં ન આવતું હોવાની ફરિયાદ કરી હતી.

    રાજુ પરમાર સ્પષ્ટ શબ્દોમાં કહી ચુક્યા છે કે પહેલાની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં ઘણો ફેર છે. આ એક જ વાક્ય ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થતિને સ્પષ્ટ કરી દે છે. રાજુ પરમારનું દુઃખ કદાચ આજે પણ કોંગ્રેસમાં રહેલા અને કોંગ્રેસની ચિંતા કરતા વરિષ્ઠ આગેવાનો પણ મનોમન સહન કરતા જ હશે. પરંતુ જે રીતે આ બંને આગેવાનોએ કહ્યું તેમ ગુજરાત કોંગ્રેસ જો આ જ રીતે બે કે ચાર નેતાઓના જ કંટ્રોલમાં હોય તો તેમના મતનું પક્ષમાં કોઈજ મહત્વ નહીં દેખાતું હોવાને લીધે અંદરોઅંદર જ દુઃખી થઈને કદાચ પક્ષથી દુર થઇ જશે અથવાતો પક્ષમાં રહીને જ નિષ્ક્રિય થઇ ગયા હશે.

    નરેશ રાવલ અને રાજુ પરમાર દ્વારા ગુજરાત કોંગ્રેસની તાજી પરિસ્થિતિને ચિત્રિત કરવી એ ગુજરાત કોંગ્રેસના કોર વોટરને પણ ચિંતા કરાવશે અને જો ગુજરાત કોંગ્રેસ ચલાવનારા એ બે-ચાર નેતાઓ તેના પર ધ્યાન નહીં આપે તો કદાચ એમના વરિષ્ઠ અને ચિંતિત નેતાઓની જેમ એમનો આ કોર વોટર પણ મતદાનના દિવસે જો નિષ્ક્રિય થઇ ગયો તો આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ભવિષ્ય શું હશે તે દીવાલ પર અત્યારેજ લખી નાખવામાં આવ્યું હોય એમ દેખાઈ રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં