Monday, April 22, 2024
More
  હોમપેજમંતવ્યમથુરા - ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ જે ભારતના ઇતિહાસના પુસ્તકમાં ક્યાંક ખોવાઈ...

  મથુરા – ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ જે ભારતના ઇતિહાસના પુસ્તકમાં ક્યાંક ખોવાઈ ગઈ છે…

  કૃષ્ણ જન્મભૂમિ જે મથુરામાં આવેલી છે તેના પર ઉભી છે શાહી ઇદગાહ મસ્જીદ. હિંદુઓના સહુથી પવિત્ર ધર્મસ્થાનોમાંથી એક એવા મથુરાના ઈતિહાસ પર એક નજર.

  - Advertisement -

  રામ મંદિર માટે આપણા (હિન્દુ, જૈન અને શીખો) અદમ્ય સાહસ, ધીરજ અને 500 વર્ષની અભૂતપૂર્વ લડત વિષે ઘણું જ કહેવાયું છે અને વંચાયું છે પણ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણ જન્મભૂમિનો ઇતિહાસ એમાં ક્યાંક ભૂલાઈ ગયો છે જે રામ જન્મભૂમિ કરતાં પણ વધુ જૂનો છે ? કેટલો જૂનો? 1000 વર્ષ !!!!

  2022ની જનમાષ્ટમી આવી રહી છે અને રામ મંદિરના ઐતિહાસિક ચૂકાદા પછી જનમાષ્ટમીનું મહત્વ ખાસ એટલા માટે વધી જાય છે કારણકે રામ જન્મભૂમિ આંદોલનનું સર્વાધિક પ્રચલિત સૂત્ર એ હતું કે “રામ મંદિર તો ઝાંકી હૈ, કાશી મથુરા અભી બાકી હૈ” ! 

  આપણે બધાં જ જાણીએ છીએ કે મથુરા શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. પુરાણોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રભુનો જન્મ શ્રાવણ મહિનાની વદ અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં મધરાતે માતા દેવકીની કૂખે મામા કંસની મથુરા સ્થિત જેલમાં થયો હતો. ડો. વાસુદેવ શરણ અગ્રવાલ અને શ્રી કૃષ્ણ દત્ત વાજપેયી સહિત અન્ય ઘણાં ઇતિહાસકારોએ નોંધ્યું છે કે મથુરામાં હાલમાં જ્યાં શાહી ઇદગાહ મસ્જિદ ઉભી છે તે મૂળ કેશવરાય અથવા તો કેશવ દેવનું મંદિર હતું. 

  - Advertisement -

  જન્મભૂમિ – સર્જન અને વિધ્વંસની કથા 

  પ્રભુના અહીં જન્મના સ્મૃતિચિન્હ રૂપે અહીં પ્રાચીન સમયમાં મંદિર બનાવાયું હતું. ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની જેમ જ વિદેશી આક્રાંતાઓએ આ મંદિર ઉપર પણ કઈ કેટલીયે વાર આક્રમણ કર્યા છે. પણ દુર્ભાગ્યે સોમનાથ કે જ્યાં મહાદેવે પોતાનું સ્થાન પાછું મેળવ્યું એમ આ મંદિરનો વિવાદ હજી ઉકેલાયો નથી. મંદિરનો સંક્ષિપ્ત ક્રમશઃ ઇતિહાસ નીચે પ્રમાણે છે.

  • મથુરામાં પ્રભુનું સૌ પ્રથમ મંદિર પ્રભુના પ્રપૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું. કહેવાય છે કે વજ્રનાભે દાદા શ્રી કૃષ્ણના ચાર પ્રખ્યાત મંદિરો બંધાવવ્યા હતા અને મથુરાનું શ્રી કેશવદેવનું મંદિર પહેલું હતું. બાકીના ત્રણ હતા ગોવર્ધનમાં શ્રી હરિદેવનું, વૃંદાવનમાં શ્રી ગોવિંદજીનું અને બળદેવમાં શ્રી બળદેવજીનું. 
  • અહીં એક નાની રોચક વાત એ છે કે અહીં ઉલ્લેખ કર્યો છે તે ગોવર્ધનમાં હરિદેવજીનું મંદિર એટલે આપણાં ગુજરાતી વૈષ્ણવોનું મુખ્ય એવું શ્રીનાથજીનું મંદિર. તે પહેલાં ગોવર્ધનમાં હતું જે સમય જતાં રાજસ્થાન નાથદ્વારામાં ખસેડાયું  છે. ઇસ 1665માં અમાનુષી અને હિંદુઓ માટે દૈત્ય સમાન એવા ઔરંગઝેબના વિધ્વંસથી બચાવવા માટે ગોવર્ધનથી પ્રભુની મૂર્તિને રાતોરાત આગ્રા ખસેડવામાં આવી હતી. છ મહિના સુધી પ્રભુ ત્યાં વિરાજમાન રહ્યા અને તેમના માટે કોઈ સુરક્ષિત સ્થળની સઘન તપાસ ચાલુ રહી. મોટા ભાગના રાજ-રજવાડાંઓ મુઘલો સાથે વૈમનસ્ય ટાળવા માટે પ્રભુની મૂર્તિને પોતાના રાજ્યમાં લાવવા માટે આનાકાની કરી રહ્યા હતા ત્યારે મેવાડના મહારાજા રાજસિંહે હિંમત બતાવી. પ્રભુને મુઘલોથી લપતાં છુપાતાં 32 મહિને આગ્રાથી મેવાડ લાવવામાં આવ્યા. નાથદ્વારાના સ્થળની પસંદગી વિષે પણ રોચક વાત છે. જયારે સિહરમાં પ્રભુના રથનું પૈડું ખૂંપી ગયું ત્યારે મહારાજાએ તેને દૈવી સંકેત માન્યો  અને તે સ્થળે નવા નગરનું નિર્માણ કરાવ્યું તે આપણું આજનું શ્રીનાથજી.
  • ત્યાર બાદ ગુપ્તકાળમાં સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે આ મંદિરનો વિસ્તાર કર્યો જેને આપણે દ્વિતીય નિર્માણ તરીકે નોંધશું. તેણે મંદિરની ખ્યાતિ અનેકગણી  વધારી. તેણે જ મથુરાનો પણ ઘણો વિકાસ કર્યો અને મથુરાને હિન્દુઓના સાંસ્કૃતિક અને કલાના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. આ ભવ્ય મંદિરની ખ્યાતિ ચારેકોર ફેલાયા બાદ જ મહંમદ ગઝની તેને લૂંટવામાં બદ-ઈરાદાથી ઇસ 1017માં ચઢી આવ્યો હતો અને આ પ્રાચીન મંદિરને પહેલીવાર જમીનદોસ્ત કરવામાં આવ્યું. તેના પોતાના જ ઇતિહાસકાર અલ ઉતાબીએ તારીખ-એ-યામિની માં નોંધ્યું છે કે “શહેરની મધ્યમાં એક વિશાળ  અને અદભૂત મંદિર હતું જેને સ્થાનિક લોકો દેવતાઓ બનાવ્યું છે એમ કહેતાં….કોઈ પણ જાતનું શાબ્દિક કે ચિત્ર નિરૂપણ મંદિરની ભવ્યતાને વર્ણવવા ઓછું પડશે.”
  • મંદિરનું ત્રીજું પુનઃ નિર્માણ ઇસ 1150(વિક્રમ સવંત 1207)માં રાજા વિજયપાળના સમયમાં જજા નામના નિર્માણકારે કર્યું હતું અને કહેવાય છે કે તે ગગનને આંબતું વિશાળ સફેદ મંદિર હતું. 
  • ત્યાર બાદ 300થી વર્ષો સુધી મંદિર અડીખમ રહ્યું અને વૈષ્ણવ પરંપરાના સુપ્રસિદ્ધ સંતો જેવા કે વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુએ શ્રી હરિના દર્શન આ વિજયપાળના બનાવેલા મંદિરમાં કર્યા હતા. 16મી સદીમાં સિકંદર લોઢી એટલે કે નિઝામ ખાને મંદિર ઉપર આક્રમણ કર્યું અને વિનાશ કર્યો.
  • મંદિરનું ચોથું અને અત્યાર સુધીનું છેલ્લું પુનઃ નિર્માણ મુઘલ રાજા જહાંગીરના સમયમાં રાજા વીર સિંહ બુંદેલાએ કર્યું.  
  • છેલ્લે ઇસ 1650માં દૈત્ય ઔરગંઝેબે મંદિરનો સંપૂર્ણ વિનાશ કર્યો અને મંદિરના જ પાયાઓ ઉપર શાહી ઇદગાહ દરગાહનું નિર્માણ કર્યું. આજેય કોઈપણ પ્રવાસી કે તમે દરગાહની મુલાકાત લઈને એક જ ક્ષણમાં આ પાયાઓને જોઈ શકે છે. [નિમ્ન ફોટોમાં  દર્શાવેલું છે.]

  ઔરંગઝેબ દ્વારા વિધ્વંસ પહેલાનો ઇતિહાસ : 

  ઔરંગઝેબના કાળનો અધિકૃત ઇતિહાસ તેના જ નિમાયેલા માણસો દ્વારા લખાયેલા માસીર-એ-આલમગીરીમાંથી મળે છે. ઓરછાનાં મહારાજા વીર સિંહે જહાંગીરના કહેવાથી અક્બરનામાના લેખક અને અકબરના મુખ્ય વજીર શેખ અબુ ફઝલનું કતલ કરાવ્યું હતું. કારણકે જહાંગીરને અબુ ફઝલનો પોતે અકબરનો ઉત્તરાધિકારી હોવાનો દાવો માન્ય  નહોતો. આ કારણસર વીર સિંહે જહાંગીરના મનમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. એટલે મુઘલ સામ્રાજ્યની કમાન પોતાના હાથમાં લીધા બાદ જહાંગીરે વીર સિંહને ભેટમાં શું મેળવવાની ઈચ્છા છે એમ પૂછતાં જ તેણે  કૃષ્ણ જન્મભૂમિ ઉપર ફરી ભવ્ય મંદિર બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી. જહાંગીરે પરવાનગી આપી અને વીર સિંહે ત્યારના 33 લાખની કિંમતે મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું. આપણા હિન્દુઓના કમનસીબે જહાંગીરના પૌત્ર એટલે કે ઔરંગઝેબે આ પુનઃ નિર્માણના માત્ર 50 વર્ષ બાદ ફરી મંદિર ધ્વસ્ત કર્યું. તેના માથા ઉપર ‘હિન્દુસ્તાન’ને કાફિરો રહિત એટલે હિન્દૂ-રહિત બનાવવાનું ઝનૂન સવાર હતું. એના કાળમાં થયેલા વિનાશની વિગતો વાંચો/સાંભળો તો અરેરાટી થઇ જાય. માત્ર મંદિરના વિનાશથી તેનું જિહાદી ઝનૂન શાંત નહોતું  થયું, તેણે પ્રભુની મૂર્તિઓને આગ્રામાં સ્થિત બેગમ સાહિબ દરગાહના પગથિયાંઓની નીચે દટાવી દીધી જેથી કરીને મુસલમાન તેમના ઉપર રોજ પગ મૂકીને ખુદાની ઈબાદત કરવા જાય. અને આટલું પૂરતું ન હોવાથી તેણે  મંદિરના સ્થાન ઉપર જ શાહી ઇદગાહ દરગાહનું નિર્માણ કરાવ્યું. અરે હદ તો ત્યારે થઇ કે તેને મથુરાનું નામ બદલીને “ઇસ્લામાબાદ” કરી નાખ્યું ? એક બીજું પણ જાણીતું ઇસ્લામાબાદ આજે દુનિયાના નકશામાં છે, રસ હોય તો તપાસ કરજો તેનું નામ કયું મંદિર ધ્વસ્ત કરીને રખાયું છે.

  સિંધિયાઓ દ્વારા મથુરાનો પુનઃ કબ્જો : 

   સિંધિયા વંશની સ્થાપના પેશ્વા બાજીરાવ પહેલાના સરદાર રાણોજી રાવ સિંધિયાએ કરી હતી. રાણોજીના પાંચમા અને સૌથી નાના પુત્ર મહાડજી સિંધિયાએ ઉત્તરમાં મુઘલોને જોરદાર લડત આપીને મરાઠા સામ્રાજ્યનો વ્યાપ અને પકડ વધારી. 1755માં 25 વર્ષની યુવાન વયે મહાડજીએ મથુરા મુઘલો પાસેથી જીતી લીધું અને મથુરાનો પુનરોદ્ધાર શરુ કર્યો. તેણે શાહી ઇદગાહ દરગાહમાં નમાઝ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. મથુરામાં સંસ્કૃત શાળા ફરી સ્થાપિત કરી. આખરે બ્રિટિશ-મરાઠા બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થવાથી મથુરાનો કબ્જો બ્રિટિશરોના હાથમાં ચાલ્યો ગયો. 

  બ્રિટિશરો દ્વારા હરાજી અને અલ્લાહાબાદ (હવે તો પ્રયાગરાજ !!) કોર્ટમાં દાવો : 

  ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ રાજ દરમ્યાન 1815માં સંપૂર્ણ કૃષ્ણ જન્મભૂમિ વિસ્તારની [કટરા કેશવ દેવ વિસ્તાર તરીકે પ્રચલિત] જમીનની હરાજી કરી અને બનારસના રાજા પટણીમળે ફરી મંદિર ઉભું કરવામાં સંકલ્પ સાથે જમીન ખરીદી લીધી. તેઓ તેમ કરવામાં અસફળ રહ્યા અને જમીન તેમના વારસદારો પાસે આવી. આ વારસદારોએ મંદિર પાછું ઉભું કરવામાં ઢીલ મૂકી અને તેનો ફાયદો લેવા માટે ઇસ 1930માં મથુરાના મુસલમાનોએ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં રાજા પટણીમળના વંશજ રાજા કૃષ્ણદાસ વિરુદ્ધ બે દાવા ઠોકી દીધા. કોર્ટે બંને દાવાઓ રદ્દ કરી દીધા અને રાજા કૃષ્ણ  દાસના પક્ષમાં ફેંસલો આપ્યો. ટૂંકમાં આઝાદી પહેલાં જ 1935માં આ કેસો રદ્દ થવાથી જમીન આપણાં હિંદુઓ પાસે આવી ચૂકી હતી પણ પિક્ચર અભી બાકી હૈ દોસ્ત….

  પંડિત માલવિયા દ્વારા જમીન સંપાદન 

  જયારે 1940માં પંડિત મદન મોહન માલવિયા મથુરા આવ્યા ત્યારે કૃષ્ણ જન્મભૂમિની  બદહાલ સ્થિતિ જોઈ ખૂબ જ વ્યથિત થયા. તેમણે ત્યારના જાણીતા ઉદ્યોગપતિ જુગલ કિશોર બિરલાને પત્ર લખ્યો અને જન્મભૂમિ ઉપર શ્રી કૃષ્ણના મંદિરની પુનઃ સ્થાપના માટે સહાય માંગી. માલવિયાજીની ઈચ્છાને માન આપતાં બિરલાજી એ તરત જ રાજા પતણીમળના વંશજો પાસેથી સંપૂર્ણ જન્મસ્થાન સંકુલ ફેબ્રુઆરી 4 1944ના રોજ ખરીદી લીધું. દુર્ભાગ્યે મંદિરની સ્થાપના કરી શકે તે પહેલાં જ માલવિયાજી અવસાન પામ્યા અને તેમની ઈચ્છા પ્રમાણે બિરલાજીએ 21 ફેબ્રુઆરી 1955ના રોજ શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્થાપના કરી અને જમીન ટ્રસ્ટને સોંપી દીધી. ત્યારના આગળ પડતાં  હિન્દૂ આગેવાનો જેવા કે શ્રી જયદયાળ દાલમિયા અને અન્ય લોકોને ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા. આગળ જતાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘનું ગઠન કરવામાં આવ્યું કે જેને મંદિરના બાંધકામ અને જાળવણીની જવાબદારી આપવામાં આવી. (જમીનની માલિકી ટ્રસ્ટ હસ્તક જ રહી)

  મુસલમાનોનો જમીન હડપવાનો વધુ એક પ્રયાસ અને 1968નો કરાર :
  ઉપર જણાવેલ ફેરફારોથી જન્મેલી ઈર્ષ્યાથી પ્રેરાઈને મુસલમાનોએ ફરી એક વાર જમીનની માલિકીનો દાવો કોર્ટમાં કર્યો. 1960માં આ દાવો પણ કોર્ટે રદ્દ કરી દીધો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માલિકી તો કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની જ છે પણ મુસલમાનોને ઈદ દરમ્યાન શાહી ઇદગાહમાં નમાજની છૂટ આપવામાં આવે છે.

  આ શાહી ઇદગાહને અડીને જ (તેને તોડીને તેના સ્થાન ઉપર બનાવવાના બદલે) જન્મસ્થાન ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. આ દરમ્યાન રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું હતું. 1967માં કોંગ્રેસ ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી હારી  અને કોંગ્રેસમાંથી જ છૂટા થઈને અને વિધાનસભામાં બીજા સૌથી મોટા પક્ષ એટલે કે જન સંઘ (ભાજપનો પૂર્વ અવતાર)ના ટેકાથી ચરણ સિંહ મુખ્યમંત્રી બન્યા. ફેબ્રુઆરી 1968માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી અને બધાં જ બિન-કોંગ્રેસ શાસિત પ્રદેશો પોતાના હસ્તક લઇ લીધા.  આ સમયમાં રાષ્ટ્રપતિ શાસનમાં કોંગ્રેસના સેક્યુલરોના દબાણ હેઠળ ઇદગાહનું વ્યવસ્થાપન અને સંચાલન શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટને સોંપવું પડ્યું. અને ઇદગાહ ટ્રસ્ટે એટલી ઇદગાહ પૂરતી જમીન સિવાય આજુબાજુની જમીન ઉપરનો દાવો જતો કર્યો. શકય છે કે આ અન્યાય અને બાંધછોડ પાછળ ઇન્દિરા ગાંધીનો હાથ હોય. આ ફેરફાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને આપણી ‘માનનીય’ કોર્ટે માન્ય રાખ્યું. 

  ગેર-બંધારણીય બાંધછોડ 

  આ બાંધછોડમાં પાયાની વાત એ છે કે કરાર ઉપર સહી શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘે કરી હતી જેને આ જમીનની માલિકીને લઈને કોઈ પણ નિર્ણય કરવાનો અધિકાર જ નહોતો. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘની સ્થાપના તો માત્ર મંદિરના બાંધકામ અને જાળવણી હેતુથી કરવામાં આવી હતી, માલિકી તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પાસે હતી. કોર્ટે આવા પાયાવિહોણા કરારને  માન્યતા કેવી રીતે આપી દીધી ?

  ઉપાસના સ્થળ કાયદો (1991) Places of Worship Act:1980થી સમય બદલાયો છે, વિશ્વ હિન્દૂ પરિષદ અને સંઘ પરિવારના અથાગ પ્રયત્નોથી હિંદુઓમાં ચેતના,હિંમત અને એકતા ફરી પાછી આવી રહી છે. 1989માં રામ જનભૂમિ ચળવળ ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. મુસલમાનોની મસીહા એવી કોંગ્રેસને આવનારા સમયના એંધાણ આવી રહ્યા હતા અને તેથી જ 1991માં માત્ર અને માત્ર હિંદુઓ પોતાના તોડી પાડવામાં આવેલા મંદિરો ફરી ઉભા ના કરે તે બદ-ઈરાદાથી કોંગ્રેસે આ નવો કાયદો પસાર કર્યો કે જે 15 ઓગસ્ટ 1947થી હયાત કોઈ પણ મસ્જિદને મંદિરમાં ફેરવવા ઉપર પ્રતિબંધ મૂકે છે.  રામ જન્મભૂમિને આ કાયદામાં એક માત્ર અપવાદ તરીકે ગણવામાં આવ્યું હતું.

  ઉકેલ: ઉકેલ બહુ જ સરળ છે. કોર્ટ પોતાની ભૂતકાળમાં થયેલી ચૂક સ્વીકારી લે અને શાહી ઇદગાહને આપવામાં આવેલી નમાજની મંજૂરી તેમ જ ઇદગાહ ટ્રસ્ટને આપવામાં આવેલો ઇદગાહના વ્યવસ્થાપનનો અધિકાર અમાન્ય કરી દે. માલિકીને લઈને તો કોઈ વિવાદ જ નથી. પણ તકલીફ એટલી છે કે આ કોંગ્રેસે અમલમાં લાવેલો 1991નો કાયદો રદ્દ થાય પછી જ આ દિશામાં પહેલ થઇ શકે. ઇજિપ્તમાં અબુ સિમ્બલ ઉપાસના સ્થળમાં આવું જ કૈક કોકડું ગૂંચવાયેલું હતું અને ત્યાંની સરકારે તેને અન્ય સ્થળે ખસેડ્યું હતું. મથુરામાં પણ અયોધ્યાની જ જેમ કૃષ્ણ જન્મભૂમિથી દૂર મુસલમાનો જ્યાં ઈચ્છા હોય ત્યાં દરગાહ ખસેડી લે. આમ પણ ઇસ્લામમાં સનાતન ધર્મની જેમ જમીન, નદીઓ, વૃક્ષો કે પર્યાવરણને દૈવી ગણીને તેમને પૂજવામાં નથી આવતા. ઉલ્ટાનું તેના ઉપર તો ઇસ્લામમાં સખત પ્રતિબંધ છે. એમને તો જમીન માત્ર અને માત્ર એટલા માટે પોતાના હસ્તક રાખવી છે કે હિન્દુઓના અપમાનના ઘા ક્યારેય ભરાય નહિ અને તેમને સદાય સ્મરણ રહે કે તેમના પૂર્વજો અને પૌરાણિક કેશવ દેવ મંદિર  સાથે ભૂતકાળમાં શું થયું હતું. આ વિવાદ રામ જન્મભૂમિના વિવાદની સરખામણીમાં ખૂબ જ સરળ છે અને સહેલાઈથી ઉકલી શકે એવો છે. જરૂર છે તો માત્ર હિંદુઓ એક થઈને માંગણી કરવાની અને સરકાર માટે આની કેટલી પ્રાથમિકતા છે તેની. 
  છેલ્લે છેલ્લે, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિના વિવાદમાં મહાનાયકની ભૂમિકા ભજવી એટલે જ કોંગ્રેસ દેશના બધાં જ અભ્યાસક્રમોમાં આજ દિન સુધી મદન મોહન માલવિયાજીને માત્ર હાંસિયાનું સ્થાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 2014માં એટલે કે પ્રધાન મંત્રી તરીકે સત્તારૂઢ  થયાના પહેલાં જ વર્ષે ડિસેમ્બરમાં માલવિયાજીને મરણોપરાંત ભારત રત્નનો ખિતાબ અર્પણ કર્યો હતો.

  ડિસ્ક્લેમર: આ આર્ટીકલમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના પોતાના છે અને ઑપઇન્ડિયા તેનું સીધું કે આડકતરી રીતે સમર્થન કરતું નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં