Saturday, April 13, 2024
More
  હોમપેજમિડિયા‘કોમી એકતા’નાં ઉદાહરણો આપવા 'હિંદુ-મુસ્લિમ', સમુદાય વિશેષના ગુનાની વાત આવે ત્યારે ‘વિધર્મી’:...

  ‘કોમી એકતા’નાં ઉદાહરણો આપવા ‘હિંદુ-મુસ્લિમ’, સમુદાય વિશેષના ગુનાની વાત આવે ત્યારે ‘વિધર્મી’: ડિયર ગુજરાતી મીડિયા, આ બેવડાં ધોરણો કેમ?

  આમ તો આપણે ત્યાંના મીડિયા બહાદૂરો તટસ્થતાની બહુ વાતો કરતા હોય છે. કોઈનો પક્ષ લેવાનો નહીં અને જે સત્ય છે તે હિંમતભેર કહેવાનું અને એવી ફાંકાફોજદારી કોઇ પણ ક્રાંતિકારી, તટસ્થ પત્રકાર પાસેથી સાંભળવા મળશે. પરંતુ આ ‘તટસ્થતા’ થોડી અલગ છે. આ (સિલેક્ટિવ) તટસ્થતા ક્યારેક ફૂંફાળા મારતી જાગી ઉઠે છે તો ક્યારેક શાંતિથી પાછલા દરવાજે વિદાય લઇ લે છે.

  - Advertisement -

  હમણાં એક સમાચાર આવ્યા. સમાચાર એવા છે કે મહેસાણામાં એક હિંદુ દીકરી પરણી ત્યારે તેના સગા મામાએ તો મામેરૂ કર્યું જ, પણ મુસ્લિમ ‘મામાઓએ’ પણ આ વિધિ કરી. ઘટના એવી છે કે અહીં મેવડ ગામમાં એક હિંદુ દીકરી પરણી રહી હતી. તેની માતા નજીકના એક ગામના સૈયદ પરિવારના ભાઈઓને પોતાના ભાઈ માને છે. તેથી જ્યારે તેમની દીકરી પરણી ત્યારે આ ‘મામા’ઓએ પણ મામેરાની વિધિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. 

  પછીથી લગ્નના દિવસે પાંચ મુસ્લિમ ભાઈઓ મામેરૂ લઈને આવ્યા અને રીતરિવાજ અનુસાર રોકડ રકમ, ઘરેણાં અને કપડાં આપ્યાં. સામે તરફેથી પણ વ્યવહારો થયા. સાથે દીકરીના સગા મામાએ પણ પોતાની રીતે જે કંઈ મામેરાની વિધિ કરવી પડે તે કરી. 

  ઘટના બહુ સારી કહેવાય. આનંદની વાત છે. કોઈને ફરિયાદ છે પણ નહીં અને હોવી પણ ન જોઈએ. બે પરિવારો વચ્ચે સંબંધ હોય અને એકબીજાના પ્રસંગોમાં સહભાગી થાય તે સ્વાભાવિક સારી બાબત કહેવાય. એટલે આ ઘટના પ્રત્યે કોઇ ફરિયાદ નથી. પણ અહીં વાત આપણા મીડિયા તેમના ‘બહાદુરીભર્યા’ પત્રકારત્વની છે. 

  - Advertisement -

  આ ઘટના પરનું ગુજરાતી મીડિયાનું રિપોર્ટિંગ ધ્યાને લેવા જેવું છે. મેઈનસ્ટ્રીમ અખબારોથી માંડીને ટીવી ન્યૂઝ ચેનલો અને મીડિયા પોર્ટલોએ આ સમાચાર આપ્યા. અમુકે આ ઘટનાને ‘કોમી એકતા’નું ઉદાહરણ ગણાવી છે. કોઈએ હેડલાઇનમાં લખ્યું છે- ‘સંબંધ નિભાવી જાણ્યો.’ હશે, ઠીક છે. જેને જેમ લખવું હોય તેમ લખે. પણ ઊડીને આંખે વળગે તેવી બાબત એ છે કે અહીં બંને પક્ષે ધર્મ શું છે તે સ્પષ્ટ લખવામાં આવ્યું છે. 

  ગૂગલ પર જઈને કી-વર્ડ નાખીને સર્ચ કરી લો. ઢગલાબંધ રિપોર્ટ મળશે અને તમામમાં કોણ (હિંદુ) પરણી રહ્યું હતું અને કોણે (મુસ્લિમ) મામેરૂ કર્યું તે લખેલું જોવા મળશે. માત્ર અંદર જ લખ્યું હોય તેમ નથી, મોટાભાગનાની હેડલાઇનમાં જ આ શબ્દો હશે. તમામ રિપોર્ટ પણ વાંચશો તો અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બહેન હિંદુ હતી અને મામાઓ મુસ્લિમ હતા. તેમણે મામેરૂ કર્યું. 

  આમ તો આ પણ વાંધાજનક ન કહેવાય કારણ કે પત્રકારોનું કે મીડિયાનું કામ આ જ છે. જે દેખાય છે તે કહેવું, કશું છુપાવવું નહીં કે કશું જ નવું ઘરનું ઉમેરવું નહીં. એટલે અહીં જે વ્યક્તિઓ છે, જે સમુદાયો છે અને જે ઘટના છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને મીડિયાએ બહુ સારું કામ કર્યું. પણ હવે મૂળ પ્રશ્ન એ છે કે આ બધી આવડત જ્યારે વાત સમુદાય વિશેષના ગુનાઓની આવે ત્યારે ક્યાં જતી રહે છે?

  આમ તો આપણે ત્યાંના મીડિયા બહાદૂરો તટસ્થતાની બહુ વાતો કરતા હોય છે. કોઈનો પક્ષ લેવાનો નહીં અને જે સત્ય છે તે હિંમતભેર કહેવાનું અને એવી ફાંકાફોજદારી કોઇ પણ ક્રાંતિકારી, તટસ્થ પત્રકાર પાસેથી સાંભળવા મળશે. પરંતુ આ ‘તટસ્થતા’ થોડી અલગ છે. આ (સિલેક્ટિવ) તટસ્થતા ક્યારેક ફૂંફાળા મારતી જાગી ઉઠે છે તો ક્યારેક શાંતિથી પાછલા દરવાજે વિદાય લઇ લે છે. ક્યારેક તે આરોપીઓથી માંડીને પીડિત સુધી બધાનો ધર્મ શોધી લાવે છે અને ક્યારેક માત્ર ‘વિધર્મી’ લખીને વીંટો વાળી દેવડાવે છે. આવી તટસ્થતા ક્યારેક બહુ બૂમબરાડા કરાવે અને ક્યારેક માણસને ચૂપ કરી દે છે. એટલે હવે નક્કી વાચકોએ કરવાનું છે કે ઇસ તટસ્થતા કો ક્યા નામ દે?

  દૂર ક્યાંય જવાની જરૂર નથી. ગૂગલ પર જઈને ‘વિધર્મી’ લખશો એટલે ઢગલેબંધ રિપોર્ટ મળી જશે. કોઈમાં ‘વિધર્મી’ યુવકે યુવતી સાથે નામ બદલીને બળાત્કાર કર્યો હોવાના સમાચાર હશે, તો ક્યાંક ‘વિધર્મી’ યુવકે યુવતીનું અપહરણ કર્યું હોવાના. સમાચાર કોઇ પણ હોય કે ઘટના કોઇ પણ હોય, આ ‘વિધર્મી’ શબ્દ મોટાભાગના સમાચારોમાં જોવા મળશે. પરંતુ તેમાં કહેવામાં નહીં આવે કે પીડિતનો ધર્મ શું છે કે આરોપીનો શું. ક્યારેક હિંમત આવી જાય તો કદાચ પીડિતનો ધર્મ લખશે પણ આરોપીનું સ્થાન ‘વિધર્મી’ શબ્દ સિવાય કોઇ લઇ ન શકે.

  હવે ‘વિધર્મી’ એટલે શું? તેનો અર્થ શું થાય? તેનો અર્થ થાય અન્ય ધર્મનો. અન્ય ધર્મ એટલે? જો પીડિતા હિંદુ હોય તો તેનો અર્થ એ થયો કે સામેનો આરોપી કાં તો મુસ્લિમ હોય શકે, કાં તો ખ્રિસ્તી હોય શકે અથવા જો શીખ અને જૈનને અલગ ધર્મ ગણો તો તે પણ. આ ધંધો વાચકોને ગેરમાર્ગે દોરવાનો છે. ખરેખર તટસ્થતાના ઝંડાધારીઓ હોય તે આવું લખે નહીં. તે સીધુંસટ લખે કે પીડિતનો ધર્મ શું છે અને આરોપીનો શું. કારણ કે એ જ સાચું પત્રકારત્વ છે. 

  મુસ્લિમો કે ઇસ્લામીઓના ગુનાની વાત આવે ત્યારે હેડલાઈનમાં ‘વિધર્મી’ લખીને છટકી જવાની આદત ગુજરાતી મીડિયાને બહુ પહેલેથી છે. આમ તો ગુજરાતી મીડિયા એ જ કરે છે જે હિન્દી મીડિયા કરે છે, પણ આ એક એવી બાબત છે જે તેમણે મહેનત કરીને પોતે શોધી કાઢી છે. પણ ‘વિધર્મી’ લખવું એટલે એક રીતે વાચકોને છેતરવા. 

  અહીં એ દલીલ પણ અસ્થાને છે કે મીડિયાએ સાંપ્રદાયિક સૌહાર્દ જળવાય રહે તે પણ જોવું પડે છે. ના. તદ્દન વાહિયાત વાત છે આ. મીડિયાનું કામ સમાચાર આપવાનું છે. જેવું બન્યું છે, જે થયું છે તે કહેવાનું છે. એટલું ખરું કે સનસનાટી કે અફવાઓ ન ફેલાય તેનું ધ્યાન મીડિયાએ રાખવાનું હોય છે. કે કોઇ ખોટી વાત (ફેક ન્યૂઝ) ન ફેલાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે હેડલાઇનમાં આ રીતે શબ્દો ચોરીને કે સાચવી-સાચવીને લખવું એ કોઇ સમાજસેવાનું કામ નથી.

  પત્રકારત્વ એટલે શુદ્ધ સમાચારોનું વહન. કશું જ છુપાવવું નહીં, કશું જ ઉમેરવું નહીં. જે હોય તે કહેવું. પરંતુ કાં તો ડરના કારણે અથવા તો પછી કોઇ વિશેષ લગાવના કારણે આપણું ગુજરાતી મીડિયા સમયાંતરે પોતાના જ નિયમોમાં છૂટછાટ લેતું રહે છે અને ક્રાંતિની મશાલ થોડી મિનિટો માટે ઓલવી નાંખે છે. ફરી કોઇ હિંદુ મળે એટલે આ મશાલ સળગી ઊઠે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં