Wednesday, November 6, 2024
More
    હોમપેજમંતવ્યજો IPL 2022માં રમેલા તમામ ગુજરાતી ક્રિકેટરો ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યા હોત...

    જો IPL 2022માં રમેલા તમામ ગુજરાતી ક્રિકેટરો ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યા હોત તો?

    જો ગુજરાત ટાઈટન્સ ટીમ સંપૂર્ણપણે ગુજરાતી ક્રિકેટરો જ ધરાવતી હોય તો કેવી લાગે અને કેવી રીતે રમે? ચાલો જાણીએ આ કલ્પના જો સાચી પડે તો કેવું દ્રશ્ય ઉભું થઇ શકે?

    - Advertisement -

    આ પ્રકારનો વિચાર જ ગુજરાત ટાઈટન્સના દરેક ફેનને એકદમ રોમાંચિત કરી દે એવો છે હેંને? એ હકીકત સમજી શકાય છે કે આઈપીએલ એ રણજી ટ્રોફી કે પછી બીસીસીઆઈ દ્વારા આયોજીત કરવામાં આવેલી અન્ય કોઈ ટુર્નામેન્ટ નથી કે તેમાં તમામ ગુજરાતી ક્રિકેટરો એક જ ટીમમાં રમી શકે, જેમ કે નવીસવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સ.

    હાલમાં જ પૂર્ણ થયેલી આઈપીએલ 2022માં એવું જોવા મળ્યું હતું કે કુલ 12 ગુજરાતી ક્રિકેટરો અલગ અલગ ફ્રેન્ચાઇઝીઓ તરફથી રમ્યા હતા. તો આ આંકડો એવો છે કે જેનાથી એક પ્લેયિંગ ઈલેવન તો જરૂર બની શકે છે જે કદાચ ગુજરાત ટાઈટન્સ તરફથી રમે તેવી કલ્પના આપણે કરી શકીએ. આપણે આગળ વધીએ એ પહેલાં એ ગુજરાતી ક્રિકેટરોનું લિસ્ટ જોઈએ જે આ વખતની આઈપીએલમાં રમ્યાં હતાં.

    આ યાદી છે…

    - Advertisement -

    રવિન્દ્ર જાડેજા (સૌરાષ્ટ્ર અને ચેન્નાઈ સુપર કિંગ્સ), જસપ્રીત બુમરાહ (ગુજરાત અને મુંબઈ ઇન્ડિયન્સ), જયદેવ ઉનડકટ (સૌરાષ્ટ્ર અને મુંબઈ ઇન્ડિયન્સ), અક્ષર પટેલ (ગુજરાત અને દિલ્હી કેપિટલ્સ), ચેતન સાકરિયા (સૌરાષ્ટ્ર અને દિલ્હી કેપિટલ્સ), રીપલ પટેલ (ગુજરાત અને દિલ્હી કેપિટલ્સ), હર્ષલ પટેલ (હરિયાણા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર), શેલ્ડન જેક્સન (સૌરાષ્ટ્ર અને કોલકાતા નાઈટ રાઈડર્સ), પ્રેરક માંકડ (સૌરાષ્ટ્ર અને પંજાબ કિંગ્સ), કૃણાલ પંડ્યા (બરોડા અને લખનૌ સુપર જાયન્ટ્સ), હાર્દિક પંડ્યા (બરોડા અને ગુજરાત ટાઈટન્સ), અને પ્રિયાંક પંચાલ (ગુજરાત અને ગુજરાત ટાઈટન્સ)

    ઉપરોક્ત તમામ નામો પર નજર ફેરવતાં એ ખ્યાલ આવી જાય છે કે ફક્ત બે જ ફ્રેન્ચીઝીઓને 12મી અને 13મી માર્ચે આયોજીત મેગા આઈપીએલ ઓક્શનમાં એક પણ ગુજરાતી ક્રિકેટર પર વિશ્વાસ બેઠો ન હતો. આ બે ફ્રેન્ચાઇઝીઓ છે રાજસ્થાન રોયલ્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ, જેમાંથી એક ટીમ છેક ફાઈનલ સુધી પહોંચી તો બીજી ટીમ તો પ્લેઓફ્સમાં પણ ક્વોલીફાય ન કરી શકી.

    પણ ચાલો આપણે તો મુદ્દાની વાત કરીએ. જો આપણે ગુજરાતી ક્રિકેટરો જેમણે આ વર્ષની આઈપીએલ રમી છે તેની યાદી વિષે વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સની મૂળ ટીમ જે આઈપીએલ રમવા ઉતરી હતી તેની સરખામણીમાં આ ટીમની બેટિંગ અત્યંત નબળી છે પરંતુ બોલિંગ જબરી છે. ટેક્નિકલી જોઈએ તો ગુજરાત ટાઈટન્સના બેલેન્સમાં પણ બોલિંગે જ બાજી મારી હતી પરંતુ તેમના બેટરોએ એવી એવી મેચો ટીમને જીતી બતાડી હતી જે જીતવાની કોઈનેય જરા જેટલી પણ આશા ન હતી.

    પરંતુ આપણા કિસ્સામાં બેટિંગ ખરેખર ખૂબ નબળી જ છે એ સ્વીકારવું પડે અને આથી આપણી પાસે જે ઓલરાઉન્ડર્સ ઉપલબ્ધ છે તેમનેજ એડજેસ્ટ કરીને આપણી બેટિંગ લાઈનઅપ આપણે મજબૂત કરવી પડશે. આ યાદીમાં ફક્ત રીપલ પટેલ જ એક પ્રોપર બેટર છે જે ગુજરાત તરફથી ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમે છે. બાકીના આપણા બેટર્સ ઓલરાઉન્ડર્સ છે જે આપણી પ્લેયિંગ ઈલેવનમાં જુદીજુદી જગ્યાએ બેટિંગ કરશે.

    તો ચાલો આપણે જોઈએ કે આપણી ગુજરાતી ક્રિકેટરો ધરાવતી કાલ્પનિક ગુજરાત ટાઈટન્સ આઈપીએલ ટીમ કેવી દેખાશે!

    ઓપનીંગ બેટર્સ (નં. 1 અને 2)

    જેમણે પણ આ વર્ષની આઈપીએલ જોઈ છે તે એક હકીકત સાથે તો સહમત થશે જ કે જો ઓપનીંગ બેટરની વાત કરવામાં આવે અને એ પણ એક એવી ટીમના ઓપનીંગ બેટર જેમાં તમામ ગુજરાતી ક્રિકેટરો જ હોય તો પહેલું નામ શેલ્ડન જેક્સનનું જ આવે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે જેટલી પણ મેચોમાં રમવાનો ચાન્સ આપ્યો તેમાં તેણે વિકેટ કીપિંગ ઉત્તમ કક્ષાનું કર્યું હતું. હા, તેની બેટિંગ ચિંતાનું કારણ હોઈ શકે કારણકે આઈપીએલમાં તેને મોટાભાગે પાંચમાં કે છઠ્ઠા ક્રમે મોકલવામાં આવ્યો હતો, પરંતુ આપણને એક વ્યવસ્થિત બેટરની જરૂર છે જે નં 1 પર આવીને બેટિંગ કરે એટલે આપણે અહીં શેલ્ડન જેક્સનની પસંદગી કરી રહ્યા છીએ.

    આપણી ઈલેવનમાં નં 2 પર આપણે કૃણાલ પંડ્યાને ઉતારીશું. કૃણાલ આ વર્ષે એલએસજી માટે મુખ્ય આધારોમાંથી એક રહ્યો હતો. તે કાયમ આક્રમક બેટર રહ્યો છે અને જો તેને પાવર પ્લેમાં બેટિંગ કરવા મળે તો તે વિપક્ષી ટીમની બોલિંગના ફુરચા ઉડાવી નાખવા માટે સમર્થ છે. એક તરફ શેલ્ડન જેક્સન સ્ટ્રાઈક રોટેટ કરતો રહે અને બીજી તરફ કૃણાલ આક્રમણ કરે અને પહેલી છ ઓવર્સમાં આ જોડી જો આપણને ઓછામાં ઓછા 50 રન પણ કરી આપે તો આપણી નબળી બેટિંગ માટે એ આશિર્વાદરૂપ બની શકે તેમ છે.

    મિડલ ઓર્ડર (નં. 3, 4 અને 5)

    આમ જુઓ તો રીપલ પટેલને ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે ઉતારી શકાય પરંતુ આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યાએ ઘણી વખત ત્રીજા નંબરે બેટિંગ કરીને પોતાની ટીમને બચાવી હતી કારણકે તેણે આ નંબર પર એકદમ શાંતિથી બેટિંગ કરી હતી એવા સમયે પણ જ્યારે ઓપનરોએ સારું સ્ટાર્ટ આપ્યું હતું અને ત્યારે પણ જ્યારે કોઈ એક ઓપનર વહેલો આઉટ થઇ ગયો હતો. આથી આપણી ગુજરાતી ક્રિકેટરોની ગુજરાત ટાઈટન્સની ટીમના ત્રીજા નંબરે હાર્દિક પંડ્યાજ બેટિંગ કરવા આવશે.

    જો હાર્દિક પંડ્યા ત્રીજા નંબરે આવે તો સ્વાભાવિક છે કે રીપલ પટેલ ચોથા નંબરની પસંદ બની જાય છે. રીપલને છેલ્લા બે વર્ષથી આપણે આઈપીએલમાં બેટિંગ કરતાં જોઈ રહ્યા છીએ. રીપલ આક્રમક બેટ્સમેન છે અને આવતાંની સાથેજ શોટ્સ મારવા માટે તૈયાર હોય છે. આથી જો સામે છેડે હાર્દિક પંડ્યા હોય તો તેની અસરથી રીપલ પણ થોડી મેચ્યોરીટીથી બેટિંગ કરી શકે તેમ છે.

    ટીમ ઇન્ડિયા હોય કે પછી સીએસકે, વ્યક્તિગત મતે પાંચમાં નંબરે આપણા જાડેજા બાપુ એટલેકે રવિન્દ્ર જાડેજાથી બહેતર કોઇપણ બેટ્સમેન ન હોઈ શકે. એમને જ્યારે પણ આ નંબરથી નીચે T20માં બેટિંગ કરવા મોકલવામાં આવે છે ત્યારે વ્યક્તિગત રીતે એ પસંદ નથી પડ્યું, પરંતુ અહીં જ્યારે પસંદગી મારે જ કરવાની છે ત્યારે હું બાપુને પાંચમાં નંબરે જ બેટિંગ કરવા મોકલીશ. જાડેજા કોઇપણ સંજોગોમાં પોતાની વિસ્ફોટક બેટિંગ અને સ્ટ્રાઈક રોટેટ કરવાની ક્ષમતાથી ગેમ બદલી શકવાની ક્ષમતા ધરાવે છે આથી આપણી આ ઇલેવનમાં પણ રવિન્દ્ર જાડેજા પાંચમાં નંબરે જ બેટિંગ કરશે.

    લોઅર ઓર્ડર (નં. 6, 7 અને 8)

    જે ઈલેવનમાં ઓલરાઉન્ડર્સ ભરપૂર હોય ત્યારે તમને કદાચ બેટિંગ ઓર્ડર ગોઠવવામાં તકલીફ પડે પરંતુ જો લોઅર ઓર્ડરમાં તમારી પાસે અક્ષર પટેલ અને પ્રેરક માંકડ જેવા ઓલરાઉન્ડર્સ  હોય તો તમને એ આશિર્વાદરૂપ લાગશે. અક્ષર પટેલ જરૂરિયાત મુજબ ધીમે અને ફાસ્ટ રમી શકે છે જ્યારે પ્રેરક માંકડ 140+ની સ્ટ્રાઈક રેટ ધરાવે છે આથી આ બંને અલગ અલગ પ્રકારની બેટિંગ દ્વારા વિપક્ષી ટીમને પરેશાન કરી શકે છે. ત્યારબાદ હર્ષલ પટેલ જે થોડીઘણી બેટિંગ કરી જાણે છે એ બેટિંગમાં આવતો હોય તો તમારા માટે આ મજા પડે એવી લાઈનઅપ બની જાય છે.

    લોઅર ઓર્ડર (બોલર્સ 9, 10 અને 11)

    નવમા નંબરે જસપ્રીત બુમરાહને મોકલી શકાય જો તેની બેટિંગની જરૂર પડી હોય તો. બુમરાહ બાદ જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા દ્વારા આપણી આખી ઈલેવન પૂરી થઇ જશે. ઉનડકટે આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા એક મેચમાં બે-ત્રણ સિક્સર મારી હતી આથી જો તેણે છેલ્લા બે-ત્રણ બોલ રમવાના આવે તો ઉનડકટ તેનો ઉપયોગ કરી શકે છે.

    બોલિંગ એટેક

    બોલિંગમાં તો આપણી પાસે ભરપૂર ચોઈસ છે. 11 માંથી 9 ખેલાડીઓ બોલિંગ કરી શકે છે આથી જો એકાદો બોલર વધુ રન આપી દે તો કેપ્ટન પાસે ચિંતા કરવાનું કોઈજ કારણ નથી. તેમ છતાં બુમરાહ, હર્ષલ પટેલ બોલિંગની શરૂઆત કરે ત્યારબાદ ચેતન સાકરિયા, જયદેવ ઉનડકટ અને રવિન્દ્ર જાડેજા આમ પાંચ મુખ્ય બોલરો નક્કી કરી શકાય. ત્યારબાદ અક્ષર પટેલ, પંડ્યા ભાઈઓ (કૃણાલ અને હાર્દિક) પ્રેરક માંકડ સાથે જરૂર પડે બોલિંગ કરી શકે છે. આમ આ ટીમનો બોલિંગ એટેક ખૂબ મજબુત છે એવું સ્પષ્ટ દેખાય છે.

    બારમો ખેલાડી

    પ્રિયાંક પંચાલ આપણો બારમો ખેલાડી રહેશે. પ્રિયાંક ગુજરાત ટાઈટન્સને નેટ પ્રેક્ટીસમાં મદદ કરતો હતો. તે ઉપયોગી બેટ્સમેન પણ છે પરંતુ તેને ટાઈટન્સે ઓક્શનમાં ખરીદ્યો ન હતો એટલે આપણે તેને ઇલેવનમાં સ્થાન નથી આપ્યું.

    ગુજરાતી ક્રિકેટરો ધરાવતી ગુજરાત ટાઈટન્સ ઈલેવનનો કેપ્ટન

    આ મુદ્દે હાર્દિક પંડ્યા સિવાય આપણી પાસે બીજો કોઈજ વિકલ્પ નથી. એવું નથી કે હાર્દિક પંડ્યાએ પોતાની ટીમને આઈપીએલ ટ્રોફી જીતાડી એટલે એને કપ્તાન બનાવવો જ જોઈએ પરંતુ જે રીતે તેણે કપ્તાની કરી છે તેનાથી દરેક ક્રિકેટ પ્રેમી અને ગુજરાત ટાઈટન્સનો ફેન આનંદ અનુભવે છે. જ્યારે મેગા ઓક્શન પત્યું ત્યારે આ ટીમને હોપલેસ ગણાવવામાં આવી હતી એવા સંજોગોમાંથી હાર્દિક પંડ્યાએ પોતાની કપ્તાની દ્વારા જ ટીમને વિજયી બનાવી હતી, આથી કપ્તાનીના ગુણોને ધ્યાનમાં લઈને જ હાર્દિક પંડ્યાને આપણી ટીમનો પણ કપ્તાન બનાવવામાં આવે છે.

    તો, આ રીતે બની ગઈ ગુજરાતી ક્રિકેટરો ધરાવતી ગુજરાત ટાઈટન્સની આપણી ટીમ. ફક્ત 12 ગુજરાતીઓ જ વિવિધ આઈપીએલ ટીમમાં હતા એટલે આપણી પાસે વધુ વિકલ્પ તો નથી તેમ છતાં તમે બેટિંગ ઓર્ડર કે બોલિંગ ઓર્ડરમાં કોને કોને ક્યાં ક્યાં ઈચ્છો છો એ જરૂર જણાવી શકો છો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં