Saturday, May 4, 2024
More
    હોમપેજમંતવ્યકોંગ્રેસ પ્રમુખનું એલાન, આ વખતે કોંગ્રેસી કાર્યકર્તાઓ બનશે ‘ચોકીદાર’: દર ચૂંટણીમાં ગાળો...

    કોંગ્રેસ પ્રમુખનું એલાન, આ વખતે કોંગ્રેસી કાર્યકર્તાઓ બનશે ‘ચોકીદાર’: દર ચૂંટણીમાં ગાળો સહન કરતાં EVM મશીનોને હાશકારો

    કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ઈવીએમ મશીન વિશે નવું નિવેદન આપીને કાર્યકર્તાઓની મહેનત વધારવાનું કામ કર્યું છે.

    - Advertisement -

    2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે સરકાર બનાવી ત્યારથી દેશમાં કોઈ પણ નાની-મોટી ચૂંટણી હોય, તેનાં પરિણામો બાદ કોંગ્રેસ નેતાઓ અને સમર્થકો EVM વચ્ચે લાવીને મૂકી દે છે. જોકે, એમાં એક શરત છે- જો પરિણામ ભાજપની તરફેણમાં (એટલે કોંગ્રેસની વિરુદ્ધમાં) હોય તો જ. જે-જે ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ એમ દરેકમાં આ નિર્દોષ મશીનોએ બહુ સહન કરવાનું આવ્યું છે. 

    આ ચૂંટણીમાં પણ જેવું પ્રદર્શન કોંગ્રસનું રહ્યું છે, તેને જોતાં તેમની હારનું ઠીકરું EVM પર ફોડવામાં આવશે તેવું અનુમાન હતું, પણ કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખે એક સભામાં EVMની વાત છેડીને એટલો તો વિશ્વાસ અપાવ્યો છે કે તેમની પાર્ટી ગુજરાતમા EVMને દોષ આપશે નહીં. 

    ગુરુવારે (13 ઓક્ટોબર 2022) એક સભા સંબોધતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, “એમને (ભાજપ સરકારને) જેટલાં મશીનો જેવા લાવવાં હોય તે લાવે, આ વખતે અમે કોમ્પ્યુટર એન્જીનીયરો એવા મૂક્યા છે કે, અમે તેમનો ગજ વાગવા દેવાના નથી.” ત્યારબાદ તાળીઓનો ગડગડાટ થતાં થોડીવાર થોભીને ફરી આગળ કહે છે કે, “મશીન ફેક્ટરીમાંથી ગુજરાત આવે ત્યાં સુધી ચોકી, ચૂંટણી પંચમાંથી કલેક્ટર પાસે આવે ત્યાં સુધી ચોકી અને ત્યાંથી મામલતદાર સુધી પહોંચે ત્યાં સુધી પણ ચોકી કરવામાં આવશે.”

    - Advertisement -

    સુજ્ઞ વાચક જાણે છે કે EVM કોઈ પણ કાળે હેક થઇ શકતાં નથી. EVM મશીન સાથે કામ કર્યું હોય એવા કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એ સમજાવશે કે આ મશીન કામ કઈ રીતે કરે છે. એનું હેકિંગ શક્ય જ નથી. ઉપરાંત, આ મશીનો બૂથ પર આવે ત્યારે સીલ પેક્ડ હોય છે, જાય ત્યારે પણ સીલબંધ સ્થિતિમાં જાય છે. ગણતરી સુધી સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવે છે, જેની 24 કલાક સુરક્ષા થાય છે. ત્યારબાદ ગણતરીના દિવસે જવાબદાર અધિકારીની દેખરેખ હેઠળ સીલ ખોલીને ગણતરી હાથ ધરવામાં આવે છે. 

    જોકે, તેમ છતાં ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ સમર્થકો EVM નો મુદ્દો લાવીને મૂકી દે છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેને હેક કરીને ચૂંટણી જીતવાનો આરોપ મૂકતા મૂકતા રહે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આમ થતું આવ્યું છે. આ વખતે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમાં હાર બાદ EVMનું બહાનું કાઢવાનું વિચારી રહ્યા હશે તો તે પહેલાં જ તેમના જ પ્રદેશ પ્રમુખે તેમનું કામ વધારી દીધું છે, અને હવે તેમણે નવું બહાનું શોધવું  પડશે.

    જોકે, એ તો તેમનો પ્રશ્ન છે. પણ હાલ પૂરતું એટલું તો નક્કી છે કે વર્ષોથી દરેક ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસીઓની ગાળો અને આરોપો સહન કરતાં EVM મશીનો આવતી ગુજરાત ચૂંટણીમાં બચી જવાનાં છે. હવે તેના સ્થાને નવું બહાનું શું આવશે એ પ્રશ્ન છે, જેનો જવાબ પરિણામના દિવસે જ મળશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં