Tuesday, July 23, 2024
More
  હોમપેજમંતવ્યરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનનું 'કદમ તાલ':...

  રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનનું ‘કદમ તાલ’: મોદી સરકારના આલોચક કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો; પત્નીનો ડર ભૂલ્યા કે શું?

  આ પ્રથમ વાર નથી કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કોઈ બહુચર્ચિત કે વિવાદિત વ્યક્તિ જોડાઈ હોય, વર્ષો સુધી ગુજરાતને નર્મદાના નીર માટે તરસાવનાર મેધા પાટકર, ટુકડે ટુકડે ગેંગના કન્હૈયા કુમાર, યોગેન્દ્ર યાદવ, અરુણા રાય, બેઝ્વાદા વિલ્સન, અલી અનવર જેવા વિવાદિત અને ચર્ચિત લોકો પણ રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રામાં જોડાઈ ચુક્યા છે

  - Advertisement -

  કન્યાકુમારીથી રાજસ્થાન પહોંચેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન પણ જોડાયા છે, આ દરમિયાન તેઓ રાહુલ ગાંધી સાથે જાણે ‘કદમ તાલ’ (કદમથી કદમ મેળવીને) કરીને ચાલતા હોય તેવું જોવા મળ્યું હતું, નોટબંધી સહીતના અનેક મુદાઓમાં મોદી સરકારની આલોચના કરનારા રઘુરામ રાજન આ યાત્રામાં જોવા મળતા તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોને વેગ મળ્યો છે.

  મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાન પહોંચી છે અને આ દરમિયાન તેમની આ ભારત જોડો યાત્રામાં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજન પણ જોડાયા છે, આ દરમિયાન તેઓ સતત રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા, અને છેક ટી-બ્રેક સુધી તે બન્નેએ ઘણી લાંબી ચર્ચાઓ કરી હતી. રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચે લગભગ અડધા કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે બન્નેએ ડોક્યુમેન્ટ્રી માટે આર્થિક મુદ્દાઓ પર પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. UPAના દ્રિતીય કાર્યકાર્યકાળ દરમિયાન રઘુરામ રાજનને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

  કોણ છે રઘુરામ રાજન

  - Advertisement -

  1963માં મધ્યપ્રદેશમાં જન્મેલા રઘુરામ રાજન ભારતની મધ્યસ્થ બેન્કનાં 23માં ગવર્નર રહી ચુક્યા છે, RBIના પોતાના કાર્યકાળ દરમિયાન રઘુરામ બેંક ઓફ સેટલમેન્ટના વાઈસ ચેરમેન પણ રહી ચુક્યા છે, UPA સરકારના પ્રધાનમંત્રી મનમોહનસિંહના કાર્યકાળમાં વર્ષ 2013માં ભારતીય રીઝર્વ બેંકના ગવર્નર બનેલા રાજન વર્ષ 2016માં ભાજપ સરકાર બની ત્યાં સુધી કાર્યરત રહ્યા, તેમના બહુચર્ચિત રીતે રાજીનામું આપ્યા બાદ ઊર્જિત પટેલ ભારતીય રીઝર્વ બેંકના નવા ગવર્નર બન્યા હતા.

  મોદી સરકારની નીતિઓના કટ્ટર આલોચક રઘુરામ

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની UPA સરકારમાં RBIના ગવર્નર બનેલા રઘુરામ રાજન 2014માં બનેલી ભાજપ સરકારના સતત આલોચક રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની જનકલ્યાણ માટેની યોજનાઓ, દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે GST લાવવાનો નિર્ણય હોય કે પછી કાળા ધનને ડામવા માટે કરવામાં આવેલો નોટબંધીનો નિર્ણય રઘુરામ રાજાન આવા અનેક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આલોચના અને વિરોધ કરી ચુક્યા છે. તેમના આ વલણને જોઈને તે વખતે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રઘુરામ રાજાનની દેશભક્તિ પર પણ સવાલો ઉભા કર્યા હતા, જોકે બાદમાં વડાપ્રધાન મોદીએ તેમના આ નિવેદન પર આપત્તિ પણ જતાવી હતી. પરંતુ નોટબંધીના નિર્ણયથી ખોટા ચલણી નાણા, દેશ વિરોધી તત્વોના રોકડા વ્યવહાર અને ભ્રષ્ટાચાર પર કેવડી મોટી લગામ લાગી ગઈ હતી તેનાથી સહુ કોઈ પરિચિત છે.

  ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રઘુરામ રાજનના ‘બેવડા ધોરણો’

  વર્ષ 2019માં રઘુરામ રાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે લોકતંત્રમાં એક જ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ઘાતક સાબિત થઇ શકે છે , તે દરમિયાન તેમણે ભાજપ સરકારની લોક-કલ્યાણકારી યોજનાઓ વધુ પડતી ખર્ચાળ ગણાવનાર રઘુરામ રાજને કહ્યું હતું કે આટલા ખર્ચાથી ભારત આર્થિક સંકટમાં આવી જશે, અને દેશનું ભવિષ્ય અંધકારમય થઇ જશે, જોકે તે પહેલા કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ‘ન્યાય યોજના’નું જોર-શોરથી સમર્થન કર્યું હતું.

  તે સમયે લોકસભાની ચુંટણીઓ પહેલા કોંગ્રેસે ‘ન્યાય યોજના’નો જબરદસ્ત પ્રચાર કર્યો હતો અને પાર્ટીને આશા હતી કે લોકો તેના અમલીકરણની આશામાં તેમને મત આપશે. તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ‘લઘુત્તમ આવક’ તરીકે દર વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે પાર્ટીએ એમ પણ કહ્યું હતું કે આ માટે અન્ય કોઈ સરકારી યોજનાની ફાળવણીમાં ઘટાડો કરવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે જો કોંગ્રેસની સરકાર બની હોત તો 7 લાખ કરોડ રૂપિયા માત્ર સબસિડી પર જ ખર્ચાઈ ગયા હોત.

  સરકારી ખર્ચને અંકુશમાં રાખવા માટે ભાજપની જન કલ્યાણ યોજનાઓ પર ખર્ચ ઘટાડવાની વાત કરતા રઘુરામ રાજને 3.6 લાખ કરોડ રૂપિયાના બજેટવાળી ‘ન્યાય યોજના’ને માત્ર સમર્થન જ નહોતું આપ્યું, પરંતુ તેને ક્રાંતિકારી યોજના ગણાવી દીધી હતી. તે વખતે પણ સવાલ તે ઉભો થયો હતો કે ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત આટલી વિશાળ બજેટ યોજના વાજબી હતી તો મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી પછી કેવી વધું પડતી ખર્ચાળ કેવી રીતે બની ગઈ?

  સરકારની યોજનાઓને ખર્ચાળ ગણાવનાર રઘુરામના ખર્ચાઓ પર સવાલ

  હવે ખર્ચાઓની વાત ખુલી જ છે તો તો એક નજર રઘુરામ રાજનના કાર્યકાળ દરમિયાન RBI એ તેમના પગાર ઉપરાંત અંગત ખર્ચાઓ પર વાપરેલા નાણાઓ ઉપર કરીએ, એક RTIમાં થયેલા ખુલાસા મુજબ ઓગસ્ટ 2013 થી લઈને સપ્ટેમ્બર 2016 સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર પદ પર રહી ચુકેલા રઘુરામે તેમના કાર્યકાળ દરમિયાન પોતાની આગતા-સ્વાગતા માટે જ બેફામ રૂપિયો વેડફ્યો હતો. ખુલાસા મુજબ રઘુરામ રાજનના ઘરનો અંગત સામાન શિકાગોથી મુંબઈ અને ફરી પાછા લઈ જવા માટે માટે રૂ. 71 લાખનો ધુમાડો કરી નાખ્યો હતો. અને તે પૈસા રઘુરામના નહિ પણ RBIના એટલે કે દેશની સામાન્ય જનતાના ટેક્સના પૈસા હતા. જે તેમણે મેળવેલા કુલ પગાર કરતા પણ મોટો આંકડો છે.

  તેમના કાર્યકાળ દરમિયાન રાજનનો પગાર દર મહિને 1.69 લાખ હતો. તદનુસાર, તેમના 3-વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને 61.2 લાખ રૂપિયા પગાર તરીકે ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ 9.8 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ માત્ર તેમના સામાનની હેરફેર માટે જ વાપરવામાં આવ્યો હતો, અને તે પણ આરબીઆઈના ભંડોળમાંથી. રઘુરામ રાજનનો સામાન શિકાગો, યુ.એસ.થી મુંબઈ લઈ જવા પાછળ રૂ. 22,26,416નો ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મુંબઈથી શિકાગો પાછા શિફ્ટ થવા માટે 49,41,253 ખર્ચાયા હતા. ખુલાસો કરનાર RTI મુજબ રાજને આ ઉપરાંત લાખો રૂપિયા મોંઘીદાટ ભેટો પાછળ પણ વેડફ્યા હતા.

  પત્ની છોડી દેશે તેવો ડર ભૂલીને કોંગ્રેસમાં જોડાશે રઘુરામ?

  રઘુરામ રાજન રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડતા તેઓ હવે કોંગ્રેસના ખોળે બેસશે તેવી અટકળોએ જોર પકડ્યું છે, અને જે પ્રમાણે તેઓ તેઓ રાહુલ ગાંધી સાથે ગહન ચર્ચાઓમાં જોવા મળ્યા તે પરથી કદાચ તેવું બને પણ ખરું કે તેઓ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાય, પણ વર્ષ 2019માં તેમના એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન કોઈએ તેમને રાજકારણમાં જોડવા પર પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે તેમની પત્નીએ તેમને કહ્યું છે કે જો તેઓ રાજકારણમાં જશે, તો તે તેમને છોડીને ચાલી જશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ જ્યાં છે ત્યાં જ ખુશ છે.

  આ પ્રથમ વાર નથી કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કોઈ બહુચર્ચિત કે વિવાદિત વ્યક્તિ જોડાઈ હોય, વર્ષો સુધી ગુજરાતને નર્મદાના નીર માટે તરસાવનાર મેધા પાટકર, ટુકડે ટુકડે ગેંગના કન્હૈયા કુમાર, યોગેન્દ્ર યાદવ, અરુણા રાય, બેઝ્વાદા વિલ્સન, અલી અનવર જેવા વિવાદિત અને ચર્ચિત લોકો પણ રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રામાં જોડાઈ ચુક્યા છે, તેવામાં હવે રઘુરામ રાજન પણ તેમની સાથે કદમ તાલ કરતા જોવા મળતા ફરી એક વાર ભારત જોડો યાત્રાના વિઝનનો અંદાજો લગાવી શકાય છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં