આજ કાલ ઘણા લોકો અને સંગઠનો ભારતરત્ન ડો. આંબેડકરને (Dr B R Ambedkar) સામ્યવાદ (Communism) સાથે જોડીને રજૂ કરતાં હોય છે તથા કેટલાય સામ્યવાદીઓ બાબાસાહેબ આંબેડકરના નામે પોતાના રોટલા શેકતા હોય છે. મોટા ભાગે એમનો ટાર્ગેટ એ ભોળા દલિતો તથા વંચિતો હોય છે જે પોતે ઇતિહાસના જાણકાર નથી હોતા અને બાબાસાહેબનું નામ સાંભળી/વાંચીને અથવા એમનો ફોટો જોઈને આવા સામ્યવાદીઓના ચુંગાલમાં ફસાઈ જતાં હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ઐતિહાસિક પુરાવાઓ સાથે જાણીશું કે શું આંબેડકર અને સામ્યવાદ વચ્ચે કોઈ સંબંધ છે? તથા બાબાસાહેબના સામ્યવાદ વિષે વિચાર શું હતા?
ભીમરાવ રામજી આંબેડકર એક ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને રાજકીય નેતા હતા જેમણે બંધારણ સભાની ચર્ચાઓમાંથી ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરતી સમિતિનું નેતૃત્વ કર્યું હતું, તેમણે દેશની પ્રથમ કેબિનેટમાં કાયદા અને ન્યાય પ્રધાન તરીકે સેવા આપી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર બહુમુખી પ્રતિભા હતી એ તો સૌ જાણે જ છે. આંબેડકરની વૈચારિક દ્રઢતા તથા સ્પષ્ટતાનું પ્રતિબિંબ એમના ભાષણો, એમણે લખેલા પુસ્તકો, લેખોમાં જોઈ, વાંચી અને સમજી શકાય છે. ભારતની સમસ્યાઓના એમણે સુચવેલા ઉકેલો આજે પણ પ્રસ્તુત અને સુસંગત છે. સમગ્ર દેશમાં ઐક્ય આવે, એકતા આવે અને ભારત વિશ્વ સત્તા બને તે એમનું સ્વપ્ન હતું. આ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો મુજબ દરેક ભારતીય વચ્ચે મજબૂત સંબંધ નિર્માણ થવો જોઈએ અને આ સંબંધ નિર્માણ હેતુ જ એમણે ભારતીય સંવિધાનમાં “બંધુત્વ” ના સિદ્ધાંતનો સમાવેશ કરીને પ્રતિપાદિત કર્યું છે.
‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારાના સમર્થક હતા’ એવું સથાપિત કરવાના પ્રયત્ન ઘણાં વખતથી ચાલી રહ્યા છે જે છેલ્લા કેટલાક સમયથી વેગ પકડી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાંથી સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારા નામશેષ થઈ ચુકી છે અને બે ત્રણ દેશમાં છેલ્લા શ્વાસ ભરી રહી છે. ભારતમાં પણ એક નાનકડા રાજ્યમાં સિમિત થઈ ગયેલી આ વિચારધારાના સમર્થક ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા એવું યોજનાબદ્ધ રીતે પ્રચારિત થાય ત્યારે સામાન્ય નાગરિકને એ પ્રશ્ન ચોક્કસ થાય કે ખરેખર ડૉ. બાબાસાહેબ આંબેડકર સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારાના સમર્થક હતા ખરા?
આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે અતિત તરફ દ્રષ્ટિ કરવી અનિવાર્ય છે. ભૂતકાળમાં સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારા ધરાવતા પક્ષે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે કરેલો વ્યવહાર તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્વયં શું કહેતાં હતાં એ જોવું અને જાણવું જોઈએ.
1937માં મહારાષ્ટ્રના સતારામાં આંબેડકરનું ભાષણ
1937માં હાલના મહારાષ્ટ્રના સાતારા જીલ્લાના મસૂર ગામમાં એક સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, “હું કોમ્યુનિસ્ટોનો પાક્કો દુશ્મન છું. કોમ્યુનિસ્ટોએ પોતાના રાજકીય લક્ષ્યો પાર પાડવા માટે મજૂરોનું શોષણ કર્યું છે.” તેમણે કોમ્યુનિસ્ટ વિચારધારાને દલિત વર્ગ માટે સૌથી વધુ ખતરનાક ગણાવી હતી. આમ જોઈ શકાય છે કે આંબેડકર અને સામ્યવાદ બંને વચ્ચે કોઈ સામ્યતા છે જ નહીં.
It is absolutely IMPOSSIBLE for me to keep relations with the communists. I am an implacable ENEMY of the Communists. – BR Ambedkar
— Anand Ranganathan (@ARanganathan72) February 28, 2018
Dr Ambedkar on Communism. Direct. DEVASTATING.
Do read my column: https://t.co/sPef98zxce pic.twitter.com/PH5ZOn2ELA
બંધારણમાં સામ્યવાદ અને સમાજવાદનો વિરોધ કરતાં આંબેડકર
સમાજવાદી (Socialist), સામ્યવાદી (Communist) ભારતીય બંધારણનો વિરોધ કરવામાં સૌથી આગળ અને તીવ્ર હતા. આ બાબતે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે “છેલ્લા બે ક્વાર્ટરથી બંધારણની સૌથી વધુ નિંદા સામ્યવાદી પક્ષ અને સમાજવાદી પાર્ટી તરફથી થઈ રહી છે.”
સામ્યવાદી પક્ષ અને સમાજવાદી પાર્ટીનો સંવિધાનનો (Constitution) વિરોધ શા માટે કરે છે તે જણાવતા ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, “તેઓ શા માટે બંધારણની નિંદા કરે છે ? શું ખરેખર એ વિરોધ કરી શકે એટલું ખરાબ બંધારણ છે? હું એ સાહસપૂર્વક કહી શકું છું કે ના એવું નથી. તેઓ બંધારણનો વિરોધ એટલા માટે કરે છે કારણકે સંસદીય લોકશાહીના સિદ્ધાંત પર આધારિત છે, જ્યારે સામ્યવાદી પાર્ટી બંધારણનો આધાર સર્વહારાની સરમુખત્યારશાહીના સિદ્ધાંત પર આધારિત હોય એવું ઈચ્છે છે. કોમ્યુનિસ્ટો બે બાબતોની ઈચ્છા રાખે છે. પ્રથમ બાબત, તેઓ ઈચ્છે છે કે સંવિધાન સ્વતંત્રતા આપે તેથી જો તેઓ સત્તા પર આવે તો કોઈપણ પ્રકારનું વળતર ચુકવ્યા વગર ખાનગી સંપત્તિઓનું રાષ્ટ્રીયકરણ, સામાજિકરણ કરી શકે. બીજી બાબત સોશ્યાલિસ્ટ અને સામ્યવાદીઓ ઈચ્છે છે કે સંવિધાનમાં પાયાગત, મૌલિક અધિકારો આપવામાં આવ્યા છે તે કોઈ પણ પ્રકારની મર્યાદા વગરના તથા અનિયંત્રિત હોવા જોઈએ તેથી જો તેઓ સત્તા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે તો તેઓ આ નિરંકુશ અધિકારોનો ઉપયોગ વિરોધ કરવા તથા રાજ્યને ઉથલાવી દેવા માટે કરી શકે.”.
1952ની ચુંટણીમાં ભારતીય કોમ્યુનિસ્ટ (સામ્યવાદી)પાર્ટીના સ્થાપક સભ્ય એવા શ્રીપદ અમૃત ડાંગે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિરૂદ્ધ ચુંટણી લડી રહ્યા હતા તેમણે તેમનાં સમર્થકોને એવી અપીલ કરી હતી કે “તમારો મત ડૉ. આંબેડકર ને આપવા ને બદલે મધ્ય મુંબઈની અનામત સીટ માટે મત આપીને બગાડજો.” દુર્ભાગ્યે સામ્યવાદી પક્ષની દગાબાજી કામ કરી ગઈ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ખરેખર ચુંટણી ના જીતી શક્યા, અને ડૉ. આંબેડકરે ચુંટણીના પરિણામો તથા પોતે ના જીતી શક્યા તે માટે સામ્યવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા.
આ ઘટનાઓ જોતાં સ્પષ્ટ થાય છે કે ડૉ. બાબાસાહેબના સંવિધાનનો તથા સંવિધાનમાં સ્વીકાર કરાયેલી સંસદીય લોકશાહીનો વિરોધ સામ્યવાદીઓએ કર્યો હતો. ચુંટણીમાં દગાબાજી કરીને ડૉ બાબાસાહેબ આંબેડકરને હરાવ્યા હતા. આવા સામ્યવાદીઓ, સોશ્યલિસ્ટો, ડાબેરીઓ, માર્કસવાદીઓ તથા એમના સમર્થક પત્રકારો, સમિક્ષકો, ઈતિહાસકારો આજે શા માટે ડૉ. બાબાસાહેબ એમના સમર્થક હતા એવું પ્રસ્થાપિત કરવા રાત-દિવસ એક કરીને એડીથી ચોટીનું જોર લગાવી રહ્યા છે એ ખરેખર શંકાસ્પદ છે. કેમ કે બાબાસાહબે તો સ્વયં બંધારણના આમુખમાં સામ્યવાદી અને સમાજવાદી શબ્દોનો સમાવેશ કરવાનો સખત વિરોધ કર્યો હતો.
આંબેડકરનું કાઠમાંડુનું ઐતિહાસિક વ્યાખ્યાન, જ્યાં એમણે સામ્યવાદને ઉઘાડું પાડ્યું
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 20મી નવેમ્બર 1956ના દિવસે નેપાળના કાઠમંડુમાં યોજાયેલી “વર્લ્ડ ફેલોશિપ ઓફ બૌદ્ધિષ્ઠ”માં આપેલું ભાષણ આંબેડકર અને સામ્યવાદ વચ્ચેના સંબંધોને સમજવા માટે ખૂબ મહત્વનુ છે. કાઠમંડુના એ ભાષણમાં ખરેખર તો ડૉ. બાબાસાહેબ આંબેડકરે બુદ્ધ અને માર્ક્સની વિચારધારાની તુલના કરી હતી. આ ભાષણમાં ડૉ. આંબેડકરે માર્કસવાદ, સામ્યવાદ, ડાબેરી વિચારધારાનું તલસ્પર્શી અને ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું.
કાઠમંડુનાં ભાષણની શરૂઆતમાં જ ડૉ. બાબાસાહેબ પ્રશ્નો કરે છે કે “કોમ્યુનીઝમનો સિદ્ધાંત શું છે? તે ક્યાંથી શરૂ થાય છે?” આ બંને પ્રશ્નોનો ઉત્તર આપતાં તેઓ જણાવે છે કે “વિશ્વમાં શોષણ થઈ રહ્યું છે, અહીંથી સામ્યવાદની શરૂઆત થાય છે, અને આ શોષણ ગુલામી, દુઃખ, દર્દ ગરીબીમાં પરિણમે છે.” આમ સામ્યવાદના ઉદ્ભવની સમજણ આપ્યા બાદ ફરીથી ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રશ્ન કરે છે, “આ પ્રશ્ન નો કાર્લ માર્ક્સ શું ઉપાયો આપ્યાં છે ?” કાર્લ માર્ક્સે આપેલા ઉપાયો પણ ડૉ. બાબાસાહેબ જ જણાવે છે, “કાર્લ માર્ક્સ કહે છે કે ગરીબીને અટકાવવા માટે, શોષણ રોકવા માટે ખાનગી સંપત્તિ હોવી જ ના જોઈએ, ખાનગી સંપત્તિ,મિલકતોને રોકવી જોઈએ.” પરંતુ અહીં પ્રશ્નએ ઊભો થાય છે કે તો પછી મિલકતોનો માલિકી હક્ક કોની પાસે હોવો જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર કાર્લ માર્ક્સ જણાવે છે કે, “બધી જ મિલકતો રાજ્ય હસ્તક હોવી જોઈએ. ઉત્પાદનના સાધનો, મિલકતો, જમીન રાજ્ય હસ્તક હોવા જોઈએ, ઉદ્યોગો સરકાર હસ્તક હોવા જોઈએ જેથી કોઈ ખાનગી માલિક કર્મચારીના નફામાં ના તો ભાગ પડાવે ના લૂંટ ચલાવી શકે.” કાર્લ માર્ક્સ સરકાર વિશે એવું કહે છે કે ” સરકાર શોષિતો દ્વારા ચાલવી જોઈએ નહીં કે શોષકો દ્વારા અને શોષિતોની સરકારનો અર્થ “સર્વહારા વર્ગની સરમુખત્યારશાહી.”
આમ ભાષણની શરૂઆતના સમયમાં જ ડૉ. બાબાસાહેબ આંબેડકર સામ્યવાદ, માર્કસવાદ, ડાબેરી વિચારધારાનું અંતિમ લક્ષ્ય શું છે એ તાર્કિક રીતે વિસ્તૃત જાણકારી આપીને સ્પષ્ટ કરે છે, પ્રતિપાદિત કરે છે કે “સામ્યવાદીઓનું અંતિમ લક્ષ્ય છે સરમુખત્યારશાહી”. અહીં એ ચોક્કસ યાદ રાખવું જોઈએ કે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંસદીય લોકશાહીના પ્રખર સમર્થક હતા.
કાઠમંડુના પોતાના ભાષણમાં ડૉ. બાબાસાહેબ સામ્યવાદીઓના બેવડાં ધોરણોને પણ ઉઘાડાં પાડે છે. બાબાસાહેબ સામ્યવાદીઓ વિશે જણાવે છે કે, “સામ્યવાદીઓ સ્વયં આ બાબતનો સ્વીકાર કરે છે કે એક ‘સ્થાયી સરમુખત્યારશાહી’ નો તેમનો સિદ્ધાંત તેમના રાજનીતિક દર્શનની કમજોરી છે.” ડાબેરીઓ, સામ્યવાદીઓ આગળ શું કહે છે એ વિશે બોલતા ડૉ. બાબાસાહેબ આંબેડકર જણાવે છે કે “તેઓ એવાં તર્કનો સહારો લે છે કે અંતે રાજ્ય સમાપ્ત થઈ જશે.”
રાજ્ય સમાપ્ત થઈ જશે એવા તર્ક સામે ડૉ. આંબેડકર બે પ્રશ્નો ઉપસ્થિત કરે છે, 1. રાજ્ય ક્યારે સમાપ્ત થશે? અને 2. જ્યારે રાજ્ય સમાપ્ત થઈ જશે ત્યારે એને સ્થાને કોણ આવશે? સામ્યવાદીઓ પ્રથમ પ્રશ્ન સામે કોઈ નિશ્ચિત સમય નથી જણાવતા. લોકશાહીના પ્રખર સમર્થક ડૉ. આંબેડકર સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારા ઉપર (કદાચ રશિયાની ક્રાંતિ વખતનો ભીષણ રક્તપાત તથા સરમુખત્યારશાહી એમના ધ્યાનમાં હશે) એવો ગંભીર પ્રશ્ન ઉભો કરે છે, ” લોકશાહીને સુરક્ષિત કરવા ટુંકાગાળા માટે કદાચ સરમુખત્યારશાહી સારી હોઈ શકે છે, આવકાર્ય ગણી શકાય પરંતુ સરમુખત્યારશાહી પોતાનું કાર્ય પૂર્ણ કરીને, લોકશાહીના રસ્તામાં આવતી મુશ્કેલીઓ, રોડાઓ દૂર કર્યા બાદ દૂર કેમ નથી થઈ જતી ?” ડૉ. આંબેડકરે ઊભા કરેલા આ પ્રશ્નથી એટલું સ્વયં સ્પષ્ટ થાય છે કે બાબાસાહેબ એવું ચોક્કસ માને છે કે સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારાનું અંતિમ લક્ષ્ય સરમુખત્યારશાહી જ છે. અહીં સમજદાર વ્યક્તિ એટલું સરળતાથી સમજી શકે છે કે જેનું અંતિમ લક્ષ્ય સરમુખત્યારશાહી જ છે એવી વિચારધારાનું સમર્થન લોકશાહીના આગ્રહી એવા ડૉ. બાબાસાહેબ ના જ કરી શકે.
કાઠમંડુમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાષણ સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારા વિશેના એમના વિચારોનો જીવંત દસ્તાવેજ છે. આ ભાષણમાં બાબાસાહેબ આગળ કહે છે કે, “સામ્યવાદીઓએ આ (લેખમાં ઉપર જણાવેલાં) પ્રશ્નોનાં કોઈ જ ઉત્તર નથી આપ્યાં. ‘જ્યારે રાજ્ય સમાપ્ત થઈ જશે ત્યારે એનાં સ્થાને કોણ આવશે?’ આ પ્રશ્ન નો કોઈ જ પ્રકારનો સંતોષજનક ઉત્તર સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારાએ નથી આપ્યો. યદ્યપિ, રાજ્ય ક્યારે સમાપ્ત થશે ? આ પ્રશ્ન કરતાં પણ વધુ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે. શું રાજ્ય સમાપ્ત થતાં અરાજકતા આવશે? જો એવું થશે તો સામ્યવાદી રાજ્ય એક નિરર્થક પ્રયાસ છે.” અહીં ડૉ. આંબેડકર સામ્યવાદી વિચારને એક નિરર્થક પ્રયાસ તરીકે વર્ણવે છે. “જો સામ્યવાદને બળપ્રયોગ વગર લાવી નથી શકાતો, બળપ્રયોગ વગર ટકાવી નથી શકાતો અને એનું પરિણામ અરાજકતા છે તો સામ્યવાદથી શું લાભ?” ભાષણ દરમિયાનના આ અવતરણથી એટલું સિદ્ધ થાય છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંવિધાન દ્વારા પ્રસ્થાપિત સંસદીય લોકશાહી સંચાલિત રાજ્યના પ્રખર સમર્થક અને સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારાનું પરિણામ ‘સ્થાયી સરમુખત્યારશાહી અને અરાજકતા’ છે જે સહેજ પણ લાભદાયક નથી.
1956ના કાઠમંડુના ભાષણ દરમિયાન સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી વિચારધારા વિશે પોતાના વિચારો દ્રઢતાપૂર્વક અને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરતા ડૉ. આંબેડકર આગળ જણાવેલી વિગત કે ‘સામ્યવાદ, ડાબેરી, માર્કસવાદની સ્થાપના તથા ટકાવી રાખવો બળ પ્રયોગ વગર શક્ય નથી’, આ બાબતનું વિસ્તૃતિકરણ કરતાં કહે છે કે, “કોઈ પણ પ્રકારનાં બળપ્રયોગને હટાવી લીધા બાદ જે બચે છે એ ફકત ધર્મ છે.” 1956માં ડૉ. આંબેડકરે આ શબ્દો કેટલાં સચોટ, દૂરંદેશી હતાં તથા એમનું સામ્યવાદ, ડાબેરી, માર્કસવાદનું અધ્યયન, નિરીક્ષણ કેટલું સુક્ષ્મ હતું એનો પુરાવો 1991માં જ્યારે સોવિયેત રશિયામાંથી સામ્યવાદનું પતન થતાં ત્યાંની જનતાએ સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી નેતાઓના પુતળાઓનો સામુહિક રીતે ધ્વંશ કર્યાં, એક વખતની વૈશ્વિક મહાસત્તા સોવિયેત રશિયામાં ચોતરફ અરાજકતા ફેલાઈ ગઈ અને વર્ષોનો બળ પ્રયોગ દૂર થતા જ જનતા પોતપોતાના ધર્મ તરફ પરત ફરી, જુના ચર્ચો તથા અન્ય ધર્મોનાં સ્થાનકો તરફ લોકો અગ્રેસર થયા ત્યારે જોવા મળ્યો.
“બળપ્રયોગ હટાવ્યા બાદ જે બચે છે તથા બચાવી શકે એ માત્ર ધર્મ જ છે.” પરંતુ સામ્યવાદીઓની દ્રષ્ટીમાં ધર્મ એ અભિશાપ છે, સ્વયં કાર્લ માર્ક્સ ધર્મને અફીણનો દરજ્જો આપી ચુક્યા છે. ધર્મ પ્રત્યે સામ્યવાદીઓમાં ઘૃણા એટલી ઊંડી છે કે તેઓ એમને સહાયક અને વિરોધી એવા ધર્મો વચ્ચેનો ભેદ પણ નથી સમજી શકતા કે નથી કરતા. સામ્યવાદીઓ એમની ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની ઘૃણાને બૌદ્ધ ધર્મ સુધી લઈ આવે છે.
ડૉ. આંબેડકર એ વખતના રશિયાનું ઉદાહરણ લઈને કહે છે કે “એવો દાવો કરવામાં આવે છે કે રુસમાં સામ્યવાદી સરમુખત્યારશાહીના કારણે આશ્ચર્યજનક ઉપલબ્ધિઓ મેળવી છે જેને નકારી ના શકાય, એટલાં માટે હું કહું છું કે રુસી સરમુખત્યારશાહી બધાં પછાત દેશો માટે સારી તથા હિતકારી હશે પરંતુ સ્થાયી સરમુખત્યારશાહી માટે કોઈ જ તર્ક નથી.” અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદીનાં અંતિમ લક્ષ્ય સરમુખત્યારશાહી જ છે એનું વારંવાર સ્મરણ કરે છે તથા સ્પષ્ટતા પણ કરે છે કે સરમુખત્યારશાહીના સમર્થન માટે કોઈ જ તર્ક નથી.
આ ભાષણમાં ડૉ. બાબાસાહેબ સામ્યવાદી વિચારધારાનો માનવતા માટે શું અભિપ્રાય છે એની ચર્ચા કરતાં જણાવ્યું કે “માનવતા માટે માત્ર આર્થિક મૂલ્યોની જ આવશ્યકતા નથી હોતી પરંતુ આધ્યાત્મિક મૂલ્યોને સાચવી રાખવાની પણ આવશ્યકતા હોય છે. સ્થાયી સરમુખત્યારશાહી એ આધ્યાત્મિક મૂલ્યો તરફ કોઈ જ ધ્યાન નથી આપ્યું અને તે ધ્યાન આપવા ઈચ્છા પણ ધરાવતી નથી. કાર્લાઈલે તો રાજનીતિક અર્થશાસ્ત્રને ‘સૂઅર દર્શન’ ની સંજ્ઞા આપી છે, વાસ્તવિક રૂપે કાર્લાઈલનું કહેવું ખોટું છે, કારણકે માનવોની ભૌતિક સુખો માટેની ઈચ્છા તો હોય જ છે પરંતુ સામ્યવાદી દર્શન સમાનરૂપે ખોટું પ્રતિત થાય છે, કારણકે તેમનાં (સામ્યવાદીઓના) દર્શનનો ઉદ્દેશ સૂઅરોને જાડા બનાવવા હોય એવું પ્રતિત થાય છે જાણે માણસો સૂઅર જેવા હોય. મનુષ્ય નો વિકાસ ભૌતિક રૂપની સાથે સાથે આધ્યાત્મિક રૂપથી પણ થવો જોઈએ. સમાજનું લક્ષ્ય એક નવો પાયો ચણવાનું છે, રહ્યું છે. તેથી ફ્રાંસની ક્રાંતિને સંક્ષેપમાં ત્રણ શબ્દોમાં ભ્રાતૃત્વ, સ્વતંત્રતા તથા સમાનતા કહેવાય છે. આપણે રુસી ક્રાંતિનું સ્વાગત કરીએ છીએ કારણકે તેનું લક્ષ્ય સમાનતા લાવવાનું છે પરંતુ સમાનતા લાવવા માટે સમાજમાંથી સ્વતંત્રતા કે બંધુત્વ (ભ્રાતૃત્વ) નું બલિદાન લેવાઈ જાય એ બાબતને જોર ના જ આપી શકાય. સ્વતંત્રતા અને બંધુત્વ (ભ્રાતૃત્વ) વગર સમાનતા નું કોઈ જ મૂલ્ય નથી. સમાજમાં સ્વતંત્રતા, બંધુત્વ (ભ્રાતૃત્વ) અને સમાનતા ત્રણેય સાથે વિદ્યમાન રહેવી જરૂરી છે અને સામ્યવાદીઓ બંધુત્વ (ભ્રાતૃત્વ) અને સ્વતંત્રતાના ભોગે માત્ર એક જ સમાનતા આપી શકે છે જે સ્વીકાર્યના જ ગણી શકાય.”‘ અહીં ડૉ. આંબેડકર સ્પષ્ટ કરે છે કે સામ્યવાદીઓ સ્વતંત્રતા આપી શકે પરંતુ સમાનતા તથા બંધુત્વ પણ આપી શકતા નથી અને બંનેનું બલિદાન લઈ લે છે.
ડૉ. બાબાસાહેબ જણાવે છે કે, “એ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ કે માર્કસવાદી સિદ્ધાંતના મૌલિક સંગ્રહમાંથી કેટલાનું અસ્તિત્વ બચ્યું છે? ઈતિહાસ દ્વારા કેટલી બાબતોને જુઠ, અસત્ય સાબિત કરી દેવામાં આવી છે? એમના વિરોધીઓ દ્વારા નિરર્થક કરી દેવામાં આવી છે? સામ્યવાદી, ડાબેરી, માર્કસવાદી સિદ્ધાંતને ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારથી જ એની ખુબ જ આલોચના કરવામાં આવી રહી છે. આ આલોચનાઓનાં કારણે જ કાર્લ માર્ક્સ દ્વારા પ્રસ્તુત વિચારધારાનો મોટોભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. એમાં કોઈ જ શંકા નથી કે માર્ક્સનો એવો દાવો કે ‘એનો સામ્યવાદ અપરિહાર્ય છે’, જે સંપૂર્ણપણે અસત્ય, જુઠો સાબિત થઇ ચુક્યો છે. સર્વહારા વર્ગની સરમુખત્યારશાહી દાસ કેપિટલ પ્રકાશિત થયાના સિત્તેર વર્ષ બાદ માત્ર એક જ દેશમાં સ્થાપિત થઈ શકી હતી. ત્યાં સુધી કે સામ્યવાદ કે જે સર્વહારા વર્ગની સરમુખત્યારશાહીનું બીજું નામ છે તે જ્યારે રશિયામાં આવ્યો ત્યારે ભયંકર રક્તપાત થયો.”
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1956 માં કહ્યું હતું, “આજે પણ શેષ વિશ્વમાં સર્વહારા વર્ગની સરમુખત્યારશાહીની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. બીજા અર્થમાં સામ્યવાદ સમાજ માટે સમાપ્ત થઈ ગયો છે, સમાજે સામ્યવાદનો સ્વીકાર કર્યો નથી એ આજે પણ એટલું જ પ્રસ્તુત, સુસંગત અને વાસ્તવિક દેખાય છે.” ઉપરાંત ડૉ. બાબાસાહેબ આંબેડકર જણાવે છે કે, ” ‘માર્કસવાદનું કહેવું કે સમાજવાદ અપરિહાર્ય છે’, એના આ સિદ્ધાંતના જુઠા પડવાની સાથે સાથે સામ્યવાદમાં વર્ણિત અનેક વિચારો પણ અનુભવ સાથે ધ્વસ્ત થઈ ચુક્યા છે. હવે કોઈ પણ વ્યક્તિ ઈતિહાસની આર્થિક વ્યાખ્યાને જ ઈતિહાસની કેવળ એકમાત્ર પરિભાષા તરીકે સ્વીકાર નથી કરતો. આ વાતને કોઈ જ નથી સ્વીકારતા કે સર્વહારા વર્ગને ઉત્તરોત્તર કંગાળ બનાવવામાં આવી રહ્યો છે. આવું જ એના બીજા તર્કના સંબંધમાં પણ સાચું જ છે.”
(અહિયાં આંબેડકર અને સામ્યવાદ વચ્ચેનો સંબંધ દર્શાવવા વપરાયેલ ડો. આંબેડકરના ભાષણના દરેક વાક્યો અને શબ્દો ‘બાબાસાહેબ ડો. આંબેડકર સંપૂર્ણ વાડ્મય’, વોલ્યુમ 40, પાનાં નં. 474 થી શરૂ થતાં ચેપ્ટર बुद्ध या कार्ल मार्क्स માથી લેવામાં આવેલ છે.)
1955ના ડો. આંબેડકરના ડી.એ.વી. કોલેજના ભાષણના અંશ
સમગ્રતયા જોવા જઈએ તો એવું સ્પષ્ટ છે કે 1956માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામ્યવાદી વિચારધારા વિશે પોતાના વિચારો દ્રઢતાપૂર્વક રજૂ કર્યા છે અને એમાં એટલું સ્પષ્ટ થાય છે કે બાબાસાહેબ સામ્યવાદ, ડાબેરી, માર્કસવાદનું સમર્થન કરતા નથી.
આમ ડૉ. બાબાસાહેબ આંબેડકર બહુમુખી પ્રતિભા હતી એ તો સૌ જાણે જ છે. આંબેડકરની વૈચારિક દ્રઢતા તથા સ્પષ્ટતાનું પ્રતિબિંબ એમના ભાષણો, એમણે લખેલા પુસ્તકો, લેખોમાં જોઈ, વાંચી અને સમજી શકાય છે. ભારતની સમસ્યાઓના એમણે સુચવેલા ઉકેલો આજે પણ પ્રસ્તુત અને સુસંગત છે. સમગ્ર દેશમાં ઐક્ય આવે, એકતા આવે અને ભારત વિશ્વ સત્તા બને તે એમનું સ્વપ્ન હતું. આ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો મુજબ દરેક ભારતીય વચ્ચે મજબૂત સંબંધ નિર્માણ થવો જોઈએ અને આ સંબંધ નિર્માણ હેતુ જ એમણે ભારતીય સંવિધાનમાં “બંધુત્વ” ના સિદ્ધાંતનો સમાવેશ કરીને પ્રતિપાદિત કર્યું છે.. આંબેડકર અને સામ્યવાદ એ એવી બે તલવાર છે જે એક મ્યાનમાં રહી જ ન શકે. આ વાત ખુદ આંબેડકરે પોતાના જીવનકાળમાં અનેકવાર કહી હતી.
અંતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે 28 ઓક્ટોબર 1951માં ડી.એ.વી. કોલેજ જલંધરમાં છાત્ર સંસદમાં છાત્રો સમક્ષ આપેલાં ભાષણનો અંશ,
“આ દેશમાં લોકશાહી નિષ્ફળ જશે તો, બળવો, અરાજકતા, અને સામ્યવાદ આવી જશે. આ દેશ વિનાશ તરફ ધકેલાઈ જશે. સામ્યવાદ આવવાથી રશિયાનું આપણા દેશ પર આધિપત્ય સ્થપાઈ જશે જેનાથી વ્યક્તિગત સ્વતંત્રતા અને આપણી આઝાદી ખતમ થઈ જશે. આથી સંસદીય લોકતંત્રની રક્ષા માટે ભરપૂર પ્રયત્ન કરવા જોઈએ.”