Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશ'ભારત G7નું સભ્ય નથી તો મોદી ઈટલી ગયા જ શું કામ?': વૈશ્વિક...

    ‘ભારત G7નું સભ્ય નથી તો મોદી ઈટલી ગયા જ શું કામ?’: વૈશ્વિક ફલક પર ભારતીય PMને મળતું માન જોઈને કોંગ્રેસી નેતા ભડકે બળ્યા; અહીં જાણો આ પ્રવાસથી દેશને શું મળ્યું

    વિરોધીઓને તે નથી દેખાતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતના વધતા જતા કદ અને સ્થાનને જોતાં છેલ્લાં 5 વર્ષથી સતત ભારતને આમંત્રિત દેશ તરીકે સામેલ કરવામાં આવે છે. ગયા વર્ષે જાપાનમાં G7 સમિટ યોજાઈ ત્યારે પણ ભારતને આમંત્રણ હતું અને પીએમ મોદીએ તેમાં ભાગ લીધો હતો.

    - Advertisement -

    તાજેતરમાં ઈટલી ખાતે G7 સમિટ યોજાઈ હતી. દરમિયાન સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી રહેલા નરેદ્ર મોદીને પણ સમિટમાં મુખ્ય મહેમાન તરીકે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણને માન આપીને પીએમ મોદી ઈટલી જઈને વિશ્વના અગ્રણી નેતાઓની મુલાકાત લીધી હતી. દરમિયાન અનેક નેતાઓ સાથે તેમની દ્વિપક્ષી બેઠકો પણ થઈ અને તેના પરિણામ સ્વરૂપે અનેક દેશો સાથે ભારતના આર્થિક અને મૈત્રીસંબંધો વધુ મજબૂત બન્યા છે. પરંતુ જ્યારથી વડાપ્રધાન મોદીને G7નું આમંત્રણ મળ્યું અને તેઓ ઈટલી પ્રવાસે જઈને આવ્યા, ત્યારથી વિરોધીઓને પેટમાં શૂળ ઉભું થયું છે. કોંગ્રેસી નેતાઓ હોય કે મોદી વિરોધી માનસિકતાવાળા લોકો, તમામ પીએમ મોદીના આ પ્રવાસ પર સવાલો ઉભા કરી રહ્યા છે.

    વિરોધ કરવાવાળા લોકોમાં એક નામ કોંગ્રેસી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતનું પણ છે. આ એજ સુપ્રિયા છે જેઓ વિરોધ કરવા દરમિયાન અભદ્ર ભાષાનો પ્રયોગ અને અપમાનભર્યા તોછડાઈવાળા વર્તન કરવા માટે કુખ્યાત છે. જેમણે કંગના રનૌતને ભાજપે મંડીથી લોકસભા ટિકિટ આપતા સોશિયલ મીડિયામાં ‘મંડીમાં #ડીનો શું ભાવ છે’ જેવી અભદ્ર પોસ્ટ મૂકી હતી. હવે આ જ સુપ્રિયા શ્રીનેતને પીએમ મોદીના G7માં શામેલ થવાથી વાંધો છે. તેમણે પોતાના X અને ઈન્સ્ટાગ્રામ પર ‘નરેન્દ્ર મોદી ઈટલી કેમ ગયા હતા’ના મથાળા સાથે લાંબી લચક પોસ્ટ મૂકી છે. આજે આ લેખ દ્વારા તેમના આ મુદ્દાસર સવાલોના તીખા પણ વાસ્તવિક જવાબ આપીશું.

    ભારત G7નું સભ્ય ન હોવા છતાં પીએમ મોદીને આમંત્રણ મળ્યું તેની બળતરા?

    તેમનો પ્રશ્ન છે કે નરેન્દ્ર મોદી ઈટલી ગયા શા માટે અને પ્રથમ મુદ્દો છે કે આપણે (ભારત) G7નો સભ્ય દેશ નથી, તો માન્યું કે ભારત G7નો ભાગ નથી. તેમાં અમેરિકા, ફ્રાન્સ, ઈટલી, જાપાન, કેનેડા, જર્મની અને UK તેમજ યુરોપિયન યુનિયન- કે જેઓ મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે તેઓ જ શામેલ છે. વિરોધીઓને તે નથી દેખાતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતના વધતા જતા કદ અને સ્થાનને જોતાં છેલ્લાં 5 વર્ષથી સતત ભારતને આમંત્રિત દેશ તરીકે સામેલ કરવામાં આવે છે. ગયા વર્ષે જાપાનમાં G7 સમિટ યોજાઈ ત્યારે પણ ભારતને આમંત્રણ હતું અને પીએમ મોદીએ તેમાં ભાગ લીધો હતો. એવી રીતે આ વર્ષે ઈટલી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે આમંત્રણને માન આપીને વડાપ્રધાન મોદી G7માં ભાગ લેવા ઈટલી પહોંચ્યા હતા. તો શું કોંગ્રેસના નેતા સુપ્રિયને તેની બળતરા છે કે પીએમ મોદીને ફરી G7નું આમંત્રણ મળ્યું?

    - Advertisement -

    આગળના મુદ્દામાં સુપ્રીયાનું કહેવું છે કે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રાધ્યક્ષ સાથે કોઈ મોટી બેઠક નથી કરી, કે પછી કોઈ મોટી સંધિ કે સોદા નથી થયા. તો કદાચ સુપ્રિયા તે ભૂલી ગયા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7માં સામેલ દેશોના લગભગ બધાજ મોટા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી છે. સુપ્રિયા શ્રીનેતને તે કદાચ ધ્યાનબહાર રહી ગયું હશે કે દરેક રાષ્ટ્રાધ્યક્ષની મુલાકાત બાદ તેમના વચ્ચે થયેલી અત્યંત મહત્વપૂર્ણ વાત આખું વિશ્વ જાણે છે.

    આ પ્રવાસ દરમિયાન વડાપ્રધા મોદીએ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન અને કેનેડીયન PM જસ્ટિન ટ્રૂડો, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકી, ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. દરમિયાન તેમણે પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે જાણીએ કયા નેતા સાથેની દ્વિપક્ષીય બેઠક ભારત માટે તે કેટલી લાભદાયી છે.

    પીએમ મેલોની સાથે મુલાકાત અને ભારત અને ઈટલી વચ્ચે રણનૈતિક ભાગીદારી પર વાત

    વડાપ્રધાન મોદીના ઈટલીના આ પ્રવાસ દરમિયાન તેમણે ત્યાના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ બેઠકમાં બંને દેશોના વડાપ્રધાન વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. પીએમ મોદી અને તેમના ઈટાલીયન સમકક્ષ મેલોની વચ્ચે દ્વિપક્ષીય રણનૈતિક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા થઈ. બંને નેતાઓએ ભારત અને પશ્ચિમી એશિયા-યુરોપની આર્થિક બાબતો સહિત વૈશ્વિક મંચ તેમજ બહુપક્ષીય પ્રસ્તાવોમાં સહયોગ વધુ મજબુત કરવા પર સહમતી દર્શાવી.

    આ મામલે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને નેતાઓએ હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે સમાન દૃષ્ટિકોણ પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી. આર્થિક દિશામાં બંને દેશોને આગળ વધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે મુક્ત અને સ્વતંત્ર હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર થયેલી ચર્ચા ભારતના પાડોશી દેશ ચીન દ્વારા ચલાવવામાં આવતી આક્રમક ગતિવિધિઓના દૃષ્ટિકોણથી કેટલી મહત્વની છે તેનાથી કદાચ સુપ્રિયા શ્રીનેત અજાણ હશે એટલે તેઓ સોશિયલ મીડિયામાં આ પ્રકારે વાત કરી રહ્યા છે.

    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત, રક્ષા સહયોગ વધારવા અને મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા પહેલ

    આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી. આ બેઠકમાં બંને નેતાઓએ પરસ્પર રક્ષા સહયોગ વધારવા માટે ચર્ચા-વિચારણા કરી. આ દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશોએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પણ આગળ ધપાવવા પરસ્પર સહમતી દર્શાવી છે. બાને નેતાઓ વચ્ચે મજબૂત દ્વિપક્ષીય રણનૈતિક ભાગીદારીની મહત્તા પર પણ જોર આપવામાં આવ્યું.

    અહીં તે ન ભૂલવું જોઈએ કે યુરોપીયન દેશોમાં ફ્રાંસને ભારતનું સહુથી નજીકનું મિત્ર માનવામાં આવે છે. રક્ષા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધ જગજાહેર છે, પરંતુ કદાચ સુપ્રિયા શ્રીનેત તેનાથી અજાણ હશે. વાત નીકળી જ છે તો જણાવી દઈએ કે ભારત અને ફ્રાંસ વચ્ચે વર્ષ 2016માં 36 અધ્યતન રાફેલ ફાઈટર જેટ માટે સોદો થયો હતો અને વર્તમાનમાં વાયુસેના માટે વધુ 26 રાફેલ જેટ ખરીદવા માટે વાટાઘાટો ચાલી રહી છે. તેવામાં G7 દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચેની આ મુલાકાત ભારતના સીમાડાઓને મજબૂત કરવા કેટલી મહત્વપૂર્ણ હોઈ શકે તે બાળમંદિરના બાળકને પણ સરળતાથી સમજાઈ જાય.

    જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય ચર્ચા અને તેનું મહત્વ

    આ જ પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરી. દરમિયાન જાપાનના વડાપ્રધાને પીએમ મોદીને સતત ત્રીજીવાર વડાપ્રધાન બનવા પર વધામણાં આપ્યા. જાપાનના પીએમએ બેઠકમાં સ્પષ્ટ કરી દીધું કે ભાજપ અને પીએમ મોદીના આ ત્રીજા કાર્યકાળમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પહેલાની જેમ જ પ્રાથમિકતા મળતી રહશે. નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ ભારત સાથેના જાપાન સાથેના સંબંધો પણ જગજાહેર છે. બંને દેશોના નેતાઓએ વિશેષ રણનૈતિક ભાગીદારી અને પોતાના સંબંધોના 10 વર્ષ દરમિયાન થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને નેતાઓએ B2B તેમજ P2P સહયોગ વધુ મજબુત કરવાની દિશામાં ચર્ચા કરી.

    કોંગ્રેસના પ્રવક્તા આ પોસ્ટ કરવા દરમિયાન તે ભૂલી ગયા હશે કે ભારત અને જાપાન અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં એક બીજાનો સહયોગ કરી રહ્યા છે. એક ઉદાહરણ આપીએ તો દેશમાં પ્રથમ વાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. વર્ષ 2022-2027 વચ્ચે જાપાન ભારતમાં 5 ટ્રિલિયન યેન ઇન્વેસ્ટ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. બંને દેશો વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીથી અને દેશમાં નવા રોકાણોથી ભારતને કેવડી આર્થિક મજબૂતી મળશે અને કેવડા દરજ્જે રોજગારો ઉભા થશે, તે આ કોંગ્રેસી નેતાઓની કલ્પના બહારની વાત છે.

    કેનેડા સાથેની ખટપટ વચ્ચે પીએમ ટ્રૂડો સાથેની દ્વિપક્ષીય બેઠક કેટલી મહત્વની?

    ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી છે. ખાલિસ્તાન સમર્થક લોકોને છાવરવા અને એક ખાલિસ્તાન સમર્થકની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેની મુલાકાત ખૂબ જ ખાસ રહી. આ બેઠક પર આખા વિશ્વની નજર હતી તેમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. કેનેડીયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આ દ્વિપક્ષીય બેઠકને લઈને કહ્યું હતું કે G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બાદ તેઓ કેટલાક “ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ” ને હલ કરવા માટે ભારત સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

    ટ્રુડોએ જી -7 સમિટના અંતે મીડિયાને જણાવ્યું હતું કે, “હું તે મુદ્દાઓના ઊંડાણમાં તો નહીં જાઉં, પરંતુ બંને દેશો તેના પર કામ કરશે એ આવનારા સમયમાં કેટલાક અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ હલ કરવા માટે અમે સાથે કામ કરવા પ્રતિબદ્ધ છીએ.” હવે આ ‘મહત્વપૂર્ણ મુદ્દાઓ’ શું હોઈ શકે તે જગજાહેર છે. કેનેડામાં કેટલા ભારતીયો વસે છે અને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તેમજ ત્યાંથી ચાલી રહેલા ખાલિસ્તાન સમર્થનની મુવમેન્ટ મામલે ટ્રુડોની આ ટીપ્પણી મહત્વની સાબિત થઈ શકે છે.

    ભારતને કેન્દ્રમાં સ્થાન આપ્યું એટલે કદાચ પેટમાં તેલ રેડાયું

    સોશિયલ મીડિયામાં માત્ર વિરોધ કરીને પોતાના હાઈ કમાન્ડને રાજી રાખવામાં સતત પ્રયત્નશીલ સુપ્રિયા શ્રીનેતને કદાચ તે નથી ખ્યાલ કે, G7 સમિટના અંતે ઔદ્યોગિક દેશોના સમુહે ભારત-પશ્ચિમ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMC) જેવા નક્કર માળખાગત દરખાસ્તોને વધુ પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં સાઉદી અરેબિયા, ભારત, અમેરિકા અને યુરોપ વચ્ચે એશિયા, મધ્ય પૂર્વ અને પશ્ચિમ વચ્ચે જોડાણ સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ રોડ, રેલ અને શિપિંગ નેટવર્કની કલ્પના કરવામાં આવી રહી છે તે વાતથી પણ સુપ્રિયા અજાણ હોવા જોઈએ.

    ઉપર આપેલી માહિતી સુપ્રિયા દ્વારા કરવામાં આવેલી પોસ્ટથી તદ્દન જૂદી છે અને જગજાહેર છે. પ્રતીત તેવું થઈ રહ્યું છે કે જે પ્રમાણે વિશ્વમાં ભારતનું મહત્વ આંકવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ સમિટ બાદ તમામ સભ્ય દેશો, આમંત્રિત દેશો અને સંસ્થાઓના વડાઓનું ફોટો સેશન યોજવામાં આવ્યું અને સેશન દરમિયાન ભારતને કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું, તે વિરોધીઓને હજમ નથી થઈ રહ્યું. રહી વાત જનાદેશની તો લોકસભા ચૂંટણીમાં ભાજપે સહુથી વધુ મત અને વોટશેર મેળવ્યા છે અને NDA સાથે મળીને સતત ત્રીજી વાર દેશની કમાન સાંભળી રહ્યું છે, માટે જનાદેશ શું હતો તે પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં