Wednesday, April 24, 2024
More
    હોમપેજમંતવ્યતપાસ એજન્સી સમક્ષ હાજરી અને રાજકીય સમર્થકોનું વર્તન: કોંગ્રેસનેતા અને સાંસદ રાહુલ...

    તપાસ એજન્સી સમક્ષ હાજરી અને રાજકીય સમર્થકોનું વર્તન: કોંગ્રેસનેતા અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

    એક સમયે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને SIT દ્વારા તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે ભાજપે સંયમ જાળવ્યો હતો જ્યારે આજે કોંગ્રેસ ED વિરુદ્ધ મોરચો લઈને નીકળી પડી છે જે રાહુલ ગાંધી વિરુદ્ધ તપાસ ચલાવી રહી છે.

    - Advertisement -

    આજે એટ્લે કે 13 જૂનના રોજ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા તે પહેલાં, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ હંગામો કર્યો અને દેશના કાયદાનો અને કેન્દ્રિય તપાસ એજન્સી સામે વિરોધ કર્યો હતો.

    સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) કાર્યાલયની બહારથી કોંગ્રેસના ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ નેતાઓ રાહુલ ગાંધીની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

    અગાઉ, રાહુલ ગાંધી માટે સમર્થન દર્શાવવા પાર્ટી દ્વારા સમગ્ર દિલ્હીમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. શહેરમાં એક મેગા ‘સત્યાગ્રહ’ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દિલ્હી પોલીસે તેના માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસે પાર્ટી હેડક્વાર્ટરથી કેન્દ્રિય તપાસ એજન્સી EDની ઓફિસ સુધી માર્ચનું આયોજન કર્યું હતું. સોમવારે સવારે તપાસ એજન્સીની ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

    - Advertisement -

    તો શું હવે દેશમાં કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો એની તપાસ અને પૂછપરછ કરવી એ ગેરકાયદેસર છે? શું આ પહેલા કોઈ રાજકીય નેતાઓને તપાસ એજન્સીઓએ પૂછપરછ માટે બોલાવ્યા નથી? અને જ્યારે પોતાના નેતા પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય ત્યારે તેનો વિરોધ કરવા ‘સત્યાગ્રહ’ ના નામે સરકારી એજન્સી અને ન્યાયતંત્ર સામે પ્રદર્શનો કરવા કેટલા યોગ્ય છે? આ પ્રકારની ચર્ચા નાગરિકોમાં સાંભળવા મળી હતી.

    આ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. હાલના દેશના પ્રધાનમંત્રીએ અને ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર 2002 કોમી રમખાણો બાદ તેમાં સંમેલિત હોવાના આરોપ લાગ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ SIT રાખવામા આવી હતી જે આ કેસની તપાસ કરી રહી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું.

    ગોધરા રમખાણો પછીના આઠ વર્ષ પછી, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પહેલી વાર 2010માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટીમ દ્વારા હિંસામાં તેમની કથિત ભૂમિકા વિશે બે સત્રોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં એક સત્ર પાંચ કલાકથી વધુ ચાલ્યું હતું. આમ સળંગ 10 કલાકથી વધુ નરેન્દ્ર મોદી સાથે પૂછપરછ કરવામાં આવી હતી. મોદીએ કોઈ પણ જાતના વિરોધ વગર તેમના દરેક સવાલોના જવાબ આપીને તપાસમાં સહયોગ કર્યો હતો.

    અહિયાં નોંધનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતનાં ચાલુ મુખ્યમંત્રી અને ભાજપના એક દિગ્ગજ નેતા હતા તો પણ કોઈ ભાજપા કાર્યકર્તાઓએ તેમની સાથે કરવામાં આવેલી આ પૂછપરછનો વિરોધ નહોતો કર્યો.

    આજે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનો બાદ આ વાત યાદ કરાવતા એક ભાજપા નેતાએ ન્યુઝ18 ને કહ્યું હતું કે, “ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતનું બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે અને તેનાથી ઉપર કોઈ નથી. તેમણે કહ્યું કે એક નાગરિક અને મુખ્ય પ્રધાન તરીકે, તેઓ કાયદાનું સન્માન કરે છે અને તેમના વર્તનથી એવા લોકોને જવાબ આપવામાં આવ્યો હતો જેમણે તેમના વિશે અફવા ફેલાવી હતી.”

    ગોધરા કાંડ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગઠિત SIT એ 2013માં નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતા ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરતાં કાર્યકર્તાઓ (ફોટો: The Hindu)

    આ કેસમાં છેક 2013માં નરેન્દ્ર મોદીને સુપ્રિમ કોર્ટ દ્વારા રચિત SITએ તમામ આરોપોમાંથી ક્લીનચીટ આપી હતી. અને માત્ર ત્યારે જ ભાજપા કાર્યકર્તાઓએ અમદાવાદ ખાનપુર ખાતેના ભાજપા કાર્યાલય પાસે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

    આમ હાલ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ રાહુલ ગાંધીને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલવાતા જે વિરોધ કરે છે તદ્દન ગેરવ્યાજબી ઠરે છે. જો તેમને લાગતું હોય કે રાહુલ ગાંધી નિર્દોષ છે તો તપાસ અને પૂછપરછ થવા દેવી જોઈએ જેથી સત્ય જલ્દી સહુ સામે આવે અને તેમણે પણ ભાજપા કાર્યકર્તાઓની જેમ ઉજવણી કરવાનો અવસર મળે. કે પછી તેમને અણસાર છે કે આ તપાસનું પરિણામ તેમના પક્ષમાં નથી આવવાનું એટ્લે જ તેઓ આ વિરોધનું નાટક કરી રહ્યા છે!

    સત્ય શું છે એ તો સમય જ જણાવશે, હાલ તો રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોચ્યા છે અમુક સવાલોના જવાબ આપવા માટે, હવે જોવાનું એ રહેશે કે આ પૂછપરછમાં શું બહાર આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં