Thursday, November 7, 2024
More
    હોમપેજમંતવ્યમઝહબી કટ્ટરતા સામેની હિંદુઓની ઢાલ દૂર કરવા માંગે છે કોંગ્રેસ?: બજરંગ દળ...

    મઝહબી કટ્ટરતા સામેની હિંદુઓની ઢાલ દૂર કરવા માંગે છે કોંગ્રેસ?: બજરંગ દળ પર પ્રતિબંધનો વાયદો તેની હિંદુ ઘૃણાનું વધુ એક ઉદાહરણ

    એક યાત્રાની સુરક્ષાના સંકલ્પ સાથે ઉભું થયેલું સંગઠન આજે કરોડો હિંદુઓની ઢાલ બની ગયું છે. ઇસ્લામી કટ્ટરતાથી માંડીને હિંદુઓ સામેની અનેક સમસ્યાઓ વિરુદ્ધ વિશ્વ હિંદુ પરિષદ અને RSS જેવાં સંગઠનો સાથે મળીને બજરંગ દળે હંમેશા લડત આપી છે. 

    - Advertisement -

    કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માથે છે. 10 મેએ મતદાન થાય તે પહેલાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આપણે ત્યાં ચૂંટણીઓ પહેલાં પાર્ટીઓ પોતપોતાનાં ઘોષણાપત્રો જાહેર કરે છે, જેમાં જો જે-તે પાર્ટી ચૂંટણી જીતે તો આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં (કે દેશમાં) શું-શું કામો કરશે, કઈ બાબતો પર ભાર આપશે તેનો ચિતાર આપતી હોય છે. કર્ણાટકમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ ઘોષણાપત્રો જાહેર કરી દીધાં છે. 

    કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું અને તેની સાથે દેશને એ પણ જણાવ્યું કે તેઓ હજુ ‘સુધર્યા’ નથી કે પોતાની જૂની નીતિઓ પરથી ક્યાંય આઘાપાછા થયા નથી. ઘોષણાપત્રમાં કોંગ્રેસે ગાઈ-વગાડીને જાહેર કર્યું કે જો તેઓ સત્તામાં આવશે તો બજરંગ દળ જેવાં સંગઠનો પર પ્રતિબંધ મૂકશે. કોંગ્રેસે બજરંગ દળને અને PFI સાથે સરખાવ્યું હતું અને કહ્યું કે આવી વિભાજનકારી શક્તિઓ સામે કડક હાથે કામ લેશે. 

    PFI એ જ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે જેને ગયા વર્ષે કેન્દ્રની મોદી સરકારે બૅન કરી દીધું હતું. પ્રતિબંધિત થયા પહેલાં આ સંગઠને આખા દેશમાં શું ઉત્પાત મચાવ્યો એ જગજાહેર છે. દેશમાં થતી હિંસાઓથી માંડીને અનેક રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં આ સંગઠન સંડોવાયેલું રહ્યું. ગયા વર્ષે કર્ણાટકમાં ભાજપ નેતા પ્રવીણ નેત્તારૂની હત્યા થઇ તેમાં પણ PFIના આતંકવાદીઓ જ જવાબદાર નીકળ્યા હતા. અન્ય કેટલાંક ઠેકાણે હિંસાથી માંડીને અરાજક પ્રવૃત્તિઓમાં આ સંગઠનના માણસોનાં નામો સામે આવતાં રહ્યાં.

    - Advertisement -

    રાષ્ટ્રવિરોધી, હિંદુ વિરોધી પ્રવૃત્તિઓમાં આ સંગઠનનો ઇતિહાસ બહુ જૂનો છે. તેમનો મૂળ ઉદ્દેશ્ય જ છે- વર્ષ 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો. તેઓ આ જ મિશન પર કામ કરતા હતા. દેશભરમાંથી મુસ્લિમ યુવાનોની ભરતી કરવામાં આવતી અને તેમનાં બ્રેન વૉશ કરીને મઝહબી કટ્ટર બનાવાતા. ક્યાંક યોગા ક્લાસના નામે આવા આતંકવાદી કેમ્પ ચલાવવામાં આવતા, જ્યાં જુવાનિયાઓને ગળાં કાપવાથી માંડીને હથિયારો કેમ ચલાવવાં તેની તાલીમ આપવામાં આવતી. 

    PFI અને બજરંગ દળની સરખામણી કરીને શું સાબિત કરવા માંગે છે કોંગ્રેસ?

    એક તરફ PFI છે જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઇસ્લામનું શાસન સ્થાપવાનો છે અને બીજી તરફ બજરંગ દળ છે, જે આ ઇસ્લામી કટ્ટરતા સામે લડતું રહ્યું છે. PFIની ગતિવિધિઓ રાષ્ટ્રવિરોધી છે જ્યારે બજરંગ દળ રાષ્ટ્રહિત માટે અને હિંદુ હિત માટે કામ કરતું સંગઠન છે. જે હિંદુહિત માટે કામ કરતું હોય એ રાષ્ટ્રવિરોધી ક્યારેય ન હોય શકે. બજરંગ દળ અને PFIની સરખામણી કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે એ પૂછાવું જોઈએ.

    રામયાત્રાની રક્ષાના સંકલ્પ સાથે સ્થાપના, અવિરત હિંદુહિત અને રાષ્ટ્રહિત માટે કામ કરતું રહ્યું છે સંગઠન

    બજરંગ દળ એ વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ છે. 1984માં તેની સ્થાપના. ત્યારે વિશ્વ હિંદુ પરિષદે ‘શ્રીરામ જાનકી રથયાત્રા’નું આયોજન કર્યું હતું. આ યાત્રા જ્યારે અયોધ્યામાંથી નીકળી ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારે તેને સુરક્ષા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે યાત્રામાં સામેલ થયેલા સંતોએ યુવાનોને આહવાન કર્યું કે તેઓ તેની સુરક્ષાની જવાબદારી ઉપાડે. સંતોએ કહ્યું કે જે રીતે ભગવાન રામના કાર્ય માટે હનુમાન હંમેશા ખડેપગે રહેતા હતા એ જ રીતે આજના યુગમાં શ્રીરામના આ કાર્ય માટે બજરંગીઓની ટોળી સતત હાજર રહે. આ સંકલ્પ સાથે 8 ઓક્ટોબર, 1984ના રોજ બજરંગ દળની સ્થાપના થઇ. 

    એક યાત્રાની સુરક્ષાના સંકલ્પ સાથે ઉભું થયેલું સંગઠન આજે કરોડો હિંદુઓની ઢાલ બની ગયું છે. ઇસ્લામી કટ્ટરતાથી માંડીને હિંદુઓ સામેની અનેક સમસ્યાઓ વિરુદ્ધ વિશ્વ હિંદુ પરિષદ અને RSS જેવાં સંગઠનો સાથે મળીને બજરંગ દળે હંમેશા લડત આપી છે. 

    લવ જેહાદ, લેન્ડ જેહાદ કે ધર્માંતરણના કિસ્સાઓમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ આવી સમસ્યાઓ સામે લડવામાં બજરંગ દળ કે અન્ય સંગઠનો ક્યાંય પાછાં પડતાં નથી. અનેક કાર્યકર્તાઓ નિઃસ્વાર્થભાવે કોઈ લોભ-લાલચ વગર હિંદુહિત ધ્યાનમાં રાખીને કામ કરતા હોય છે અને એ જ કારણ છે કે આવા મામલાઓ બહાર આવે છે, લોકો જાણે છે અને જાગૃતિ આવી રહી છે. 

    બજરંગ દળની સ્થાપના હિંદુઓને પડકાર આપતા અસામાજિક તત્વોથી રક્ષા માટે કરવામાં આવી હતી. આજે આટલાં વર્ષે પણ આ સંગઠન પોતાના ઉદ્દેશ્ય પર અવિરત કામ કરી રહ્યું છે. દેશના ખૂણેખૂણે તેના કાર્યકરો કોઈ પણ લોભ કે લાલચ વગર, કોઈ પદની ઈચ્છા વગર કામ કરતા રહ્યા છે. પ્રાકૃતિક આપદા હોય કે અન્ય કોઈ દુર્ઘટના, બજરંગ દળના કાર્યકર્તાઓએ અન્ય હિંદુ સંગઠનો સાથે મળીને નિઃસ્વાર્થભાવે સેવા કરી છે અને આ સેવા દરમિયાન તેમણે કોઈ ભેદભાવ દાખવ્યા નથી. જ્યારે પણ જ્યાં પણ જરૂર પડી છે ત્યારે સંગઠનના કાર્યકર્તાઓ ખડેપગે હાજર રહ્યા છે. 

    તુષ્ટિકરણની નીતિના કારણે મઝહબી કટ્ટરતા ફૂલીફાલી

    મુસ્લિમ તુષ્ટિકરણમાં આંધળી થયેલી કોંગ્રેસ હવે આ સંગઠનની પાછળ પડી છે. તેમની તુષ્ટિકરણની નીતિના કારણે જ દેશમાં મઝહબી કટ્ટરતા ફૂલી-ફાલી અને તેની સામે બજરંગ દળ જેવાં સંગઠનો ઊભાં કરવા પડ્યાં છે. આ નીતિના કારણે આજે હિંદુ બહુમતી દેશમાં હિંદુઓને નીચા દેખાડવા માટે, તેમના ધર્મ-સંસ્કૃતિનું અપમાન કરવા માટે દરેક સંભવ પ્રયાસો થતા રહે છે. આ જ નીતિનું પરિણામ છે કે એક સામાન્ય વોટ્સએપ સ્ટેટ્સના કારણે નિર્દોષ હિંદુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. સુનિયોજિત ષડ્યંત્ર હેઠળ હિંદુઓને પાઠ ભણાવવા માટે રમખાણો કરવામાં આવે છે, હિંદુઓને ખતમ કરી નાંખવાના પ્રયાસો થતા રહે છે. 

    કોંગ્રેસ પોતાના શાસનમાં હિંદુઓ સામેની આ મઝહબી કટ્ટરતા કે હિંદુ ઘૃણાને ડામી શકી ન હતી, ન તો તેમણે કોઈ નક્કર પ્રયાસો કર્યા હતા. ઉપરથી તે સમય દરમિયાન હિંદુઓને અપમાનિત કરવા માટે, તેમનાં ધર્મ-સંસ્કૃતિને પગ તળે કચડવા માટેના ભરપૂર પ્રયાસો થતા રહ્યા. આ કોંગ્રેસ જ હતી જેણે સુપ્રીમ કોર્ટમાં કાયદેસર સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, ભગવાન શ્રીરામનું અસ્તિત્વ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. હવે કોંગ્રેસ હિંદુઓની ઢાલ સમાં આ સંગઠનોને નબળાં પાડવા માંગે છે. તેનો મુખરતાથી વિરોધ થાય એ જરૂરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં