Friday, September 13, 2024
More
    હોમપેજમંતવ્યમોદીનું અપમાન કરવાથી ધ્યાન આકર્ષી શકાશે પરંતુ મત નહીં જ મળે! –...

    મોદીનું અપમાન કરવાથી ધ્યાન આકર્ષી શકાશે પરંતુ મત નહીં જ મળે! – એક વિશ્લેષણ

    સમજાતું તો એ પણ નથી કે શા માટે આટઆટલા પદાર્થપાઠ મેળવ્યા છતાં કોંગ્રેસ કે પછી અન્ય વિપક્ષીઓ વારંવાર મોદીનું અપમાન કરતાં ચૂકતાં નથી? કોઇપણ સમજદાર વ્યક્તિ ભૂલમાંથી શીખે અને ફરીથી એ ભૂલ ન થાય તેનું સતત ધ્યાન રાખે પરંતુ અહીં એવું બનતું નથી.

    - Advertisement -

    અંગ્રેજીમાં એક વાક્યરચના ઘણીવાર ઉપયોગમાં લેવાતી હોય છે ‘soft target’. આ શબ્દોનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ કોઇપણ પ્રકારના શારીરિક કે શાબ્દિક આક્રમણનો જવાબ આપવા માટે સમર્થ ન હોય તેને જ વારંવાર ટાર્ગેટ કરવામાં આવે અને પોતાની ક્ષમતા પુરવાર કરવામાં આવે. નરેન્દ્ર મોદી કોઇપણ રીતે તેમના પર થતાં કોઇપણ આક્રમણનો યોગ્ય જવાબ આપવા માટે અસમર્થ નથી જ તેમ છતાં મોદીનું અપમાન કરવા માટે લોકો લાઈન લગાવીને ઉભા હોય છે એ પણ એટલું જ સત્ય છે.

    હજી બે દિવસ પહેલાં જ કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદે એક ફોટોશોપ ઈમેજ શેર કરીને નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ટ્વીટ વિરુદ્ધ નોર્થ-ઇસ્ટનાં ભાજપના બે મુખ્યમંત્રીઓએ ભારપૂર્વક પોતાનો મત દર્શાવ્યો એટલે આઝાદને પોતાની ટ્વીટ ડીલીટ કરવી પડી અને ગોળગોળ ભાષામાં સ્પષ્ટતા પણ કરવી પડી.

    પરંતુ આ રીતે વડાપ્રધાન મોદીને ઉતારી પાડવાના બનાવો છેલ્લા વીસ વર્ષમાં ઘણાં બન્યાં છે અને મોટેભાગે આ પ્રકારની ઘટનાઓ કોંગ્રેસી નેતાઓ દ્વારા જ અંજામ અપાતી હોવાનું પણ જોવા મળ્યું છે. કીર્તિ આઝાદ તો આજકાલની વાત છે પરંતુ છેક 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં તે સમયના કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મૌતના સૌદાગર કહી દીધા હતાં.

    - Advertisement -

    એવું કહેવાય છે કે સોનિયા ગાંધીનું આ ભાષણ બોલીવુડના કોઈ જાણીતા સ્ક્રીપ્ટ રાઈટરે લખી આપ્યું હતું. કદાચ આ લેખક મહાશયને નરેન્દ્ર મોદી સાથે વ્યક્તિગત નફરત હશે એટલે એમણે આવું ભાષણ લખી આપ્યું હશે પરંતુ સોનિયા ગાંધી અને કોંગ્રેસ માટે વગર વિચારે એ શબ્દપ્રયોગ કરી દેવાથી ગુજરાતમાંથી કોંગ્રેસ લગભગ જનતાથી દૂર થઇ ગઈ અને આજ સુધી તેને કળ વળી નથી.

    હજી 2019ની લોકસભાની ચૂંટણીની જ વાત કરીએ. ફક્ત ચૂંટણી જીતવા માટે એકાદ વર્ષ અગાઉ કોંગ્રેસે પેટ ચોળીને રફેલનું શુળ ઉભું કર્યું હતું. સુપ્રીમ કોર્ટ સુદ્ધાં કહી ચુકી હતી કે આ ડીલમાં સરકારે કોઈને પણ લાભ અપાવ્યો નથી. તેમ છતાં કોંગ્રેસે ચૂંટણીમાં ફક્ત નરેન્દ્ર મોદીનું અપમાન કરવા દેશના વડાપ્રધાન માટે ચોકીદાર ચોર હૈ જેવું અત્યંત નિમ્નકક્ષાનું સૂત્ર અપનાવ્યું હતું. આટલું જ નહીં રાહુલ ગાંધી પણ પોતાની જાહેર સભામાં પ્રેક્ષકો પાસે આ સૂત્રનો પુનરોચ્ચાર કરાવતા હતાં.

    ગુજરાતમાં પણ, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે આ પ્રકારના અસંખ્ય અપમાનોનો સામનો કર્યો હતો. વિપક્ષી કોંગ્રેસ પાર્ટી તો ચાલો સમજ્યાં કે મોદીનું અપમાન કરે પરંતુ એક સમયે મોદીના વરિષ્ઠ નેતા રહેલાં અને હવે સ્વર્ગસ્થ થઇ ગયેલા કેશુભાઈ પટેલે પણ મોદીને 2012ની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ઢુંડીયો રાક્ષસ કહી દીધા હતાં. એ સમયે કેશુભાઈ અને તેમનાં કેટલાંક સાથીદારોએ ગુજરાત પરિવર્તન પાર્ટી એટલેકે GPP બનાવી હતી જે ગુજરાતીઓને નરેન્દ્ર મોદીનો વિકલ્પ આપવા માંગતી હતી.

    2019 જ નહીં પરંતુ 2014ની લોકસભાની ચૂંટણી જેમાં નરેન્દ્ર મોદીને દેશના આગામી વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક કાર્યક્રમમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા મણીશંકર ઐયરે નરેન્દ્ર મોદી ક્યારેય દેશના વડાપ્રધાન નહીં બને એવું ચાર વખત કહીને તેઓ ચાયવાલાના દીકરા હોવાથી પોતાના કાર્યક્રમની બહાર ચા વેંચવી હોય તો છૂટ છે એમ કહીને મોદીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો.

    હજી હાલમાં જ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન નવાસવા કોંગ્રેસી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીને રાવણ કહ્યાં હતાં. તો થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ કહ્યાં હતાં. જો કે નરેન્દ્ર મોદીનું આ રીતે અપમાન કરનારા બિલાવલ પહેલાં વ્યક્તિ નથી. 2014માં તૃણમુલ કોંગ્રેસના નેતા અને સંસદ સભ્ય ડેરેક ઓબ્રાયન પણ મોદીને આમ જ કહી ચુક્યા છે.

    આ તમામ ઉદાહરણો પર નજર નાખ્યા બાદ હવે આવીએ આપણે આપણા મૂળ મુદ્દા પર. તો મુદ્દો એવો છે કે નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો આમાંથી કોઇપણ નેતાને કે તેમનાં પક્ષને ફાયદો થયો છે ખરો? તો તેનો જવાબ સ્પષ્ટ ના માં જ આવે છે. 2017ની જ વાત કરીએ તો સોનિયા ગાંધીના મૌત કા સૌદાગર જેવી કમેન્ટ બાદ એ સમયની ચૂંટણીનું આખું ચિત્ર જ પલટાઈ ગયું હતું. કોંગ્રેસ એ ચૂંટણીમાં જે રહીસહી મેદાનમાં હતી તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    2019ની ચોકીદાર ચોર હૈ ની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ એની સામે મૈ ભી ચૌકીદારનું સૂત્ર વહેતું કર્યું અને છેવટે એ ચૂંટણીમાં ભાજપ તેના ઇતિહાસમાં પહેલીવાર 305 બેઠકો લઇ આવ્યું. 2014માં પણ મણીશંકર ઐયરના ચાયવાલાના ટોન્ટનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીએ ચાય પે ચર્ચા શરુ કરી  જ્યાં લોકો ઓનલાઈન તેમજ ઓફલાઈન તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. આ રીતે નરેન્દ્ર મોદી આસાનીથી લોકો સાથે જોડાવા લાગ્યાં અને પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં હોવાં છતાં ભાજપને તેમણે બહુમતી અપાવી.

    રહી વાત કેશુભાઈની તો  ગુજરાતની જનતાએ એમને પણ એમનાં એ શબ્દો માટે માફ નહોતા કર્યા અને મોદીને બહુમતી અપાવી હતી. આટલું જ નહીં ચૂંટણી પરિણામો દરમ્યાન પોતે ફરીથી સત્તામાં આવવાનાં છે એ નક્કી થવાની સાથે જ નરેન્દ્ર મોદી પહેલાં પોતાના માતાને ત્યાં ગયાં અને આશિર્વાદ લીધા અને ત્યારબાદ સીધા જ કેશુભાઈ પટેલને ઘેરે ગયા અને તેમનાં પણ આશિર્વાદ લીધા હતાં. જે વ્યક્તિએ મોદીનું અપમાન કર્યું એનાં જ આશિર્વાદ લઈને મોદીએ પોતાને મુઠી ઊંચેરા સાબિત કર્યા હતાં.

    હાલની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક હાર દીવાલ પર પહેલેથી જ લખાઈ ગઈ હતી આથી ખડગેના મોદીને રાવણ કહેવાની એટલી અસર તો ન થઇ પરંતુ મોદીએ પ્રચારમાં આ અપમાનનો લાભ પોતાના તરફે લેવાની તક ગુમાવી ન હતી.

    બસ! આ જ વાત મોદીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિરોધીઓ ભૂલે છે. મોદી પોતાના દરેક અપમાનને પોતાનું શસ્ત્ર કેવી રીતે બનાવી લેવું તેનું શાસ્ત્ર જાણે છે. આપણે ઉપર દરેક ઉદાહરણના ફાયદા મોદીએ કેવી રીતે લીધા તે વિગતવાર જાણ્યું અને સમજ્યું, પરંતુ તેમના વિરોધીઓ હજી પણ આ સામાન્ય વાત સમજ્યા નથી લાગતા. બિલાવલ ભુટ્ટો તો ચાલો બહારનો વ્યક્તિ છે અને પાકિસ્તાની છે એટલે તેની તરફથી તો મોદીનું અપમાન જેવી આશા રાખી પણ શકાય. પરંતુ કીર્તિ આઝાદ જે ખુદ ભાજપમાં રહી આવ્યા છે તે પણ આવી ભૂલ કરે તે સમજાતું નથી.

    સમજાતું તો એ પણ નથી કે શા માટે આટઆટલા પદાર્થપાઠ મેળવ્યા છતાં કોંગ્રેસ કે પછી અન્ય વિપક્ષીઓ વારંવાર મોદીનું અપમાન કરતાં ચૂકતાં નથી? કોઇપણ સમજદાર વ્યક્તિ ભૂલમાંથી શીખે અને ફરીથી એ ભૂલ ન થાય તેનું સતત ધ્યાન રાખે પરંતુ અહીં એવું બનતું નથી. પોતાને ઊંચા દેખાડવા કોઈને નીચું દેખાડવાનો પ્રયાસ કાયમ નિષ્ફળ જતો હોય છે.

    બીજું, નરેન્દ્ર મોદીએ આટલા વર્ષો સુધી ગુજરાતની પ્રજાનો જે રીતે પ્રેમ મેળવ્યો છે એ જ રીતે હવે તેઓ છેલ્લાં આઠેક વર્ષથી બાકીની દેશની જનતાનો પણ પ્રેમ મેળવી રહ્યાં છે. 2014થી આજ સુધી એવો કોઈજ સરવે નથી જેમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મોટી ટકાવારી સાથે ટકી ન રહી હોય. હવે આવા લોકમાનસમાં પોતાનું મજબુત સ્થાન બનાવી ચુકેલા આગેવાનનું અપમાન કરો તો પ્રજા તેને પોતાનું જ અપમાન ગણી લેતી હોય છે. નરેન્દ્ર મોદીએ વર્ષોથી આ જ રીતે સંકટને તકમાં પરિવર્તિત કરી છે અને અત્યારે પણ તેઓ આમ જ કરી રહ્યાં છે. આથી મોદીનું અપમાન એ મારું અપમાન એવી વાત મોટાભાગના દેશવાસીઓમાં ઠસી ગઈ છે.

    આ રીતે નરેન્દ્ર મોદીને અપમાનિત કરનારા લોકો બે ઘડી ખુશ તો થઇ જતાં હોય છે કે તેમણે મોદીને નાના દેખાડ્યાં પરંતુ તેમનું આ કૃત્ય તેમને ક્યારેય મત નથી અપાવી શકતું એ સાબિત થઇ ચુક્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં