Sunday, May 19, 2024
More
    હોમપેજમંતવ્યભારત જોડો? યાત્રા: દાઢીથી ટી શર્ટ સુધી અને કહેવાતી નફરતથી પ્રાણીઓની ગણતરી...

    ભારત જોડો? યાત્રા: દાઢીથી ટી શર્ટ સુધી અને કહેવાતી નફરતથી પ્રાણીઓની ગણતરી સુધીનું સર્કસ

    રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન નફરત દૂર થતી હોવાનો દાવો કરી રહ્યાં છે, પરંતુ એવા અસંખ્ય ઉદાહરણો છે જેનાથી એ સાબિત થાય છે કે આ યાત્રામાં ભરપુર નફરત ભરેલી છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેના અંતિમ ચરણમાં છે. જો કે અંતિમ ચરણમાં પહોંચી ગઈ હોવા છતાં રાહુલજીએ બ્રેક લેવાનું પસંદ કર્યું છે. હજારો કિલોમીટર ચાલ્યા બાદ ખબર નહીં પણ કેમ છેલ્લે છેલ્લે રાહુલ બાબાને થાક લાગી ગયો અને બ્રેક લઇ લીધો. આવી અનેક વિસંગતિઓને લીધે આ ભારત જોડો યાત્રા કૌતુક સિવાય બીજું કશું જ નથી લાગી રહી.

    સમગ્ર યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ તેને નફરતવિહોણી યાત્રા કહી છે, પરંતુ એવા અસંખ્ય ઉદાહરણો આપણી સમક્ષ છે જ્યાં આ યાત્રા દરમ્યાન નફરત જ નફરત જોવા મળી છે. આ તો ફક્ત એક જ મુદ્દો છે પરંતુ આ યાત્રા રાજકીય પ્રચાર હોવા છતાં એવા ઘણા પ્રસંગો બન્યાં છે જ્યારે ભારત જોડો યાત્રા કૌતુક યાત્રા બની રહી છે.

    સહુથી પહેલું ઉદાહરણ ગોવાનું રહીએ. ગોવાના મોટાભાગના કોંગ્રેસી ધારાસભ્યોએ ભારત જોડો યાત્રા શરુ થઇ તેનાં થોડા જ દિવસો અગાઉ ભાજપમાં જોડાઈ જવાનો પ્રોગ્રામ નક્કી કરીને અમલમાં પણ મૂકી દીધો અને રાહુલબાબા એ સમયે દેશમાં જ ન હતાં. મજાની વાત એ હતી કે આ દિવસો દરમ્યાન જ કોંગ્રેસ વર્કિંગ કમિટી ભારત જોડો યાત્રાનો પ્લાન બનાવવાની હતી.

    - Advertisement -

    કૌતુક થાય એવી બીજી બાબત એ હતી કે ભારત જોડો યાત્રા દરમ્યાન જ અને તેના મહારાષ્ટ્રમાંથી બહાર નીકળવાના સમયે જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમસીમાએ હતો. તેમ છતાં ભારત જોડો યાત્રા ગુજરાતને તારીને સીધી મધ્ય પ્રદેશમાં ઘુસી ગઈ! આ કેવી રાજકીય યાત્રા? દેશના મહત્વના રાજ્યમાં જ્યાં કોંગ્રેસ અઢી દાયકાથી સત્તા મેળવવા સંઘર્ષ કરે છે ત્યાં જ આ યાત્રા એન્ટર જ ન થઇ.

    હજી વાત પતી નથી, સંસદનું શિયાળુ સત્ર અસ્તિત્વમાં છે પરંતુ રાહુલ ગાંધી સાંસદ હોવા છતાં સંસદ માટે હાજર નથી. કોંગ્રેસના નેતાઓ ઓન રેકોર્ડ બોલી ચુક્યા છે કે સંસદનું સત્ર ‘એટલું બધું મહત્વનું નથી’ કે રાહુલબાબા ભારત જોડો યાત્રા છોડીને એમાં હાજરી આપે, લ્યો બોલો! છે ને કૌતુક?

    રાહુલ ગાંધી કહે છે કે એમની યાત્રામાંથી નફરત સદાય માટે દૂર છે પરંતુ ગુજરાતને છઠ્ઠીના ધાવણથી નફરત કરનાર મેધા પાટકર રાહુલ ગાંધીની સાથે આ યાત્રામાં ચાલ્યા હતાં. તો વિવિધ અર્બન નક્સલ્સની હાજરી આ યાત્રામાં ઉડીને આંખે વળગતી હતી. છેલ્લે છેલ્લે કમલ હસન પણ આ યાત્રાનો ભાગ બન્યાં જેમની હિંદુ વિરોધી માનસિકતા આપણને બધાંને ખબર છે જ.

    તો શું રાહુલ ગાંધી પોતાના સમર્થકોની નફરતને નફરત નથી ગણતા કે પછી તેની અવગણના કરે છે? એક તરફ રાહુલ ગાંધી ગાય, બળદ, કુતરા અને ભેંસ બધાં જ પ્રાણીઓ ભારત જોડો યાત્રામાં જોડાઈ ગયા જેવાં બાલીશ નિવેદનો કરીને પોતાની યાત્રાને સફળ ગણાવવાના પ્રયાસો કરે છે, પરંતુ દેશ તોડવાના પ્રયાસો કરનાર અથવાતો પોતાની નીતિરીતીથી દેશમાં નફરતનું ઝેર ફેલાવનારાઓ પોતાની સાથે કેમ ચાલી રહ્યાં છે એ બાબતે તેમણે મૌન પાળવું જ યોગ્ય માન્યું છે.

    અચ્છા, ભારત જોડો યાત્રાની શરૂઆતમાં જ એક પાદરીએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી અને તેમને સંદેશ આપ્યો હતો કે ફક્ત ઇસુ જ એક ભગવાન છે અને તેમની સમક્ષ હિંદુઓની દેવી કશું જ નથી. શું આ કોઈ એક ધર્મના ધર્મગુરુની અન્ય ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધની નફરત નથી? રાહુલ ગાંધી જો નફરતથી દૂર જ રહેવા માંગતા હોય તો તેમણે એ જ સમયે આ પાદરીના નિવેદનનો વિરોધ કેમ ન કર્યો?

    એવું લાગે છે કે રાહુલ ગાંધી અને તેમના નેતાઓ હિંદુઓને ફક્ત રમકડું જ સમજે છે. એક તરફ હિંદુ દેવીઓનું અપમાન કરનાર પાદરી વિરુદ્ધ રાહુલ ગાંધી મૂંગા રહ્યાં તો તેમના જ બે અગ્રણી નેતાઓ દ્વારા તેમને ભગવાન રામ સાથે સરખામણી કરાઈ તો પણ રાહુલ ગાંધી મૂંગા જ રહ્યાં છે. આવું કેમ? તમે એક તરફ હિંદુઓના આરાધ્યોના અપમાન માટે એક શબ્દ નથી બોલતાં અને તેમનું વધુ અપમાન થતું અટકાવતાં પણ નથી, આવી નફરતવિહોણી યાત્રા છે તમારી?

    આવાં તો અનેક કૌતુકો આ ભારત જોડો યાત્રા દરમ્યાન જોવા મળ્યાં હતાં. કોંગ્રેસી ચાટુકારો ક્યારેક યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીની વધેલી દાઢીના ભજન ગાતાં જોવા મળ્યાં હતાં, તો ક્યારેક તેમની ફિટનેસ વિષે. હમણાં બે દિવસથી તો રાહુલ ગાંધી દિલ્હીની કડકડતી ઠંડીમાં ફક્ત ટી-શર્ટ કેમ પહેરી શકે છે એને પણ રાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશ કરવામાં આવી. આ કોશિશ ફક્ત ગાંધી પરિવારના ચાટુકારો દ્વારા જ નહીં પરંતુ અન્ય પત્રકારોને ભક્ત કહેતાં લિબરલ પત્રકારોએ પણ કરી.

    એ હકીકત સ્વીકારવી પડે કે રાહુલ ગાંધીએ ફક્ત એક ટી-શર્ટ પહેરીને બે દિવસ અગાઉ વિવિધ નેતાઓની સમાધી પર અંજલિ અર્પણ કરી. પરંતુ અમારા ગુજરાતીઓને પણ ખબર છે કે એવું શું છે જેને ગ્રહણ કરવાથી લાંબો સમય કડકડતી ઠંડીમાં ફક્ત ટી-શર્ટ જ નહીં પરંતુ અનાવૃત થઈને પણ બહાર નીકળી શકાતું હોય છે. અહીં રાહુલ ગાંધીની ફિટનેસ પર કોઈજ પ્રશ્ન નથી, પરંતુ ચાટુકારો અને લિબરલ પત્રકારોની માનસિકતા પર પ્રશ્ન થઇ રહ્યો છે.

    છેલ્લે છેલ્લે ભારત જોડો  યાત્રાના કૌતુક વિષે એક એવી હકીકત રજુ કરવી છે જેનાથી રાહુલ ગાંધીના નફરતના શસ્ત્રનો હ્રાસ થઇ જશે. જ્યારે આ યાત્રા તેલંગાણામાં હતી ત્યારે રાહુલ ગાંધી પૂર્વ કોંગ્રેસી વડાપ્રધાન સ્વ. પીવી નરસિંહરાવની પ્રતિમાને ફૂલ ચડાવવા માટે નહોતા ગયાં. જે રાહુલ ગાંધી દિલ્હીમાં સમાધી સમાધીએ ગયાં એ પણ કડકડતી ઠંડીમાં એ પોતાનાં જ પૂર્વ નેતા જેમણે ભારતના આર્થિક ચિત્રને સમગ્રપણે બદલી નાખ્યું તેની પ્રતિમા એ ફૂલ ચડાવવા તેલંગાણાના ગરમ મૌસમમાં કેમ ન ગયાં?

    નરસિંહરાવ વિષે ગાંધી પરિવારની નફરત જાણીતી છે. એમનાં પાર્થિવ દેહ સાથે કોંગ્રેસે શું કર્યું હતું તે હવે પબ્લિક ડોમેઇનમાં છે જ. લાગે છે કે રાહુલ ગાંધીએ હજી પણ PVNR વિરુદ્ધ પોતાના પરિવારની નફરતને જાળવી રાખી છે. જો કે કોંગ્રેસે આ માટે સુરક્ષાના કારણો આગળ ધર્યા છે જે તેને દિલ્હીમાં દરેક સમાધીની યાત્રા દરમ્યાન કદાચ દેખાયાં ન હતાં. આવાં તો હજારો કારણ મળશે જે કહેશે કે રાહુલ ગાંધીની બહુચર્ચિત ભારત જોડો યાત્રા એ ફક્ત કૌતુક જ બની રહી નહીં કે દેશભરમાં કોંગ્રેસને મજબૂત કરવાની કોઈ કસરત.

    વિરોધાભાસી તત્વો અને ભાષણોથી ભરપુર એવી આ યાત્રા ફક્ત ક્રિસમસ દરમ્યાન જ કેમ બ્રેક લે છે અને પણ અમુક કિલોમીટર જ બાકી છે ત્યારે એ પણ એક એવો સવાલ છે જેનો જવાબ ટેમ્પલ રન માટે જાણીતા રાહુલ ગાંધી કદાચ આપવા નથી માંગતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં