Saturday, April 20, 2024
More
  હોમપેજમંતવ્યઠંડી ઉપરાંત રાહુલ ગાંધીને બીજી ઘણી બધી ચીજોથી ડર નથી લાગતો; ચાલો...

  ઠંડી ઉપરાંત રાહુલ ગાંધીને બીજી ઘણી બધી ચીજોથી ડર નથી લાગતો; ચાલો વિસ્તારથી જાણીએ એ ચીજો બાબતે

  રાહુલ ગાંધીને ડર નથી લાગતો એ હકીકત આજે અમે સાબિત કરી રહ્યાં છીએ. તેમને ફક્ત ઠંડીથી જ નહીં પરંતુ એવી બીજી ઘણી બાબતો કે ક્રિયાઓ છે જેનાથી ડર નથી લાગતો.

  - Advertisement -

  હમણાં જ આપણને ખબર પડી કે ઠંડીથી રાહુલ ગાંધીને ડર નથી લાગતો. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહ્યાં છે અને દિલ્હી કી સરદીમાં તેઓ ફક્ત ટી શર્ટ જ પહેરીને ફરે છે એ જોઇને ઘણા લાળીયા પત્રકારોને આશ્ચર્ય થયું હતું. એક પત્રકારે તો ઉત્સાહમાં આવી જઈને રાહુલબાબાને આ બાબતે પ્રશ્ન પણ પૂછી લીધો.

  તો રાહુલ ગાંધીએ તદ્દન ભોળપણ સાથે જવાબ આપી દીધો કે એ પત્રકાર મહાશયને ઠંડીથી ડર લાગે છે એટલે એમણે સ્વેટર પહેર્યું છે જ્યારે પોતાને ઠંડીથી બીક નથી લાગતી એટલે તેમણે સ્વેટર નથી પહેર્યું. રાહુલ ગાંધીની આ ‘બેબાક’ વાતથી અમને પણ એમ થયું કે આવું તો રાહુલ ગાંધીના જીવનમાં ઘણું બની ગયું છે જે કદાચ એ સાબિત કરે છે કે આ વસ્તુઓ પણ તેમને ડરાવતી નહીં હોય. કદાચ આ કારણોસર જ તેમણે એ વસ્તુ ક્યારેય નથી કરી.

  ચાલો જાણીએ એવી કેટલીક વસ્તુઓ અથવાતો ક્રિયાઓ જેનાંથી રાહુલ ગાંધીને ડર નથી લાગતો એટલે તેમણે નથી કરી અથવાતો સરળ ભાષામાં કહીએ તો તેને સાદગીપૂર્વક ઇગ્નોર કરી છે.

  - Advertisement -

  જો ધ્યાનથી વિચાર કરીએ તો એવો ખ્યાલ આવે છે કે રાહુલ ગાંધીને 2019માં સ્મૃતિ ઈરાનીથી બિલકુલ ડર નહોતો લાગ્યો અને એટલેજ તેઓ છેએએક કેરળના વાયનાડમાં જઈને ચૂંટણી લડ્યાં હતાં. આમ કરીને તેમણે સ્મૃતિ ઈરાનીને એ બતાવી દીધું હતું કે તમને અમેઠીથી ચૂંટણી લડતાં ડર લાગે છે એટલે તમે ફક્ત એક જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છો જ્યારે હું એક સાથે બે-બે બેઠકો અને એ પણ ઉત્તર અને દક્ષિણ ભારતમાં જઈને લડી શકું છું કારણકે મને બીક નથી લગતી.

  રાહુલબાબાના વિરોધીઓ એવો ભ્રામક પ્રચાર કરે છે કે એ જ્યાં પણ ચૂંટણી પ્રચાર માટે જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે. અથવાતો જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ હતાં ત્યારે કોંગ્રેસે મોટાભાગની વિધાનસભાઓ ગુમાવી દીધી હતી. પરંતુ આ પ્રચાર ભ્રામક એટલા માટે છે કારણકે અમને એવું લાગે છે કે ચૂંટણી હારવાથી રાહુલ ગાંધીને ડર નથી લાગતો અને એટલેજ તેઓ પોતાનાથી બનતાં તમામ પ્રયાસો કરે છે કે ભાજપ ચૂંટણીઓમાં થનારી હારથી ડરી જાય અને એક પછી એક ચૂંટણી જીતી જાય.

  હમણાંની જ વાત કરીએ તો રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલા માટે પ્રચાર કરવા નહોતા આવ્યાં કારણકે તેઓ હારવાથી ડરતાં ન હતાં જ્યારે ભાજપ એટલી તો ડરી ગઈ હતી કે તેણે એવો પ્રચાર કર્યો, એવો પ્રચાર કર્યો કે તે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ગઈ!

  તમને ખબર છે કે જ્યારે જ્યારે પણ કોંગ્રેસ કોઈ વિધાનસભાની ચૂંટણી હારી જાય કે પછી કોંગ્રેસ પક્ષની કોઈ મહત્વની બેઠક હોય ત્યારે જ રાહુલબાબા કેમ વિદેશ પ્રવાસે નીકળી જાય છે? જ્યારે અન્ય પક્ષના મોટા નેતાઓ દેશમાં જ રહીને હાર પર મંથન કરતાં રહે છે? કારણકે અન્ય પક્ષના મોટા નેતાઓને વિદેશનો ડર છે, જ્યારે વિદેશથી આપણા રાહુલ ગાંધીને ડર નથી લાગતો અને એટલેજ તેઓ વારંવાર થાઈલેન્ડ, લંડન કે મોસાળ એટલેકે ઇટલી જતાં રહે છે અને પોતાની પાર્ટીને ભગવાન ભરોસે છોડી દે છે.

  પોતાના ભાષણોમાં કે પ્રેસ કોન્ફરન્સોમાં પોતે જે લોસ્મોચા વાળે છે તેનાથી પણ રાહુલ ગાંધીને ડર નહીં જ લાગતો હોય અને એટલેજ કદાચ તેઓ આવું જાણીજોઈને કરે છે અને એ પણ વારંવાર. આમ કરીને રાહુલબાબાએ દેશના કરોડો મિમર્સને રોજગારી આપીને નરેન્દ્ર મોદીએ દેશમાં કોઈને પણ રોજગારી નથી આપી એવા પોતાનાં દાવાને તેઓ મજબુતાઈ આપે છે. એમાં પણ તેમનું પેલું “ખતમ!” વાળા મીમે તો ઘણાં લોકોની બલ્લે બલ્લે કરાવી છે કારણકે અમુક મીમ્સ તો એ ખતમવાળી ક્લિપ વગર પૂરાં જ નથી ગણાતાં.

  રાહુલ ગાંધીના જીવનની બે મહત્વની ઘટનાઓ પર નજર નાખીએ તો અમને એ પાક્કો વિશ્વાસ થઇ જાય છે કે રાહુલ ગાંધીને ડર નથી જ લાગતો અને કોઇપણ વસ્તુથી ડર નથી લાગતો.

  આ બે બાબતોમાંથી પહેલી વાત એ છે કે કોંગ્રેસી નેતાઓ કહી કહીને થાક્યા કે એક દિવસ અમારા રાહુલબાબા દેશના વડાપ્રધાનનું પદ શોભાવશે, પણ રાહુલ ગાંધીને એમની પાર્ટી સદાય વિપક્ષમાં જ બેસે એ બાબતે કોઈજ ડર નથી અને એટલેજ તેઓ લોકસભાની દરેક ચૂંટણીમાં એવી વ્યવસ્થા કરી દે છે કે એ વડાપ્રધાન બની જ ન શકે. પહેલાં મનમોહન સિંહ અને હવે નરેન્દ્ર મોદી, આ બંને રાહુલ ગાંધીના નીડર સ્વભાવને લીધે વડાપ્રધાન બન્યાં છે બાકી આ બંનેની કોઈજ લાયકાત કે તાકાત નથી કે તેઓ બાબાને દુર રાખીને વડાપ્રધાન બની શકે.

  છેલ્લે છેલ્લે અમારે એમ કહેવું છે કે રાહુલ ગાંધીને ડર નથી લાગતો કુંવારા રહેવાથી. આપણા જેવાં અનેક લોકો છે જે લગ્નથી ખુબ ડરતાં હોય છે એટલે આપણે મોડાં કે વહેલાં બધાં ચુપચાપ લગ્ન કરી લઈએ છીએ. જ્યારે રાહુલ ગાંધી લગ્નથી બિલકુલ નથી ડરતાં અને એટલેજ તેઓ આજદિન સુધી અને કદાચ આજીવન લગ્ન નહીં કરે અને દેશને બતાવી દેશે કે લગ્ન એ ડરવાની ચીજ નથી.

  રાહુલ ગાંધીના અનોખા વ્યક્તિત્વમાંથી ડરનું મહત્વ કેમ નીકળી ગયું છે એ જાણવા માટે અમારી અક્કલ તો આ અમુક  મુદ્દાઓ સુધી જ પહોંચી છે. જો તમને પણ આ બાબતે કોઈ મુદ્દો યાદ આવતો હોય તો અમને જરૂર જણાવજો હોં કે?

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં