Tuesday, April 23, 2024
More
    હોમપેજમંતવ્યકપિલ મિશ્રાએ કહ્યું, ‘ગુજરાતમાં આપનું સ્વાગત છે પરંતુ આપનું નહીં’; સાંભળીને મનીષ...

    કપિલ મિશ્રાએ કહ્યું, ‘ગુજરાતમાં આપનું સ્વાગત છે પરંતુ આપનું નહીં’; સાંભળીને મનીષ સિસોદિયાએ ગુજરાતની વાટ પકડી

    કપિલ મિશ્રા જેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારના મંત્રી છે તેમણે અમદાવાદ આવીને એવું તો કહી દીધું કે મનીષ સિસોદિયા દિલ્હીથી અચાનક જ ગુજરાત દોડી આવવા માટે મજબુર બની ગયા.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના પૂર્વ સભ્ય અને દિલ્હી સરકારમાં મંત્રી રહી ચુકેલા અને હવે ભારતીય જનતા પાર્ટીના સભ્ય એવા કપિલ મિશ્રા ગત સપ્તાહાંતમાં અમદાવાદ આવ્યા હતા. અહીં તેમણે અમદાવાદના પ્રબુદ્ધોની એક બેઠક સંબોધિત કરી હતી. આ સમગ્ર બેઠક દરમ્યાન કપિલ મિશ્રા આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર આક્રમક રહ્યા હતા.

    કપિલ મિશ્રાએ પોતાના સંબોધન દરમ્યાન લોકોનું ધ્યાન એ બાબતે આકર્ષિત કર્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2002 પછી કોમી રમખાણો બંધ થઇ ગયા છે જ્યારે દિલ્હી જે દેશની રાષ્ટ્રીય રાજધાની છે ત્યાં 2014 પછી સતત રમખાણો થતાં જ રહે છે. કપિલ મિશ્રાના કહેવા અનુસાર દિલ્હીમાં રોહિન્ગ્યાઓ એક મોટી સમસ્યા બનીને ઉભા થયાં છે.

    કપિલ મિશ્રા આ પ્રસંગે અમદાવાદના પ્રખ્યાત રિવર ફ્રન્ટ અને દિલ્હીની યમુના નદીના કાંઠાની સરખામણી કરતાં પોતાને રોકી શક્યા ન હતા. તેમનું કહેવું હતું કે અમદાવાદના રિવર ફ્રન્ટ પર લોકો આનંદ કરે છે અને મોડી રાત સુધી અહીં ફરતા જોવા મળે છે. જ્યારે દિલ્હીના યમુના કિનારે રોહિન્ગ્યા વસી ગયા છે અને અહીં રાત્રે જવાનો વિચાર કરવો પણ અશક્ય છે.

    - Advertisement -

    દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પર નિશાન તાંકતા કપિલ મિશ્રાએ પૂછ્યું હતું કે જે રાજ્યના શિક્ષણ મંત્રી અને શરાબ મંત્રી (આબકારી મંત્રી) એક જ હોય તે રાજ્યનું શિક્ષણ કઈ કક્ષાનું હશે તે તમે સમજી શકો છો. કપિલ મિશ્રા દિલ્હી સરકારના 10 લાખ નોકરીઓ આપવાના વાયદા અંગે પણ બોલ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે કરેલી એક RTI અનુસાર દિલ્હી સરકારે કુલ 3246 લોકોને જ અત્યારસુધી સરકારી નોકરી આપી છે.

    ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના હિંદુ ધર્મ વિરોધી નિવેદનોનો ઉલ્લેખ કરતાં મિશ્રાએ કહ્યું હતું કે સત્યનારાયણની કથામાં તાળીઓ પાડનારા વ્યંઢળ નથી હોતા પરંતુ દેશની સેનાના પરાક્રમ પર પ્રશ્ન કરનારા વ્યંઢળ હોય છે. તેમણે કહ્યું કે એક રીતે જુઓ તો વ્યંઢળો પણ દેશભક્ત જ હોય છે.

    કપિલ મિશ્રાના આ નિવેદનો ટ્વીટર પર તરત જ ટ્રેન્ડ થવા લાગ્યા હતા. કદાચ આ ટ્રેન્ડને જોઇને અને એક પૂર્વ આમ આદમી પાર્ટી નેતાએ કરેલી સ્પષ્ટતાની અસર આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પોતાના પક્ષને થઇ શકે છે એ બીકે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતે ગુજરાતમાં પદયાત્રા શરુ કરવાની જાહેરાત કરી દીધી હતી.

    કપિલ મિશ્રા પોતે આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા હોવાથી અને દિલ્હી સરકારમાં આપ ના મંત્રી પણ રહ્યા હોવાથી પક્ષની અંદરની તમામ બાબતોના જાણકાર હોય તે સમજી શકાય છે. આથી એમણે ગુજરાતમાં આવીને દિલ્હી મોડલનું જે પણ ચિત્ર રજુ કર્યું તેની સત્યતા વધુમાં વધુ હોય તે સ્પષ્ટ છે.

    કપિલ મિશ્રાએ આ બેઠક દરમ્યાન પોતાના વ્યક્તિગત અનુભવો ખાસકરીને દિલ્હી કેવી રીતે રાયટ કેપિટલ બની ગયું છે અને તે અંગે તેઓ કેવી પીડા અનુભવે છે તેનું પણ વર્ણન કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર શાહીન બાગના પ્રદર્શન દરમ્યાન તેઓ જાતે રસ્તો ખોલવાની વિનંતી કરવા ગયા હતા કારણકે તેમનું ઘર આ વિસ્તારની નજીક પડે છે અને તેમને તેમજ તેમના પરિવાર અને આસપાસના અસંખ્ય લોકોને આ પ્રદર્શનને લીધે રોજીંદી અવરજવરમાં તકલીફ પડી રહી હતી.

    પરંતુ, દિલ્હી સરકારે કે પછી તેમના મંત્રીઓએ તેમની વિનંતી પર બિલકુલ ધ્યાન નહોતું આપ્યું. કપિલ મિશ્રા આમ આદમી પાર્ટી અને તેના  હિંદુ વિરોધી વલણ અંગે ખુલીને બોલ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહાભારતનો પ્રખ્યાત શ્લોક યદા યદા હી ધર્મસ્ય બાળકને પણ કંઠસ્ત હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ શ્લોક મોઢે નથી એટલુંજ નહીં તેઓ એ પણ નથી જાણતા કે ભગવાન શ્રીકૃષ્ણ ઝાડુ નહીં પરંતુ સુદર્શન ચક્ર ફેરવતાં હોય છે.

    છેલ્લે કપિલ મિશ્રાએ કહ્યું હતું કે, “મને અમદાવાદમાં કોઈએ કહ્યું કે ગુજરાતમાં આપનું (કપિલ મિશ્રાનું) સ્વાગત છે, પરંતુ આપનું (આમ આદમી પાર્ટીનું) નહીં. આમ મને લાગે છે કે ગુજરાતીઓ કથિત દિલ્હી મોડલને આવનારી ચૂંટણીઓમાં રિજેક્ટ કરી દેશે.”

    આ રીતે કપિલ મિશ્રાએ પોતાના 45 મિનીટના સંબોધનમાં આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં હિંદુવાદી ચહેરો લઈને ઉતરવા માંગે છે તે મુખવટાને તેમણે તોડી નાખ્યો હતો. કપિલ મિશ્રાના કહેવા અનુસાર હજી તેઓ ગુજરાતમાં ફરવાના છે અને આ તો એમની પ્રથમ મુલાકાત હતી. આથી જો તેઓ સમગ્ર ગુજરાતમાં ફરવાના હોય અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરવાના હોય તો દિલ્હી સ્થિત આપના મોટા નેતાઓના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે. કપિલ મિશ્રાની બેઠકની અસરને ખાળવા માટે મનીષ સિસોદિયા પદયાત્રા તો કરવાના છે પરંતુ આ યાત્રાનો હેતુ અને મુદ્દો શો હશે તેની હજી ખબર પડી નથી. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં હજીતો પાપા પગલી માંડી રહી છે તેમ છતાં સત્તા હાંસલ કરવાના સ્વપ્ન જોઈ રહી છે તેના માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માર્ગ એટલો સરળ નહીં રહે તે કપિલ મિશ્રા અને તેમના મિશન દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં