Monday, April 29, 2024
More
    હોમપેજમંતવ્યપહેલાં અખિલેશ યાદવ અને હવે નીતીશ કુમાર, કોંગ્રેસથી વધતી નારાજગી, I.N.D.I ગઠબંધનનો...

    પહેલાં અખિલેશ યાદવ અને હવે નીતીશ કુમાર, કોંગ્રેસથી વધતી નારાજગી, I.N.D.I ગઠબંધનનો ઘટતો ઘોંઘાટ: મોદીને હરાવવા ભેગું થયેલું આ ઝુંડ કેટલું ટકશે?

    આ સંઘ કાશીએ પહોંચે તેવું હાલના તબક્કે તો લાગતું નથી. કોઇ ચમત્કાર થાય તો જુદી વાત છે. જોકે, ચમત્કારની રાહમાં જ આ પાર્ટીએ દસ વર્ષ કાઢી નાખ્યાં. પણ કઠણાઈ એ છે કે ચમત્કારો વારંવાર થતા નથી. છેલ્લે 2014માં થયો હતો!

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણીમાં મોદીને એકલે હાથે હરાવી શકાય નહીં તેમ લાગતાં હમણાં થોડા મહિના પહેલાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ એક ઝુંડ બનાવ્યું હતું. પછીથી તેને I.N.D.I.A નામ આપ્યું. દરેક મૂળાક્ષર પરથી એક-એક શબ્દ બને છે. હિન્દી અર્થ શું થાય તે તો તેઓ જ જાણે! આ I.N.D.I ગઠબંધન બન્યું પછીના થોડા સમય સુધી આ પાર્ટીઓએ બહુ કચાટ કર્યો પણ હવે એ શાંત થઈ ગયો છે. 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે પરંતુ આ નવા બનેલા ગઠબંધનનું જોર જણાતું નથી. આ બધાની વચ્ચે અંદરોઅંદર કચવાટ પણ હવે શરૂ થવા માંડ્યો છે. 

    પહેલાં મધ્ય પ્રદેશની ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બાખડ્યાં. થયું હતું એવું કે કૉંગ્રેસે સપાને અમુક બેઠકો આપવા માટે વાત કરી હતી. પછીથી બંને પાર્ટીઓના નેતાઓ ભેગા પણ થયા અને વાતચીત પણ થઈ. પછી સમાજવાદી પાર્ટીએ અમુક બેઠકો પર ઉમેદવારોનાં નામ પણ જાહેર કર્યાં. પણ પછી જ્યારે કોંગ્રેસે યાદી જાહેર કરવાની વાત આવી તો તેમણે પણ આ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા. 

    સામાન્ય રીતે બે પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થાય તો સીટ શેરિંગ થાય. અને સીટ શેરિંગ થાય તો જ્યાં એક પાર્ટી લડે ત્યાં બીજી પોતાનો ઉમેદવાર ન ઉતારે. બેઠકો વહેંચી લે. પણ અહીં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે નાનકડું પ્રેંક કરી નાખ્યું. પછી અખિલેશ યાદવે જાહેરમાં આવીને ફરિયાદ કરવા માંડી ત્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે ‘અમે અમારા લોકોને મનાવી ન શક્યા’ એવો ઉડાઉ જવાબ આપી મૂક્યો. જોકે, પછી અખિલેશે પણ કહ્યું કે યુપીમાં જ્યારે લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગની વાત આવશે ત્યારે તે પ્રમાણે વહેવાર કરવામાં આવશે.

    - Advertisement -

    નીતીશ કુમારે કહ્યું- ગઠબંધન બનાવી નાખ્યું, પણ કામ થતું નથી, કોંગ્રેસને ચૂંટણીમાં રસ

    હવે બે દિવસથી નીતીશ કુમારે નિશાન તાંકવા માંડ્યું છે. આમ તો નીતીશ કુમાર માટે કહેવાય છે કે તેઓ ગમે ત્યારે ગમે તે બાજુ પલટી મારી દે. કહેવાય શું, તેઓ આમ કરતા પણ રહ્યા છે. હાલ તેઓ વિપક્ષ બાજુ છે. પણ ત્યાં પણ તેઓ અવનવું કરતા જ રહે છે. હમણાં ગુરૂવારે (2 નવેમ્બર) તેમણે એક સ્ટેટમેન્ટ આપીને નવી ચર્ચા જગાવી. 

    એક કાર્યક્રમમાં નીતીશ કુમારે કહ્યું, “ભાજપથી મુક્તિ મેળવવી હોય તો બધાએ એકજૂટ થઈને લડવું પડે અને એટલે પટના અને અન્ય જગ્યાઓએ મીટિંગ થઈ અને નક્કી થયું કે ગઠબંધનની રચના કરવામાં આવે. ત્યારબાદ રચના કરવામાં આવી અને INDIA નામકરણ કરવામાં આવ્યું. એ તો થઈ ગયું અને કામ તેજીથી થવું જોઈએ પણ હમણાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને કોંગ્રેસ પાર્ટીને તેમાં જ વધુ રસ છે.” 

    આગળ તેઓ કહે છે, “કોંગ્રેસને આગળ વધારવા માટે અમે સૌ એકજૂટ થઈને કામ કરી રહ્યા હતા પણ હમણાં તેમને (કોંગ્રેસને) આ બધાની કોઇ ચિંતા નથી. હમણાં તો તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં લાગેલા છે. આ ચૂંટણી પછી બધાને બોલાવશે. આજકાલ કોઇ ચર્ચા નથી થઈ રહી.”

    આમ તો પછી નીતીશ કુમારે કહ્યું કે, તેઓ બધા સાથે મળીને ભાજપ સામે લડશે અને આગળ પણ લડતા રહેશે, પણ આ કોંગ્રેસ વિશે કહેલી વાતોના ઘણા અર્થ નીકળે છે. તેમાંથી એક અર્થ એવો છે કે મોટા ઉપાડે I.N.D.I ગઠબંધન બનાવી તો નાખ્યું પરંતુ હવે તેને કોઇ દિશા મળી રહી નથી કે ન તેના નેતાઓ વધુ રસ દાખવી રહ્યા છે. 

    લોકસભા ચૂંટણી આવશે ત્યારે આવી ખેંચતાણ નહીં થાય એની ખાતરી શું?

    હજુ લોકસભા ચૂંટણીને થોડા મહિનાઓ બાકી છે પરંતુ આ INDI ગઠબંધનમાં કોઇ હલચલ જોવા મળી રહી નથી. ઓછામાં પૂરું અખિલેશ, નીતિશ જેવા નેતાઓ થોડા-થોડા સમયે શાંત પાણીમાં પથ્થર ફેંકતા રહે છે. સૌથી મહત્વનું છે સીટ શેરિંગ. હમણાં વિધાનસભા ચૂંટણીઓની અમુક બેઠકોમાં પણ પાર્ટીઓ ખેંચતાણ કરી રહી છે, તો જ્યારે લોકસભા ચૂંટણી આવશે ત્યારે આવી ખેંચતાણ નહીં થાય એની ખાતરી શું? તે સમયે 28 પાર્ટીઓ વચ્ચે આ બધી માથાકૂટ કરવાની હશે. 

    હમણાં TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપ લાગ્યા છે. તેઓ કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે પણ વિપક્ષી પાર્ટીઓ ખાસ રસ લઇ રહી નથી. જોકે, મહુઆના કેસમાં તો એવું છે કે તેમની પોતાની જ પાર્ટી બહુ માથાકૂટમાં પડી રહી નથી. પરંતુ આમ આદમી પાર્ટીના સંજય સિંઘની ધરપકડ થઈ કે અરવિંદ કેજરીવાલને ઇડીનું તેડું આવ્યું તોપણ આ પાર્ટીઓએ વધુ કાંઈ હલ્લો ન મચાવ્યો કે ન મોદીને તાનાશાહ કહીને ગાળો દીધી, જે સામાન્ય રીતે પોતપોતાની પાર્ટીઓના નેતાઓને તેડાં આવે ત્યારે તેઓ કરતા હોય છે. 

    આ બધાની વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે. પંજાબમાં પણ એવું જ છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ નેતાઓ મમતા બેનરજી સામે નિવેદનો આપી દે છે. થોડા સમય પહેલાં સ્ટાલિન પુત્ર ઉદયનિધિએ જાહેર મંચ પરથી સનાતન વિશે ઝેર ઓક્યું તેને લઈને પણ આ ગઠબંધન બેકફૂટ પર જોવા મળ્યું. આ જ વિવાદને પગલે ભોપાલમાં જે રેલી થવાની હતી તેનો પણ વીંટો વાળી દેવો પડ્યો. 

    ટૂંકમાં શરૂઆતમાં જે ઘોંઘાટ હતો તે હવે શાંત થઈ ગયો છે. ‘વિપક્ષી એકતા’ની બૂમો હવે સંભળાતી નથી. ટાંટિયાખેંચ બંધ થઈ નથી. નિવેદનો હજુ પણ ચાલુ જ છે. આ સંઘ કાશીએ પહોંચે તેવું હાલના તબક્કે તો લાગતું નથી. કોઇ ચમત્કાર થાય તો જુદી વાત છે. જોકે, ચમત્કારની રાહમાં જ આ પાર્ટીઓએ દસ વર્ષ કાઢી નાખ્યાં. પણ કઠણાઈ એ છે કે ચમત્કારો વારંવાર થતા નથી. છેલ્લે 2014માં થયો હતો!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં