
સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ ‘2021 પ્રાઈવસી પોલિસી’ અંગે આકરું વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટાને (Meta) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેઓ ભારતના બંધારણ અને અહીંના કાયદાઓનું સન્માન ન કરી શકતા હોય તો તેઓ ભારત છોડી શકે છે.
આ ટિપ્પણીઓ 3 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન આવી, જ્યારે કોર્ટ વૉટ્સએપ અને મેટાની અપીલોની સુનાવણી કરી રહી હતી. આ અપીલો કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા લાદવામાં આવેલા ₹213.14 કરોડના દંડ અને ડેટા શેરિંગ પરના આદેશ સામે દાખલ કરાઈ હતી.
કેસની પૃષ્ઠભૂમિ
વર્ષ 2021માં વોટ્સએપે તેની નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરી હતી, જેમાં યુઝર્સના ડેટાને મેટાની અન્ય કંપનીઓ (જેમ કે ફેસબુક) સાથે શેર કરવાની જોગવાઈ હતી. આ પોલિસીને ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’ (સ્વીકારો અથવા છોડો) તરીકે ગણવામાં આવી, જેમાં યુઝર્સને પોતાના ડેટા શેરિંગની સંમતિ આપવી પડતી હતી, નહીં તો એપનો ઉપયોગ બંધ થઈ જતો.
CCIએ નવેમ્બર 2024માં આ પોલિસીને બજારમાં વર્ચસ્વનો દુરુપયોગ ગણીને ₹213.14 કરોડનો દંડ ફટકાર્યો હતો. NCLATએ (નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ) જાન્યુઆરી 2025માં આ દંડને માન્ય રાખ્યો હતો, પરંતુ નવેમ્બર 2025માં ડેટા શેરિંગ પરના કેટલાક પ્રતિબંધો હટાવ્યા હતા અને યુઝર્સને ઓપ્ટ-આઉટનો અધિકાર આપ્યો હતો. આ આદેશ સામે મેટા, વૉટ્સએપ અને CCIએ અલગ-અલગ અપીલો કરી હતી.
કોર્ટની ટિપ્પણીઓ
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે “જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકો તો ભારત છોડી દો. અમે કોઈ નાગરિકની પ્રાઈવસી સાથે સમાધાન નહીં કરીએ.” સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે વૉટ્સએપના પ્રભુત્વના કારણે યુઝર્સ પાસે ખૂબ મર્યાદિત વિકલ્પો છે.
કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શું સામાન્ય માણસ પણ કંપનીની પ્રાઈવસી પોલિસીને સરળતાથી સમજી શકે છે? કોર્ટે જણાવ્યું હતું કે પ્રાઈવસી પોલિસી માટે યુઝર્સની સંમતિ ફક્ત ત્યારે જ માન્ય ગણાય જો તે સ્પષ્ટ અને સમજી શકાય તેવી હોય.
સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે મેટા યુઝર્સની ખાનગી વિગતો વેચીને અથવા તેનો ઉપયોગ કરીને નફો કમાઈ રહી છે. બીજી તરફ, અદાલતે એ પણ પૂછ્યું કે વૉટ્સએપ કઈ રીતે યુઝર ડેટાનો ઉપયોગ ‘ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ’ (લક્ષિત જાહેરાતો) માટે કરે છે. CJIએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈની સાથે સ્વાસ્થ્ય સંબંધિત ચેટ કરવામાં આવે તે પછી તેને લગતી એડ્વટાઈઝ દેખાવા લાગે છે, જે ડેટાના વપરાશ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે વૉટ્સએપની પ્રાઈવસી પોલિસીની ભાષા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ દેશમાં ગોપનીયતાનો અધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કંપનીઓને તેનું ઉલ્લંઘન કરવાની પરવાનગી નથી. સુપ્રીમ કોર્ટે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને (MeitY) પણ આ અરજીમાં એક પક્ષકાર બનાવવા માટે નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, “તમે ડેટા શેરિંગના બહાને આ દેશની પ્રાઈવસી સાથે રમત ન રમી શકો. તમારી પ્રાઈવસીની શરતો એટલી ચાલાકીથી ઘડવામાં આવી છે કે સામાન્ય માણસ તેને સમજી નથી શકતો. આ વ્યક્તિગત ડેટા ચોરી કરવાની એક ‘સભ્ય રીત’ છે, જેને અમે મંજૂરી નહીં આપીએ.”
મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું, “જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકો, તો ભારત છોડી દો. અમે નાગરિકોની ગોપનીયતા સાથે ચેડાં નહીં કરવા દઈએ.” કોર્ટે કંપનીઓને ચેતવણી આપી છે કે કાં તો તેઓ ડેટા શેર ન કરવા અંગે લેખિતમાં ખાતરી આપે અન્યથા અદાલતે આદેશ પસાર કરવો પડશે. બેન્ચે જણાવ્યું કે આ મામલે 9 ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ પસાર કરવામાં આવશે.

