
લવ જેહાદની વિવિધ પેર્ટન ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ને મોટી રાહત મળી છે. કેરળ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશ પર સ્ટે મૂકી દીધો છે, જેના કારણે ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026થી રિલીઝ થઈ શકશે.
નોંધનીય છે કે આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ 26 ફેબ્રુઆરી, 2026ના રોજ સિંગલ જજ જસ્ટિસ બેચુ કુરિયન થોમસે અંતરીમ આદેશ આપીને ફિલ્મની રિલીઝ પર 15 દિવસનો સ્ટે મૂક્યો હતો. કોર્ટે સેન્સર બોર્ડ (CBFC) પર આક્ષેપ કર્યો હતો કે તેણે ફિલ્મને સર્ટિફિકેટ આપતી વખતે યોગ્ય રીતે ધ્યાન નથી આપ્યું અને તેમાં સાંપ્રદાયિક સમરસતાને ખલેલ પહોંચે છે.
અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મ કેરળ રાજ્ય અને તેના લોકોની ઇમેજને ખરાબ કરે છે અને તેમાં પાયાવિહોણાં આરોપો છે. આ અરજીના કારણે કોર્ટે રિલીઝ અટકાવવાનો આદેશ આપ્યો હતો. આદેશ પછી ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે તાત્કાલિક ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી.
ત્યારબાદ જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી અને જસ્ટિસ પી.વી. બાલકૃષ્ણનની ડિવીઝન બેન્ચે 27 ફેબ્રુઆરી, 2026ના રોજ આ અપીલ પર સુનાવણી કરી અને સિંગલ જજના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો. હવે ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ શકશે.

