Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘દેશના નેતાનું ડ્રેસિંગ રૂમમાં આવીને મળવું અમારા માટે બહુ મોટી વાત’: સૂર્યકુમાર...

    ‘દેશના નેતાનું ડ્રેસિંગ રૂમમાં આવીને મળવું અમારા માટે બહુ મોટી વાત’: સૂર્યકુમાર યાદવે યાદ કરી PM મોદી સાથેની મુલાકાત, સેહવાગે કહ્યું- પહેલાં કોઇ નેતાને આવું કરતા નથી જોયા

    કોઇ દેશના વડાપ્રધાન ખેલાડીઓને મળે અને તેમનો ઉત્સાહ વધારે તેવું બહુ ઓછું જોવા મળે છે. મેં નથી જોયું કે કોઇ ટીમ હારી હોય અને તેના વડાપ્રધાન ખેલાડીઓને મળ્યા હોય: સેહવાગ

    - Advertisement -

    વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાના પરાજય બાદ પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. જેને લઈને સતત ચર્ચા ચાલતી રહી છે. એક તરફ જ્યાં વિરોધીઓ પીએમની આ મુલાકાતને જુદી રીતે જોઈને તેમની ટીકા કરી રહ્યા છે ત્યાં બીજી તરફ જેઓ ટીમનો અને આ મુલાકાતનો ભાગ હતા તેવા ખેલાડીઓએ પીએમનો આભાર માન્યો છે. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી બાદ હવે સૂર્યકુમાર યાદવે વડાપ્રધાનની મુલાકાત વિશે વાત કહી હતી. બીજી તરફ, પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ પીએમ મોદીની પ્રશંસા કરી.

    એક વિડીયોમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે, “વર્લ્ડ કપ પૂર્ણ થયે ચાર-પાંચ દિવસ થઈ ગયા છે. બધા નારાજ છે, અમે પણ નિરાશ છીએ. વિશ્વભરમાંથી ભારતીય ટીમના ચાહકોનું સમર્થન જોઈને બહુ સારું લાગ્યું. હું એટલું જ કહીશ કે આખરે આ એક રમત છે અને તમારો પ્રેમ હંમેશા જાળવી રાખજો.” 

    આગળ કહ્યું, “વર્લ્ડ કપ પૂર્ણ થયો અને અમે ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ડ્રેસિંગ રૂમમાં આવ્યા, બધાને મળ્યા, બધાને મોટિવેશન આપ્યું અને એક જ વાત કહી કે સ્પોર્ટ છે, તેમાં ઉતાર-ચડાવ આવતા રહે છે….આમાંથી બહાર આવતાં થોડો સમય તો લાગશે જ, પરંતુ તેમનું 5-6 મિનીટનું આ મોટિવેશન ઘણું મહત્વનું હતું. દેશના નેતા એક સ્પોર્ટ ટીમને ડ્રેસિંગ રૂમમાં આવીને મળે અને મોટિવેશન આપે તે અમારા માટે બહુ મોટી વાત હતી. અમે તેમને સાંભળ્યા, થોડો સમય પસાર કર્યો.” આગળ કહ્યું કે, આગામી વર્ષે પણ ICC ટુર્નામેન્ટ આવી રહી છે અને તેમાં પણ ટીમ ઇન્ડિયા આ જ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને આશા છે કે જીત પણ મેળવશે. 

    - Advertisement -

    કોઇ વડાપ્રધાનને આવું કરતા નથી જોયા, PM મોદીએ ખૂબ સારું કાર્ય કર્યું: સેહવાગ 

    પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ પીએમ મોદીની ડ્રેસિંગ રૂમ મુલાકાતને લઈને ટિપ્પણી કરી હતી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “કોઇ દેશના વડાપ્રધાન ખેલાડીઓને મળે અને તેમનો ઉત્સાહ વધારે તેવું બહુ ઓછું જોવા મળે છે. મેં નથી જોયું કે કોઇ ટીમ હારી હોય અને તેના વડાપ્રધાન ખેલાડીઓને મળ્યા હોય. પ્રધાનમંત્રી ભારતીય ટીમને મળવા ડ્રેસિંગ રૂમમાં ગયા, તેમનો ઉત્સાહ વધાર્યો તે તેમના તરફથી ખૂબ સારું જેસ્ચર હતું. તમે વર્લ્ડ કપ ફાઈનલ જેવી મેચ હારી ગયા હોય ત્યારે તમને સપોર્ટની જરૂર પડે છે, મારી દ્રષ્ટિએ પ્રધાનમંત્રીજીનું આ કાર્ય ખૂબ સારું હતું, કારણ કે તેનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધશે અને આવનારી મેચમાં વધુ સારું પ્રદર્શન કરશે.” 

    આગળ તેમણે કહ્યું, “બહુ ઓછા વડાપ્રધાન છે, જેઓ હારેલી ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હોય. દેશના પ્રધાનમંત્રી કોઇ પણ ક્ષેત્રમાં જઈને લોકોને મળે, ઉત્સાહ વધારે તો કોઇ પણ ક્ષેત્રનો ખેલાડી હોય પણ તેનો આત્મવિશ્વાસ વધે છે, તેને જોશ આવે છે કે દેશના પીએમ પણ ઇચ્છે છે કે હું સારું પ્રદર્શન કરું અને મેડલ લઈને આવું. આપણા પ્રધાનમંત્રી બહુ સારું કામ કરી રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં વતન પહોંચેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ પણ PM સાથેની ડ્રેસિંગ રૂમ મુલાકાતને લઈને તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાર બાદ તેમનું મનોબળ ઘટ્યું હતું અને નિરાશ હતા તેવા સમયે વડાપ્રધાને આત્મવિશ્વાસ અપાવ્યો હતો. એક વડાપ્રધાનનું આ રીતે ખેલાડીઓને મળવું તેમણે પણ બહુ મોટી બાબત ગણાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં