Monday, April 29, 2024
More
    હોમપેજદેશસેમી ફાઈનલ જીત્યા પહેલા જ ટીમ ઇન્ડીયાએ જીત્યા દિલ, રોહિત અને વિરાટે...

    સેમી ફાઈનલ જીત્યા પહેલા જ ટીમ ઇન્ડીયાએ જીત્યા દિલ, રોહિત અને વિરાટે કરી વિક્રમોની વણઝાર: કોહલી પર સચિન આફરીન, પીએમ મોદીએ પણ આપ્યા અભિનંદન

    વડાપ્રધાન મોદીએ પણ વિરાટને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પણ પોતાના X પર લખ્યું હતું કે, "આજે વિરાટે માત્ર વનડેમાં પોતાની 50મી સદી નથી બનાવી, પરંતુ તેમણે ઉત્કૃષ્ટતા અને દ્રઢતાની ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જે સર્વોત્તમ ખેલ કૌશલને પરિભાષિત કરે છે. "

    - Advertisement -

    વર્તમાનમાં ચાલી રહેલા ICC વર્લ્ડકપ 2023 દરમિયાન ટીમ ઇન્ડિયા અલગ જ ફોર્મમાં જોવા મળી રહી છે. 15 નવેમ્બરની આજની સેમી ફાઈનલ મેચ જીતે તે પહેલા જ ટીમ ઇન્ડીયાના ખેલાડીઓએ વિક્રમોની જાણે વણઝાર કરી દીધી છે. આજની મેચમાં સચિન તેંદુલકરના 20 વર્ષ જૂના રેકોર્ડને તોડીને વિરાટ કોહલીએ વનડે મેચમાં 50 સદીઓ ફટકારી છે. બીજી તરફ કેપ્ટન રોહિત શર્માએ 50 સિક્સર ફટકારીને નવો વિક્રમ સર્જ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સચિન તેંદુલકરે પણ વિરાટને અભિનંદન પાઠવ્યા હતા.

    મળતી માહિતી અનુસાર આજની સેમી ફાઈનલમાં વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરના 49 સદી ફટકારવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. પોતાની 50મી સદી પૂર્ણ કર્યા બાદ સચિન તેંદુલકરને નમીને શાનદાર શતકનો હર્ષ વ્યક્ત કર્યો હતો. બીજી તફ સચિને પણ પોતાના X પર વિરાટને શુભેચ્છા પાઠવી હતી.

    તેમણે લખ્યું હતું કે, “ભારતીય ડ્રેસિંગરૂમમાં જ્યારે હું તમને પહેલી વખત મળ્યો હતો ત્યારે ટીમના અન્ય ખેલાડીઓએ તમને મારા પગે લાગવા પર ટીખળ કરી હતી. હું તે દિવસે હસવું રોકી શક્યો નહતો. પરંતુ થોડા જ સમયમાં, તમે તમારા જુસ્સા અને કુશળતાથી મારા હૃદયને સ્પર્શી ગયા. હું ખૂબ જ ખુશ છું કે તે યુવાન છોકરો ‘વિરાટ’ ખેલાડી બની ગયો છે.”

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું કે, “એક ભારતીયે મારો રેકોર્ડ તોડ્યો તેનાથી વધુ આનંદની વાત મારા માટે કોઇ નથી. અને તેથી પણ વધુ સૌથી મોટા સ્ટેજ પર – વર્લ્ડ કપ સેમિફાઇનલ – અને મારા હોમ ગ્રાઉન્ડ પર આ કારનામું કરવું એ સોના પર સુહાગા જેવું છે.”

    ઉલ્લેખનીય છે કે આ સિવાય એક વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ કોહલીએ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ પહેલા સચિન તેંડુલકર પાસે હતો. તેમણે 2003માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં કુલ 673 રન બનાવ્યા હતા. 20 વર્ષ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી પરંતુ કોહલીએ સચિનનો આ રેકોર્ડ પોતાના ઘરમાં જ તોડી નાખ્યો હતો. વિરાટે 34મી ઓવરના ત્રીજા બોલ પર એક રન લઈને સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.

    વડાપ્રધાન મોદીએ પણ પાઠવ્યા અભિનંદન

    બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ વિરાટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પણ પોતાના X પર લખ્યું હતું કે, “આજે વિરાટે માત્ર વનડેમાં પોતાની 50મી સદી નથી બનાવી, પરંતુ તેમણે ઉત્કૃષ્ટતા અને દ્રઢતાની ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે જે સર્વોત્તમ ખેલ કૌશલને પરિભાષિત કરે છે. આ નોંધવા લાયક ઉપલબ્ધી તેમના સમર્પણ અને અસાધારણ પ્રતિભાનું પ્રમાણ છે. હું તેમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તેઓ આવનારી પેઢીઓ માટે એક માનદંડ સ્થાપિત કરી રહ્યા છે.”

    રોહિત શર્માએ પણ સ્થાપ્યો વિક્રમ

    માત્ર વિરાટ કોહલીએ જ નહીં પણ કેપ્ટન શર્માએ પણ વન ડે ક્રિકેટમાં નવો વિક્રમ સ્થાપ્યો છે. રોહિત શર્મા વન ડે વર્લ્ડ કપમાં ઈતિહાસમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેસ્ટમેન બની ગયા છે. તેમણે વર્લ્ડ કપની 27 ઈનિંગ્સમાં 51 સિક્સર ફટકારી છે. ભારત અને ન્યુજીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ 29 બોલમાં 47 રન ફટકાર્યા હતા. રોહિતે તેની આ ઈનિંગ્સમાં ચાર ચોક્કા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આટલું જ નહીં, રોહિતે ભારતના કેપ્ટનના રૂપમાં પોતાના 2000 રન પણ પુરા કરી લીધા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં