વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવીને મોટી ઉથલપાથલ કરી નાખી છે. આ જીતમાં અફઘાનિસ્તાનની આખી ટીમ બેટિંગ અને બોલિંગ બંને રીતે એક યુનિટની જેમ રમી. તેનાથી ઉલટું પાકિસ્તાનની ટીમે ના તો બેટિંગમાં કશું ઉકાળ્યું, કે ના બોલીંગમાં. પાકિસ્તાની ટીમની આ મેચમાં ધૂળ નીકળી ગઈ હતી. બીજી તરફ પ્લેયર ઓફ મેચ બનેલા અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ જાદરાને પોતાને મળેલું ઇનામ પોતાના દેશના શરણાર્થીઓને સમર્પિત કરી દીધું હતું.
અફઘાનિસ્તાનની ટીમનાં બેટ્સમેન ઇબ્રાહિમ જાદરાને સોમવાર (23 ઓકટોબર 2023)ના રોજ પોતાના દેશને જીત અપાવવા 87 રન બનાવીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ જીત બાદ પ્લેયર ઓફ મેચ બનેલા અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ જાદરાને પોતાને મળેલું ઇનામ પોતાના દેશના શરણાર્થીઓને સમર્પિત કર્યું છે. આ એ શરણાર્થીનઓ હતા જેમને પાકિસ્તાને પાછા મોકલી દીધા હતા.
અફઘાનિસ્તાનના બેટ્સમેન ઇબ્રાહિમ જાદરાએ પાકિસ્તાન પર મેળવેલા વિજય અને તેમને મળેલા પુરસ્કારને પોતાના દેશ માટેની આનંદની ક્ષણ ગણાવી. ઇબ્રાહિમે કહ્યું કે, “હું આ મેન ઓફ ધ મેચ પુરસ્કારને એ શરણાર્થી લોકોને સમર્પિત કરવા માંગું છું, જેમને પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યાં છે.”
મેદાનમાં હાજર દર્શકોએ પણ તાળીઓના ગળગળાટ સાથે ઇબ્રાહિમ જાદરાને કહેલી આ વાતને સમર્થન આપ્યું હતું. જાદરાને આપેલા આ નિવેદનનો એક 10 સેકંડનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Dear haters please note
— Rishi Bagree (@rishibagree) October 23, 2023
Ibrahim Zadran the MoM has dedicated his award to Afghans who were persecuted and forcibly being sent back from Pakistan to Afghanistan !!!!#PAKvsAFG pic.twitter.com/EXxZySA5Ez
આ સાથે જ ઇબ્રાહિમે ગુરબાજ સાથે થયેલી 130 રનોની પાર્ટનરશીપને સકારાત્મકતા સાથે રન મેળવવાના વિચારવાળી ગણાવી હતી. ઈબ્રાહિમે કહ્યું કે તેઓ ગુરબાજ સાથે પહેલા પણ ઘણું ક્રિકેટ રમી ચુક્યા છે.
અફઘાનિસ્તાને માત્ર 2 વિકેટ ગુમાવીને પાકિસ્તાનને હરાવ્યું
ઉલ્લેખનીય છે કે ચેન્નઈમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરીને પાકિસ્તાને અફઘાનિસ્તાનને 283 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અફઘાનિસ્તાને આ લક્ષ્યાંક માત્ર 2 વિકેટ ગુમાવીને 49 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. આ પહેલા અફઘાન ક્રિકેટ ટીમ ઈંગ્લેંડને પણ પછાડી ચુકી છે.
નોંધનીય છે કે તાજેતરના સમયમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન પાકિસ્તાન સરકારે આદેશ આપ્યો હતો કે તેઓ પોતાના દેશમા વિઝા વગર રહેતા અફઘાન નાગરિકોને તેમના દેશ પરત મોકલી દેશે. પાકિસ્તાન અત્યાર સુધી 13 લાખ અફઘાનીઓને પરત મોકલી ચુક્યું છે. સાથે જ પાકિસ્તાન માનવાધિકાર આયોગની અપીલ પણ દરકિનાર કરી રહ્યું છે. પાકિસ્તાન એક ઈસ્લામીક દેશ છે, અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પણ ઇસ્લામને માનવાવાળા છે, તેવામાં ‘મુસ્લિમ ભાઈચારો’ કદાચ પોકળ વાતો સિવાય બીજું કશું જ નથી તે દિશામાં ઈશારો કરે છે.