Monday, July 22, 2024
More
  હોમપેજવગેરે...કટાક્ષકટાક્ષ: “જો હું વડાપ્રધાન બનું તો...” – નીતીશકુમારના નિબંધ લખવાના પ્રયોગો

  કટાક્ષ: “જો હું વડાપ્રધાન બનું તો…” – નીતીશકુમારના નિબંધ લખવાના પ્રયોગો

  નીતીશકુમાર વડાપ્રધાન બને, ભારતના વડાપ્રધાન બને એના કેટલા ચાન્સીઝ? જો ખુદ નીતીશકુમાર આ બાબતે કોઈ નિબંધ લખે તો? જાણીએ આ કટાક્ષિકા દ્વારા.

  - Advertisement -

  મને ખબર છે કે દેશ આખો આજે મારી સામે મીટ માંડીને બેઠો છે. દેશને આજે એક નવા વડાપ્રધાનની તાત્કાલિક જરૂર છે. મને પણ ખબર છે કે વડાપ્રધાન માટે ચૂંટણી થવાને હજી અઢી વર્ષ બાકી છે તો પણ અમારું કાલે જ ફરીથી જીવતું થયેલું મહાઠગબંધન, સોરી મહાગઠબંધનના તમામ મોટા નેતાઓ એમ માનીને બેઠા છે કે નીતીશકુમાર વડાપ્રધાન બને તો સારું. આવું એમણે મને જાતે નથી કહ્યું પણ એમના ચહેરાઓ જોઇને મેં નક્કી કરી લીધું છે કે આ લોકો એમ જ ઈચ્છે છે. બાય ધ વે મોટા નેતાઓમાં મોટા શબ્દ ગુજરાતીમાં જ વાંચવો, ત્રણ વર્ષે મારા ફરીથી ભત્રીજા બનેલા તેજસ્વી યાદવની સાઈઝ જોઇને એ શબ્દ મેં હિન્દીમાં ઉપયોગમાં લીધો છે એવું બિલકુલ ન માનવું.

  ગુજરાતી પરથી યાદ આવ્યું કે આજે દેશ પર બે ગુજરાતીઓ શાસન કરી રહ્યા છે, જ્યારે એક સમયે અમારા બિહારીઓનો દબદબો હતો કેન્દ્રમાં. આજે જેમ બિહારમાં મેં સાબિત કરી દીધું છે કે જદયુના સાથી પક્ષો ગમે તે હોય પણ મુખ્યમંત્રી તો નીતીશકુમાર જ હોય, એવી જ રીતે આપણા દેશમાં એક એવો સમય હતો કે ગમે તે પક્ષની કે ઠગબંધન… સોરી અગેઇન, ગઠબંધનની સરકાર ગમે તેની હોય, વડાપ્રધાન ગમે તે હોય પણ રેલવે મંત્રી તો બિહારનો જ હોય. હું પણ હતો. એ સમયે ગુજરાતમાં જ એક ટ્રેન સળગી હતી, આજે બલ્કે અત્યારે જ એવો વિચાર આવે છે કે જો એ ટ્રેન સળગી ન હોત તો આજથી આઠ વર્ષ પહેલા જ દેશને બિહારી રેલમંત્રી નહીં પણ બિહારી પ્રધાનમંત્રી જ મળી ગયો હતો અને આ ગુજરાતીઓ આજે પણ ગુજરાતમાં જ હોત.

  પણ શું કરું? મને કોચલામાં રહીને જ રાજકારણ કરતાં ફાવે છે. એ ગુજરાતી જેણે ટ્રેન સળગી પછી જે રીતે અતિશય મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું કદ વધાર્યું અને બે ટર્મથી પ્રધાનમંત્રી બનીને બેઠો છે એ રીતે નીતીશકુમાર વડાપ્રધાન બને એ સ્થાપિત કરવા જેટલી દુરંદેશી મારામાં છે જ નહીં. આજે પણ જુઓને ચલકચલાણું પેલે ઘેર ભાણું નામની ગુજરાતી જ બાળરમત રમી રમીને વર્ષોથી બિહારના મુખ્યમંત્રી તરીકે જ ટકી રહ્યો છું. વર્ષોથી પ્રધાનમંત્રી તો દૂરની વાત છે, કેન્દ્રીયમંત્રી બનવાની તક પણ નથી મળી અથવાતો મળી હોય તો મને દેખાઈ નથી. પણ ઠીક છે. ચાલ્યા કરે.

  - Advertisement -

  પણ હવે નહીં ચાલે, નીતીશકુમાર વડાપ્રધાન બનવા જ જોઈએ એ બાબતે મારા સાથી પક્ષો એટલેકે મારું વ્હાલું વ્હાલું ઠગબંધન… અગેઇન સોરી… ગઠબંધન જલ્દીથી વિચારવા માંડે તો જ ગઈકાલે મેં જે નિર્ણય લીધો છે એની સાર્થકતા પુરવાર થઇ શકે. જો એમ ન થયું તો ગઈકાલનો એ નિર્ણય મારી રાજનૈતિક આત્મહત્યામાં પલટાઈ જશે. આ પલટાઈ એટલેકે પલટી મારવાના શબ્દોથી આદરણીય લાલુ પ્રસાદ યાદવ યાદ આવી ગયા. ઓહોહોહો… એમણે મને પલટુ રામની ઉપાધી આપી છે, અને છેલ્લા બે-ત્રણ દિવસથી આપણું મિડિયા પણ મને આ જ નામે બોલાવે છે. સમજણ નથી પડતી આ મારું સન્માન છે કે આદરણીય લાલુજીનું?

  પણ મારે હવે લાલુજીને બદલે તેજસ્વીને આદરણીય કહેવાની ટેવ પાડવી પડશે કારણકે લાલુજીની તો ઉંમર થઇ, ઘર કરતાં વધુ હોસ્પિટલમાં રહેતા હોય છે આ તેજસ્વી ઘણો તેજસ્વી છે એટલેકે બિહારીમાં મણમણની ચોપડાવવામાં એને સારી ફાવટ છે, એટલે એનું ધ્યાન રાખવું પડશે, નહીં તો એ ભૂલી જશે કે એ હવે બિહારની સત્તામાં છે તો મનેય વારે વારે ચોપડાવતો રહેશે. આમ જુઓને તો ગયા વખતે આ તેજસ્વી અને એના પક્ષે મારું હડહડતું અપમાન કર્યું હતું એટલે મેં નક્કી જ કર્યું હતું કે આમની જોડે ફરીથી ન જોડાવું, વિધાનસભામાં પણ આ કહી દીધું હતું, પણ શું કરીએ નીતીશકુમાર વડાપ્રધાન બને અને દેશને આ કોમવાદી અને જાતીવાદી તાકાતોથી મુક્તિ મળે એ માટે ઘણીવાર થુકેલું ચાટી જવું પડે, ફોર ધી લાર્જર ઈન્ટરેસ્ટ ઓફ ધ નેશન, શું કહો છો?

  ગઈકાલનો નિર્ણય જો કે પ્રધાનમંત્રી બનવા તરફનું મારું પહેલું પગલું જ કહી શકાય. હવે મારે મારા મહાગઠબંધન, સોરી ઠગબંધન… ઓહ… આ વખતે સાચું લખ્યું હતું? સોરી અગેઇન…પણ તમે સમજી જાવને? ટૂંકમાં કહું તો મારા સાથીદારોને મારે સમજાવવા પડશે કે નીતીશકુમાર વડાપ્રધાન બનવા માટે એમની પાસે એકમાત્ર વિકલ્પ છે. તમે જ વિચારો રાહુલજી (હવે જી કહેવાની ટેવ પાડવી પડશે) અત્યારે ઇડીના આંટા મારે છે ગમે ત્યારે લાલુજીની જેમ જેલમાં પણ જાય એવી શક્યતાઓ તો છે જ. એમના મમ્મીનું પણ એવું છે.

  રહી વાત દીદીની તો એ સારદામાં ન ફસાયા તો એમના મંત્રીના નોટોના હારડામાં ફસાઈ ગયા છે એટલે એ પણ ચૂપ રહેશે. રહ્યા પવાર સાહેબ, તો મહારાષ્ટ્રમાં એમની ચાણક્યનીતિ જે રીતે ફસકી ગઈ હવે એમના પર કોઈને વિશ્વાસ નથી રહ્યો. એક ખાનગી વાત કહું, ગઈકાલનો નિર્ણય લીધા પહેલાં મને ઉદ્ધવજીને ફોન કરવાનો વિચાર આવ્યો હતો કે આપણા પક્ષમાં કોઈ એકનાથ શિંદે હોય તો એને કેવી રીતે ઓળખી કાઢવો, પણ પછી થયું કે અત્યારે સંજય રાઉત પણ જેલમાં છે તો એમને પણ આ બાબતે કોણ સ્પષ્ટતા કરશે? એટલે રહેવા દીધું.  અખિલેશ, તેજસ્વી આ બધાં તો બાળકો કહેવાય (આ વાત તેજસ્વીને હમણાં ન કહેતાં પ્લીઝ), કેસીઆરને કોણ જાણે છે? દિલ્હીના મફતલાલની ટ્રાય ધીરેધીરે આગળ વધવાની હોય એવું લાગે છે એટલે એ પણ મને નહીં નડે.  એટલે પ્રધાનમંત્રીના પદ માટે વિપક્ષનો એકમાત્ર ઉમેદવાર કોણ? હું, હું, અને હું.

  હવે તમે કહેશો કે નીતીશકુમારને બિહારની બહાર કોણ ઓળખે છે? તો હું સામો સવાલ કરીશ કે એમતો નરેન્દ્રભાઈને પણ ગુજરાતની બહાર કોણ ઓળખતું હતું? પણ તોય એ આજે બે ટર્મથી વડાપ્રધાન છે જ ને? અરે! જો બાઈડનને પણ ધબ્બો મારી આવે છે એટલી ઓળખાણ ઉભી કરી દીધી છે એમણે. એટલે હું પણ… એક મિનીટ, ફોન છે.

  હા, આ શરદ યાદવનો ફોન હતો. શરદજી કહે છે કે નરેન્દ્રભાઈને ગુજરાતની બહાર કોઈ ઓળખતું નથી એવું આપણને એ સમયે લાગતું હતું પણ નીતીશને બિહારની બહાર લગભગ કોઈ નથી ઓળખતું એની બધાને ખરેખર ખબર છે. એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ પાસે એ સમયે ગુજરાત મોડલ હતું, અને એની ચર્ચા 2002 પછી તરતજ સમગ્ર દેશમાં થવા લાગી હતી, આપણી પાસે શું છે?

  કદાચ શરદજીને ખબર નથી, આમ પણ પેલા શરદજીની જેમ એમની પણ ઉંમર થઇ જ ગઈ છે એટલે કદાચ ભૂલી ગયા હશે કે હું પણ સુશાસનબાબુ તરીકે સમગ્ર દેશમાં કુખ્યાત, સોરી પ્રખ્યાત છું. હવે તેજસ્વી યાદવના સાથમાં હું મારી આ છબી વધુ મજબુત બનાવીશ. જો કે એની શક્યતાઓ તો નથી જ પણ તેમ છતાં હું પ્રયાસો કરીશ. અરે હા! સોશિયલ મિડિયા ક્યારે કામમાં આવશે? નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવામાં સોશિયલ મિડિયાનો મોટો હાથ છે જ ને?

  તો નીતીશકુમાર વડાપ્રધાન સોશિયલ મિડીયાના સમર્થનથી કેમ ન બની શકે? પણ ખબર નહીં લોકો મને ટ્રોલ બહુ કરે છે આ સોશિયલ મિડીયામાં. હું ગમેતે પક્ષ સાથે મળીને સરકાર બનવું પણ એ પક્ષના વિરોધીઓ તો ખરા જ પણ સમર્થકો પણ મને ટ્રોલ કરતા રહે છે. મારે આનું કારણ જાણવું જ પડશે. મસ્ત ગ્રાફિક ડિઝાઈનર શોધી અને મારી છબી સમગ્ર દેશમાં ઉજ્જવળ બને એવું ગોઠવી દઈશ પછી 2024માં હું જ પ્રધાનમંત્રી બની જઈશ અને કોઈની તાકાત નથી કે મને એમ કરતાં રોકે.

  જો કે સાચું કહું તો મારા બિહારમાં જ એવા ઘણાં લોકો છે જે મને એમ કરતાં રોકે. ગઈકાલે મેં મિડિયા સામે મારી સાથે સાત પક્ષો હોવાનો જે ફાંકો માર્યો હતો એ સાતેસાત પક્ષો મને પ્રધાનમંત્રી બનતા રોકી શકે છે. આદરણીય લાલુજી ભલે બીમાર હોય પણ બાણશૈયા પર જેમ ભિષ્મએ અર્જુનને અને યુધિષ્ઠિરને માર્ગદર્શન આપ્યું હતું એમ એ ખાટલા પર સુતાસુતાં તેજસ્વીને જરૂર માર્ગદર્શન આપતા હશે કે મને કંટ્રોલમાં કેમ રાખી શકાય. કશો વાંધો નહીં. હું દીદી, મહારાષ્ટ્રવાળા શરદજી, રાહુલબાબા અને સોનિયાજીને સમજાવી દઈશ એટલે એ બધા તેજસ્વી એન્ડ કંપનીને કાબુમાં લઇ લેશે.

  છેલ્લે એક ઉપાય પણ છે જે હમણાંજ મારા મનમાં આવ્યો. જો કશું જ નહીં ચાલે તો હું પેલા ફિલ્મ સ્ટાર્સ કરે છે ને એમ મારા નામનો સ્પેલિંગ બદલી નાખીશ. Nitish Kumar ને બદલે હું મારા નામનો સ્પેલિંગ Neeteesh Kummaar કરી નાખીશ. કહે છે ન્યુમરોલોજીમાં બહુ તાકાત છે અને એટલી તો સાયકોલોજીમાં પણ નથી. તો છેવટના રસ્તા તરીકે હું આમ જ કરીશ. બસ નક્કી!

  પેલું કહેવાય છે ને કે આપણે પોઝીટીવ રહીએ એટલે બધું પોઝીટીવ જ થાય, એટલે અત્યારથી જ હું પોઝીટીવ બની જાઉં છું એટલે નીતીશકુમાર વડાપ્રધાન બને તેના તમામ રસ્તાઓ એક પછી એક ખુલવા માંડે. ભારતના રાજકારણને આજે મારી જરૂર છે, ભલે એવું ભારતીય ન માનતા હોય પણ એ તો મારું ભાજપ સાથેનું જોડાણ પણ ન તૂટે એવું પણ માનતા હતા પણ તોય મેં તોડ્યું જ ને? એટલે એમને જરા ઇગ્નોર કરું તો, હું જ દેશનો અગામી પ્રધાનમંત્રી બનીશ એ મેં નક્કી કરી લીધું છે.

  આમ કરીને હું બિહારનું સન્માન વધારીશ જેમ આજકાલ ગુજરાતનું સન્માન વધ્યું છે, પછી ભલેને મારે અટલજીની તેર દિવસની સરકારનો રેકોર્ડ પણ ન તોડવો પડે? પરંતુ…

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં