Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...કટાક્ષફ્રાન્સને મળી FIFA વર્લ્ડ કપની ‘દિવ્ય ટ્રોફી’: લોકો રાત્રે આર્જેન્ટિનાને જીતેલું જોઈને...

    ફ્રાન્સને મળી FIFA વર્લ્ડ કપની ‘દિવ્ય ટ્રોફી’: લોકો રાત્રે આર્જેન્ટિનાને જીતેલું જોઈને સૂતા, સવારે આખી હકીકત બદલાઈ ગઈ

    આખરે એક ફૂટબોલના જાણકાર મિત્ર પાસેથી બધું સમજ્યું ત્યારે માનવું પડ્યું કે ‘મારી મરજીનું અખબાર’ જ છબરડા વાળે છે અને ગૂગલ સાચું હતું. પણ મને એવું લાગે છે કે આ સમાચાર લખનાર નક્કી ફ્રાન્સ સમર્થક હોવો જોઈએ. અથવા એવું પણ વિચાર્યું હોય કે બંને ટીમોના સમર્થકો એકબીજા સાથે બાખડી ન પડે એ માટે એક જ ન્યૂઝ સ્ટોરીમાં બંનેને જીતાડી દઈએ તો આ પ્રશ્ન જ ન રહે. 

    - Advertisement -

    આ લખનારને ફૂટબોલની રમત વિશે એટલી જ સમજ છે જેટલી રાહુલ ગાંધીને રાજકારણની છે. જોકે, પત્રકારત્વના ધંધામાં હોવાના કારણે આસપાસ શું ચાલે છે તેની ખબર રાખવી પડે છે એથી ગઈકાલે FIFA વર્લ્ડ કપની ફાઇનલ હતી એમાં પણ બહુ રસ તો ન લીધો (કારણ કે સમજ જ પડતી નથી!) પણ મેચ પૂરી થયે ગૂગલ કરીને એટલું જાણી મૂક્યું કે ફ્રાન્સ અને આર્જેન્ટિના સામસામે હતાં, એમાંથી આર્જેન્ટિના જીત્યું છે. 

    FIFA વર્લ્ડ કપની ફાઇનલ મેચ તો ગઈકાલે પૂરી થઇ ગઈ પણ આજે સવારનું ‘દિવ્ય ભાસ્કર’ ખોલીને પહેલા પાનાંના પહેલા લેખની પહેલી જ લીટી વાંચી ત્યારે ખબર પડી કે આ વર્લ્ડ કપ તો ફ્રાન્સ જીત્યું છે! ગઈકાલે ગૂગલ પર વાંચીને ઊંઘ્યો હતો એ મને બરાબર યાદ હતું એટલે ફરી ગૂગલ ખોલીને જોયું તો ત્યાં હજુ આર્જેન્ટિના જ ચેમ્પિયન ગણાવવામાં આવી રહ્યું હતું. ‘ગૂગલ’ પણ આખરે તો એક વેબસાઈટ છે, ભૂલ થઇ ગઈ હશે એમ કરીને મેં આગળ વાંચવા માંડ્યું. કારણ કે સાચી વાતો અને એ ય બેધડક રીતે લખતા અખબાર પણ શંકા કરવાનો કોઈ સવાલ જ ન હતો. 

    (તસ્વીર સાભાર: Divya Bhaskar Website)

    લેખમાં આગળ વાંચતાં ખબર પડી કે પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સે 00 ગોલ કર્યા હતા! 00 ગોલ સાથે પણ કોઈ કેવી રીતે ચેમ્પિયન બની શકે એવો વિચાર આવ્યો પણ હજુ મારું મન માનવા તૈયાર ન હતું એથી મેં આગળ વાંચવાનું ચાલુ રાખ્યું. ત્યારે ખબર પડી કે આર્જેન્ટિનાએ પણ 00 ગોલ કર્યા છે અને એટલું જ નહીં જે ફ્રાન્સ પહેલી લીટીમાં જીતી ગયું હતું એ પાંચમી આવતાં સુધીમાં હારી ગયું અને હવે વર્લ્ડ કપ પોતાના નામે કરવાનો વારો આર્જેન્ટિનાનો હતો! વળી હેડલાઈનમાં પણ આર્જેન્ટિના જ જીત્યું હતું.

    - Advertisement -

    પછી હું આગળ વાંચી ન શક્યો. આ પાંચ લીટી વાંચીને જ એવો ચકડોળે ચડી ગયો હતો કે છાપું બાજુ પર મૂકીને ધ્યાનમાં બેસી જવું પડ્યું. જોકે, ધ્યાનમાં પણ વિચારો તો આના જ ચાલતા હતા. ઘડીક થયું કે ક્યાંક ફ્રાંસે EVM હેક કરી લીધાં હતાં કે શું? એવું પણ થયું હોય કે બંને નિયત સમયમાં એક પણ ગોલ્સ ન કરી શક્યા હોય અને રેફરીને ઘરે જવાની ઉતાવળ હોય તો કંટાળીને કોઈ એકને કપ આપીને ઘરભેગા કર્યા હશે. 

    આખરે એક ફૂટબોલના જાણકાર મિત્ર પાસેથી બધું સમજ્યું ત્યારે માનવું પડ્યું કે ‘મારી મરજીનું અખબાર’ જ છબરડા વાળે છે અને ગૂગલ સાચું હતું. પણ મને એવું લાગે છે કે આ સમાચાર લખનાર નક્કી ફ્રાન્સ સમર્થક હોવો જોઈએ. અથવા એવું પણ વિચાર્યું હોય કે બંને ટીમોના સમર્થકો એકબીજા સાથે બાખડી ન પડે એ માટે એક જ ન્યૂઝ સ્ટોરીમાં બંનેને જીતાડી દઈએ તો આ પ્રશ્ન જ ન રહે. 

    જોક્સ અપાર્ટ, જ્યારે લાખો લોકો રોજ સવારે ઉઠીને અખબાર વાંચતા હોય તો તેના સંપાદનમાં પણ એટલી જ કાળજી રાખવામાં આવે તે જરૂરી છે. ‘બેધડક’ લખાય કે ન લખાય, સાચી વાત લખાય એ બહુ જરૂરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં