Monday, August 15, 2022
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રાવણ માસ ફક્ત હિન્દુઓની આસ્થાને જ પ્રજવલિત નથી કરતો પરંતુ સમગ્ર ગુજરાતનાં...

  શ્રાવણ માસ ફક્ત હિન્દુઓની આસ્થાને જ પ્રજવલિત નથી કરતો પરંતુ સમગ્ર ગુજરાતનાં અર્થતંત્રને પણ ધમધમાવી દેતો હોય છે

  આખો શ્રાવણ માસ એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ધાર્મિક મહત્વ વધુ હોવાના કારણે સમગ્ર મહિના દરમિયાન કથા, ધાર્મિક આયોજનો, ભજન-સત્સંગ વગેરેનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. 

  હિંદુ ધર્મના સૌથી પવિત્ર માસ શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. શ્રાવણ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો મહિનો છે. સમગ્ર દેશમાં શ્રાવણ દરમિયાન ભક્તો ભગવાન શિવની પૂજા-આરાધના કરે છે, તેમના દર્શન કરીને ધન્ય થાય છે. બાકીના ભાગોમાં શ્રાવણ માસ 14 જુલાઈથી જ શરૂ થઇ ગયો હતો, પરંતુ ગુજરાતી પંચાંગ મુજબ શ્રાવણ 29 જુલાઈથી શરૂ થાય છે. 

  ગુજરાતીઓ ધર્મપ્રિય પ્રજા છે. આપણાં અનેક મંદિરો દેશ-દુનિયામાં વિખ્યાત છે. બાકીના સમય દરમિયાન પણ આ મંદિરો ભક્તોથી ઉભરાયેલા જ રહે છે, પરંતુ શ્રાવણ મહિના દરમિયાન માહોલ કંઈક અલગ જ હોય છે અને સમગ્ર ગુજરાત શિવમય બની જાય છે. વધુમાં શ્રાવણમાં મોટા તહેવારો પણ આવે છે અને ગુજરાતીઓ તહેવારો ઉજવવામાં ક્યાંય પાછા પડતા નથી. 

  આખો શ્રાવણ માસ એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ધાર્મિક મહત્વ વધુ હોવાના કારણે સમગ્ર મહિના દરમિયાન કથા, ધાર્મિક આયોજનો, ભજન-સત્સંગ વગેરેનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. 

  - Advertisement -

  શ્રાવણ માસ વિશે વધુ ચર્ચા કરીએ તે પહેલાં તેનું મહત્વ જાણીએ. 

  હિંદુ શાસ્ત્રો પ્રમાણે, દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન શ્રાવણ મહિનામાં જ થયું હતું. મંથન દરમિયાન સમુદ્રમાંથી હીરા-ઝવેરાત, કામધેનુ ગાય, આર્યાવર્ત હાથી વગેરે બહાર આવ્યા હતા તેની સાથે વિષ પણ બહાર આવ્યું હતું. કહેવાય છે કે આ વિષમાં આખી દુનિયાને નષ્ટ કરવાની શક્તિઓ હોવાના કારણે દેવ-દાનવો ચિંતામાં પડી ગયા હતા. ત્યારે ભગવાન શિવજીએ આ વિષને પોતાના ગળામાં ઉતારી લીધું હતું. તે જ કારણે તેઓ ‘નીલકંઠ’ કહેવાયા હતા.

  ભગવાન શિવના ગળામાં રહેલા આ વિષની અસર ઓછી કરવા માટે દેવો અને દાનવોએ તેમને ગંગાજળ અર્પણ કરવાનું શરૂ કર્યું હતું. એ જ કારણ છે કે આ વિષની અસર ઓછી કરવા માટે ભગવાન શિવ પર જળાભિષેક કરવામાં આવે છે. 

  શ્રાવણ માસ અને તેનું આર્થિક મહત્વ 

  શ્રાવણ માસ દરમિયાન બજારોમાં એક નવી રોનક આવે છે. એક તરફ શ્રાવણનું આર્થિક મહત્વ છે તો બીજી તરફ તહેવારો પણ વધારે આવતા હોવાના કારણે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડે છે. ઉપરાંત, મેળાઓ પણ આ સમય દરમિયાન ભરાય છે, જેના કારણે આર્થિક દ્રષ્ટિએ પણ શ્રાવણ મહિનો ખૂબ શુભ માનવામાં આવે છે. 

  શ્રાવણ દરમિયાન મંદિરોમાં ભક્તોની ભીડ વધુ જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને સોમવાર ભગવાન શિવની આરાધનાનો વાર કહેવાતો હોવાના કારણે આ દિવસે શિવાલયો ઉભરાતાં જોવા મળે છે. લોકો ભગવાનને અર્પણ કરવા માટે ફૂલ-હાર તેમજ અન્ય ધાર્મિક ચીજવસ્તુઓની ખરીદી કરે છે. આપણે ત્યાં મંદિરોની બહાર આ પ્રકારે ધાર્મિક વસ્તુઓ વેચતા ફેરિયાઓ કાયમ જોવા મળે છે. તેમના માટે પણ આ મહિનો આશીર્વાદ બનીને આવે છે. 

  ભગવાન શિવને દૂધ અને જળ અર્પણ કરી તેમનો અભિષેક કરવામાં આવે છે. આ ઉપરાંત, ભગવાન શિવને બીલીપત્ર, પંચામૃત, ધતૂરો, દૂર્વા વગેરે ચડાવવામાં આવે છે. આ તમામ ચીજવસ્તુઓના વેચાણમાં આ સમય દરમિયાન વધારો જોવા મળે છે. જેના કારણે ખાસ કરીને નાના દુકાનદારોને નફો થાય છે.

  શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી વગેરે જેવા તહેવારો આવે છે. ખાસ કરીને રક્ષાબંધન દરમિયાન બજાર ઉભરાય જાય છે. રાખડીઓનું રેકોર્ડબ્રેક વેચાણ થાય છે તો બીજી તરફ લોકો ભેટ-સોગાદોની પણ એટલી જ ખરીદી કરે છે. ગુજરાતીઓ નાના-મોટા દરેક પ્રકારના તહેવારોની રંગેચંગે ઉજવણી કરવા માટે જાણીતા છે, જેના કારણે તહેવારો પર ખરીદી પણ ખૂબ થાય છે અને મોટા તહેવારોમાં બજારની રોનક બદલાઈ જાય છે. 

  હિંદુ ધર્મમાં 12 પવિત્ર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. જે પૈકીનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથમાં આવેલું છે. આખા શ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં ભક્તોનો ઘોડાપૂર ચાલુ જ રહે છે. આખા રાજ્યમાંથી ભક્તો ભગવાન શિવના દર્શને આવે છે. તેમજ સૌરાષ્ટ્રમાં અનેક મંદિરો આવેલાં હોવાના કારણે પ્રવાસીઓ પણ આ સમય દરમિયાન મોટી સંખ્યામાં આવે છે. 

  મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાના કારણે પર્યટન પર પણ ખાસ્સી હકારાત્મક અસર જોવા મળે છે અને શિવમંદિરો સાથે અન્ય નાના-મોટાં પવિત્ર મંદિરોમાં પણ દર્શનાર્થીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે. પર્યટનમાં વધારો થવાના કારણે સ્થાનિક લોકોને પણ ઘણો લાભ પહોંચે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાના કારણે સમગ્ર પ્રવાસન ઉદ્યોગને વેગ મળે છે. 

  આ ઉપરાંત, શ્રાવણ મહિનામાં મેળા પણ ભરાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઠેરઠેર મેળા ભરાય છે. ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ વગેરે મોટાં નગરોમાં મેળાઓ ભરાય છે. આ ઉપરાંત, રાજ્યમાં ઉત્તર-દક્ષિણ, મધ્ય ગુજરાતમાં પણ અનેક સ્થળોએ મેળા ભરાય છે. આ મેળાઓમાં આખા મહિના દરમિયાન લાખોની સંખ્યામાં લોકો આવે છે. જેનો પણ બહુ મોટો આર્થિક ફાયદો જોવા મળે છે. એક મહિનામાં આખા રાજ્યમાં કરોડો રૂપિયાનું વેચાણ થાય છે અને નાના દુકાનદારોના એક મોટા વર્ગને તેનાથી ફાયદો પહોંચે છે. 

  ગત બે વર્ષમાં કોરોના મહામારીના કારણે શ્રાવણ મહિનાની ઉજવણી પર બ્રેક લાગી ગઈ હતી. જોકે, હવે ફરી પરિસ્થિતિ થાળે પડી રહી છે અને નિયંત્રણો પણ દૂર કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ વર્ષે શિવાલયો ફરીથી ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠશે તેમજ બજારોમાં પણ રોનક પાછી આવશે તે નિશ્ચિત છે. 

  હર હર મહાદેવ!

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં