અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભગવાન રામલલા બિરાજમાન થયા બાદથી જ શ્રદ્ધાળુઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ દર્શન માટે ખુલ્લા મૂકાયેલા મંદિરમાં પહેલા જ દિવસે 5 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે અને હજુ પણ ધસારો ઓછો થઈ રહ્યો નથી. આ ભાવ, ભક્તિ, ઉમંગ અને ઉત્સાહની વચ્ચે રામ મંદિરમાં સ્થાપિત રામલલાની નવનિર્મિત સુંદર મૂર્તિ વિશે કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે.
નિષ્ણાતોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, રામલલાની આ 51 ઈંચ ઊંચી અને 200 કિલોની મૂર્તિ કોઈ સામાન્ય પથ્થરથી નથી બની, પરંતુ તેને બનાવવા માટે વપરાયેલ પથ્થર અંદાજે 2.5 અબજ વર્ષ જૂનો ગ્રેનાઈટ છે. મહત્વનું એ છે કે આ ગ્રેનાઈટ પથ્થર પર પાણી કે કાર્બનની કોઈ અસર થતી નથી. આ સાથે વાતાવરણમાં થતા ફેરફારો પછી પણ આ પથ્થર એવોને એવો જ રહે છે. આ પથ્થરની શિલાને ‘કૃષ્ણ શિલા’ પણ કહેવામાં આવે છે કારણ કે તેનો રંગ ભગવાન કૃષ્ણના વર્ણ જેવો છે.
આ વિષયની ખાસ જાણકારી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ રોક મિકેનિક્સના ડાયરેક્ટર એચએચ વેંકટેશ દ્વારા આપવામાં આવી છે. આ સંસ્થા ભારતમાં પરમાણુ પાવર પ્લાન્ટ અને ડેમના નિર્માણ માટે પથ્થરો અને ખડકોને તપાસવાનું કામ કરે છે. આ શિલા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ એક ગ્રેનાઈટ પથ્થર છે. જેના પર હવામાનની કોઈ અસર નથી. તેમણે કહ્યું કે પૃથ્વીની રચના દરમિયાન મોટા વિસ્ફોટ થયા હતા અને તે સમયે જે લાવા પીગળ્યા, તેનાથી આ ગ્રેનાઈટ પથ્થરો બન્યા હતા. આ પથ્થરો ખૂબ નક્કર હોય છે. જેથી બદલાતા વાતાવરણની તેના પર કોઈ અસર થતી નથી.
આ ઉપરાંત નિષ્ણાતોએ જણાવ્યું કે, આ પથ્થર પ્રિ-કેમ્બ્રિયન કાળનો છે, જેની શરૂઆત 4 અબજ વર્ષ પહેલાં થઇ હતી. વૈજ્ઞાનિકોના મતે, આ પથ્થર તે સમયથી છે જે સમયથી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હતી. થોડા સમય પૂર્વે જ કેન્દ્રીય વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંઘે પણ રામ મંદિર વિશે જણાવતા કહ્યું હતું કે, પ્રભુ શ્રીરામનું મંદિર એવી ટેક્નોલોજીથી બની રહ્યું છે કે જેનાથી આગામી 1000 વર્ષ સુધી તેમાં મરામતની પણ જરૂર નહીં પડે. તેના નિર્માણમાં શ્રેષ્ઠ ટેક્નોલોજી અને ઉચ્ચ ગુણવત્તાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મૂર્તિ માટેનો પથ્થર કર્ણાટકના મૈસુરના જયપુર હોબલી ગામમાંથી લેવામાં આવ્યો હતો. આ સ્થળ ઉત્તમ ગુણવત્તાના કાળા ગ્રેનાઈટ પથ્થરો માટે જાણીતું છે.
અહીં ઉલ્લેખનીય છે કે 500 વર્ષોના સંઘર્ષ અને પ્રતીક્ષા બાદ ગત 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. પ્રાણપ્રતિષ્ઠાનો ઐતિહાસિક અને ભવ્ય અવસર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં ઉજવાયો. હવે અયોધ્યામાં દર્શન માટે લોકો આવવાના શરૂ થયા છે. અનુમાન છે કે વર્ષે 5 કરોડ લોકો ભગવાનના દર્શન કરશે.