બુધવારે (14 ફેબ્રુઆરી, 2024) સંયુક્ત આરબ અમીરાતની (UAE) રાજધાની અબુ ધાબીમાં નિર્માણ પામેલા સૌથી મોટા હિંદુ મંદિરનું લોકાર્પણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમણે પ્રથમ મંદિરે પહોંચીને પૂજા-આરતી કરી હતી અને ત્યારબાદ મંદિર પરિસરમાં ભ્રમણ કરીને નિરીક્ષણ કર્યું. અહીં તેમણે કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, “આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવીય ઈતિહાસનો એક નવો સ્વર્ણિમ અધ્યાય લખ્યો છે. આજે અબુ ધાબીમાં ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ પળ પાછળ વર્ષોની મહેનત લાગી છે. તેમાં વર્ષો જૂનું સ્વપ્ન જોડાયેલું છે. તેમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ જોડાયેલા છે.”
આજે પ્રમુખ સ્વામી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે, ત્યાં પ્રસન્નતાનો અનુભવ કરશે. પૂજ્ય પ્રમુખ સ્વામીજી સાથે મારો સંબંધ એક પ્રકારે પિતા-પુત્રનો રહ્યો.
— ઑપઇન્ડિયા (@OpIndia_G) February 14, 2024
જીવનના લાંબા કાળખંડ સુધી તેમનું સાનિધ્ય પ્રાપ્ત થતું રહ્યું, તેમના આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા અને હું CM હતો ત્યારે… pic.twitter.com/8IpIsMR8W1
વડાપ્રધાને આ પ્રસંગે આ મંદિરનો જેમણે સંકલ્પ લીધો હતો તેવા BAPS સંસ્થાના પૂર્વ વડા પ્રમુખ સ્વામી મહારાજને પણ યાદ કર્યા. તેમણે કહ્યું, “આજે પ્રમુખ સ્વામી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે, ત્યાં પ્રસન્નતાનો અનુભવ કરશે. પૂજ્ય પ્રમુખ સ્વામીજી સાથે મારો સંબંધ એક પ્રકારે પિતા-પુત્રનો રહ્યો. જીવનના લાંબા કાળખંડ સુધી તેમનું સાનિધ્ય પ્રાપ્ત થતું રહ્યું, તેમના આશીર્વાદ પ્રાપ્ત થતા રહ્યા અને હું CM હતો ત્યારે પણ અને PM બન્યો પછી પણ તેઓ સ્પષ્ટ શબ્દોમાં મારું માર્ગદર્શન કરતા રહેતા.”
PM મોદીએ ઉમેર્યું કે, “આજે વસંત પંચમીનો પવિત્ર તહેવાર પણ છે, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની જયંતી પણ છે. આ વસંત પંચમી મા સરસ્વતીનું પર્વ છે. મા સરસ્વતી એટલે બુદ્ધિ અને વિવેકનાં, માનવીય પ્રજ્ઞા અને ચેતનાનાં દેવી. આ માનવીય પ્રજ્ઞા જ છે, જેણે આપણને સહયોગ, સામંજસ્ય, સમન્વ્ય અને સૌહાર્દ જેવા આદર્શોને જીવનમાં ઉતારવાની સમજ આપી છે. મને આશા છે કે આ મંદિર પણ માનવતા માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે વસંતનું સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતીક બનશે.”
PM મોદીએ કહ્યું કે, “હમણાં સુધી જે UAE બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ, શેખ ઝાયદ મસ્જિદ અને બીજી હાઈટેક બિલ્ડિંગો માટે જાણીતું હતું, હવે તેની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક અધ્યાય ઉમેરાઈ ગયો છે. મને વિશ્વાસ છે આવનાર સમયમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવશે, તેનાથી UAE આવનારા લોકોની સંખ્યા પણ વધશે અને ‘પીપલ ટૂ પીપલ કનેક્ટ’ પણ વધશે. હું ભારત અને વિશ્વમાં રહેતા કરોડો ભારતીયો તરફથી રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ અને UAE સરકારનો આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત, તેમણે સહયોગ માટે UAEના લોકોનો પણ આભાર માન્યો હતો.
It’s a matter of immense joy that UAE will get a Bhavya and Divya Hindu Mandir. Watch my speech. https://t.co/UBEazZPhVw
— Narendra Modi (@narendramodi) February 14, 2024
PM મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે, “આ સમય ભારતના અમૃતકાળનો સમય છે. આ આપણી આસ્થા અને સંસ્કૃતિ માટે પણ અમૃતકાળનો સમય છે. ગત મહિને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સદીઓ જૂનું સ્વપ્ન પૂર્ણ થયું. રામલલા તેમના ભવનમાં બિરાજમાન થયા. સમગ્ર ભારત અને દરેક ભારતીય એ પ્રેમ અને ભાવમાં હજુ સુધી ડૂબેલો છે.” આગળ કહ્યું કે, “અયોધ્યાના આપણા એ પરમ આનંદને આજની અબુ ધાબીમાં મળેલી ખુશીની લહેરને વધારી દીધો છે.”
‘હું મા ભારતીનો પૂજારી છું, 140 કરોડ ભારતીયો મારા આરાધ્ય દેવ’
PM મોદીએ તેમની અગાઉ સંબોધન કરી ગયેલા સંત બ્રહ્મવિહારી સ્વામીના શબ્દોને ટાંકીને કહ્યું. “તેઓ કહી રહ્યા હતા કે મોદી સૌથી મોટા પૂજારી છું. મને ખબર નથી કે હું મંદિરોના પૂજારી હોવાની યોગ્યતા ધરાવું છું કે નહીં, પરંતુ હું એ વાતનો ગર્વ જરૂરથી અનુભવું છું કે હું મા ભારતીનો પૂજારી છું.” તેમણે ઉમેર્યું કે, “પરમાત્માએ જેટલો સમય આપ્યો છે, તેની દરેક પળ અને પરમાત્માએ જે શરીર આપ્યું છે તેનો કણ-કણ માત્રને માત્ર મા ભારતી માટે છે. 140 કરોડ દેશવાસીઓ મારા આરાધ્યદેવ છે.”
તેમણે ઉમેર્યું કે, “આપણને વિવિધતામાં વેર નથી દેખાતું. આપણને વિવિધતા જ વિશેષતા લાગે છે. આજે વૈશ્વિક સંઘર્ષો અને પડકારો સામે આ વિચાર માનવતામાં આપણા વિશ્વાસને મજબૂત કરશે. આ મંદિરમાં પગ-પગ પર વિવિધતામાં વિશ્વાસની ઝલક જોવા મળશે.”
‘વસુધૈવ કુટુમ્બકમ’ના ભાવ સાથે આગળ વધી રહ્યું છે ભારત: PM
વડાપ્રધાને કહ્યું, “આપણા વેદ આપણને શીખવે છે કે, આપણા વિચાર એકજૂટ હોય, મન એકબીજા સાથે જોડાયેલાં હોય, આપણા સંકલ્પો એકજૂટ હોય. માનવીય એકતાનું આ આહ્વાન આપણા અધ્યાત્મનો મૂળ ભાવ રહ્યો છે. આપણાં મંદિરો આ શિક્ષણ અને સંકલ્પોનાં કેન્દ્ર રહ્યાં છે. આપણે મંદિરોમાં એક સ્વરમાં ઘોષ કરીએ છીએ કે પ્રાણીઓમાં સદભાવના હોય, વિશ્વનું કલ્યાણ હોય. ત્યાં જે ઋચાઓનો પાઠ થાય છે તે આપણને શીખવે છે- વસુધૈવ કુટુમ્બકમ. આ જ વિચાર સાથે ભારત વિશ્વશાંતિ માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારત ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર પર કામ કરી રહ્યું છે.
અંતે તેમણે કહ્યું કે, “મને વિશ્વાસ છે કે અબુ ધાબીના મંદિરની આ માનવીય પ્રેરણા, અમારા એ સંકલ્પોને ઊર્જા આપશે અને તેમને સાકાર કરશે. આ મંદિરને હું આખી માનવતાને સમર્પિત કરું છું.”