Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ'ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ભીલો એક થયા, તો અંગ્રેજોએ 1500 લાશો ઢાળી દીધી':...

    ‘ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ભીલો એક થયા, તો અંગ્રેજોએ 1500 લાશો ઢાળી દીધી’: જલિયાવાલાં બાગ કરતાં પણ અનેકગણો મોટો હતો માનગઢનો આ હત્યાકાંડ

    કહેવાય છે કે તે દિવસે માનગઢ ટેકરી પર લગભગ દોઢ લાખ જેટલા આદિવાસી-ભીલો એકઠા થયા હતા. તેમાંથી કેટલાના મોત થયા તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે, પરંતુ જ્યારે અઢી કલાક સુધી આટલા વિશાળ ટોળા પર અંધાધૂંધ ગોળી ચલાવવામાં આવી ત્યારે તેમાં કેટલા લોકો ઘાયલ થયા હશે તેનો વિચાર કરીએ તો બધું સ્પષ્ટ થઈ જશે.

    - Advertisement -

    સામાન્ય રીતે, જ્યારે આપણે ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને તે દરમિયાન આપેલા બલિદાનની વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા આપણે જલિયાવાલા બાગને યાદ કરીએ છીએ. જો કે કોઈ એક હત્યાકાંડની સરખામણી બીજા સાથે ન થઈ શકે, પરંતુ હકીકત એ છે કે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલી માનગઢ પહાડી પર આદિવાસી ભીલોનો નરસંહાર જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં અનેક ગણો મોટો હતો. રાષ્ટ્રીય સ્તરે હજુ પણ લોકો આ ઈતિહાસથી અજાણ છે.

    સૌથી પહેલા માનગઢ પહાડી વિશે જાણીએ

    માનગઢ એ અરવલ્લી પર્વતમાળામાં આવેલ એક ટેકરી છે, જેનો એક ભાગ ગુજરાતના દાહોદ જિલ્લામાં અને બીજો ભાગ રાજસ્થાનના બાંસવાડામાં આવેલો છે. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ ટેકરીની નીચે ઘણી ગુફાઓ હતી જ્યાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતા હતા. એક સમયે આસપાસના વિસ્તારોમાં ભીલ-આદિવાસી સમાજનું સામ્રાજ્ય હતું. મધ્યકાલીન સમયગાળામાં, આ ટેકરી પર માનસિંહ ભીલનું વર્ચસ્વ હતું, જેના નામ પરથી આ ટેકરી ‘માનગઢ’ તરીકે જાણીતી થઈ.

    17 નવેમ્બર, 1913ના રોજ, આ ટેકરીની આસપાસના તમામ ભીલ-આદિવાસી સમુદાયોએ ગોવિંદ ગુરુના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડત આપી હતી. લગભગ દોઢ લાખની સંખ્યામાં સ્થાનિક ભીલ-આદિવાસી સમાજ આ ટેકરી પર એકત્ર થયો હતો. એટલા માટે અંગ્રેજોએ આ ટેકરીને ચારે બાજુથી ઘેરી લીધી અને તમામ નિઃશસ્ત્ર લોકોને તેમની બંદૂકોની ગોળીઓથી ઠાર માર્યા હતા. સરકારી રેકોર્ડ કહે છે કે તે હત્યાકાંડમાં 1500 થી 2000 લોકો માર્યા ગયા હતા, પરંતુ આ વાસ્તવિક આંકડો કેટલો મોટો હશે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે.

    - Advertisement -

    આજે આ ટેકરી આસપાસના સનાતનીઓ માટે તીર્થસ્થાનથી ઓછી નથી. આથી તે હવે ‘માનગઢ ધામ’ તરીકે ઓળખાય છે. દર વર્ષે માગશર પૂર્ણિમાના દિવસે અહીં મોટી સંખ્યામાં સનાતનીઓ ભેગા થાય છે અને ગુરુ ગોવિંદ અને તેમના પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. જ્યાં સુધી ગોવિંદ ગુરુનો સંબંધ છે, તેમનો જન્મ 1863માં ડુંગરપુરના વાંસિયા ગામમાં થયો હતો. તેઓ બાળપણથી જ ભક્તિભાવ ધરાવતા હતા. તે પોતાના ગામમાં આદિવાસી સમાજના બાળકોને એકઠા કરતા અને અહીં વેગડી ભાષામાં ભગવાનની વાર્તાઓ સંભળાવતા હતા.

    દયાનંદ સરસ્વતી, ગોવિંદ ગુરુ અને ભગત સંપ્રદાયનું સ્થાપના

    તેઓ જ્ઞાતિએ બંજારા હતા, પરંતુ કોઈપણ જાતના ભેદભાવ વગર આદિવાસી સમાજના ભીલ બાળકો સાથે રમતા, ખાતા-પીતા હતા. એટલે જ આદિવાસી સમાજના લોકો પણ તેમને ખૂબ માન-સન્માન આપતા હતા. જ્યારે ગોવિંદ ગુરુ 18 વર્ષના હતા ત્યારે તેમના જીવનમાં એક મોટી ઘટના બની. 19મી સદીના ઉત્તરાર્ધમાં સ્વામી દયાનંદ સરસ્વતી તેમના ક્રાંતિકારી વિચારોને કારણે સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ ગયા હતા. 1881માં જ્યારે તેઓ ઉદયપુરના મહારાણાને મળવા પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા ગોવિંદ ગુરુને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

    સ્વામીજીએ, ગોવિંદ ગુરુની આંતરિક પરિબળોનું ઊંડાણ માપીને, તેમને અને તેમની પત્નીને ઉચ્ચ કક્ષાનું જ્ઞાન આપીને દીક્ષા આપી. જેના પછી ગોવિંદ ગુરુના જીવનમાં એક વિશાળ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. સ્વામી દયાનંદ સરસ્વતી સાથેની મુલાકાત પછી, ગોવિંદ ગુરુએ આદિવાસી-ભીલોના ઉત્કર્ષના ઉદ્દેશ્ય સાથે આધ્યાત્મિકતાના આધારે ભગત સંપ્રદાયની સ્થાપના કરી હતી.

    ભગત સંપ્રદાય, મૂળભૂત રીતે, વૈદિક વિચારોને અનુસરવાનો આગ્રહ રાખે છે. જેમાં યજ્ઞકુંડમાં નારિયેળ અર્પણ કરીને અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, દારૂ અને માંસનું સેવન ન કરવું, પ્રાણીઓની હત્યા ન કરવી જેવી પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. આ નિયમોનું પાલન કરનારને ગોવિંદ ગુરુ ‘ભગત’ના નામથી બોલાવવામાં આવતા હતા. ગોવિંદ ગુરુ પોતે અભણ હતા, પરંતુ તેમણે તેમના ભક્ત પરિવારોને સુશિક્ષિત અને સંસ્કારી બનવા વિનંતી કરી જેથી તેઓ સમાજમાં પ્રગતિ કરી શકે.

    ભગત સંપ્રદાયની સ્થાપનાના થોડા વર્ષોમાં, અસંખ્ય આદિવાસી સમુદાયો – ભીલો, ગોવિંદ ગુરુના શિષ્યો બન્યા હતા. તેમનો પ્રભાવ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની આસપાસના તમામ ગામડાઓમાં ફેલાવા લાગ્યો હતો. પછી આવા મોટા પાયાના કાર્યને વ્યવસ્થિત દિશા આપવા માટે તેમણે 1905 માં સંપ સભાની સ્થાપના કરી, જેનું કાર્ય ગ્રામ્ય સ્તરે તેમના શિષ્યોને વિવિધ જવાબદારીઓ આપીને સમગ્ર સમાજના ઉત્થાનનું હતું.

    તેમણે તેમની સંસ્થાને બે કાર્યોમાં વહેંચી દીધી હતી. પહેલું કામ આદિવાસી-ભીલ સમાજના રક્ષણ માટે લશ્કર તૈયાર કરવાનું હતું, જેની તમામ જવાબદારી પારગી પુંજાભાઈને સોંપવામાં આવી હતી. જયારે, બીજું કાર્ય ધર્મ પ્રચારનું હતું જેમાં પૂજા માટે કુરિયા ભગત, પશુપાલન માટે જયંતિભાઈ ભગત, આત્માની શાંતિ માટે વાલાભાઈ ભગત, હવન માટે લેંબાભાઈ ભગત, કૂવા ખોદવા માટે કલજીભાઈ ભગત, પ્રચાર માટે જોરજીભાઈ ભગત, પર્યાવરણ અને વન સંરક્ષણ માટે થાવરા ભગત અને શિક્ષણ માટે જવાબદારી સોંપવામાં આવી હતી.

    છપ્પનિયો દુકાળ, ઈસાઈ મિશનરીઓ અને અંગ્રેજો

    વિક્રમ સંવત 1956માં, એટલે કે ઈસવી સન 1899માં, ભારત એક ગંભીર સમયગાળાનો શિકાર બન્યું જેને આપણે સામાન્ય ભાષામાં ‘છપ્પનીયા દુકાળ’ તરીકે ઓળખીએ છીએ. દુષ્કાળના ઈતિહાસમાં ‘છપ્પનીયા દુકાળ’ જેવો બીજો કોઈ દુષ્કાળ નથી. ખોરાક, પાણી અને ઘાસના અભાવે માણસો, પશુ-પંખીઓ બધા મરી રહ્યા હતા. જે પ્રાણીઓને ખેડૂતો પોતાના બાળકોની જેમ પ્રેમ કરતા હતા, એ જમાનામાં માણસ એ મરેલા પ્રાણીઓ અને બાળકોનું માંસ ખાઈને પણ જીવતા રહેવાની લડાઈ લડતો હતો.

    તે જ સમયે, ગોવિંદ ગુરુના પત્ની અને તેમના બે પુત્રો પણ કાલના કોપમાં સમાઈ ગયા હતા. પરંતુ, ગોવિંદ ગુરુએ તે દુઃખને પોતાના અંતરમાં દબાવી રાખ્યું અને ઘરે-ઘરે પહોંચીને લોકોને શક્ય તેટલી મદદ કરી રહ્યા હતા. આ જોઈને એક તરફ બધા સનાતનીઓ ગોવિંદ ગુરુના વખાણ કરી રહ્યા હતા, તો બીજી તરફ અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરીઓને ગોવિંદ ગુરુનું વધતું કદ અને તેમનું આંદોલન પસંદ નહોતું આવી રહ્યું.

    મધ્યપ્રદેશના થાંદલા ગામમાં ધર્માંતરણ રેકેટ ચલાવી રહેલા એક ફ્રેન્ચ પાદરીએ બ્રિટિશ શાસકોને પત્ર લખીને ગોવિંદ ગુરુથી સાવચેત રહેવાની ચેતવણી આપી હતી. આ પછી, અંગ્રેજોએ તાત્કાલિક પગલાં લીધા અને ગોવિંદ ગુરુ અને પુંજાભાઈ પારગીને બંદી બનાવવાની યોજના બનાવી. બીજી તરફ, હવે ગોવિંદ ગુરુના શિષ્યો તેમને એક ક્ષણ માટે પણ એકલા છોડવા તૈયાર ન હતા. બધા શિષ્યો હંમેશા ખુલ્લી તલવારો સાથે તેમની આસપાસ રહેતા હતા.

    દરમિયાન, 31 ઓક્ટોબર, 1913 ના રોજ, પુંજાભાઈ પારગી અને તેના સાથીઓએ ગદરા પોલીસ સ્ટેશનના ફોજદારની હત્યા કરી અને કોન્સ્ટેબલને બંદી બનાવીને માનગઢ લઈ આવ્યા. ફોજદારના મૃત્યુ પછી અંગ્રેજો અને આદિવાસી સમાજ-ભીલ સામસામે આવી ગયા હતા.

    ગોવિંદ ગુરુ દ્વારા કેટલાક સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં પાણી માથાથી ઉપર જતું રહ્યું હતું. અંગ્રેજો બળજબરીથી ભગતોને કેદ કરતા હતા, તેમને દારૂ પીવડાવતા હતા અને પ્રાણીઓની હત્યા કરીને યજ્ઞકુંડને પ્રદૂષિત કરતા હતા. એવું કહેવાય છે કે તણાવ ત્યારે વધી ગયો જ્યારે અંગ્રેજોએ એક નકલી સાધુને માનગઢના સૌથી મોટા યજ્ઞકુંડમાં ગાયનું લોહી ભરીને અપવિત્ર કરવા મોકલ્યો અને તે આમ કરવામાં સફળ થયો હતો.

    સંઘર્ષની તૈયારીઓ

    6 નવેમ્બર, 1913ના રોજ, રોઝ માહી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડરે ચીફ જનરલ સ્ટાફને જાણ કરી કે ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આદિવાસી-ભીલો માનગઢ ખાતે એકઠા થઈ રહ્યા છે અને બ્રિટિશ સરકાર સામે બળવો કરવાની તૈયારી કરી રહ્યા છે. આના પર તાત્કાલિક પગલાં લેતા, મુખ્ય જનરલે 12 નવેમ્બર 1913 ના રોજ માહી, વડોદરા, અમદાવાદ અને ખેરવાડાના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો. સાથે જ 104 રાયફલ્સની એક કંપનીને માનગઢ મોકલવામાં આવી હતી.

    16 નવેમ્બર, 1913ની સાંજ સુધીમાં, અંગ્રેજ સૈનિકોએ આખી માનગઢ ટેકરીને ચારે બાજુથી ઘેરી લીધી અને બીજા દિવસે સવારે 8.30 વાગ્યે ગોળીઓનો ધમધમાટ શરૂ થયો. ભીલો પાસે માત્ર ધનુષ્ય, તીર અને તલવારો હતી. ત્યારે અંગ્રેજો આધુનિક બંદૂકો અને મશીનગનથી સજ્જ હતા. કહેવાય છે કે તે દિવસે માનગઢ ટેકરી પર લગભગ દોઢ લાખ જેટલા આદિવાસી-ભીલો એકઠા થયા હતા. તેમાંથી કેટલાના મોત થયા તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે, પરંતુ જ્યારે અઢી કલાક સુધી આટલા વિશાળ ટોળા પર અંધાધૂંધ ગોળી ચલાવવામાં આવી ત્યારે તેમાં કેટલા લોકો ઘાયલ થયા હશે તેનો વિચાર કરીએ તો બધું સ્પષ્ટ થઈ જશે.

    સત્તાવાર દસ્તાવેજોમાં 1500 ભીલોના મૃત્યુની વાત છે. જ્યારે, ગોવિંદ ગુરુએ આ આંકડો સેંકડોમાં જણાવ્યો હતો. એવું કહેવાય છે કે બ્રિટિશ કમિશનરે મૃત માતાના શરીરમાંથી સ્તનપાન કરતા બાળકને જોઈને યુદ્ધનો અંત જાહેર કર્યો હતો. આ દરમિયાન ઘણા ભીલો ભાગી જવામાં સફળ થયા. જેઓ બચી ગયા તેઓને ગોવિંદ ગુરુ અને પૂંજા પારગી સાથે કેદી લેવામાં આવ્યા. ગોવિંદ ગુરુ અને પૂંજા પારગી સહિત 30 અન્ય લોકો સામે રાજદ્રોહ અને બ્રિટિશ સરકાર સામે બળવો કરવાના આરોપમાં તમામને અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કરીને કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    આખરે, ગોવિંદ ગુરુ અને તેમના અન્ય દસ શિષ્યોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. બાદમાં તે ઘટાડીને 10 વર્ષ કરવામાં આવ્યું હતું. સજા બાદ ગોવિંદ ગુરુને સંતરામપુર, બાંસવાડા, ડુંગરપુર અને કુશલગઢ રાજ્યમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમના જીવનના અંતિમ દિવસોમાં, ગોવિંદ ગુરુએ ઝાલોદ તાલુકાના લીમડી શહેર નજીક કંબોઇ ગામમાં ખેતી કરવાનું શરૂ કર્યું અને ગુરુએ 30 ઓક્ટોબર 1931ના રોજ કંબોઇમાં અંતિમ શ્વાસ લીધા.

    ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ અહીંના આદિવાસી-ભીલો અને અન્ય સનાતનીઓની સ્મૃતિનો અભિન્ન અંગ બની ગયો છે. આપણા દેશના બે ટકાના ઈતિહાસકારો દ્વારા આટલા મોટા નરસંહારને આપણા ઈતિહાસના પુસ્તકોમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી એ દુઃખની વાત છે. ડાબેરી, ઇસ્લામવાદી અને મેકોલવાદીઓ, તેઓએ હંમેશા આદિવાસી-ભીલોને હિંદુઓથી અલગ કરવાનું કાવતરું કર્યું જ છે.

    જો તેઓએ આપણા પાઠ્યપુસ્તકોમાં માનગઢના ઈતિહાસનો સમાવેશ કર્યો હોત, તો તેમનો એજન્ડા ક્યારેય સફળ ના થયો હોત. કારણ કે દરેકને ખબર હોત કે તત્કાલીન હિંદુઓના સૌથી મહાન નેતા સ્વામી દયાનંદ સરસ્વતીએ બંજારા સમુદાયના ગોવિંદને કેવી રીતે પોતાના શિષ્ય બનાવ્યા અને કેવી રીતે બંજારા આદિવાસી-ભીલોએ તેને તેમના ગુરુ, તેમના ભગવાન તરીકે સ્વીકાર્યો. અર્થાત્ ધર્મ, કર્મ, માતૃભૂમિ અને વેદની સંસ્કૃતિને બચાવવા દરેક સનાતનીઓ એક બીજાનો હાથ પકડીને જીવતા અને મરતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં