આજે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનું મહાપર્વ. પવિત્ર ધામ જગન્નાથ પુરી બાદ જો દેશમાં બીજી કોઈ સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય તો તે છે અમદાવાદની રથયાત્રા. રથયાત્રા અગાઉ મહિનાઓ પહેલાંથી જ મહાપર્વ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથ, તેમનું મામેરું, સાથે જ અલગ-અલગ અખાડાઓ અને ભજન મંડળીઓ પહેલેથી જ ભગવાન જગન્નાથની નગરચર્યાનો ભાગ બનવા અને પવિત્ર રથયાત્રામાં જોડાવા માટે તૈયારીઓ આરંભી દે છે. આ યાત્રાની શરૂઆત ક્યારે અને કોણે કરી, તેનો ઈતિહાસ શું છે, 146મી રથયાત્રામાં ખાસ શું છે- આ તમામ માહિતી મેળવીશું.
અમદાવાદમાં રથયાત્રાનો ઈતિહાસ જાણીએ તે પહેલાં આજની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા વિશે થોડી વાત કરીએ. આજની આ યાત્રાને લઈને અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા અને સેવા બંને જળવાઈ રહે તે માટે પોલીસતંત્રની સજ્જતાની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી હતી. આ વખતની રથયાત્રાને જો કોઈ બાબત અલગ પાડતી હોય તો એ છે સૌપ્રથમ વખત 3D મેપિંગ અને એન્ટી-ડ્રોન ગન સહિતની ટેકનોલોજીનો ઉપયોગ.
આ વર્ષે રથયાત્રામાં પ્રથમ વખત થશે એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
આ વર્ષે રથયાત્રામાં કડક નજર રાખવા માટે પહેલી વાર 3D મેપિંગ અને એન્ટી ડ્રોન ગન જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન કરે એ માટે એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ પણ કરવામાં આવશે. જો રથયાત્રા રૂટ પર પોલીસ સિવાયના કોઇપણ ડ્રોન ઉડશે તો તેને આ ગનની મદદથી નીચે પાડી કબજે કરવામાં આવશે. રથયાત્રાના રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજિક પોઈન્ટ સહિતના સ્થળો પર મેપિંગથી નજર રાખવામાં આવશે.
આ સિવાય 45 જેટલા સંવેદનશીલ સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા વૉચ રાખવામાં આવશે. જે માટે 250 ધાબા પોઈન્ટ અને 25 વૉચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 2322 બોડીવોર્ન કેમેરા સાથે જવાનો તૈયાર રહેશે અને યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV, GPS સિસ્ટમ લગાવવામાં આવશે. પહેલીવાર રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર એલ્યુમિનિયમ પ્લેટ પણ લગાવવામાં આવી છે.
Live Visuals of 3D mapping and monitoring of #RathYatra2023 in Ahmedabad.
— Janak Dave (@dave_janak) June 19, 2023
The initiative has first of its kind 3D mapping, AI imaging and 360 degree monitoring system along with GPS enabled features.
The dashboard will give second to second and the minutes to details of all… pic.twitter.com/3F0g3utKsu
અમદાવાદમાં રથયાત્રાનો ઈતિહાસ અને મહિમા
અમદાવાદમાં હાલ જે સ્થાન પર ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર છે તે જમાલપુર એક સમયે વિશાળ જંગલ હતું. લગભગ 400 વર્ષ પહેલાં એક હનુમાનદાસજી મહારાજે અહીં ભગવાન હનુમાનજીના મંદિરની સ્થાપના કરી. કહેવામાં આવે છે કે તેમના ઉત્તરાધિકારી શિષ્ય સારંગદાસજી મહારાજ ભગવાન જગન્નાથના અનન્ય ભક્ત હતા. એકવાર તેઓ ઓડિશાના જગન્નાથપુરી મંદિરની યાત્રાએ ગયા હતા ત્યારે ભગવાને સ્વપ્નમાં આવીને અમદાવાદ ખાતેના મંદિરમાં પ્રભુ જગન્નાથ, મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવા કહ્યું. જે બાદ સારંગદાસજી મહારાજે પરત આવી હાલના જગન્નાથ મંદિરમાં પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તિઓ લાવીને સંપૂર્ણ વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ સાથે જ અહીં એક ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વર્ષ 1878માં આ ગુરુ પરંપરાના ચોથા ઉત્તરાધિકારી મહંત નરસિંહદાસજી દ્વારા પુરીની જેમ જ અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી. કહેવામાં આવે છે કે નરસિંહદાસજીને પણ ભગવાને સ્વપ્નમાં આવીને આ રથયાત્રા માટે પ્રેરણા આપી હતી. ત્યારબાદ દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી આવી છે. અમદાવાદમાં પ્રથમ રથયાત્રા 2 જુલાઈ, 1878ના રોજ યોજાઈ હતી અને આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.
સરસપુર બન્યું ભગવાનનું મોસાળ
2 જુલાઈ 1878ના રોજથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તો શરૂ થઈ ગઈ, પરંતુ શહેરના સરસપુર વિસ્તાર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું તે પણ ખૂબ ઓછા લોકો જાણતા હશે. શરૂઆતમાં ખૂબ નાનાપાયે શરૂ થયેલી આ રથયાત્રામાં ભગવાન બળદગાડામાં સવાર થઈ શહેરની નગરચર્યાએ નીકળતા હતા. જેમાં અનેક સાધુ-સંતો ઉત્સાહભેર ભાગ લઈ ભગવાનના ગુણગાન ગાતા આ યાત્રા કરતા. તે સમયે આવેલા સાધુ-સંતો અને મહંતોના પ્રસાદ માટેની વ્યવસ્થા માટે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં રસોડું કરવામાં આવતું અને ભક્તજનો સાથે સાધુ-સંતો નગર યાત્રા પૂરી કરી અહીં વિશ્રામ અને પ્રશાદ પામતા, બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. દર વર્ષે રથયાત્રા દરમિયાન અહીં જયારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પધારે છે ત્યારે તેમનું મામેરું ભરવામાં આવે છે. આ મામેરા પ્રથા માટે ઘણું લાંબુ વેઇટિંગ હોય છે અને ભક્તો ભગવાનનું મામેરું ભરવા માટે વર્ષો સુધી પોતાનો વારો આવે તેની રાહ જુએ છે.
રથયાત્રા શરૂ કરતાં પૂર્વે થતી ‘પહિંદ’ વિધિ અને તેનો મહિમા
પુરી હોય અમદાવાદ હોય કે પછી વિશ્વમાં જ્યાં પણ રથયાત્રા યોજાય છે તે તમામ સ્થળોએ ભગવાનની યાત્રા શરૂ થયા પહેલાં ‘પહિંદ’ વિધિ કરવામાં આવે છે. આ પહિંદ વિધિને ‘પહેર’ વિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો પણ એક અલગ મહિમા છે. પુરીની પરંપરા અનુસાર કલિંગ સામ્રાજ્યના રાજા ગજપતિ ભગવાનની ભક્તિમાં લીન થઈને એક સામાન્ય નાગરિકની જેમ જ યાત્રા શરૂ થાય તે પહેલાં રથના પથને સોનાના સાવરણાથી સાફ કરતા હતા. આ સિવાય ભગવાનના યાત્રાના પથ પાસ સુગંધિત દ્રવ્યો, પુષ્પો છાંટી માર્ગને સુગમ કરતા હતા. આ પરંપરા આજ પણ રાજ વંશ દ્વારા નિભાવવામાં આવે છે. આ પરંપરા પાછળ રાજા ભગવાનની સેવા કરીને એક સંદેશ પાઠવતા કે ભગવાન જગન્નાથને શક્તિશાળી સમ્રાટ કે સામાન્ય નગરજન વચ્ચે કોઈ જ ભેદભાવ નથી અને તેઓ તમામ પર સમાન કૃપા દ્રષ્ટિ રાખે છે.
અમદાવાદમાં યોજાતી વિશ્વની દ્વિતીય મહારથયાત્રામાં આ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓ આ વિધિ કરતા આવ્યા છે. ત્યારે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરીને સોનાના સાવરણાથી રથયાત્રાના માર્ગને વાળીને સુગંધિત દ્રવ્યો અને પુષ્પો નાંખી સુગમ કરવામાં આવશે.
રથયાત્રામાં મગ અને જાંબુનો પ્રસાદ, તેના પાછળનો ઈતિહાસ
કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથ જ્યારે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળ્યા ત્યારે તેમની આંખમાં ચેપ લાગ્યો હતો. રોગ મટ્યા બાદ ભગવાને કરેલી યાત્રા દરમિયાન જયારે નગરજનોને તેના વિશે ખ્યાલ આવ્યો ત્યારે ભોળા ભક્તોએ ભગવાનને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો. કારણ કે જાંબુ અને મગ બંને આંખના ચેપમાં રાહત આપે છે. ત્યારથી ભગવાનની રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને જાંબુ અને મગનો પ્રસાદ ધરવાની પરંપરા ચાલી આવે છે.
જોકે આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. અષાઢી બીજ એ વર્ષા ઋતુના આરંભનો સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતાં બેક્ટેરિયાના કારણે આંખો આવવી કે આંજણી જેવા રોગો વધી જતા હોય છે. આંખના આ ચેપને મેડિકલની ભાષામાં ‘કન્જક્ટિવાઈટિસ’ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ વિધિઓ ઉલ્લેખવામાં આવી છે. આ ઉપરાંત પુરાણોમાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થતા તેમને મગ અને જાંબુ ધરાવવામાં આવ્યા હતા અને આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી માનવામાં છે. જેના કારણે જ રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે.