Sunday, September 15, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસ્વસ્તિક, ૐ, શંખ, ચક્ર જેવાં સનાતન પ્રતીકોથી લઈને દશાવતાર સુધી...પ્રભુ રામલલાના દર્શન...

    સ્વસ્તિક, ૐ, શંખ, ચક્ર જેવાં સનાતન પ્રતીકોથી લઈને દશાવતાર સુધી…પ્રભુ રામલલાના દર્શન કર્યા, હવે જાણો વિગ્રહમાં શું છે ખાસ

    ફોટામાં ભગવાનના કોમળ મુખ પર મધુર સ્મિત છે. ભાલ પર ભવ્ય તિલક અને વાંકળિયા વાળ ભગવાનની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. ભગવાનના આ વિગ્રહને ખાસ કૃષ્ણશિલામાંથી બનાવવામાં આવ્યો છે. દેશના ખ્યાતનામ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલા આ વિગ્રહની આસપાર પણ ખાસ કલાકૃતિઓ કરવામાં આવી છે.

    - Advertisement -

    અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તેવામાં ભારત વર્ષની કરોડો આંખો જે દ્રશ્ય જોવા તરસી રહી હતી તે ક્ષણ આવી ગઈ છે. અયોધ્યાથી રામલલાની પ્રતિમાના પ્રથમ ફોટા સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો ભગવાનના પ્રથમ દર્શન કરી રહ્યા છે. ભગવાનના વિગ્રહની પ્રથમ ઝલક મેળવીને જ લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. આ વિગ્રહમાં કેટલીક ખાસ બાબતો પણ છે જે ભગવાનના આ રૂપને વધુ ખાસ બનાવે છે.

    પ્રાણપ્રતિષ્ઠા પહેલા અયોધ્યાથી પ્રભુ રામલલાની પ્રતિમાના જે ફોટા સામે આવ્યા છે તે ખૂબ જ મનમોહક અને ભાવવિભોર કરનાર છે. ફોટામાં ભગવાનના કોમળ મુખ પર મધુર સ્મિત છે. ભાલ પર ભવ્ય તિલક અને વાંકળિયા વાળ ભગવાનની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. ભગવાનના આ વિગ્રહને ખાસ કૃષ્ણશિલામાંથી બનાવવામાં આવ્યો છે. દેશના ખ્યાતનામ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલા આ વિગ્રહની આસપાસ પણ ખાસ કલાકૃતિઓ કરવામાં આવી છે.

    રામલલાના ડાબા હાથમાં ધનુષ પ્રસ્થાપિત કરવામાં આવશે. ભગવાનનો જમણો હાથ આશીર્વાદ મુદ્રામાં છે. તેમના માથા પર સુવર્ણ મૂકૂટ ફેરવવામાં આવશે. ભગવાનના માથા પર સૂર્ય બનાવવામાં આવ્યા છે અને ચારો તરફ આભામંડળ બનાવવામાં આવ્યું છે. આ આભામંડળમાં નીચે હનુમાનજી બિરાજમાન છે, સાથે જ ભગવાન વિષ્ણુના 10 અવતારો સાથે-સાથે ૐ, સ્વસ્તિક, શંખ તેમજ ચક્ર જેવાં સનાતની ચિહ્નો પણ નજરે પડી રહ્યાં છે. ભગવાન કમળના ફૂલ પર બિરાજમાન છે. પ્રભુના આ વિગ્રહનું કુલ વજન 150થી 200 કિલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    જેણે પણ પ્રભુને જોયા તેની આંખો અવિરત વહેતી રહી

    ઉલ્લેખનીય છે કે ભગવાનના આ મનમોહક રૂપને જોઇને લોકો ભાવવિભોર થઇ ગયા હતા. ભગવાનના વિગ્રહને નિજસ્થાન સુધી પહોંચાડવા એક ખાસ રેમ્પ બનાવવામાં આવ્યો હતો. સાથે જ એક નાનકડી ફોલ્ડિંગ ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી. ભગવાનને પ્રાણપ્રતિષ્ઠાના સ્થાન પર વિરાજમાન કરાવવામાં આવ્યા છે. હાલ સમારોહની પૂર્વ તૈયારીઓ રૂપે ખાસ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યાં છે. હાલ ભગવાનના આંખો પર પાટા બાંધવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીના રોજ વિધિવત રીતે પ્રાણપ્રતિષ્ઠા બાદ તેમની આંખો પરથી પાટા ખોલી દેવામાં આવશે.

    તેવું પણ કહેવામાં આવ્યું છે ભગવાનની આંખો પરથી પટ્ટી હટાવવાનું કામ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને સોનાની સળીથી કાજલ પણ લગાવવામાં આવશે. ત્યારબાદ પારંપરિક વિધિ અનુસાર, ભગવાનને દર્પણ બતાવવામાં આવશે. હાલ ભગવાનના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

    પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે મૂર્તિ

    પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજે ભગવાન રામલલાના વિગ્રહને તૈયાર કર્યા છે. આ મૂર્તિમાં ભગવાન 5 વર્ષના બાળ સ્વરૂપમાં છે. આ મૂર્તિની ઊંચાઈ 51 ઇંચ છે. ભગવાન શ્રીરામની આ મૂર્તિનું વજન 200 કિલો છે. યોગીરાજે બનાવેલી આ મૂર્તિનો રંગ શ્યામવર્ણનો છે. મૂર્તિને બનાવવામાં અરુણ યોગીરાજને 9 મહિનાનો સમય લાગ્યો હતો.

    અરુણ યોગીરાજનો પરિવાર પાંચ પેઢીથી શિલ્પક્ષેત્રમાં છે. તેમણે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. આ સાથે જ તેમણે દિલ્હીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી છે. તેમના પરિવાર દ્વારા સચવાયેલી આ શિલ્પકળાને મૈસૂરના રાજવી પરિવાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે.

    અરુણ યોગીરાજ શરૂઆતમાં શિલ્પકળાને આજીવિકાનું સાધન બનાવવા માંગતા ન હતા. તે દરમિયાન તેમણે એમબીએનું શિક્ષણ મેળવ્યું અને પછી થોડા સમય માટે ખાનગી ફર્મમાં નોકરી પણ કરી. જોકે, થોડા જ સમયમાં, તેમનું મન ખાનગી નોકરીથી હટી ગયું અને તેણે પરિવારની પરંપરાને આગળ વધારવાનું નક્કી કર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં