Thursday, October 10, 2024
More
    હોમપેજદેશ5 મંડપ, 392 સ્તંભ, 44 દરવાજા…નાગર શૈલીમાં બન્યું છે અયોધ્યાનું રામ મંદિર,...

    5 મંડપ, 392 સ્તંભ, 44 દરવાજા…નાગર શૈલીમાં બન્યું છે અયોધ્યાનું રામ મંદિર, 1000 વર્ષો સુધી રહેશે અડીખમ: જાણો ભવ્ય મંદિરની તમામ વિશેષતાઓ

    રામલલાના મંદિરનું નિર્માણ સંપૂર્ણરીતે ભારતીય શૈલી પ્રમાણે સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. મંદિર નિર્માણમાં પર્યાવરણ અને જળ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. મંદિર પરીસરના કુલ 70 એકર વિસ્તારમાં 70% જેટલો ભાગ હંમેશા હરિયાળીથી ભરપૂર હશે.

    - Advertisement -

    અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. જેમાં મોટા ભાગનું કામ હવે પૂર્ણતાના આરે છે. રામ મંદિરનો પહેલો માળ પણ બનીને તૈયાર છે. ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણ સાથે જોડાયેલી એવી વાતો સામે આવી છે. જે તેની ભવ્યતા અને દિવ્યતાનો પરિચય કરાવે છે. પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર ભારતની પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર થઇ રહ્યું છે. જે ભવિષ્યના 1000 વર્ષો સુધી અડીખમ ઉભું રહેશે.

    આ ભવ્ય મંદિરમાં ભગવાન રામની 51 ઇંચ લાંબી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જેમાં ભગવાન રામ બાળ સ્વરૂપમાં હશે. આ અદ્ભુત મૂર્તિમાં ભગવાનને ઉભેલા બતાવવામાં આવ્યા છે. મૂર્તિને જોતાં કોઈ રાજપુત્ર અને વિષ્ણુના અવતાર જેવું પ્રતીત થશે. ગર્ભગૃહમાં રામલલા કમળના ફૂલ પર વિરાજમાન હશે, આ કમળના ફૂલની લંબાઈ અંદાજે 8 ફૂટની હશે.

    ભગવાન રામને સમર્પિત રામલલાનું આ મંદિર ત્રણ માળનું રહેશે, જેમાં 5 અદ્ભુત મંડપ હશે. મહત્વની વાત એ છે પ્રભુશ્રી રામ નીચે મુખ્ય ગર્ભગૃહમાં વિરાજમાન થશે. જ્યારે બીજા માળે રામ દરબાર રાખવામાં આવશે. આ રામ દરબારમાં ભગવાન રામ, મા સીતા, ભાઈ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન હશે, સાથે પરમ રામભક્ત હનુમાનજી મહારાજને રાખવામાં આવશે

    - Advertisement -

    ભવ્ય રામ મંદિરની વિશેષતા

    રામલલાનું ભવ્ય મંદિર પરંપરાગત નાગર શૈલીમાં તૈયાર થઇ રહ્યું છે. જેની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ સુધી) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે. પ્રભુશ્રી રામનું આ ભવ્ય મંદિર ત્રણ માળનું રાખવામાં આવ્યું છે. જેમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ જેટલી રહેશે. આ સાથે કુલ 392 સ્થંભ અને 44 દરવાજા પણ બનાવવામાં આવી રહ્યા છે.

    આ ભવ્ય રામ મંદિરના નિર્માણકાર્ય સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુશ્રી રામ બાળ સ્વરૂપ વિરાજમાન કરવામાં આવશે, રામલલાના મંદિરમાં કુલ 5 મંડપ બનાવી રહ્યા છે, જેના નામ નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ છે.

    ભવ્ય રામ મંદિર (ફોટો-Opindia)

    મંદિરના સ્તંભ અને દીવાલો પર વિવિધ દેવી-દેવતાઓની તથા દેવાંગનાઓની મૂર્તિઓ કોતરવામાં આવશે. રામલલાના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી, 32 દાદર ચઢીને સિંહદ્વારથી થશે. દર્શનાર્થે આવતા દિવ્યાંગ અને વૃદ્ધો માટે રામ મંદિરમાં રેમ્પ અને લીફ્ટની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. આ ઉપરાંત મંદિરની ચારે બાજુ કિલ્લા જેવી દીવાલો ઉભી કરવામાં આવશે. જેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે.

    આ કિલ્લાનાં ચાર ખૂણામાં અનુક્રમે સૂર્યદેવ, માં ભગવતી, ગણપતી અને ભગવાન શિવને સમર્પિત મંદિર બનવવામાં આવશે. ઉત્તર દિશામાં માં અન્નપૂર્ણા, દક્ષિણમાં દિશામાં હનુમાનજી મહારાજનું મંદિર હશે. રામલલાના મંદિરની નજીક પૌરાણિક કાળનો સીતાકૂપ પણ રાખવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં સ્નાનાગાર, શૌચાલય, વૉશ બેસીન, ઓપન ટેપ્સ વગેરેની સુવિધા પણ રાખવામાં આવશે.

    આ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રભુરામના જીવન સાથે જોડાયેલા પાત્રોના પણ મંદિર બનશે, જે મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગત્સ્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહલ્યામને સમર્પિત હશે. દક્ષિણ પશ્ચિમી ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવન શિવનું પ્રાચીન મંદિર હયાત છે, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

    આ સમગ્ર મંદિરના નિર્માણ દરમિયાન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જમીન પર ક્યાય ક્રોન્કિટ નથી. રામલલાના મંદિરની નીચે 14 મીટર મોટી રોલર કોમ્પેક્ટ ક્રોન્કિટ (RCC) નાખવામાં આવી છે. જેને કૃત્રિમ પથ્થરનું રૂપ આપવામાં આવ્યું છે. રામલલાનાં મંદિરને જમીનના ભેજથી રક્ષણ આપવા 21 ફૂટ ઊંચી પ્લિન્થ ગ્રેનાઈટ બનાવવામાં આવી છે.

    મંદિર પરિસરમાં સ્વતંત્રરૂપથી સીવર ટ્રીટમેન્ટ પ્લાંટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાંટ, આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા અને સ્વતંત્ર પાવર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી બહારના સંસાધનો પર ઓછુ નિર્ભર રહેવું પડે. 25 હજાર ક્ષમતાવાળું એક દર્શનાર્થી સુવિધા કેન્દ્ર (Pilgrims Facility Centre)નું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં દર્શનાર્થીઓને સામાન મુકવા લોકર અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલભ્ધ હશે.

    રામલલાના મંદિરનું નિર્માણ સંપૂર્ણરીતે ભારતીય શૈલી પ્રમાણે સ્વદેશી રીતે કરવામાં આવ્યું છે. મંદિર નિર્માણમાં પર્યાવરણ અને જળ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. મંદિર પરીસરના કુલ 70 એકડ વિસ્તારમાં 70% જેટલો ભાગ હંમેશા હરિયાળીથી ભરપૂર હશે.

    અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2024ના રોજ થવા જઈ રહ્યો છે. જેના એક અઠવાડિયા પહેલાં જ તમામ પૂજન-યજ્ઞ વિધિ શરૂ કરી દેવામાં આવશે. મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમના સાક્ષી બનવા હજારો મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમામ રામભક્તોની સગવડ માટે 15 હજારની ક્ષમતાવાળી ટેન્ટ સીટી ‘તીર્થ ક્ષેત્ર પુરમ’ તૈયાર કરવામાં આવ્યું છે.

    અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આ ઉપરાંત 3000 જેટલા વીઆઈપી સાથે કુલ 7000 જેટલા મહેમાનોએ આ પ્રસંગે નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. જેમાં રામ મંદિર માટે બલિદાન આપેલા કારસેવકોના પરિવાર પણ સામેલ છે. રામજન્મભૂમિ ટ્રસ્ટનું કહેવું છે કે અંદાજે 15,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં