ગુરુવારે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 67મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણવીર સિંઘ, દીપિકા પાદુકોણ,, દિશા પાટની, વિકી કૌશલ, કેટરિના કૈફ, કિયારા અડવાણી વગેરે બૉલીવુડ અભિનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટીમના એકેય સભ્યને આમંત્રણ અપાયું ન હતું.
આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. ટ્વિટર યુઝર રાજીવ સિંઘ રાઠોડે એક ટ્વિટ કરીને આ મુદ્દે યુઝરોનું ધ્યાન દોર્યું હતું. તેઓ મધ્યપ્રદેશ ભાજપ યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે. તેમણે કહ્યું કે, ફિલ્મફેર એવોર્ડ સમારોહના આયોજકોએ વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને આમંત્રણ આપ્યું ન હતું. આ સાથે તેમણે લોકોને બૉલીવુડનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની પણ માંગ કરી હતી.
So Filmfare didn’t invite a single person associated with the movie ‘The kashmir Files’ and nobody from Bollywood objected against it shows why Bollywood need permanent boycott & not just few films. If you can’t respect our sentiments, you don’t deserve our money & appreciation.
— Rajeev Singh Rathore🇮🇳 (@rajeevMP_) September 1, 2022
તેમણે લખ્યું, “ફિલ્મફેરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને આમંત્રણ નહતું આપ્યું અને બૉલીવુડમાંથી કોઈએ તેની સામે વાંધો પણ ન ઉઠાવ્યો. જે દર્શાવે છે કે શા માટે અમુક ફિલ્મો જ નહીં પરંતુ આખા બૉલીવુડનો કાયમી બહિષ્કાર જરૂરી છે. જો તમે અમારી ભાવનાઓનો આદર કરી શકતા ન હોવ તો અમારા પૈસા કે સહકારના હકદાર નથી.”
આ અંગે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ પુષ્ટિ આપી હતી. તેમણે કહ્યું, “આ સો ટકા સત્ય છે. 2014 સુધી આયોજકો મને અને મારી પત્નીને ફોન કરીને આમંત્રણ આપતા હતા. પરંતુ પછી તેમણે બંધ કરી દીધું અને મને એ વાતનો આનંદ છે. તેમણે ઉમેર્યું કે તેમને હવે બૉલીવુડ એવોર્ડ્સમાંથી રસ ઉડી ગયો છે અને કદાચ આમંત્રણ આપવામાં પણ આવે તો તેઓ જશે નહીં.
વિવેક અગ્નિહોત્રી કહે છે કે, “આ સમય છે કે લોકો એક ચોક્કસ વલણ અપનાવે જેથી એ ખબર પડે કે કોણ ભારત સાથે છે અને કોણ નહીં. હવે પાકિસ્તાન મને બોલાવે તો શું મારે ત્યાં પણ જવું?”
આ પહેલાં, વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં જ કેટલાંક મીડિયા હાઉસ દ્વારા ચલાવવામાં આવતા ખોટા સમાચારોનું પણ ખંડન કર્યું હતું. જેમાં દાવા કરવામાં આવ્યા હતા કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ ગઈ હતી પરંતુ એકેય એવોર્ડ મળ્યો ન હતો. તેમણે ત્યારે કહ્યું હતું કે, “ઘણા પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન દ્વારા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ તેનું ફેકટચેક નથી કરી રહ્યું. જો તેમણે આ આતંકી સાથે સહાનૂભિતિ ધરાવતા બૉલીવુડ સાથે કર્યું હોત તો ઇકોસિસ્ટમે તેમને તરત ઈસ્લામદ્વેષી ગણાવી દીધા હોત. હવે હું આ તમારા પર છોડું છું.”
જોકે, સત્ય એ હતું કે 68મા નેશનલ એવોર્ડ્સ સમારોહ માટે 10 સભ્યોની જ્યુરીએ વિજેતાઓ નક્કી કર્યા હતા. જેમાં માત્ર વર્ષ 2020ની ફિલ્મોને જ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. જેથી આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કોઈ પણ કેટેગરીમાં નહીં મૂકવામાં આવી એ સ્વાભાવિક બાબત છે.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અઢી દાયકા પહેલાંની કાશ્મીરની સ્થિતિ પર આધારિત ફિલ્મ છે, જે 1989ના અરસામાં ઇસ્લામિક જેહાદના કારણે કાશ્મીરમાં સર્જાયેલી સમસ્યાઓ અને હિંદુઓના નરસંહાર પર આધારિત છે. આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીથી માર્ચ 1990 દરમિયાન કાશ્મીર ખીણના 1,40,000 કાશ્મીરી હિંદુ પરિવારો પૈકી 1 લાખથી વધુ હિંદુઓ ઘર છોડી ગયા હતા. 2011 માં માત્ર 3 હજાર પરિવારો રહી ગયા હતા.
આ ફિલ્મ માર્ચ 2022માં રિલીઝ થઇ હતી, જે બાદ દેશભરમાંથી મળેલા પ્રચંડ પ્રતિસાદના કારણે ફિલ્મ આ દાયકાની સૌથી સફળ ફિલ્મ બની હતી. જોકે, દુનિયાભરમાંથી કરોડો લોકોએ ફિલ્મને વધાવી લીધી હોવા છતાં ભારતીય વિપક્ષી પાર્ટીઓનો એક વર્ગ અને ડાબેરીઓએ ફિલ્મને નીચી દેખાડવાના તમામ પ્રયત્નો કરી જોયા હતા અને તેને પ્રોપેગેન્ડા જાહેર કરવાના પ્રયત્નો થયા હતા. જોકે, લોકોના પ્રતિસાદે તેમના મોં બંધ કરી દીધાં હતાં.
અનુપમ ખેર, દર્શન પાઠક, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિવેક અગ્નિહોત્રીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મે 337.23 કરોડની કમાણી કરી હતી. કોરોના બાદ આજ સુધી કોઈ હિંદી ફિલ્મ આટલી કમાણી કરી શકી નથી.