આ વર્ષ પહેલેથી જ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન મોટી-મોટી ફિલ્મો પણ પાણીમાં બેસી ગઈ. હવે વર્ષાન્તે આવેલી ફિલ્મ ‘સર્કસ’ પણ આ પરિસ્થિતિ બદલી શકી નથી. રોહિત શેટ્ટી નિર્મિત અને રણવીર સિંઘ અભિનીત ફિલ્મ અત્યાર સુધીમાં માત્ર 20 કરોડની કમાણી કરી શકી છે.
શુક્રવારે રિલીઝ થયેલી ‘સર્કસ’ ફિલ્મે પહેલા દિવસે માત્ર 6.25 કરોડની કમાણી કરી હતી. શનિવારે 6.40 કરોડ અને રવિવારે 8.20 કરોડ કમાયા હતા. સામાન્ય રીતે વિક-એન્ડ દિવસોમાં ફિલ્મોને સારી કમાણીની આશા હોય છે પરંતુ આ વર્ષની ઘણી ફિલ્મની જેમ આ ફિલ્મને પણ રજાના દિવસોમાં પણ ખાસ કંઈ પ્રતિસાદ ન મળ્યો.
#Cirkus continues to struggle… Is unable to take advantage of the big #Christmas weekend… 2022 ends with a huge disappointment… Fri 6.25 cr, Sat 6.40 cr, Sun 8.20 cr+. Total: ₹ 20.85 cr. #India biz. pic.twitter.com/VMk6OgL7UX
— taran adarsh (@taran_adarsh) December 26, 2022
એક રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં રોહિત શેટ્ટીની ફિલ્મે વિક-એન્ડમાં આટલું ખરાબ પ્રદર્શન કર્યું ન હતું. બૉલીવુડ હંગામા અનુસાર, રોહિતની ફિલ્મ સિમ્બા પહેલા દિવસે 20.72 કરોડ કમાઈ હતી જ્યારે વિક-એન્ડમાં ફિલ્મે 75.11 કરોડનો ધંધો કર્યો હતો.
જોકે, રણવીર સિંઘ માટે તેમની આગલી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ કરતાં આ ફિલ્મ થોડી સારી રહી કારણ કે તે ફિલ્મે પહેલા વિક-એન્ડમાં માત્ર 12 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં રણવીર સિંઘ અને વરૂણ શર્મા ડબલ રોલમાં છે. ઉપરાંત, તેમાં જેકલીન ફર્નાન્ડિઝ અને સંજય મિશ્રા તથા મુકેશ તિવારી જેવા કલાકારોએ પણ કામ કર્યું છે. ઉપરાંત, તેમાં દીપિકા પાદુકોણનો એક ડાન્સ પણ છે. પણ આટલા ‘મોટા’ કલાકારો હોવા છતાં ફિલ્મને ન તો લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે ન તો ક્રિટીક્સ તરફથી.
2022માં અનેક ફિલ્મો હીટ ગઈ પરંતુ તેમાંથી મોટાભાગની બૉલીવુડની ન હતી. વર્ષની શરૂઆતમાં RRR આવી, જે દક્ષિણની ફિલ્મ છે. તેણે કરોડોની કમાણી કરી. પછીથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઇ જે વિશ્વભરમાં પ્રશંસા પામી અને બહુ મોટું બજેટ ન હોવા છતાં અને પ્રમોશન માટે કરોડો રૂપિયા નાંખવામાં ન આવ્યા છતાં સફળ થઇ ગઈ અને કરોડોની કમાણી કરી. ત્યારબાદ પુષ્પા તથા તાજેતરમાં રિલીઝ થયેલી ‘કાંતારા’ પણ દક્ષિણની જ ફિલ્મો હતી. એકમાત્ર ‘દ્રશ્યમ-2’ ફિલ્મે લોકોની થોડીઘણી પ્રશંસા મેળવી. આ ફિલ્મ અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ ‘દ્રશ્યમ-1’ની સિક્વલ છે. જે ગત નવેમ્બરમાં રિલીઝ થઇ હતી અને હિટ ગઈ છે.
બીજી તરફ, આ વર્ષે લાલ સિંઘ ચઢ્ઢાથી માંડીને બ્રહ્માસ્ત્ર જેવી મોટાં બેનર હેઠળની ફિલ્મો પણ આવી પરંતુ લોકોએ જાકારો આપી દીધો હતો અને ફિલ્મે બહુ નબળું પ્રદર્શન કર્યું હતું.