બોલિવુડ નિર્માતા કરણ જોહરની આગામી ફિલ્મ ‘જુગજુગ જિયો’ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ છે. હાલમાં જ પાકિસ્તાની ગાયક અબરાર ઉલ હકે કરણ જોહર અને તેમની પ્રોડક્શન કંપની પર આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં તેમનું ગીત કૉપી કરવામાં આવ્યો હતું. જોકે, આ મામલે T-Series દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ આ ટ્રેક કાનૂની પ્રક્રિયા દ્વારા લઇ ચૂક્યા છે.
T-Series દ્વારા એક અધિકારિક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે, “1 જાન્યુઆરી 2002 ના રોજ આઈટયુન્સ પર રિલીઝ થયેલ આલ્બમ નાચ પંજાબનના ગીત ‘નાચ પંજાબન’ના અધિકાર કાનૂની પ્રક્રિયાથી મેળવી લીધા છે અને તે ‘લોલિવુડ ક્લાસિક’ની યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે, અને જેના માલિકી હકો અને સંચાલન મૂવી બોક્સ રેકોર્ડ્સ દ્વારા કરવામાં આવે છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે તેઓ ગીત રિલીઝ થયા બાદ તમામ પ્લેટફોર્મ ઉપર ક્રેડિટ પણ આપશે.
આ ઉપરાંત, મૂવીબૉક્સ દ્વારા પણ પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નચ પંજાબન’ ગીતને જુગજુગ જિયો ફિલ્મમાં સામેલ કરવા માટે અધિકારીક લાયસન્સ આપવામાં આવ્યું છે. T-Series, કરણ જૌહર અને ધર્મા પ્રોડક્શનને આ ગીતને પોતાની ફિલ્મમાં ઉપયોગમાં લેવાના સંપૂર્ણ અધિકારો છે. અબરાર અલ હકે જે ટ્વિટ કર્યું છે એ અપમાનજનક અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.”
Nach Panjaban has been officially licensed for it to be included in the Film “JugJugg Jeeyo” by @TSeries. @karanjohar & @DharmaMovies have the legal rights to use this song in their film and the tweet by @AbrarUlHaqPK earlier today is defamatory and completely unacceptable.
— MOVIEBOX (@1Moviebox) May 22, 2022
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ગાયકે અબરાર ઉલ હકે એક ટ્વિટ કરીને કરણ જોહર પર ગીત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમના ગીતની ચોરી થઇ છે અને તેમણે આ માટેના હકો કોઈ ભારતીય ફિલ્મને વેચ્યા નથી. તેમણે આ માટે કોર્ટમાં જવાની પણ ધમકી આપી હતી. બીજી તરફ, ગીતને કાનૂની ગણાવવા પર તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગીત ‘નચ પંજાબન’નું કોઈને પણ લાયસન્સ આપવામાં આવ્યું નથી. જો કોઈ દાવો કરતું હોય તો એગ્રીમેન્ટ બતાવે. હું કાનૂની પગલાં લઈશ.”
Song “Nach Punjaban” has not been licensed to any one. If someone is claiming it , then produce the agreement. I will be taking legal action.#NachPunjaban
— Abrar Ul Haq (@AbrarUlHaqPK) May 22, 2022
એક તરફ કરણ જોહરની ફિલ્મ ગીતને લઈને વિવાદોમાં છે તો બીજી તરફ એક લેખકે આ જ ફિલ્મ માટે કરણ જોહર પર વાર્તા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. વિશાલ સિંહ નામના વ્યક્તિએ કહ્યું કે, તેમણે ‘બન્ની રાની’ નામની સ્ક્રિપ્ટ લખી હતી, જેનો ઉપયોગ કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન્સ’ દ્વારા જુગ જુગ જિયો માટે પરવાનગી લીધા વિના કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે પુરાવા તરીકે ઈમેલની કોપી પણ રજૂ કરી હતી, જેમાં જોઈ શકાય છે કે તેમણે સ્ક્રિપ્ટના કેટલાક ભાગો કંપનીને મોકલ્યા હતા. જેનો કંપની તરફથી જવાબ પણ મળ્યો હતો.