Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબ્રહ્માસ્ત્ર બૉલીવુડના કૉફિન પર છેલ્લો ખીલો સાબિત થશે?: ફિલ્મને ક્રિટીક્સ-દર્શકોનો જાકારો, કહ્યું-...

    બ્રહ્માસ્ત્ર બૉલીવુડના કૉફિન પર છેલ્લો ખીલો સાબિત થશે?: ફિલ્મને ક્રિટીક્સ-દર્શકોનો જાકારો, કહ્યું- ફિલ્મમાં માત્ર VFX, વાર્તાના નામે મીંડું 

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આજે રિલીઝ કરવામાં આવી છે, પરંતુ લોકોને ખાસ પસંદ પડી ન હોય તેમ સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓ પરથી લાગી રહ્યું છે.

    - Advertisement -

    રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આખરે આજે દેશભરના થીયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. જોકે, જે પ્રકારે ફિલ્મનો પ્રચાર કરવામાં આવ્યો હતો તેવી ફિલ્મ ન હોવાનું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ ફિલ્મ ક્રિટીક્સ દ્વારા પણ ફિલ્મને નિરાશાજનક ગણાવવામાં આવી છે તો બીજી તરફ દર્શકોએ પણ ફિલ્મ વિશે નકારાત્મક પ્રતિક્રિયા આપી છે. 

    જાણીતા ફિલ્મ ક્રિટીક અને ટ્રેન્ડ એનાલિસ્ટ તરન આદર્શે આ ફિલ્મને નિરાશાજનક ગણાવી છે. તેમણે ફિલ્મને પાંચમાંથી 2 સ્ટાર આપ્યા છે. તરન આદર્શ લખે છે કે, “બ્રહ્માસ્ત્રમાં વીએફએક્સનો ઉપયોગ બહુ કરવામાં આવ્યો છે પરંતુ વાર્તાની દ્રષ્ટિએ ફિલ્મ નબળી સાબિત થાય છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મ ગેમચેન્જર સાબિત થઇ શકે તેમ હતી પરંતુ તેણે તક ગુમાવી દીધી છે.”

    આ સિવાય સોશિયલ મીડિયા પર બ્રહ્માસ્ત્ર જોઈને આવેલા મોટાભાગના યુઝરોએ પણ ફિલ્મને વખોડી કાઢી છે. એક યુઝરે દોઢ સ્ટાર આપતાં કહ્યું કે, પહેલા જ દ્રશ્યથી ફિલ્મના દર્શકો સાથેના જોડાણનો અભાવ વર્તાય છે. 30 મિનિટની વાર્તાને અઢી કલાક સુધી ખેંચી છે. તેમણે ફિલ્મને અત્યંત નિરાશાજનક ગણાવી હતી. 

    - Advertisement -

    એક યુઝરે ખાલી થીએટરની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું કે, ફિલ્મ નિરાશ કરે તેવી છે. તેમણે એમ પણ લખ્યું કે, ખાલી થીએટરમાં ફિલ્મ જોવું ભયાનક છે. 

    ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયોમાં ફિલ્મ જોઈને આવેલા કેટલાક યુવાનો કોઈ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા જોવા મળે છે. તેઓ જણાવે છે કે, ફિલ્મ બહુ સારી નથી. વીએફએક્સ અને સંગીત જ સારું છે, બાકીની ફિલ્મમાં મજા નથી. VFX અને સંગીત સારું હતું, પરંતુ બીજું કશું સારું નથી. જે જોડાણ હોવું જોઈએ સ્ટોરી સાથે એ ન હતું. 

    એક યુવતી કહે છે કે, આ ફિલ્મ વિશે આવો માહોલ બનાવવામાં આવ્યો ન હોત અને જો આ અભિનેતાઓ ન હોત તો કોઈ પણ જોવા આવ્યું ન હોત. એક યુવક કહે છે કે, “એક ફિલ્મમાં વાર્તા, ડાયલોગ, અભિનય વગેરે હોય છે. પરંતુ આ ફિલ્મમાં માત્ર વીએફએક્સ જ છે. ફર્સ્ટ હાફ સુધી તમને કશું જ ખબર પડતી નથી.”

    ઉમર સંધુ નામના એક યુઝરે ફિલ્મ વિશે લખ્યું કે, ફિલ્મમાં મોટા સ્ટાર, એસએફએક્સ પર મોટો ખર્ચ, જાહેરાતો પર ખર્ચ અને તેની પર બહુ આશાઓ હોવા છતાં ફિલ્મ આશાઓ પર ખરી ઉતરી શકી નથી અને સામાન્ય કહી શકાય તેવી છે. તેમણે ફિલ્મને અઢી સ્ટાર આપ્યા છે. 

    એક યુઝરે કહ્યું કે, ફિલ્મ જોવી એ પૈસા અને સમયનો બગાડ છે અને વાર્તા જેવું કશું છે જ નહીં. માત્ર VFX છે, જેનો પણ ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ વર્ષે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘પુષ્પા’ અને RRR જેવી દક્ષિણની ફિલ્મો સિવાય લગભગ દરેક બૉલીવુડ ફિલ્મ ફ્લૉપ ગઈ છે. તાજેતરમાં જ આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ સુપર ફ્લૉપ ગઈ હતી. તે પહેલાં પણ નાની-મોટી તમામ ફિલ્મોની હાલત એવી અને એના કરતાં પણ ખરાબ થઇ હતી. 

    સતત ફ્લૉપ જતી ફિલ્મો વચ્ચે બૉલીવુડને ‘બ્રહ્માસ્ત્ર’ પર આશા જાગી હતી. આ ફિલ્મને લઈને છેલ્લાં પાંચ-છ વર્ષથી માહોલ બનાવવાના પ્રયત્નો થઇ રહ્યા હતા અને રિલીઝ પહેલાં તો પ્રમોશન પણ ખૂબ કરવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોતાં લાગે છે કે બૉલીવુડની પડતીના દિવસે હજુ લાંબા ચાલશે અને એવું પણ કહેવું અતિશયોક્તિ નથી કે બ્રહ્માસ્ત્ર ફ્લૉપ જાય તો બૉલીવુડના કોફીનમાં છેલ્લો ખીલો ઠોકવા સમાન હશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં