આ વર્ષે નવરાત્રી દરમિયાન ખેડાના માતર તાલુકાના ઉંઢેરા ગામે યોજાયેલ આઠમના માતાજીના ગરબામાં આરીફ અને ઝહીરની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કરી દીધો હતો. આ પથ્થરમારામાં ગરબે ઘૂમતી મહિલાઓ અને બાળકો સમેત 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ પોલીસે તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા. હવે ચૂંટણી બાદ ‘ધ વાયર’ નામના એક ન્યુઝ પોર્ટલે આ આખી બાબતને એક જ પક્ષની દલીલ ધ્યાને લઈને તોડી મરોડીને રજૂ કરી છે જે જમીની હકીકત સાથે બિલકુલ મેળ નથી ખાઈ રહી.
અહેવાલો મળ્યા હતા કે ઉંઢેરા ગામના મુસ્લિમ સમાજે આ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામુહિક રીતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો આરોપ હતો કે નવરાત્રી વખતે જે તેમાં મુસ્લિમોનો વાંક નહોતો અને જો વાંક હોય તો પણ તેમની સાથે પોલીસ દ્વારા જે વર્તન થયું એ અયોગ્ય હતું. તેઓએ વધુ આરોપ લગાવતા કહ્યું હતું કે તે ઘટના બાદ ના ધારાસભ્ય કે ના વિપક્ષના કોઈ નેતા તેમની ખબર લેવા આવ્યા હતા. આથી તેઓએ ગત પાંચ ડિસેમ્બરે યોજાયેલી ગુજરાત વિધાનસભા માટેના મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
બસ, બીજું જોઈએ શું? આટલા અહેવાલો બાદ ડાબેરી ન્યુઝ પોર્ટલને આ વિષયમાં રસ પડ્યો અને વૈશ્વિક સ્તરે ગુજરાત, ભારત અને હિંદુઓને બદનામ કરવા માટે તેઓએ આ સ્ટોરીને તોડી મરોડીને સૌની સામે મૂકી. ‘ધ વાયર’ દ્વારા કથિત રીતે મુસ્લિમ આરોપીઓ અને તેમના પરિવારજનો સાથે વાત કરવામાં આવી હતી. એક જ પક્ષ સાથે વાત કરીને આ ન્યુઝ પોર્ટલે તાળો એવો કાઢ્યો છે કે ‘ગામમાં મુસ્લિમો ડરીને રહે છે’, ‘પોલીસ જેમને ઉપાડી ગઈ હતી તે મુસ્લિમ યુવાનો (પથ્થરમારો કરનાર આરોપીઓ) ની જિંદગી બરબાદ થઇ ગઈ’, વગેરે વગેરે.
“I donated Rs 500 in 1999, for the construction of the temple in our village,” said Pirumiyan Sheikh, a 78-year-old named as accused in the FIR.
— The Wire (@thewire_in) December 11, 2022
“Today, they are accusing people like us of troubling our Hindu brothers?” | @tarushiaswani https://t.co/F3aukAceMR
આમ એક કાયદાકીય રીતે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર અને અન્યોના જીવ પર જોખમ ઉભું કરનાર આરોપીઓ માટે ‘ધ વાયર’ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓનો ઢાંકપિછોડો કરવા લોકોની આંખો પર ભાવનાત્મક પટ્ટી લગાવતું જોવા મળ્યું હતું. નોંધનીય છે કે તેઓ આ માત્ર મુસ્લિમ કોમ્યુનિટી માટે જ કરી રહ્યા હતા, કેમ કે પોતાના અહેવાલમાં અનેક જગ્યાઓએ તેમણે જે હિન્દુઓએ ખરેખર પથ્થરમારાનો માર ઝીલ્યો હતો તેમને જ ખોટી રીતે જવાબદાર અને ગુન્હેગાર બતાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પહેલીવાર નથી કે કોઈ ડાબેરી સમાચારપત્ર, ચેનલ કે પોર્ટલ દ્વારા આ રીતે એક ખાસ સમુદાયના (મુખ્યત્વે મુસ્લિમ) આરોપીઓના ગુન્હાઓના ડાઘ ધોવા માટે આવી ભાવનાત્મક પરંતુ ખોટી સ્ટોરી ફરતી કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક નાના મોટા ગુન્હેગારોથી લઈને આતંકવાદીઓ સુંધી અનેકને બચાવવા તેઓએ તનતોડ મહેનત કરી જ છે.
Gujarat | Stones pelted during Navratri celebrations in Kheda;6 people got injured
— ANI (@ANI) October 4, 2022
During Navratri celebrations in Undhela village last night, a group led by two people named Arif & Zahir started creating a disturbance. Later they pelted stones in which 6 got injured: DSP Kheda pic.twitter.com/EF05bPDKIc
પરંતુ શું જયારે એકબાજુ આરોપીઓનાં નામ ‘પાક સાફ’ કરવાનું કામ થઇ રહ્યું છે ત્યારે ખરેખર તે ઘટનાક્રમ વખતે જે લોકોએ ભોગવવું પડ્યું હતું, ખરેખર જેઓ પર વીતી હતી તેમની વાત સાંભળવી જરૂરી નથી લાગી રહી? જે લોકોના માથે 14-14 ટાંકા આવ્યા છે તેમને સાંભળ્યા વગર કઈ રીતે કોઈ આરોપીઓને જ પીડિત ઘોષિત કરી દઈ શકે? તો બસ, આ જ વિચાર સાથે ઑપઇન્ડિયાએ ઉંઢેરા ગામના એ લોકોનો સંપર્ક કર્યો કે જેઓ ગરબા રમતી વખતે મુસ્લિમ ટોળા દ્વારા થયેલ પથ્થરમારા અને હુમલાના શિકાર બન્યા હતા.
ગામની અંદર બહાર આવવા જવાનો એક જ રસ્તો જ્યાં મુસ્લિમો જમાવે છે અધિકાર
આ સમગ્ર ઘટનાક્રમ બાબતે અમે ઉંઢેરા ગામના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. મારો સંપર્ક પહેલા તો ગામના એક આગેવાન ભાવેશભાઈ ઇન્દ્રવદન પટેલ સાથે થયો જેમણે અમને ગામની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ વર્ણવી.
ભાવેશભાઈએ જણાવ્યું એ મુજબ ગામના જે ચોકમાં આ ધમાલ થઇ હતી તે જ એકમાત્ર રસ્તો છે ગામની અંદર આવવા અને બહાર જવાનો. એ ચોકમાં એકબાજુ માતાજીનું મંદિર આવેલું છે તો બીજી બાજુ એક મસ્જિદ. પરંતુ મુસ્લિમો પહેલાથી જ આ ચોક પર તેમનો જ અધિકાર હોય તે રીતે વર્તતા આવ્યા છે જેના લીધે ભૂતકાળમાં પણ અનેકવાર નાની મોટી બોલાચાલી થતી હતી.
ભાવેશભાઈએ આગળ જણાવતા કહ્યું, “નવરાત્રીના આયોજનની મુસ્લિમોને ખબર પડતા તેઓએ વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે ‘આ અમારો ચોક છે, અહીં ગરબા નહિ રમવાના.’ પરંતુ ગામનો ચોક હોવાથી અને માતાજીનો સૌથી મોટો તહેવાર હોવાથી સર્વ હિન્દૂ સમાજે અહીં ગરબાનું આયોજન કર્યું હતું.”
ભાવેશભાઈએ ગરબા શરૂ થયા પછીનો પણ આખો ઘટનાક્રમ કહ્યો પરંતુ તેઓએ વિનંતી કરીને કહ્યું કે, “આપ મારી વાત સાંભળો એ પહેલા એ લોકોની વાત સાંભળો કે જેમને ત્યારે પથ્થરમારામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેઓ મૃત્યુને થાપ આપીને પાછા આવ્યા છે.” બાદમાં તેઓએ અમારી વાત ગામના અન્ય લોકો સાથે કરાવી.
‘હું તો માતાજીના ગરબાના દર્શન કરવા ગઈ હતી, મને શું ખબર હાથ ગુમાવવાનો વારો આવશે’ – લલીતાબેન ચૌહાણ
ભાવેશભાઈએ અમારો સંપર્ક ગામના જ એક મોટી ઉંમરના માજી સાથે કરાવી. માજીનું નામ છે લલીતાબેન લક્ષ્મણભાઈ ચૌહાણ અને તેમના જમણા હાથ પર ઈજાઓના ઊંડા ઘા હજુ પણ નજરે પડી રહ્યા છે. અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.
અમે લલિતાબેનને પૂછ્યું કે તે દિવસે તેઓ ત્યાં શું કરી રહ્યા હતા અને બાદમાં ત્યાં શું થયું હતું. જેના જવાબમાં તેઓએ પોતાનો જમણો હાથ બતાવતા બતાવતા કહ્યું, “તે દિવસે માતાજીની આઠમના ગરબા હતા. એ પવિત્ર દિવસે મને એમ કે માતાજીના ગરબાના દર્શન થશે તો આશીર્વાદ મળશે. એટલું તો તો ત્યાં ખાલી દર્શન કરવા જ ગઈ હતી. મારા પગમાં તો એટલી તાકાત પણ નથી કે હું ગરબા કરી શકું. એટલે હું એક બાજુમાં ઉભી ઉભી ગામની દીકરીઓ, વહુઓ અને બાળકોને ગરબે ઘૂમતા જોઈ રહી હતી.”
તેઓએ આગળ કહ્યું, “હજુ તો ગરબા બરાબર જામ્યા હતા ત્યાં જ બધી બાજુથી બૂમો રાડો પડવા માંડી અને અચાનક જ અમારા પર મોટા મોટા પથ્થર વરસવા માંડ્યા. હજુ હું કાંઈ સમજુ એ પહેલા જ મને કોઈનો ધક્કો વાગ્યો અને હું જમીન પર પછડાઈ હતી. બધા ત્યાંથી ભાગવા લાગ્યા હતા પણ મારાથી ઉભા થવાય એવું ન હતું. એટલામાં ત્યાં એક ટોળું આવ્યું અને લાકડીઓથી મારા પર હુમલો કરી દીધો. મેં પોતાને બચાવવા હાથ આગળ કર્યા તો તેમની લાકડીઓના ઘાથી મારા હાથના છૂંદા બોલાઈ ગયા હતા.”
‘એ દિવસ હું ક્યારેય નહિ ભૂલું’ – કરિશ્માબેન પટેલ
ઑપઇન્ડિયાએ ઉંઢેરા ગામના વતની અને તે વખતે પથ્થરમારામાં ગંભીર રીતે ઇજા પામનાર કરિશ્માબેન યોગેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કર્યો. તે કારમા દિવસને યાદ કરતા જ તેમનો અવાજ ભારે થઇ ગયો હતો અને આંખોમાં પાણી આવી ગયા હતા. અને સૌ પહેલા તો તેઓ માત્ર એટલું જ બોલી શક્યા હતા કે, “હું એ દિવસ ક્યારેય નહિ ભૂલી શકું.”
થોડા સમય બાદ સ્વસ્થ થઈને કરિશ્માબેને અમને જણાવ્યું કે, “તે દિવસે નવરાત્રીનો આઠમો દિવસ હતો. અમે મરજીના નૈવેદ્યને પતાવીને ગામના ચોકમાં ગરબા ગાવા પરિવાર સાથે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ગામની મહિલાઓ માતાજીના ગરબા લઇ રહી હતી. એવામાં અચાનક ચારેય બાજુથી અમારા પર પથ્થરોનો વરસાદ શરુ થઇ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.”
“એક મોટો પથ્થર મારા માથાના ભાગમાં વાગતા હું જમીન પર પટકાઈ હતી અને મને કોઈ ભાન નહોતું રહ્યું. આગળ શું થયું એ મને યાદ પણ નથી, સીધું એ જ યાદ આવે છે કે હું દવાખાનાના ખાટલામાં પહોંચી હતી, જ્યાં મારે ઘણા દિવસો સુધી દાખલ રહેવું પડ્યું હતું કેમ કે મારુ ઘણું લોહી વહી ગયું હતું.” તેમણે આગળ જણાવ્યું.
‘આ પહેલીવાર નહોતું કે હિન્દૂઓ પર હુમલો થયો હોય’ – પુનમભાઈ સિસોદીયા
મુસ્લિમોના હુમલામાં ઘાયલ થયેલ અન્ય એક ગ્રામજન પુનમભાઈ ઉમેદભાઈ સિસોદીયાએ પણ ઑપઇન્ડિયાએ વાત કરી. તેઓને પણ તે દિવસે હુમલામાં માથાના ભાગ પર ગંભીર ઇજા પહોંચી હતી અને 14 ટાંકા લેવાની ફરજ પડી હતી.
પૂનમભાઈ કહે છે, “તે દિવસે મારા માથામાં મોટો પથ્થર વાગ્યો હતો અને ડોક્ટરોને 14 ટાંકા લેવાની ફરજ પડી હતી. તેમના કહેવા અનુસાર હું મરતા મરતા બચ્યો હતો. પરંતુ આ પહેલી વાર નથી કે અમારા ગામમાં મુસ્લિમોએ હિન્દૂ તહેવારમાં હિંદુઓ પર હુમલો કર્યો હોય. અમારા ગામમાં આ જ ચોકમાં દિવાળી પર રાજપૂત સમાજની માંડવી મુકાતી હોય છે. તેમાં પણ એ લોકો હમેશા નાની મોટી બબાલો કરતા હોય છે. પરંતુ ગયા વર્ષે (2021માં) તો મુસ્લિમોએ રીતસરનો પથ્થરમારો જ કરી દીધો હતો.”
“પરંતુ ત્યારે ગામના વડીલોએ ભેગા થઈને આખો મામલો થાળે પડી દીધો હતો એટલે વિષય પોલીસ સુધી નહોતો પહોંચ્યો. પરંતુ આ વખતે તો તેઓએ અમારા પર જીવલેણ હુમલો જ કરી દીધો હતો.” પુનમભાઈએ આગળ જણાવ્યું.
‘હુમલો કરનારાઓમાં ઘણા પહેલીથી તડીપાર છે, PFI સાથે પણ છેડા અડતા હોવા જોઈએ’ – દિલીપભાઈ પટેલ
નવરાત્રી વખતના એ હુમલામાં જેમને ઇજા પહોંચી હતી તેવા દિલીપભાઈ રાવજીભાઈ પટેલે પણ ઑપઇન્ડિયા સાથે વાત કરી. દિલીપભાઈને તે સમયે થયેલ પથ્થરમારામાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને ટાંકા લેવાની ફરજ પડી હતી.
દિલીપભાઈ જણાવે છે, “હિન્દૂ મહિલાઓ દીકરીઓ અને બાળકો જયારે ગરબે રમી રહ્યા હતા ત્યારે આ હુમલો અનાયાસે નહોતો થયો. આ હુમલો પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે જ થયો હતો. કેમ કે જોત જોતામાં તે લોકોએ અમને ચારેય બાજુથી ઘેરી લીધા હતા અને તેમની પાસે મોટા પ્રમાણમાં પથ્થરોની વ્યવસ્થા પણ હતી. સાથે જ તેઓ લાકડીઓ લઈને હુમલા માટે પણ તૈયાર જ હતા.”
તેઓ આગળ કહે છે, “હુમલો જેઓએ કર્યો હતો તેમાંથી ઘણાને તો પહેલાથી ગામમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા કેમ કે તેઓ આવી ધમાલો કરાવવા માટે પહેલા પણ પકડાઈ ચુક્યા હતા. અમને શંકા છે કે અમારા ગામના અમુક લોકોની લિંક PFI સાથે પણ સંકળાયેલી હોવી જોઈએ.”
મુસ્લિમોના હુમલામાં 3 GRD જવાનોને પણ ગંભીર ઇજા થઇ હતી
મુસ્લિમો દ્વારા ગરબે રમતા હિંદુઓ પર કરવામાં આવેલ એ હુમલામાં ન માત્ર ગામ લોકો પરંતુ ત્યાં ફરજ પર હાજર હોમગાર્ડ (GRD) ના 3 જવાનોને પણ ગંભીર ઇજા પહોંચી હતી.
તે રાતે ઉંઢેરા ગામે ફરજ પર હાજર દશરથભાઈ, પ્રતાપભાઈ અને રજનીભાઈ નમન ત્રણ GRD જવાનોને પણ આ પથ્થરમારા દરમિયાન ઈજાઓ પહોંચી હતી. જેમાં પ્રતાપભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને લાંબો સમય સારવાર હેઠળ રાખવા પડ્યા હતા.
આમ, જયારે ઑપઇન્ડિયા દ્વારા પુરી તપાસ કરવામાં આવી તો તથ્યો અને પુરાવાઓના આધારે હિન્દૂ પક્ષની દલીલો વધુ મજબૂત હતી. જયારે ‘ધ વાયર’ દ્વારા જે અહેવાલ અથવા એમ કે કહો કે વાર્તા ઘડવામાં આવી છે એ તદ્દન મનઘડંત જ છે. તો કોઈ પણ આધાર પુરાવાઓ વગર ગુજરાતની, ભારતની અને હિન્દુઓની છબી વિશ્વભરમાં ખરાબ કરવાનો આ ખેલ ક્યાં સુધી ચાલતો રહેશે એ પણ એક ચિંતા અને ચિંતનનો વિષય છે.