હમણાં બે-ત્રણ દિવસથી જેતપુરનો એક યુવાન ચર્ચામાં છે. આશિષ ગોસ્વામી નામના આ યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ઇસ્લામ અપનાવી લીધો હતો અને નામ પણ બદલી નાંખ્યું હતું. આ સમાચાર તો લગભગ મોટાભાગની ન્યૂઝ ચેનલો, વેબસાઈટ કે છાપાંએ આપ્યા, પણ આ યુવકે હિંદુ મહંતની હાજરીમાં ઘરવાપસી કરી હોવાની જાણકારી સાથે સૌપ્રથમ અહેવાલ પ્રકાશિત કર્યો ઑપઇન્ડિયાએ. જેતપુરના હિંદુ મહંત કનૈયાનંદ મહારાજે આ યુવકની વિધિવત ઘરવાપસી કરાવી હતી, જેમનો સંપર્ક કરીને ઑપઇન્ડિયાએ 6 જુલાઈ, 2023 (ગુરૂવારે) એક એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
હવે અહીં એન્ટ્રી થાય છે ગુજરાતી ભાષાનાં ‘અગ્રણી’ અખબારો પૈકીના એક ગુજરાત સમાચારની. ગુજરાત સમાચારે ઑપઇન્ડિયા દ્વારા પ્રકાશિત આ રિપોર્ટના ત્રણ ફકરા અક્ષરસ: ઉપાડી લીધા અને 7 જુલાઈ, 2023ની આવૃત્તિમાં નવી હેડલાઈન સાથે પ્રકાશિત કરી દીધા. ગુજરાત સમાચારે ઑપઇન્ડિયાના ફકરાઓમાં થોડીઘણી કાપકૂપ કરી અને જ્યાં ‘મુસ્લિમ’ શબ્દ આવતો હતો એ કાઢી નાંખ્યો, ઉપરાંત ઝાકીર નાઈકનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું હતું.
Gujarat Samachar, leading newspaper of Gujarat, copied an OpIndia report word by word and published on 7th July ‘23.
— Lincoln Sokhadia (@journolinc) July 7, 2023
However, they deleted the terms 'Muslim' and 'Islam' because accused were from 'samudaay vishesh'.
Predictably unethical and 'secular', but also good… pic.twitter.com/I3zw47iQSW
ઑપઇન્ડિયા પર પ્રકાશિત કરેલા એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, મોહમ્મદ અલસમી બની ગયેલો આશિષ ગોસ્વામી બે મુસ્લિમ યુવાનો સાથે જેતપુરના સરકારી દવાખાને સુન્નત કરાવવા માટે પહોંચ્યો હતો. પરંતુ ગુજરાત સમાચાર દ્વારા છપાયેલા રિપોર્ટમાં ‘મુસ્લિમ’ શબ્દ કાઢી નાંખવામાં આવ્યો અને માત્ર ‘બે યુવાનો’ લખેલું જોવા મળ્યું.
આ વિશેષ અહેવાલમાં ઑપઇન્ડિયાએ જણાવ્યું હતું કે કઈ રીતે મામલો ધ્યાનમાં આવતાં સ્થાનિક નૃસિંહ મંદિરના મહંત કનૈયાનંદ મહારાજ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ યુવાનના ઘરે પહોંચ્યા હતા અને તેને સમજાવ્યો હતો. 2 કલાકની સમજાવટને અંતે યુવાન માની ગયો અને સનાતનમાં પરત ફરવા માટે તૈયાર થઇ ગયો હતો. ત્યારબાદ મહંત કનૈયાનંદજી મહારાજે તેને તિલક કરીને સનાતનમાં પાછો વાળ્યો હતો. આ તમામ બાબતો ગુજરાત સમાચારના અહેવાલમાં શબ્દસ: પ્રકાશિત કરવામાં આવી પરંતુ ઑપઇન્ડિયાએ એ પણ જણાવ્યું હતું કે કઈ રીતે આ યુવકે મહંતની સામે જ પોતે ઉગાડેલી મુસ્લિમો જેવી દાઢી કાઢી નાંખી હતી. ગુજરાત સમાચારના રિપોર્ટમાં આ દાઢીવાળો ભાગ ગાયબ કરી દેવામાં આવ્યો.
રિપોર્ટમાં ઑપઇન્ડિયાએ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે આ યુવાન ભાગેડુ કટ્ટરપંથી ઇસ્લામી ઝાકીર નાઈકના પ્રભાવમાં આવી ગયો હતો. પરંતુ ગુજરાત સમાચારે પ્રકાશિત કરેલા રિપોર્ટમાં ઝાકીર નાઈકનો ક્યાંય ઉલ્લેખ જોવા ન મળ્યો. એ વાક્ય કાઢીને બાકીનાં વાક્ય શબ્દસ: લઇ લેવામાં આવ્યાં.
ઇસ્લામી કટ્ટરપંથીઓને છાવરવામાં અને મુસ્લિમ આરોપીઓના ગુના પર ઢાકપિછોડો કરવામાં મેઈનસ્ટ્રીમ મીડિયાનો જૂનો ઇતિહાસ
ઇસ્લામી કટ્ટરપંથીઓનાં કારસ્તાનો કે મુસ્લિમ આરોપીઓના ગુનાઓ વિશે સ્પષ્ટ ઉલ્લેખ ન કરીને વાતો અધ્યાહાર રાખવામાં મેઈનસ્ટ્રીમ મીડિયાનો ઇતિહાસ બહુ જૂનો છે. ગુજરાત સમાચાર આવું કરનારું પહેલું નથી અને છેલ્લું પણ નહીં હોય. કારણ કે ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે.
વર્ષ 2019માં બિહારમાં એક ઝાડફૂંક કરનારા મૌલવીએ એક મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ કેસ જ્યારે મીડિયામાં આવ્યો તો હેડલાઈનમાં શબ્દ લખવામાં આવ્યો- તાંત્રિક, અને ફોટો વાપરવામાં આવ્યો હિંદુ પૂજારીનો. આ હેડલાઈન વાંચનાર અને તસ્વીર જોનાર વ્યક્તિ ગેરમાર્ગે દોરાયા વગર રહે નહીં. કારણ કે ‘તાંત્રિક’ શબ્દનો અર્થ ‘તંત્ર વિદ્યા’ સાથે સંકળાયેલો છે અને તે હિંદુ ધર્મ સાથે સબંધ ધરાવે છે. મુસ્લિમ આરોપીઓ માટે પણ તાંત્રિક લખવાના બીજા પણ કિસ્સાઓ છે. સપ્ટેમ્બર, 2019માં પશ્ચિમ બંગાળમાં એક 10 વર્ષીય બાળકનું ઝાડફૂંકના લીધે મૃત્યુ થઇ ગયું હતું. તેના સમાચાર આપતી વખતે મેઈનસ્ટ્રીમ મીડિયાએ ‘તાંત્રિક’ શબ્દ વાપર્યો હતો. અમુક વેબસાઈટોએ બે ડગલાં આગળ જઈને તસ્વીર હિંદુવિધિની મૂકી હતી!
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જો આરોપી મુસ્લિમ હોય તો રિપોર્ટમાં તેનું નામ જ લખવામાં આવતું નથી. એપ્રિલ, 2018માં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેનું શીર્ષક હતું- ‘બળાત્કાર અને ખંડણીના ગુનામાં 10 તાંત્રિકને 10 વર્ષની સજા.’ પરંતુ વાસ્તવિકતા એ હતી કે આરોપીનું નામ ‘વારસી’ હતું. ન્યૂઝ18 હિન્દીએ એક રિપોર્ટના શીર્ષકમાં લખ્યું હતું કે- ‘ભૂત ભગાવવાના બહાને સગીર સાથે કર્યું દુષ્કર્મ, તાંત્રિકની ધરપકડ.’ આ કેસમાં આરોપીનું નામ હતું- સાજિદ.
બીજી તરફ જો મામલો બે હિંદુ સમુદાયો વચ્ચે હોય અને તેમાંથી એક દલિત અને સવર્ણ હોય તો આ જ મેઈનસ્ટ્રીમ મીડિયા રાઈનો પહાડ કરવામાં ક્ષણભરનો સમય બગાડતું નથી. એવા પણ કિસ્સાઓ અવારનવાર બનતા રહ્યા છે જેમાં ઇસ્લામીઓ અને સમુદાય વિશેષના આરોપીઓના ગુનાઓ છાવરવા માટે તેમના જીવનને લગતી ‘ઈમોશનલ સ્ટોરીઓ’ પ્રકાશિત કરવામાં આવી હોય. કોઈએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી રિયાઝ નાઇકુને દરજી ગણાવ્યો હતો તો કોઈએ કાશ્મીરમાં હિંદુઓ પર હુમલા કરનારા આતંકી યાસિન મલિકના ‘સંઘર્ષના લાંબા ઇતિહાસ’ વિશે રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને હાલ જેલમાં બંધ શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ વિશે પણ દુષ્પ્રચાર ચાલતો જ રહે છે.
મુસ્લિમ આરોપીઓની વાત આવે ત્યાં ‘વિધર્મી’ લખવા માટે તો ગુજરાતી મીડિયા પણ પંકાયેલું છે. એક વણલિખિત નિયમ હેઠળ જો આરોપી સમુદાય વિશેષમાંથી આવતો હોય તો તેના મઝહબનો ઉલ્લેખ કરવામાં આવતો નથી અને ‘વિધર્મી’ લખી દેવાય છે. પરંતુ વિધર્મીનો અર્થ થાય- અન્ય ધર્મનો. અન્ય ધર્મ ઇસ્લામ જ હોય એ જરૂરી નથી, એ શીખ પણ હોય શકે અને ખ્રિસ્તી પણ. તો પછી શા માટે વાચકોને ગેરમાર્ગે દોરવા જોઈએ?
પત્રકારત્વ એટલે શુદ્ધ સમાચારનું વહન. કશું છુપાવવું પણ નહીં અને કશું ઉમેરવું પણ નહીં. જે થયું હોય, જેણે કર્યું હોય તે શબ્દો ચોર્યા વગર, કોઈના ડર વગર, સ્પષ્ટપણે કહેવું એ જ પત્રકારત્વ છે. પરંતુ ભારતના મેઈનસ્ટ્રીમ મીડિયાને વર્ષોથી ઇસ્લામીઓ અને જેહાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રહી છે જે અવારનવાર એક યા બીજા સ્વરૂપે છતી થતી રહેતી હોય છે.