કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની જાહેરસભામાં 2002નાં રમખાણો વિશે કહેલી વાતને તોડી-મરોડીને રજૂ કરી દુષ્પ્રચાર ફેલાવવા બદલ મીડિયા ચેનલ NDTV ફરી એક વખત ચર્ચામાં આવી છે. મીડિયા ચેનલે અમિત શાહને ખોટી રીતે ક્વોટ કર્યા હતા અને રિપોર્ટ ટ્વિટ કરી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલ ખૂલી ગયા બાદ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
શુક્રવારે (25 નવેમ્બર 2022) NDTVના ટ્વિટર હેન્ડલ પરથી ‘તેમને 2002માં પાઠ ભણાવવામાં આવ્યો હતો, ગુજરાતમાં કાયમી શાંતિ છે: અમિત શાહ’ શીર્ષક સાથે એક રિપોર્ટ ટ્વિટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ગૃહમંત્રીની આજની ખેડાના મહુધા ખાતેની જનસભામાં તેમણે આપેલા ભાષણને લઈને સમાચાર આપવામાં આવ્યા હતા.
જે ભાષણની ચર્ચા ચાલી રહી છે તેમાં ગૃહમંત્રી અમિત શાહે કોઈ પણ પ્રકારે સાંપ્રદાયિક એન્ગલ આપ્યો ન હતો કે ક્યાંય પણ કોઈ સમુદાયનું પણ નામ લીધું ન હતું. તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતી વખતે કહ્યું હતું કે, તેમના કારણે 2002માં રમખાણો થયાં હતાં, પરંતુ હવે ગુજરાતમાં કાયમી શાંતિ છે.
અમિત શાહે શું કહ્યું હતું?
ગૃહમંત્રી શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, “ક્યાંય કર્ફ્યુ ન લાદવો પડે એવું રાજ્ય કોઈ બન્યું હોય તો મારું અને તમારું ગુજરાત બન્યું છે. આ 2022માં કોંગ્રેસીયાઓએ આદત પાડી હતી, એટલે રમખાણ થયાં હતાં. પણ 2002માં એવો પાઠ શીખવ્યો કે ખોડ ભૂલી ગયા, 2002થી 2022 સુધી નામ લીધું. ગુજરાતની અંદર કોમી હુલ્લડો કરનારાઓ સામે કડક હાથે પગલાં ભરી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં અખંડ શાંતિની સ્થાપના કરી છે.”
અમિત શાહના અધિકારીક ફેસબુક પેજ પરથી આ સભાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં 16:24 મિનિટથી 17:10 સુધી ગૃહમંત્રીની સમગ્ર વાત સાંભળી શકાય તેમ છે.
ગૃહમંત્રીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, પરંતુ NDTVએ પોતાની રીતે તેનું અર્થઘટન કરી, ભ્રામક હેડલાઈન વડે દુષ્પ્રચાર ફેલાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આખરે એ ખુલ્લો પડી જતાં ટ્વિટ ડીલીટ કરવાનો વારો આવ્યો હતો.
NDTVનું આ ટ્વિટ ખાસ્સું વાયરલ થયા બાદ ટ્વિટર યુઝરોએ પ્રોપેગેન્ડાની પોલ ખોલી નાંખી હતી. અનેક યુઝરોએ અમિત શાહના સાચા નિવેદન વિશે જણાવ્યા બાદ NDTVએ ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું હતું.
"Rioters Taught Lesson In 2002…Permanent Peace In Gujarat": Amit Shah https://t.co/6kwHdZ5AnT pic.twitter.com/L2whPvmFbN
— NDTV (@ndtv) November 25, 2022
ત્યારબાદ નવી હેડલાઈન સાથે ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ (They)ની જગ્યાએ તોફાનીઓ (Rioters) શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.