Friday, May 3, 2024
More
    હોમપેજમિડિયારાજ્યસભા ચૂંટણી માટે TMCએ જાહેર કર્યા 4 ઉમેદવારો, બંગાળ ચૂંટણી વખતે મમતા...

    રાજ્યસભા ચૂંટણી માટે TMCએ જાહેર કર્યા 4 ઉમેદવારો, બંગાળ ચૂંટણી વખતે મમતા બેનર્જીનાં ભરપૂર વખાણ કરનાર ‘પત્રકાર’ સાગરિકા ઘોષ પણ સામેલ 

    તાજેતરમાં કૅશ ફોર ક્વેરી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસનાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાની હકાલપટ્ટી થઈ ત્યારે પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ‘મહિલા કાર્ડ’નો ઉપયોગ કર્યો હતો અને સાથે ‘બંગાળના ગૌરવ’નો મુદ્દો પણ ઘસડી લાવ્યાં હતાં.

    - Advertisement -

    આગામી સમયમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે 4  ઉમેદવારોના નામની ઘોષણા કરી છે, જેમાં ‘પત્રકાર’ સાગરિકા ઘોષનો પણ સમાવેશ થાય છે. સાગરિકા ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈનાં પત્ની છે.

    TMCએ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આગામી રાજ્યસભા ચૂંટણી માટે અમે સાગરિકા ઘોષ, સુષ્મિતા દેવ, નદીમુલ હક અને મમતા ઠાકુરની ઉમેદવારીની ઘોષણા કરીએ છીએ. સાથે લખ્યું કે, “અમારી શુભકામનાઓ તેમની સાથે છે અને આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલ કોંગ્રેસની દરેક ભારતીયના અધિકાર માટે લડવાની ભાવનાના વારસાને જાળવી રાખીને તે દિશામાં કામ કરશે.

    નોંધવું જોઈએ કે પતિ રાજદીપ સરદેસાઈની જેમ જ પત્ની સાગરિકા પણ તેમના મોદીવિરોધ અને ભાજપવિરોધ માટે જાણીતાં છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાગરિકાએ પોતાના ‘પત્રકારત્વ’ થકી તૃણમુલ કોંગ્રેસના નેરેટિવને આગળ વધારવાના પૂરતા પ્રયાસ કર્યા હતા. 

    - Advertisement -

    થોડાં ઉદાહરણો જોઈએ તો 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઘોષે મમતા બેનર્જીનાં ભરપૂર વખાણ કર્યાં હતાં અને તેમને ‘દૃઢતા’ અને ‘ઝનૂન’ સાથે લડતાં રાજકારણી ગણાવ્યાં હતાં.

    તાજેતરમાં કૅશ ફોર ક્વેરી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસનાં પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાની હકાલપટ્ટી થઈ ત્યારે પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ‘મહિલા કાર્ડ’નો ઉપયોગ કર્યો હતો અને સાથે ‘બંગાળના ગૌરવ’નો મુદ્દો પણ ઘસડી લાવ્યાં હતાં. જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ મોટાપાયે હિંસા ફાટી નીકળી ત્યારે તેમણે કશુંક ટિપ્પણી કરવાથી અંતર બનાવી રાખ્યું હતું.

    આ સિવાય પણ તેમણે અનેક તબક્કે ભાજપવિરોધી પ્રોપગેન્ડાને હવા આપી છે. અવારનવાર પોતાની પોસ્ટ કે પછી લખાણોમાં આવી સામગ્રીઓ જોવા મળતી રહી છે. આખરે હવે તેમને તૃણમૂલ કોંગ્રેસ રાજ્યસભામાં મોકલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે હાલ દેશનાં 15 રાજ્યોમાં કુલ 56 રાજ્યસભા બેઠકો ખાલી થઈ રહી છે, જેની ઉપર આગામી 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની પણ 4 બેઠકો સામેલ છે. ગુજરાતમાં તમામ બેઠકો ભાજપના ફાળે જ જશે, કારણ કે કોંગ્રેસ કે બીજી કોઇ પણ પાર્ટી પાસે 1 બેઠક પણ જીતી શકાય તેટલી બહુમતી નથી. જેના કારણે કોંગ્રેસ કોઇ ઉમેદવાર ઉતારશે જ નહીં અને ભાજપ જેમનાં નામો જાહેર કરશે તેઓ બિનહરીફ ચૂંટાઇ જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં