બ્રિટીશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન- BBCએ તાજેતરમાં એક વીડિયો પ્રકાશિત કરીને દર્શકો-વાચકોને જણાવ્યું કે કઈ રીતે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ઓળખી કાઢીને તેને ફેલાતી અટકાવી શકાય છે. આ વીડિયો રિપોર્ટ ઇઝરાયેલ-હમાસ યુદ્ધના સમાચારો પર કેન્દ્રિત હતો જેને લઈને બીબીસીનો દાવો છે કે હમાસે હુમલો કરી દીધા બાદ સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
Israel-Gaza war: How to spot disinformation on social media https://t.co/KJ1FeQk3KI
— BBC News (UK) (@BBCNews) October 21, 2023
BBCએ પ્રકાશિત કરેલા વીડિયોમાં એન્કર કહે છે કે, ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના વિવાદમાં ગ્રાઉન્ડ પર શું ચાલી રહ્યું છે તેને લઈને બંને તરફથી અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, જેને પછીથી સોશિયલ મીડિયા પર વેગ આપવામાં આવે છે અને ફોટા અને વીડિયોથી પ્લેટફોર્મ્સ ભરાઈ જાય છે. પરંતુ તેમાં ઘણી ભ્રામક અને ખોટી માહિતી હોય તો સાથે કોન્સ્પિરસી થીયરી પણ એટલી જ હોય છે. ત્યારબાદ તેઓ અમુક ટિપ્સ આપીને જણાવે છે કે કઈ રીતે માહિતી સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવી.
મજાની વાત એ છે કે આ જ બીબીસીએ થોડા દિવસ પહેલાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. સંસ્થાએ ખોટી માહિતી ફેલાવી હતી કે ગાઝાની હૉસ્પિટલમાં જે હુમલો થયો અને જેમાં 500 લોકો માર્યા ગયા તે પાછળ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલ એરસ્ટ્રાઈક જવાબદાર હતી. પછીથી તેમણે સ્વીકાર્યું હતું કે લાઈવ સમાચાર આપતા એક સંવાદદાતાએ ભૂલથી ધારી લીધું હતું કે ગાઝાની હૉસ્પિટલ પર થયેલ રૉકેટ હુમલો ઇઝરાયેલની એરસ્ટ્રાઈકનું પરિણામ હતું.
BBCએ કહ્યું હતું કે, “સંવાદદાતાએ ક્યાંય પણ એવું રિપોર્ટ કર્યું ન હતું કે તે ઇઝરાયેલની એરસ્ટ્રાઈક હતી, પરંતુ તેમ છતાં અમે સ્વીકારીએ છીએ કે ઝડપથી બદલાતી પરિસ્થિતિઓમાં આ પ્રકારે આકલન કરવું અયોગ્ય છે.”
ગાઝા હૉસ્પિટલ અટેકને લઈને રિપોર્ટિંગ દરમિયાન સંવાદદાતાએ કરી હતી ગડબડ
ઉલ્લેખનીય છે કે ગાઝાની હૉસ્પિટલ પરના હુમલાના લાઇવ રિપોર્ટિંગ દરમિયાન BBC સંવાદદાતા જોન ડોનિસને અનુમાન લગાવીને ઇઝરાયેલી સેનાને દોષી ઠેરવી હતી અને સંકેત કર્યો હતો કે તેની પાછળ ઇઝરાયેલ જ હોય શકે છે. તેમણે કહ્યું હતું કે, “આટલા મોટા હુમલાને જોતાં ઇઝરાયેલની એરસ્ટ્રાઈક સિવાય બીજું શું હોય શકે તે કળવું મુશ્કેલ છે.”
જોકે, પછીથી સામે આવ્યું હતું કે આ ઘટનામાં ઇઝરાયેલનો કોઈ હાથ ન હતો અને પેલેસ્ટાઇનના આતંકી સંગઠન ઇસ્લામિક જેહાદે યહૂદી દેશ પર હુમલો કરવા છોડેલું રૉકેટ મિસફાયર થઈને ગાઝાની હૉસ્પિટલ પર પડ્યું હતું. હુમલો થયો તેવો હમાસે આરોપ ઇઝરાયેલ પર લગાવી દીધો હતો પરંતુ IDFના અધિકારીઓએ તરત પ્રતિક્રિયા આપીને સાબિત કરી દીધું હતું કે તેમનો આમાં કોઇ વાંક નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હૉસ્પિટલ પર રોકેટ હુમલો થયો તે જ સમયે હમાસનું એક રૉકેટ મિસફાયર થઈ ગયું હતું.
અહીં એ પણ નોંધનીય છે કે બીબીસી હમાસને આતંકવાદી સંગઠન ગણાવતું નથી. જોકે, આ સંગઠન અમેરિકા, યુકે અને ઇઝરાયેલ જેવા અનેક દેશો દ્વારા ‘આતંકી’ ઘોષિત કરવામાં આવી ચુક્યું છે. બીબીસીનું કહેવું છે કે કોઇ સંગઠનને ‘આતંકવાદી’ કહેવું એ કોઇ એક પક્ષ લેવા જેવું ગણાય, એટલે તેઓ હમાસને આતંકી કહેતા નથી.