Friday, May 3, 2024
More
    હોમપેજમિડિયા‘રામ નામનો હિસ્ટેરિયા’: ગુજરાત સમાચારના લેખની હેડલાઈન વાંચીને રોષે ભરાયા વાચકો, સોશિયલ...

    ‘રામ નામનો હિસ્ટેરિયા’: ગુજરાત સમાચારના લેખની હેડલાઈન વાંચીને રોષે ભરાયા વાચકો, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટીકા

    ગુજરાત સમાચારે આપેલા આ અહેવાલની હેડલાઈનમાં 'રામ નામનો હિસ્ટેરીયા' વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સ ઉકળી ઉઠ્યા હતા. લોકોએ આ પ્રકારના મથાળાની આકરી ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ગુજરાત સમાચારના આ લેખનું કટિંગ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

    - Advertisement -

    ભૂતકાળમાં છાપાં અને વાચકો વચ્ચે માત્ર એકપક્ષીય સંવાદ થતો હતો પરંતુ હવે જમાનો જેમ આધુનિક થતો ગયો અને સોશિયલ મીડિયા આવ્યું તેમ વાચકપક્ષેથી પણ સંવાદ થવા માંડ્યો છે. સોશિયલ મીડિયા આવ્યા પછી જ મેઈનસ્ટ્રીમ મીડિયાની અમુક બદમાશીઓ પણ ઉઘડતી થઈ. લોકો હવે તરત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મીડિયા સામે પણ અવાજ ઉઠાવતા થયા છે. ગુજરાતી છાપાં પણ આ ચર્ચામાંથી બાકાત રહી શક્યાં નથી. તાજેતરમાં ‘ગુજરાત સમાચાર’ અખબારમાં પ્રકાશિત એક લેખને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલે છે અને લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. આ મહાપ્રસંગને લઈને આખો દેશ રામમય થઈ ગયો છે. સદીઓની પ્રતીક્ષાઓ જેમ-જેમ અંત તરફ જઈ રહી છે, તેમ-તેમ રામભક્તોનો હર્ષ વધી રહ્યો છે. મીડિયા, ટીવી ચેનલો, છાપાંથી માંડીને સોશિયલ મીડિયામાં માહોલ ‘રામમય’ જોવા મળી રહ્યો છે. ગુજરાત સમાચારે આ જ વિષયને આવરી લઈને એક લેખ પ્રકાશિત કર્યો છે, જે હાલ ચર્ચામાં છે. લેખનું મથાળું છે- ‘રામ નામનો હિસ્ટેરિયા: સૌના લાગણીતરંગો અયોધ્યાની દિશામાં.’

    આ અહેવાલની હેડલાઈનમાં ‘રામ નામનો હિસ્ટેરીયા’ વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સ ઉકળી ઉઠ્યા હતા. લોકોએ આ પ્રકારના મથાળાની આકરી ટીકા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ગુજરાત સમાચારના આ લેખનું કટિંગ વાયરલ થઇ રહ્યું છે. સામાન્ય રીતે નકારાત્મક ભાવમાં વપરાતા આ શબ્દ અંગે લોકોનું કહેવું છે કે અહીં તે અયોગ્ય છે અને તેના સ્થાને બીજો પણ શબ્દ વાપરી શકાયો હોત.

    - Advertisement -

    વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલે ફેસબુક પર આ લેખનું કટિંગ શેર કરીને તેને ‘ગુજરાત સમાચારના એડિટીંગની મૂર્ખામી’ ગણાવી હતી. તેઓ લખે છે, “‘રામ’ નામ રોગ નથી, ભક્તિ ઉત્સાહ છે. ગૌરવ અને અસ્મિતા પ્રતિષ્ઠા પર્વઆનંદને હિસ્ટોરીયા કહેનારાઓને રામજી ક્ષમા કરે.”

    અન્ય એક મયુરધ્વજસિંહ ઠાકોર નામના યુઝરે પણ ‘ગુજરાત સમાચાર’ની આ હેડલાઈન પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ગુજરાત સમાચારને હિસ્ટેરીયાનો અર્થ સમજાવતા લખ્યું હતું કે, “હિસ્ટેરીયા રોગ થવાના કારણો- માનસિક આઘાત, માનસિક તણાવ વગેરે.. હિસ્ટેરિયા રોગનાં લક્ષણો- દમ ઘૂંટાય, જકડાઈ જવું વગેરે..હવે મિત્રો આપ સૌ કહો આપણે સૌ પ્રભુ શ્રી રામલલ્લા બિરાજમાન થવાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ તો આવું કંઈ થાય છે? પત્રકારે સમજી વિચારીને છાપ્યું છે કે નહીં?”

    અન્ય એક કાલિદાસ ગોહેલ નામના યુઝરે તો આ સમાચાર પત્રને કટ્ટર મોદી વિરોધી કહી દીધું. જોકે, ગુજરાતી મીડિયાજગત અને સામાન્ય રીતે પણ ગુજરાત સમાચારની આવી છાપ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારની છે. અખબાર ઘણી વખત મોદીવિરોધી કે સરકારવિરોધી સ્ટેન્ડ લેતું જોવા મળે છે.

    હેમાંગ પારેખ પણ આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત સમાચારમાં લખતા લેખકોને સવાલ કરે છે કે આખરે આ બાબતે તેમણે તંત્રીનું ધ્યાન દોર્યું હતું કે નહીં.

    આ સિવાય પણ અનેક લોકોએ ગુજરાત સમાચાર દ્વારા લખવામાં આવેલો લેખ જોઇને આકરી પ્રતિક્રિયા આપી હતી. ઘણાએ તો બર્નોલ આપવાની પણ માંગ કરી. જોકે, તેના ઉપયોગ અંગે વધુ ફોડ પાડ્યો ન હતો.

    સોશિયલ મીડિયા પર એવા અનેક યુઝરો છે જેમણે ગુજરાત સમાચારે વાપરેલા શબ્દોનો વિરોધ કર્યો છે. બીજી તરફ, ઘણાએ આ શબ્દને સ્થાને કશુંક બીજા શબ્દ પ્રયોગ પણ થઈ શક્યા હોત તેમ પણ કહ્યું.

    ગુજરાત સમાચારનો આ વિરોધ માત્ર ફેસબુક પૂરતો જ સીમિત નથી, માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. X પર મહાવીર સિંહ નામના યુઝરે તો માત્ર હેડલાઈન નહીં, પરંતુ ગુજરાત સમાચારે લખેલા લેખને લઈને પણ વાંધો દર્શાવ્યો છે. છાપાંએ પહેલા ફકરામાં જ લખ્યું છે કે, ‘રામમય માહોલ ઉભો કરવામાં હિંદુ સંગઠનો સફળ થયાં છે.’ જે વાંચીને તેઓ લખે છે કે, તેઓ અને તેમનો પરિવાર કોઈ હિંદુ સંગઠનનો ભાગ નથી અને તે છતાં તેઓ રામમય છે. યુઝર કડવા શબ્દોમાં કહી રહ્યા છે કે, રામમય હોવાનો અર્થ તે નથી કે તેમને હિસ્ટેરીયા છે. દરમિયાન યુઝર અખબાર પર હિંદુફોબિક હોવાનો પણ આરોપ લગાવે છે.

    આમ તો હિસ્ટેરિયા શબ્દનો અર્થ કાઢી શકાય ઉન્માદ કે એક પ્રકારે સામૂહિક ગાંડપણ. ‘અમર્યાદિત ઉત્સાહ’ના અર્થમાં પણ વપરાય. પરંતુ આ શબ્દ ઘણોખરો નકારાત્મક ભાવમાં વપરાતો રહ્યો છે. ‘માસ હિસ્ટેરિયા’ શબ્દ તો જાણીતો છે. આ જ કારણ છે કે લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ખાસ કરીને આવા વિષયો પર લખતી વખતે અખબારો કે પછી કોઇ પણ માધ્યમો જે જનમાનસમાં પ્રચલિત શબ્દો હોય તે જ વાપરતાં રહ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં