Sunday, April 28, 2024
More
    હોમપેજદેશલૌટ કે ઈસુ ઘર કો આયે: ફરી જૂના ધંધે વળગ્યા AAP પ્રદેશ...

    લૌટ કે ઈસુ ઘર કો આયે: ફરી જૂના ધંધે વળગ્યા AAP પ્રદેશ પ્રમુખ, લોકો ‘ટાઇગર’ને સિરિયસલી લેશે કે નહીં તેની નેટિઝન્સમાં ચર્ચા 

    કુંજન નામના એક વ્યક્તિએ AAP નેતાને કાયમ ચૂર્ણ ખાધું હોય ત્યારે શંખનાદ ન કરવાની સલાહ આપી હતી. જોકે, આ પાછળ શું લોજિક હશે તે જાણી શકાયું નથી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ હવે એક નવો શો ચાલુ કર્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે ‘શંખનાદ’. અખબાર ગુજરાત સમાચારની ટીવી ચેનલ GSTV પર આ શો પ્રસારિત થશે, જેને AAP નેતા હોસ્ટ કરશે. જેની આધિકારિક જાહેરાત પણ થઈ ગઈ છે અને શો પણ લૉન્ચ થઈ ગયો છે. 

    નવો શો ચાલુ જાહેરાત કરતાં ઈસુદાન ગઢવીએ એક X પોસ્ટ કરીને કહ્યું કે, ‘ઘણા ખેડુતોથી માંડીને લોકો એવું કહેતા હતા કે ઈસુદાનભાઈ અમારો અવાજ હવે પહોંચતો નથી! એટલે આજથી ડબલ રોલ કરીને પણ તમારા માટે જીવ છે ત્યાં સુધી લડવાનું નક્કી કર્યું છે. સવારથી સાંજ સુધી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી નિભાવીશ અને સાંજે એક કલાક તમારા માટે ટીવીમાં પણ નિષ્પક્ષતાથી અવાજ ઉઠાવીશ. કોઈએ હિંમત હારવાની નથી, ટાઈગર અભી જિંદા હૈ. જો વકીલ અને ડોક્ટર પણ મંત્રી કે નેતા બનીને પોતાનો વ્યવસાય કરી શકે તો એક પત્રકાર કેમ નહીં? તો થઈ જાય શંખનાદ. GSTV પર મળીએ.’ (આમ તો ઇસુદાનભાઈ પહેલાં પત્રકાર હતા, પણ પોસ્ટમાં જોડણીની ઘણી ભૂલો રહી ગઈ છે. તેઓ કરી શકે, અમે નહીં. એટલે સુધારવામાં આવી છે.)

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગયા મહિને ચર્ચા ઉઠી હતી કે ઈસુદાન ગઢવી પત્રકારત્વમાં પરત ફરશે અને પોતાનો એક શો લાવશે. જોકે, પછીથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાજકારણ મૂકી રહ્યા નથી પરંતુ જનતાનો અવાજ ઉઠાવવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરશે. ત્યારે ચોખવટ કરી ન હતી કે તેઓ કઈ ચેનલ સાથે જોડાશે. આખરે ગુજરાત સમાચારની ચેનલ તેમણે પસંદ કરી છે. 

    - Advertisement -

    ઈસુદાન ગઢવી આમ તો પોતાને ટાઈગર ગણાવતા રહે છે પરંતુ લોકો તેમને ખરેખર માને છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. જોકે, ઈન્ટરનેટ પર લોકોએ AAP નેતાની જાહેરાતને બહુ ગંભીરતાથી લીધી હોય તેમ જણાઈ રહ્યું નથી અને મજા જ લઇ રહ્યા છે. 

    ડૉ. મિનેશ પટેલે કહ્યું કે, આને ડબલ રોલ નહીં પરંતુ પત્રકારત્વની નિષ્પક્ષતા પર ડાઘ કહેવાય. 

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘સક્રિય રાજકારણીને સરકારની નીતિઓને સવાલ કરતા કાર્યક્રમના ભાગ કઈ રીતે બનાવી શકાય? આનાથી ન તો પ્રોગ્રામની વિશ્વસનીયતા રહે કે ન સંચાલકની કે ન ટીવી ચેનલની. એક રીતે ટીવી ચેનલ કોઇ રાજકીય પક્ષનો (AAP) બિનસત્તાવાર ભાગ બની ગઈ.

    પ્રાપ્તિ બૂચે ‘હારેલા નેતા’ ઈસુદાન ગઢવીના નવા ‘સાહસ’ને પાર્ટટાઇમ જોબ ગણાવી અને આગળ લખ્યું કે, લાગે છે કે તેમણે પોતાનું ભવિષ્ય જોઈ લીધું છે. ઘર પણ ચલાવવાનું છે, બાકી વધેલા લોકો પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઓફિસે તાળું લાગવામાં હવે વધુ સમય નથી.’ તેમણે અંતે દુઃખ પણ વ્યક્ત કર્યું. 

    કુંજન નામના એક વ્યક્તિએ AAP નેતાને કાયમ ચૂર્ણ ખાધું હોય ત્યારે શંખનાદ ન કરવાની સલાહ આપી હતી. જોકે, આ પાછળ શું લોજિક હશે તે જાણી શકાયું નથી.

    લોકોએ સવાલ કર્યા કે આખરે એક સક્રિય રાજકારણી અને રાજકીય પાર્ટીના પ્રમુખને પ્લેટફોર્મ આપવું કેટલું યોગ્ય છે?

    ઘણા લોકોએ એ બાબત પર પણ ધ્યાન દોર્યું કે પોતાને ‘ટાઈગર’ ગણાવતા નેતા કૉમેન્ટ બોક્સ બંધ કરીને બેઠા છે. 

    ‘ટાઈગર જિંદા હૈ’ની ટેગલાઈનને પણ અમુક લોકોએ મજાકમાં કાઢી નાખી હતી.

    અમુક લોકોએ ટિપ્પણી કરવા કહેવતોનો સહારો લીધો. 

    લોકો એમ પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાંથી પતન થઈ રહ્યું છે અને લોકસભા ચૂંટણીમાં પણ ડિપોઝીટ ગુમાવવાનો ડર છે એટલે હવે ઇસુદાન ગઢવી જૂના કામે વળ્યા છે. 

    આ સિવાય અમુક રિપ્લાય એવા છે, જે અહીં મૂકી શકાય એમ નથી.

    ઉલ્લેખનીય છે કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાં તેઓ પત્રકાર હતા અને VTVમાં ‘મહામંથન’ નામનો શો હોસ્ટ કરતા હતા. રાજકારણમાં આવ્યા પહેલાં તેમણે ટીવી ચેનલમાંથી રાજીનામું આપ્યું હતું અને પત્રકારત્વ છોડ્યું હતું. પરંતુ હવે તેમણે ફરી શો કરવાનો ચાલુ કર્યો છે, પરંતુ આ વખતે તેઓ રાજકારણી બની ગયા છે. તેઓ જ્યારે પત્રકાર હતા ત્યારે જ ઘણા લોકો તેમના પત્રકારત્વનું મૂલ્યાંકન કરતા હતા ત્યારે રાજકારણી બન્યા બાદ હવે લોકો કેટલા ગંભીરતાથી લેશે તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં