Sunday, October 13, 2024
More
    હોમપેજમિડિયા‘5 રાજ્યોમાં ભાજપને 10 લાખ મત ઓછા મળ્યા, તો કોંગ્રેસ કેમ હારી?’:...

    ‘5 રાજ્યોમાં ભાજપને 10 લાખ મત ઓછા મળ્યા, તો કોંગ્રેસ કેમ હારી?’: ‘પત્રકાર’ હરિ દેસાઈનું અલ્ટ્રા પ્રો મેક્સ વિશ્લેષણ- જે વાત તેમણે નથી કહી એ અમે તમને કહીએ

    હરિભાઈ અને તેમના સમર્થકોએ ‘સત્ય’ અને ‘તથ્ય’ બાજુ પર મૂકીને થોડો સમય ગણિત પર ધ્યાન આપવાની જરૂર છે. આવું જ ચાલતું રહ્યું તો 2024ની લોકસભા ચૂંટણી પછી એમ પણ કહેશે કે મોદીને વારાણસીથી જેટલા મત મળ્યા તેના કરતાં રાહુલ ગાંધીને વાયનાડથી વધુ મતો મળ્યા, છતાં મોદીને વડાપ્રધાન કેમ બનાવવામાં આવે છે? 

    - Advertisement -

    કોંગ્રેસની સૌથી મોટી તાકાત કાર્યકરો કે મતદારો નહીં પણ ‘તટસ્થ’, ‘લિબરલ’, ‘સેક્યુલર’ યુ-ટ્યુબ પત્રકારો છે. મોદીના આવ્યા પછી જેમની દુકાનોને તાળાં લાગી ગયાં છે તેવાઓ હવે યુ-ટ્યુબ પર ભેગા થયા છે. રોજ સવારે ઉઠીને મોદીનો કે સરકારનો વાતે-વાતે વાંક કાઢવાનું અને સીધી કે આડકતરી રીતે કોંગ્રેસ પક્ષે માહોલ બનાવવાનું આમ તો તેમનું રોજનું થઈ પડ્યું પણ ચૂંટણી ટાણે તેમની આ ‘જવાબદારીઓ’ અનેકગણી વધી જાય છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ તરફી માહોલ બનાવવાનો અને ન કરે નારાયણ ને હારી જાય તો જાતજાતની થિયરીઓ લઇ આવવાની, જેથી નેતાઓ પછીથી તેને આગળ વધારીને આખરે ભાજપને કહી શકે કે- તૂને ચિટિંગ કિયા હૈ!

    હશે એ તો. હમણાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ ગઈ. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ. ચૂંટણી પહેલાં અહીં 2 રાજ્યોમાં કોંગ્રેસની, 1માં ભાજપની, 1માં MNFની અને 1માં BRSની સરકાર હતી. ચૂંટણી પછી 3માં ભાજપની હશે, 1માં કોંગ્રેસની અને 1માં ZPMની. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન, ત્રણેય રાજ્યો ભાજપે જીતી લીધાં, તેલંગાણામાં કોંગ્રેસ જીતી. મિઝોરમમાં પહેલાં પણ પ્રાદેશિક પાર્ટી જ સત્તામાં હતી, પરિણામો બાદ પણ પ્રાદેશિક પાર્ટી જ હશે. 

    આ પરિણામો પછી હવે વિશ્લેષણ શરૂ થયાં છે. ‘વિશ્લેષણ’ની મજા એ છે કે તમે થોડા ગંભીર થઈને, આત્મવિશ્વાસ સાથે, એકમ-દશક સુધીના આંકડાઓ સાથે કોઇ વાત કહો તો પ્રબળ સંભાવનાઓ છે કે સામેનો માણસ તેને સાચું માની લે. ગુજરાતના ‘વરિષ્ઠ’ ‘પત્રકાર’ ડૉ. હરિ દેસાઈ અને તેમના દર્શકો સાથે હમણાં આવું જ થયું છે. 

    - Advertisement -

    તેઓ એક યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. નામ છે- Dr. Hari Desai’s सत्यम् एवं तथ्यम. અહીં રાજકીય વિશ્લેષણો કરતા રહેતા હોય છે. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પછી તેમણે આવું ‘સાહસ’ ફરી એક વખત કરી દેખાડ્યું છે. વરિષ્ઠ પત્રકારે પોતાની ચેનલ પર એક 25 મિનીટ 5 સેકન્ડનો વિડીયો બનાવીને મૂક્યો છે. જેનું શીર્ષક છે- પાંચ રાજ્યોની તાજી ચૂંટણીમાં ભાજપ કરતાં 10 લાખ વધુ મત મળ્યા છતાં કૉંગ્રેસ કેમ હારી?

    વિડીયોમાં હરિભાઈ આંકડાઓ આપીને કહે છે કે પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની જીત તો થઈ પણ તેમને કુલ મત કોંગ્રેસ કરતાં 10 લાખ ઓછા મળ્યા છે. ત્યારબાદ તેઓ ‘દર્શકોના લાભાર્થે’ રાજ્યવાર આંકડાઓ પણ આપે છે. જે આ પ્રમાણે છે- 

    મધ્ય પ્રદેશ 

    કોંગ્રેસ- 1 કરોડ 75 લાખ 71 હાજર 582

    ભાજપ- 2 કરોડ 11 લાખ 16 હજાર 197 

    છત્તીસગઢ 

    કોંગ્રેસ- 66 લાખ 2 હજાર 586 

    ભાજપ- 72 લાખ 34 હજાર 968

    રાજસ્થાન 

    કોંગ્રેસ- 1 કરોડ 56 લાખ 67 હજાર 947 

    ભાજપ- 1 કરોડ 65 લાખ 24 હજાર 787 

    તેલંગાણા

    કોંગ્રેસ- 92 લાખ 35 હજાર 792 

    ભાજપ- 32 લાખ 57 હજાર 511 

    મિઝોરમ 

    કોંગ્રેસ- 1 લાખ 46 હજાર 113 

    ભાજપ- 35 હજાર 524 

    આ આંકડાઓ આપીને તેઓ કહે છે કે, પાંચેય રાજ્યોમાં કોંગ્રેસને 4 કરોડ 92 લાખ મતો મળ્યા અને ભાજપને 4 કરોડ 81 લાખ, એટલે કે ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસને 10 લાખ 55 હજાર 33 મતો વધુ મળ્યા! 

    ત્યારબાદ તેઓ હારનું વિશ્લેષણ કરવા માંડે છે અને કહે છે કે જો કોંગ્રેસે INDI ગઠબંધનના સાથી પક્ષોને સાથે લીધા હોત તો તેમને જે મતો મળ્યા છે તે પણ કોંગ્રેસના ફાળે આવ્યા હોત અને તેમની જીતની તકો વધી ગઈ હોત. હરિભાઈએ જે નથી કહી એ વાત એ છે કે આ ચૂંટણીમાં અન્ય પક્ષોએ પણ કોઇ ક્રાંતિકારી કામ કરી નાખ્યું હોય તેમ નથી. 

    વિડીયોના અંતે તેઓ EVMનો પણ મુદ્દો લાવે છે, પણ બહુ સિફતપૂર્વક વાતો કહે છે, જેનાથી પોતે તટસ્થ પણ દેખાય શકાય અને સાથે આ આખો EVM હેકિંગનો નેરેટિવ પણ આગળ વધારી શકાય. તેઓ કહે છે કે, અમે બહુ સ્પષ્ટ છીએ કે તમે જીતો ત્યારે વાંધો નથી પણ હારો ત્યારે EVMને દોષ આપો છો. સામ પિત્રોડાને ટાંકીને તેઓ કહે છે કે, જ્યાં હ્યુમન ઈન્ટરવેંશન આવે ત્યાં EVM સાથે પણ ચેડાં થઈ શકે. જોકે, તરત પછી કહે છે કે હું ક્યારે EVMનો મુદ્દો છેડતો નથી પરંતુ લોકોમાં આવી ચર્ચા ચાલે છે. 

    ટૂંકમાં, આ સમગ્ર વિડીયો જોઈ-સાંભળીને એવું લાગ્યા વગર રહે નહીં કે ભાજપને ઓછા મતો મળ્યા તો પછી પાંચ રાજ્યોમાંથી ત્રણમાં જીત કઈ રીતે થઈ અને કોંગ્રેસ વધુ મતો મેળવીને પણ માત્ર 1 જ રાજ્ય કેમ જીતી શકી? અંતે EVMની ચર્ચા સાંભળીને બુદ્ધિ સાથે બારમો ચન્દ્રમા હોય તેઓ એવું ધાર્યા વગર રહે નહીં કે નક્કી ભાજપવાળાઓએ EVMમાં ચેડાં કર્યાં હશે. આવું લોકો ખરેખર સમજ્યા પણ છે અને જે કૉમેન્ટ બોક્સ જોતાં સમજાઈ જશે.

    આ વાત હરિભાઈ કહેવાના ભૂલી ગયા છે, એટલે વિશાળ જનહિતમાં અમે કહીએ છીએ

    અહીં એ વાત સાચી છે કે પાંચ રાજ્યોના કુલ મતોનો સરવાળો કરીએ તો ભાજપને કોંગ્રેસ કરતાં 10 લાખ મતો ઓછા મળ્યા છે. હરિભાઇએ જે આંકડાઓ આપ્યા છે તે ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે એટલે તેમાં પણ તેઓ ખોટા હોય તેમ નથી. પણ તેમણે જે વાત નથી કહી તે અમે તમને કહીએ. 

    આંકડાઓ જોશો તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપના મત વધારે છે અને કોંગ્રેસના ઓછા. પરંતુ તેલંગાણા રાજ્ય એવું છે જ્યાં બંને પાર્ટીઓના મતોમાં અંતર ઘણું વધારે છે. કારણ કે અહીં કૉંગ્રેસને 64 બેઠકો મળી હતી અને ભાજપને માત્ર 8. એટલે અહીં સ્વાભાવિક રીતે મતની સંખ્યામાં ઘણું મોટું અંતર હોવાનું, કારણ કે બેઠકોમાં જ મોટું અંતર છે. જ્યારે અન્ય 3 રાજ્યોમાં બંને પાર્ટીઓને મળેલી બેઠકો વચ્ચે (તેલંગાણાના) પ્રમાણમાં અંતર ઓછું છે. 

    તેલંગાણામાં કોંગ્રેસના મતની સંખ્યા 92 લાખ છે અને ભાજપને મળેલા મતોની સંખ્યા 32 લાખ. એટલે કે 60 લાખ મતોનું અંતર. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને મળેલા મતો વધુ છે, પરંતુ અંતર તેલંગાણા જેટલું મોટું નથી. છત્તીસગઢમાં 6 લાખ મતનું અંતર છે અને રાજસ્થાનમાં 9 લાખ મતોનું. MPમાં આ અંતર 36 લાખ જેટલું છે.

    એટલે જ્યારે પાંચ રાજ્યોનો સરવાળો કરવામાં આવે ત્યારે તેલંગાણાના મતો પણ ઉમેરાય અને એટલે કોંગ્રેસના મતની સંખ્યા વધી જાય. તેમાં સાદું ગણિત છે, કોઇ બીજી મોટી વાત નથી. ન EVMમાં ખામી છે કે ન કોઇ ગણતરીમાં ભૂલ. સામાન્ય સમજની વાત છે. 

    હરિભાઈ અને તેમના સમર્થકોએ ‘સત્ય’ અને ‘તથ્ય’ બાજુ પર મૂકીને થોડો સમય ગણિત પર ધ્યાન આપવાની જરૂર છે. આવું જ ચાલતું રહ્યું તો 2024ની લોકસભા ચૂંટણી પછી એમ પણ કહેશે કે મોદીને વારાણસીથી જેટલા મત મળ્યા તેના કરતાં રાહુલ ગાંધીને વાયનાડથી વધુ મતો મળ્યા, છતાં મોદીને વડાપ્રધાન કેમ બનાવવામાં આવે છે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં