Wednesday, May 8, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિનેહરુએ બાબરી ઢાંચામાંથી રામલલાને હટાવવા આપ્યો હતો એ આદેશ, 2 બાહોશ અધિકારીઓના...

    નેહરુએ બાબરી ઢાંચામાંથી રામલલાને હટાવવા આપ્યો હતો એ આદેશ, 2 બાહોશ અધિકારીઓના કારણે જે બન્યો હતો નિષ્ફળ: જાણો પ્રભુના પ્રાકટ્યની જાણી-અજાણી વાતો

    જે દિવસે રામલલા ઢાંચામાં પ્રગટ થયા હતા તે દિવસને પછીથી દર વર્ષે ‘ભગવાન પ્રાકટ્ય મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે. જે પરંપરા આજદિન સુધી ચાલતી આવી છે. જોકે, આ દિવસ તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પોષ વદ ત્રીજ 14 જાન્યુઆરીએ આવશે.

    - Advertisement -

    પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ ફરીથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આગામી 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જે માટે તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જેમજેમ આ દિવસ નજીક આવી રહ્યો છે તેમ પાંચસો વર્ષોના રામજન્મભૂમિ આંદોલન અને તેને સાંકળતી મહત્વની ઘટનાઓ, બલિદાની હુતાત્માઓ, રામકાજ માટે વીરગતિ પામેલા કારસેવકો વગેરેને યાદ કરવામાં આવી રહ્યાં છે. આ વાત એવા એક કિસ્સાની છે, જેનાથી રામજન્મભૂમિ આંદોલનમાં મોટો વળાંક આવ્યો હતો. જ્યારે ડિસેમ્બર, 1949માં અયોધ્યા સ્થિત બાબરી ઢાંચામાં ભગવાન રામ પ્રગટ થયા હતા!

    મૅગેઝિન ‘સ્વરાજ્ય’નાં સ્વાતિ ગોયલ શર્માએ આ કિસ્સા અંગે એક રિપોર્ટ લખ્યો છે, જેમાં આ કિસ્સા પહેલાં અને પછીની ઘટનાઓનું વિગતવાર વર્ણન જોવા મળે છે. સાથે એ પણ ઉલ્લેખ છે કે કઈ રીતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બાબરીમાંથી રામલલાના ફોટાને હટાવવાના આદેશ આપ્યા હતા, પરંતુ અધિકારીઓના કારણે તે શક્ય બની શક્યું ન હતું. 

    અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરીનો વિવાદ હમણાંનો નહીં પરંતુ સૈકાઓ પૂર્વથી ચાલતો આવે છે. 1528માં ઇસ્લામી શાસક બાબરના જનરલ મીર બાંકીએ ભગવાન રામનું મંદિર તોડીને મસ્જિદ તાણી બાંધ્યા બાદથી હિંદુ સાધુઓ રામજન્મભૂમિ પરત મેળવવા માટે આંદોલન કરી રહ્યા હતા. 

    - Advertisement -

    ઓગસ્ટ, 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ બંધારણ રચાવાની શરૂઆત થઈ હતી. જે 26 નવેમ્બર, 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આ જ અરસામાં હિંદુ સાધુઓએ નક્કી કર્યું કે વિવાદિત બાબરી ઢાંચાના મધ્ય ગુંબજની નીચે ભગવાન રામની તસવીર મૂકીને પ્રાણપ્રતિષ્ઠા કરવી અને તેને ‘અચલ’ જાહેર કરી દેવું. આ સંતોમાં મુખ્ય હતા, ગોરક્ષપીઠના મહંત અવૈદ્યનાથ, દિગમ્બર અખાડાના મહંત રામચંદ્ર દાસ પરમહંસ અને નિર્વાણી અખાડાના મહંત અભિરામદાસ. અભિરામદાસ અયોધ્યાના અન્ય એક અતિપવિત્ર મંદિર હનુમાનગઢીના મુખ્ય પૂજારી હતા અને રામજન્મભૂમિના પણ તેઓ જ પૂજારી હતા. તેઓ કાયમ કહેતા કે તેમને બાબરીને સ્થાને રામ મંદિર ઉભેલું હોય તેવું સ્વપ્ન આવતું હતું. હાલના રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસ તેમના શિષ્ય થાય.

    આ સિવાય જે બે અધિકારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો તે હતા ઠાકુર ગુરુદત્ત સિંઘ અને કેકે નાયર. ગુરુદત્ત સિંઘ ફૈઝાબાદ (પછીથી યોગી સરકારે નામ અયોધ્યા કર્યું) શહેરના મેજિસ્ટ્રેટ હતા અને ભગવાન રામના પરમ ભક્ત હતા. કેકે નાયર ફૈઝાબાદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ હતા. 

    આ તમામે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા માટે તારીખ નક્કી કરી હતી 22 ડિસેમ્બર, 1949. પરંતુ તે પહેલાં બાબરી ઢાંચાની બહાર અખંડ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને મુસ્લિમ સમુદાયે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી હતી, જેમણે પછીથી સિટી મેજિસ્ટ્રેટ ઠાકુરને સંતોને હટાવવા માટે આદેશ કર્યો પરંતુ તેમણે એમ કહી દીધું હતું કે સંતોને કહ્યા છતાં તેમણે પ્રવૃત્તિ બંધ કરી ન હતી. 

    શું બન્યું હતું 22-23 ડિસેમ્બરના રોજ

    22 અને 23 ડિસેમ્બરના રોજ શું બન્યું હતું તે વિશે ઠાકુર ગુરુદત્તસિંઘના પૌત્ર શક્તિ સિંઘ સ્વાતિ ગોયલ શર્માને જણાવે છે. 1934માં રમખાણો થયા બાદ હિંદુઓને બાબરી ઢાંચા નજીક જવા પર પ્રતિબંધ હતો અને ત્યાં એક લોખંડનો ગેટ મૂકી દેવાયો હતો, જ્યાં મુસ્લિમ વ્યક્તિ રાત્રે ચોકી કરતો. જેથી ‘મસ્જિદ’માં પ્રવેશવું કઠિન હતું. આ કામ માટે પસંદ કરવામાં આવ્યા મહંત રામદાસને. તેઓ અવારનવાર રામજન્મભૂમિની પરિક્રમા કરતા રહેતા હતા. 

    22-23 ડિસેમ્બરની રાત્રે તેમને ભગવાન રામની તસવીર, દિવાબત્તી વગેરે પૂજાની સામગ્રી, કપૂર અને એક ઘંટડી આપીને મોકલવામાં આવ્યા. આ જ રાત્રે અયોધ્યામાં એક વાત ફેલાઇ ગઇ કે હનુમાનગઢી મંદિરે ભગવાન ભક્તોને બોલાવી રહ્યા છે. બીજી તરફ, રામદાસ જ્યારે ગેટ પર પહોંચ્યા તો મુસ્લિમ સુરક્ષાકર્મીએ તેમને રોક્યા પરંતુ તેમણે તેને ઘંટડી વડે મારીને બેભાન કરી દીધો. ત્યારબાદ અંદર પહોંચીને ફોટો મૂકીને, પૂજા કરી અને બહાર આવી ગયા. ત્યારબાદ મહંત અભિરામે આખી રાત ચોકી કરી. 

    બીજા દિવસે સવારે આખા અયોધ્યામાં વાત પ્રસરી ગઈ કે ઢાંચામાં ભગવાન રામલલા પ્રગટ થયા છે. વાર્તા આ પ્રકારે વહેતી થઈ હતી- રાત્રે ‘મસ્જિદ’ના મુસ્લિમ ગાર્ડે એક તીવ્ર પ્રકાશ જોયો અને જેના કારણે થોડો સમય તેની આંખે અંધારાં આવી ગયાં હતાં. થોડી ક્ષણો પછી જ્યારે પ્રકાશ ઓછો થયો ત્યારે તેણે જોયું તો મધ્ય ગુંબજ વચ્ચે એક બાળક રમતું હતું. આ ચમત્કાર જોયા બાદ તે બેભાન થઈ ગયો અને ઊઠ્યો ત્યારે ભગવાન રામની તસવીર અને પૂજાની સામગ્રી ત્યાં હતી. પછીથી રામભક્તોએ ત્યાં ભજન-કીર્તન વગેરે પણ શરૂ કર્યાં અને ભગવાન પ્રગટ થવાની ઉજવણી કરી. 

    જવાહરલાલ નેહરુએ આપ્યો હતો તસવીર હટાવવાનો આદેશ

    તે સમયે માહિતીની આપ-લે માટે માધ્યમો પણ આટલાં ન હતાં, તેમ છતાં આ સમાચાર ભારતની સરકાર સુધી પહોંચે તે પહેલાં પાકિસ્તાન પહોંચી ગયા હતા. પાકિસ્તાની રેડિયો ચેનલે સમાચાર પ્રસારિત કર્યા બાદ દિલ્હીને જાણકારી મળી હતી. બીજી તરફ, અયોધ્યા, ફૈઝાબાદ અને લખનૌના મુસ્લિમોએ ચેક વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કાર્યાલયને ફરિયાદ કરી. 

    જવાહરલાલ નેહરુએ ત્યારબાદ યુનાઇટેડ પ્રોવિન્સના (આજનું ઉત્તર પ્રદેશ) તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને આદેશ આપીને ભગવાનની તસવીર હટાવીને ઢાંચાને ફરી લૉક કરવા માટે આદેશ આપ્યા હતા. પરંતુ ઠાકુર ગુરુદત્ત સિંઘના કારણે તેમ થઈ શક્યું ન હતું. 

    ગુરુદત્તસિંઘના પૌત્ર શક્તિસિંઘ સ્વાતિ ગોયલ શર્માને કહે છે કે, નેહરુના આદેશ બાદ જ્યારે ગોવિંદ વલ્લભ પંત જ્યારે અયોધ્યા પહોંચ્યા તો ઠાકુર ગુરુદત્ત સિંઘે તેમને ફૈઝાબાદમાં જ રોકી લીધા અને કહ્યું કે તેઓ ત્યાંથી જ પરત ફરી જાય કારણ કે અયોધ્યામાં રમખાણો થઈ શકે છે અને તેમના જીવ માટે જોખમ સર્જાય શકે છે. પંત ગુસ્સે થયા પરંતુ પછીથી ત્યાંથી ચાલ્યા ગયા. 

    નોકરી જોખમમાં હોવાનું ભાળીને તેમણે એક અઠવાડિયા પછી રાજીનામું ધરી દીધું હતું. પરંતુ તે પહેલાં તેમણે એક મહત્વનું કામ કર્યું હતું. CrPCની કલમ 145 હેઠળ તેમણે એક આદેશ પસાર કરીને ‘મસ્જિદ’ને સીલ કરીને ત્યાં મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. તેમણે રાજીનામું આપ્યું તે જ રાત્રે તેમને સરકારી આવાસ ખાલી કરી દેવાનું કહેવાયું હતું અને સામાન પણ બહાર ફેંકી દેવાયો હતો. 

    આ જ રીતે કેકે નાયરે પણ રમખાણો અને હિંસા થઈ શકે અને નિર્દોષ માણસોના જીવ જઈ શકે તેવું કારણ આપીને ભગવાનની પ્રતિમા હટાવવાના આદેશનું પાલન કર્યું ન હતું. તેમણે CrPCની કલમ 144 લાગુ કરી દીધી હતી અને સ્થળ પર તાળાબંધીના આદેશ આપ્યા હતા. જોકે, આદેશમાં દરરોજ 4 સાધુઓને પૂજા કરવાની પરવાનગી અપાઈ હતી. 

    1952માં કેકે નાયરે પણ રાજીનામું આપી દીધું હતું. આ બંને અધિકારીઓ વર્ષો પછી ભારતીય જનસંઘમાં સામેલ થયા હતા. કેકે નાયર 1967માં UPથી લોકસભા ચૂંટણી પણ જીત્યા હતા. ઠાકુર ગુરુદત્ત સિંઘને પછીથી ફૈઝાબાદના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા. આજે પણ આ બંને અધિકારીઓએ અયોધ્યાના રામભક્તોના હૃદયમાં અનોખું સ્થાન બનાવ્યું છે.

    ‘ભગવાન પ્રાકટ્ય મહોત્સવ’ તરીકે ઉજવાય છે આ દિવસ

    જે દિવસે રામલલા ઢાંચામાં પ્રગટ થયા હતા તે દિવસને પછીથી દર વર્ષે ‘ભગવાન પ્રાકટ્ય મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવે છે. જે પરંપરા આજદિન સુધી ચાલતી આવી છે. જોકે, આ દિવસ તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પોષ વદ ત્રીજ 14 જાન્યુઆરીએ આવશે. તે દિવસે પણ ભવ્ય ઉજવણી થશે.

    દાયકાઓ પછી 6 ડિસેમ્બર, 1992ના રોજ આખરે બાબરીનો ઢાંચો તૂટ્યો. કેસ ત્યારબાદ પણ ચાલતો રહ્યો અને 9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે હિંદુઓના પક્ષે ચુકાદો આપીને રામજન્મભૂમિ ન્યાસને સંપૂર્ણ જમીન સોંપવા માટે આદેશ કર્યો. જ્યાં આજે ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં