Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજ્યારે યુવા સંન્યાસીએ પશ્ચિમી ભૂમિ પરથી કરી હતી સનાતન પુનરુત્થાનની હાકલ: સ્વામી...

    જ્યારે યુવા સંન્યાસીએ પશ્ચિમી ભૂમિ પરથી કરી હતી સનાતન પુનરુત્થાનની હાકલ: સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ

    ભાષણના અંતમાં સ્વામી વિવેકાનંદે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "આ સંમેલનનો શંખનાદ તમામ ધર્માંધતાઓ, દરેક પ્રકારના કલેશ અને તમામ મનુષ્યો વચ્ચેના દુર્ગુણોનો વિનાશ કરશે. ચાહે તે તલવારથી હોય કે પછી કલમથી.."

    - Advertisement -

    ઇતિહાસ અને સભ્યતાઓએ સમય-સમય પર વિભિન્ન ભાષણોને પોતાનામાં આત્મસાત કર્યાં છે. ભારતની પવિત્ર ભૂમિએ એવા અનેક યુગપુરુષોને જન્મ આપ્યો છે, જેમણે પોતાના પ્રભાવી ભાષણોથી દેશના પુનરુત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવાં અનેક ભાષણો અને વ્યાખ્યાનો દેશની સભ્યતાએ જોયાં અને સાંભળ્યાં પણ છે. પરંતુ, તેમાંનાં કેટલાંક ભાષણોનો દુનિયા અને માનવતા પર સૌથી મહત્વપૂર્ણ અને સમગ્ર પ્રભાવ પડ્યો હતો. તેમાંનું એક ભાષણ હતું યુગપુરુષ સ્વામી વિવેકાનંદનું. વિવેકાનંદે ઉચ્ચારેલા શબ્દોની શક્તિએ આખી દુનિયાને નતમસ્તક કરી દીધી હતી. તેમને 1893ના તેમના પ્રતિષ્ઠિત ભાષણ માટે દુનિયાભરમાં યાદ કરવામાં આવે છે.

    11 સપ્ટેમ્બર, 1893ના દિવસે સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં ભરાયેલી ધર્મ સંસદમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે એક અદ્વિતીય અને ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જેને યુગો-યુગો સુધી દુનિયા આત્મસાત કરતી રહેશે. આ ભાષણ ધર્મ, દેશ, વિચારધારા અને રાજકારણની સીમાઓથી પરે હતું, કારણ કે તે તમામ માટે સાર્વભૌમિક હતું. હિંદુ ધર્મના વેદ અને વેદાંગોને આંતરરાષ્ટ્રીય ભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદના આ અમૂલ્ય યોગદાન માટે દેશ દર વર્ષે 11 સપ્ટેમ્બરને ‘દિગ્વિજય દિવસ’ તરીકે મનાવે છે. આ દિવસે આખા દેશમાં વિભિન્ન કાર્યક્રમો, વ્યાખ્યાન અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે.

    શું છે દિગ્વિજયનો અર્થ?

    દિગ્વિજયનો અર્થ થાય છે, ‘જેણે સમસ્ત દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે તે’. ભગવદ ગીતાથી લઈને તમામ હિંદુ સાહિત્યો અને ધર્મગ્રંથોમાં દિગ્વિજય શબ્દનો ઉલ્લેખ મળી આવે છે. તમામ ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરીને બધી દિશાઓને જીતી જનાર યોદ્ધાને દિગ્વિજય કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના ભાષણે આખા વિશ્વ પર વિજય પ્રાપ્ત કરીને ભારતીય સંસ્કૃતિના પુરરુત્થાનની હાંકલ કરી હતી. તેથી તે દિવસ પણ દિગ્વિજય દિવસ તરીકે ઓળખાયો. એક એવો દિવસ કે જે દિવસે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કરાયો હતો. દિગ્વિજયનો અર્થ પણ વિશાળ દ્રષ્ટિકોણ દર્શાવે છે. માત્ર લશ્કરી અને સંસ્થાનવાદી જીત નહીં, પરંતુ ‘વિશ્વ બંધુત્વ’ અને ‘અધ્યાત્મ’ના સિદ્ધાંતો દ્વારા દુનિયા પર વિજય મેળવવાને દિગ્વિજય કહેવાય છે.

    - Advertisement -

    સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં તર્કસંગત અને મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું, જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી કે, જે દેશને તેઓ ગરીબ, લાચાર અને સાપ-સપેરાના દેશ તરીકે ઓળખતા હતા, વાસ્તવમાં તે તમામ ધર્મોનું મૂળ છે. સ્વામી વિવેકાનંદે ધર્મની વાહવાહી વગર, ખોટા આડંબર અને પોતાના જ ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવાની ઘેલસા વગર મૂળરૂપે વેદાંગ અને ભારતીય દર્શનનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું. જેમાં સંદેશ હતો માત્ર અને માત્ર ‘વિશ્વ બંધુત્વ’નો. સ્વામી વિવેકાનંદે તો ધર્મની કોઈ વાહવાહી ન કરી, પરંતુ પોતાના જ ધર્મના એવા પાસાઓ દુનિયા સામે તરતા મૂક્યા, જે હજુ સુધી માત્ર અસ્પૃશ્ય રહ્યા હતા. ત્યારબાદ આખી દુનિયાએ સનાતન ધર્મની વાહવાહી કરવાની શરૂ કરી હતી.

    વિશ્વ ધર્મ પરિષદનો એકમાત્ર ઉદ્દેશ્ય તે હતો કે દુનિયા સમક્ષ ખ્રિસ્તી ધર્મ શ્રેષ્ઠ છે તે સાબિત કરી શકાય. તમામ ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા, ભાષણો આપ્યા, પોતાના ધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો, અનુયાયીઓની પ્રશંસા કરી અને બાકીના ધર્મોને ક્ષુલ્લક ગણાવ્યા, માત્ર અને માત્ર પોતાની પરંપરાને સત્ય સાબિત કરવા ચાલેલા આ ઘમાસાણ યુદ્ધમાં એક માત્ર સ્વામી વિવેકાનંદ એવા હતા, જેમણે કહ્યું હતું કે, હિંદુ ધર્મ એટલે વિશ્વ બંધુત્વનું સાક્ષાત અને જીવંત પ્રતિબિંબ. તેમનું એ ભાષણ ત્યાં ઉભેલા કથિત ધર્મયોદ્ધાઓને તો પ્રભાવિત કરી જ ગયું, પરંતુ ઇતિહાસનાં પાનાંમાં અમર થઈને સમાઈ પણ ગયું.

    સ્વામી વિવેકાનંદનું શિકાગોનું ઐતિહાસિક ભાષણ

    1893માં અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે જે ભાષણ આપ્યું હતું, ત્યારબાદ કોમ્યુનિટી હૉલ ઘણા સમય સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદે આપેલું આ ભાષણ આજે પણ ભારતીયોને ગર્વથી તરબતર કરી દે છે. વાત છે 11 સપ્ટેમ્બર, 1893ના તે ઐતિહાસિક દિવસની છે. અમેરિકાના શિકાગોમાં દુનિયાભરમાં પંથ, મઝહાબોના પ્રતિનિધિઓ કોમ્યુનિટી હૉલમાં હાજર હતા. સુગંધીદાર અત્તર અને પશ્ચિમી સ્વચ્છ-સુઘડ કપડાંઓમાં હાજર રહેલા આ જેન્ટલમેનોમાં એક વ્યક્તિ પૂર્ણ ભગવા પોશાકમાં ગર્વસભર હાથને વાળીને મક્કમતાથી ઊભો હતો. તેમની નજરો સતત મસ્તક અને પાઘ પર હતી. આત્મવિશ્વાસ એવો કે મોઢા પરના તેજથી તેની પ્રતિભા પરખાઈ જતી હતી.

    ભગવા પોશાકમાં ખુરસી પર મસ્તક ઊંચું રાખીને બેઠેલા એક ભારતીય યુવાન સન્યાસીને જોઈને તે સમયના આધુનિકો મંદ-મંદ હસી રહ્યા હતા. તેમના મનમાં પ્રશ્નો ચાલવા લાગ્યા કે, આ ભારતથી આવેલો આ યુવાન અહીં શું ખીલા ધરબી દેશે? સાપ-સપેરા જેવા પોશાકમાં આવેલા આ યુવાનનો દ્રષ્ટિકોણ પણ સંકુચિત જ હોવાનો. પરંતુ તે યુવાન નિજાનંદમાં મસ્ત હતો. એક પછી એક ધર્મ પ્રતિનિધિઓ ભાષણ આપવા માટે ઊભા થઈ રહ્યા હતા. તમામના ભાષણોમાં એક સામ્યતા હતી, તે હતી પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરીને બાકીના તમામ પંથોને હલકી કક્ષાના ગણાવી દેવા. અમુક પ્રતિનિધિઓ ભાષણ આપતા-આપતા જ રોષે ભરાઈ ચૂક્યા હતા.

    તમામ ભાષણો પૂર્ણ થયાં. સંચાલકે જાહેરાત કરી કે, “હવે હિંદુ ધર્મ તરફથી ભારત ઉપખંડનું પ્રતિનિધિત્વ કરશે.. સ્વામી વિવેકાનંદ (નરેન્દ્રનાથ દત્ત)….” હાજર તમામ લોકો ખડખડાટ હસવા લાગ્યા અને યુવાન સંન્યાસીની મશ્કરી કરવા લાગ્યા. આંખોમાં પ્રચંડ જ્વાળાઓ સાથે સ્વામી વિવેકાનંદ ઊભા થયા અને અંગ્રેજીમાં ભાષણ આપવાની શરૂઆત કરી. તેમના પ્રથમ શબ્દો હતા..”Sisters And Brothers Of America…” આ સંભાળતાંની સાથે જ ત્યાં હાજર તમામ શ્રોતાઓ ઊભા થઈ ગયા અને સતત 2 મિનિટ સુધી આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ત્યાં રહેલા ધર્મ પ્રતિનિધિઓ એકદમથી મૌન અને શાંત થઈ ગયા. કારણ કે, તમામ ધર્મ પ્રતિનિધિઓના ભાષણ સમયે શ્રોતાઓમાં આવી કોઈ ઉત્સાહિતા નહોતી ઉદ્ભવી, જે સ્વામી વિવેકાનંદના ચાર શબ્દોએ ઉદ્ભવી હતી.

    સ્વામી વિવેકાનંદે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો માટે નવા હતા. ‘Ladies and Gentleman’ કહેનારા પશ્ચિમી દેશોના લોકો ‘બહેનો અને ભાઈઓ’ જેવા શબ્દો સાંભળીને પ્રભાવિત થઈ ગયા હતા. અહીં સ્વામી વિવેકાનંદ એક આખી સનાતન પરંપરાના પ્રતિનિધિ હતા. તેથી તેમના શબ્દો પણ હિંદુ ધર્મને જ વ્યાખ્યાયિત કરી રહ્યા હતા. સ્વામી વિવેકાનંદના આ ચાર શબ્દોથી આખી દુનિયાને હિંદુ ધર્મના વિશાળ દ્રષ્ટિકોણનો પરિચય થયો. રંગભેદના અત્યાચારો વચ્ચે એક ભારતીય સન્યાસીએ તમામને ભાઈ-બહેન ગણાવીને ધર્મની વિશાળ વિચારધારા રજૂ કરી હતી. ત્યાં હાજર તમામ શ્રોતાઓ ઉચ્ચ બુદ્ધિક્ષમતા ધરાવતા હતા, તેથી જ માત્ર 4 શબ્દોના આધારે સ્વામી વિવેકાનંદ અને હિંદુ ધર્મના તમામ વિચારોનું સન્માન તેમણે 2 મિનિટ સુધી ઊભા રહીને આપ્યું હતું.

    2 મિનિટ બાદ સ્વામીજીએ લોકોને તાળીઓ બંધ કરવા અપીલ કરી. હૉલ શાંત થયા બાદ ફરીથી તેમણે સંબોધન કરીને ભાષણની શરૂઆત કરી. તેમના શબ્દો હતા. “”Sisters And Brothers Of America…હું તમને દુનિયાની પ્રાચીનતમ સંત પરંપરા તરફથી ધન્યવાદ આપું છું. હું તમામ ધર્મોની જનની તરફથી ધન્યવાદ આપું છું અને તમામ જાતિઓ, સંપ્રદાયોના લાખો, કરોડો હિંદુઓ તરફથી તમારો આભાર વ્યક્ત કરું છું. અહીં તે કહેનારોને પણ હું ધન્યવાદ આપું છું, જેમણે કહ્યું હતું કે – દુનિયામાં સહિષ્ણુના વિચાર પૂર્વના દેશોમાંથી ફેલાયા છે.”

    ‘તમામ ધર્મોના પરેશાન કરાયેલા માનવોને ભારતે આપ્યું છે શરણ’

    સ્વામી વિવેકાનંદે વધુમાં કહ્યું કે, “મને ગર્વ છે કે હું એક એવા ધર્મમાંથી આવું છું, જેણે દુનિયાને સહિષ્ણુતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ ભણાવ્યો છે. અમે માત્ર સાર્વભૌમિક સહિષ્ણુમાં જ વિશ્વાસ નથી કરતા, પરંતુ અમે વિશ્વના તમામ પંથો-ધર્મોને સત્ય તરીકે સ્વીકારીએ પણ છીએ. મને ગર્વ છે કે, હું એક એવા દેશમાંથી આવું છું, જેણે ધરતીના તમામ દેશો અને ધર્મોના પરેશાન કરાયેલા લોકોને શરણ આપ્યું છે. મને જણાવતાં ગર્વ થાય છે કે, અમે પોતાના હ્રદયમાં તે ઇસત્રાયલિયોની પવિત્ર સ્મૃતિઓ શણગારીને રાખી છે, જેના ધર્મસ્થળોને રોમન આક્રાંતાઓએ તોડીને ખંડેર બનાવી દીધા છે અને ત્યારે તેમને દક્ષિણ ભારતમાં આવીને શરણ લીધું હતું. મને ગર્વ છે કે, હું એક એવા ધર્મનું સંતાન છું, જેણે મહાન પારસી ધર્મના લોકોને શરણ આપ્યું હતું અને આજેપણ તેનું પોષણ કરે છે.”

    સ્વામી વિવેકાનંદે કોમ્યુનિટી હૉલમાં श्रीशिवमहिम्नस्तोत्रનો એક શ્લોક પોતાના દ્રઢ અવાજમાં લાયબદ્ધ રીતે સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે – ‘रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम… नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव…’ આ શ્લોકનો અર્થ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે, “જે રીતે અલગ-અલગ સ્ત્રોતોથી નીકળેલી વિભિન્ન નદીઓ અંતમાં સમુદ્રમાં જઈને ભળી જાય છે, તે જ રીતે મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર અલગ-અલગ માર્ગને પસંદ કરે છે, જે જોવામાં ભલે સીધો અથવા તો વાંકોચુંકો હોય, પરંતુ આ તમામ માર્ગો ઈશ્વર સુધી જાય છે. આજનું સંમલેન ગીતામાં દર્શાવાયેલા એ સિદ્ધાંતનું પ્રમાણ છે. જેમાં ઈશ્વરે કહ્યું છે કે, જે પણ મારા સુધી આવે છે, ચાહે તે ગમે તેવો હોય, હું તેના સુધી નિશ્ચિત પહોંચું છું.” તેમણે આતંકવાદને દુનિયાનો સૌથી મોટો રાક્ષસ ગણાવ્યો હતો.

    તેમણે કહ્યું, “સાંપ્રદાયિક્તા, કટ્ટરતા અને તે લોકોની ધર્માંધતા લાંબા સમય સુધી પૃથ્વીને પોતાના સિકંજામાં જકડીને બેઠી છે. તેમણે ધરતીને હિંસાથી ભરી દીધી છે. કેટલી વાર આ ધરતી રક્તથી લાલ થઈ છે, કેટલી સભ્યતાઓનો વિનાશ થયો છે અને કોણ જાણે કેટલાય દેશોનો પણ નાશ થયો છે. જો આ ભયાનક રાક્ષસ ન હોત, તો આજ માનવ સમાજ ઘણો ઉન્નત હોત. પરંતુ હવે તેમનો સમય પૂર્ણ થવા પર છે.” આ ઉપરાંત સ્વામી વિવેકાનંદે ભારતીય દર્શનશાસ્ત્ર અને વેદાંગોને સ્પષ્ટ અને મૂળરૂપે દુનિયા સામે રાખ્યા હતા.

    ભાષણના અંતમાં તેમણે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આ સંમેલનનો શંખનાદ તમામ ધર્માંધતાઓ, દરેક પ્રકારના કલેશ અને તમામ મનુષ્યો વચ્ચેના દુર્ગુણોનો વિનાશ કરશે. ચાહે તે તલવારથી હોય કે પછી કલમથી..”

    સ્વામી વિવેકાનંદના આ ભાષણ બાદ ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા. આટલી ઊંડી અને વિશાળ વિચારધારા ભાગ્યે જ કોઈ પરંપરામાં જોવા મળતી હતી. 12 સપ્ટેમ્બરના અમેરિકી અખબારના તમામ પાનાંઓ પર સ્વામી વિવેકાનંદના ભાષણો હતાં. મોટાં-મોટાં અખબારો પણ ઇન્ટરવ્યુ માટે સ્વામીજીને મળવા માંગતા હતા. આટલા ગહન અને પ્રભાવશાળી વક્તવ્ય પછી સ્વામી વિવેકાનંદ અમેરિકામાં એક પ્રખ્યાત હસ્તી બની ગયા હતા. પરંતુ તમામ મોહનો ત્યાગ કરીને ફરીથી તેઓ ભારત આવી ગયા અને અહીં આવીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને ભારતવાસીઓ માટે જિંદગી ખપાવવામાં લાગી ગયા હતા. આજે શિકાગોમાં કોમ્યુનિટી હૉલ તરફ જતાં માર્ગને ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે.”

    પશ્ચિમી દેશોના તમામ નેરેટિવ ઉખાડી ફેંક્યા

    પશ્ચિમી દેશોએ ભારતને લઈને અનેક નેરેટિવ ફેલાવ્યા હતા. યુરોપમાં માત્ર એવું જ કહેવામાં આવતું હતું કે, આફ્રિકા કરતાં પણ ભારત સૌથી વધુ પછાત છે, ત્યાંના લોકોને માત્ર સાપ-સપેરામાં જ રસ છે, તેમને દુનિયા વિશે પણ કોઈ ગતાગમ નથી, તેમની વિચારધારા પણ સંકુચિત છે… આવા અનેક નેરેટિવ હિંદુ ધર્મ અને ભારત માટે યુરોપના દેશોમાં ઘડાયેલા હતા. અંગ્રેજો ક્યારેય સ્વીકારી જ નહોતા શકતા કે, ભારતીય પરંપરા વિશ્વની પ્રાચીન પરંપરા છે. જોકે, 1921 બાદ અનેક ઐતિહાસિક સંશોધન બાદ તે સાબિત થઈ ગયું હતું કે, ભારતીય સિંધુ સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન જીવિત સભ્યતા છે. ત્યારબાદ તો અંગ્રેજોએ નછૂટકે પણ સ્વીકારવું પડ્યું. પરંતુ, 18મી સદી સુધી અંગ્રેજો તે માનવા તૈયાર નહોતા.

    પરંતુ, સ્વામી વિવેકાનંદના આ ભાષણ બાદ સામાન્ય યુરોપિયનો ભારત અને હિંદુ તરફ વધુ આકર્ષાયા હતા. કારણ એક માત્ર ‘વિશ્વ બંધુત્વ’ અને ખોટી વાહવાહીથી અલગાપણું. તે સમયના તમામ ધર્મો એકબીજાથી ચડિયાતા હોવાની સ્પર્ધામાં લાગેલા હતા, જ્યારે હિંદુ ધર્મમાં તેની કોઈ સ્પર્ધા જ નહોતી. સ્વામીજીના ભાષણ બાદ અનેક યુરોપિયનોએ ભારતીય ગ્રંથોના અભ્યાસમાં રસ દાખવ્યો હતો. સ્વામીના ભાષણથી પ્રભાવિત થયેલા અમેરિકનોનો એક પ્રચંડ જનસાગર તૈયાર થઈ ગયો હતો અને પરિણામ સ્વરૂપે ત્યાં ઇસ્કોન જેવી સંસ્થાઓ શરૂ કરી હિંદુ ધર્મનું જ્ઞાન વહેંચવાની ફરજ પડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં